Search Icon
Nav Arrow
Anwesha Foundation
Anwesha Foundation

પ્લાસ્ટિકના કચરામાંથી લોકોને ઉપયોગી વસ્તુઓ બનાવી આપે છે વડોદરાના ભાઈઓ, કચરો આપો વસ્તુ લઈ જાઓ

વડોદરાની આ સંસ્થા પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે લોકોને તેમના પ્લાસ્ટિકના કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી આપે છે. ઉપરાંત લોકોને તેની ટ્રેનિંગ આપી રોજીના રસ્તા પણ ઊભા કરે છે.

2014 માં અન્વેષા ફાઉન્ડેશનની સ્થાપના ગુજરાતના બરોડામાં આવેલ MSME સેકટરની નાની એવી ૩ કંપનીઓ દ્વારા બરોડામાં જ કરવામાં કરવામાં આવી હતી અને તેમાં અનોખી વસ્તુ એ છે કે આ ફાઉન્ડેશન એનજીઓ હોવાની સાથે સાથે સોશિયલ ઈમ્પૅક્ટ સ્ટાર્ટઅપ પણ છે. આ ફાઉન્ડેશનને ફંડીંગ આ ત્રણ કંપનીઓ તથા અન્વેષા ફાઉન્ડેશન દ્વારા જે તે પ્રાઇવેટ સ્કૂલ કે કોલેજમાં ચલાવવામાં આવતા  વોકેશનલ ટ્રેનિંગ વર્કશોપમાંથી થતી આવક દ્વારા થાય છે જેનો ઉપયોગ તેઓ ખુબ જ સારા કામમાં કરે છે.

2014 માં અસીમ ચંદ્રા અને રોહિત કોઠારીએ અનુભવ્યું કે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક્સની વચ્ચે જે ગેપ રહી છે તેને ઓછી કરવી જોઈએ અને તે માટે વધારેમાં વધારે યુવાનોને વોકેશનલ ટ્રેનિંગ આપવી જોઈએ. આમ આ વિચારથી અન્વેષા ફાઉન્ડેશનની સ્થાપના થઇ. રોહિત કોઠારીના ભાઈ મનીષ કોઠારી પણ આ કાર્ય માટે અન્વેષા ફાઉન્ડેશન સાથે જોડાયા.

અન્વેષા ફાઉન્ડેશનને આ ત્રણેય ઉદ્યોગપતિઓ દ્વારા ફંડ આપવામાં આવ્યું અને તેમની મદદથી 2015 માં ફાઉન્ડેશન દ્વારા કરમસદમાં પ્રથમ વોકેશનલ ટ્રેનિંગ માટેની સ્કૂલ ખોલવામાં આવી અને ત્યાં યુવાનોને સબસીડી બેઝડ વોકેશનલ ટ્રેનિંગ આપવાનું શરુ કરવામાં આવ્યું.

Nihar Agrawal

આ પણ વાંચો: આ માછીમારે You Tube દ્વારા પોતાના કસ્બાને કર્યો રોશનીથી ઝળહળતો, દાયકાઓ બાદ જોઈ વિજળી

વર્ષ 2014 થી કાર્યરત આ સંસ્થામાં વર્ષ 2017 માં ડિરેક્ટર તરીકે નિહાર અગ્રવાલની નિમણુંક કરવામાં આવી અને તેણીએ વોકેશનલ એજ્યુકેશનને સસ્ટેનેબલ રીતે કરાવવાની શરૂઆત કરી જે આમ પણ સંસ્થાના સ્થાપનાનો મુખ્ય આશય હતો. આગળ જતા વૉકેશન ટ્રેનિંગ માટે આવતા યુવાનો દ્વારા ઇનોવેટિવ ફેબ્રિકેશનના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા અને તે વાત સંસ્થાપકો સુધી જતા તેમણે આ ક્રિયાને મોટા પાયે શરુ કરવાનો પ્રસ્તાવ મુક્યો જેથી તે ફ્રેબ્રિકેશન દ્વારા બનતી જે તે વસ્તુઓને બજારમાં વેચી તેમાંથી વોકેશનલ ટ્રેનિંગ માટે વધારે ફંડ ઉભું કરી શકાય. અને તે રીતે વધારે માત્રામાં સ્કિલ બેઝડ યુવાનોને નજીવી ફી અથવા સંપૂર્ણ ફી માફી દરે જિંદગીમાં આગળ વધવા માટે તૈયાર કરી શકાય.

પરંતુ આ ફક્ત એટલા સુધી સીમિત ન રહેતા તેને ગામે ગામ લોકોમાં એક સામાજિક જાગૃતિની સાથે સાથે જુના વપરાયેલા પ્લાસ્ટિકના રિસાયકલ દ્વારા ઇનોવેટિવ ફબ્રિકેશનની મદદથી વિવિધ વસ્તુઓ બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી. અને તે માટે તેમને સન ફાર્મા અને સીલ ફોર લાઈફ કંપનીનો સપોર્ટ મળ્યો. આ બંને કંપનીઓએ અન્વેષા ફાઉન્ડેશનનું કામ જોઉં અને તેને CSR ફંડિંગ આપ્યું.

આજે આ કાર્ય દ્વારા તેઓ 2000 કિલો જેટલું પ્લાસ્ટિક બળતું અને તેને ફેંકતું અટકાવે છે. એવું તો શું કામ કરે છે આ સંસ્થા તેની સંપૂર્ણ માહિતી એકદમ સાદી ભાષામાં નીચે આપેલ લેખમાં સમજાવી છે તો ચાલો તે વિશે થોડું સુવ્યવસ્થિત જાણીએ.

Recycled Plastic materials

આ પણ વાંચો: માત્ર 2 જ લાખમાં આ એન્જિનિયરે ગામડાની માટી અને રિસાઈકલ વસ્તુઓમાંથી બનાવ્યું ઈકો ફ્રેન્ડલી ઘર

આજ સુધી એવું વિચારમાં આવે છે કે સ્ટાર્ટઅપ દ્વારા જે તે લોકો એક સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન બનાવી  તેને મોટી જાયન્ટ કંપનીને વેચી મારે છે પરંતુ અન્વેષા ફાઉન્ડેશનની સ્થાપના પાછળનો હેતુ એકદમ જ અલગ રહેલો છે અને તેનો મુખ્ય હેતુ એ છે કે આ ફાઉન્ડેશનની મદદથી એક સોશિયલી ઈમ્પૅક્ટ ઉભી કરી તેના દ્વારા એક ઇનોવેટિવ મોડલ ઊભુ કરવાનો છે જે આગળ જતા મોટા પાયે સમાજમાં જરૂરી બદલાવ લાવી શકે અને સાથે સાથે તે દ્વારા પર્યાવરણનું જતન પણ થઇ શકે.

યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં 17 મુદ્દાઓને આવરી લેવામાં આવેલા છે જે 2030 સુધી અમલમાં મુકવાના છે. જેમાં એક મુદ્દો એ પણ છે કે જો આપણે પ્લાસ્ટિક કે બીજા કોઈ અવિઘટનીય કચરાને મેનેજ કરવો છે તો એક સર્ક્યુલર ઈકોસીસ્ટમ ડેવલપ કરવી ખુબ જ જરૂરી છે. આમ અન્વેષા ફાઉન્ડેશન આ મુદ્દા પર બે મુખ્ય પાંસાઓને લઈને કે જેમાં એક સોશિયલ ઈમ્પૅક્ટ દ્વારા કંઈ રીતે ઇનોવેશન થઇ શકે એમ છે અને બીજું કચરાના નિકાલ માટે સર્ક્યુલર સિસ્ટમને કંઈ રીતે સ્થાપિત કરી શકાય તે માટે કાર્ય કરે છે.

સંસ્થાની કામગીરી બાબતે વધારે માહિતી મેળવવા માટે ધ બેટર ઇન્ડિયાએ સંસ્થામાં ડિરેક્ટર તરીકે કામ કરતા નિહાર અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. નિહાર અગ્રવાલે દુબઈથી બી એસ સી ઓનર્સ સાયકોલોજીમાં સ્નાતકની ડિગ્રી અને ઈંગ્લેન્ડથી એજ્યુકેશન એન્ડ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે અને તેઓ 2017થી અન્વેષા ફાઉન્ડેશન સાથે જોડાયા છે.

PLASTIC WASTE COLLECTION

આ પણ વાંચો: બોટાદના આ શિક્ષકને ઝાડ ન વાવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી, દર વર્ષે ઉછેરે છે 1600+ છોડ

નિહાર અગ્રવાલ કહે છે કે,”પ્લાસ્ટિક એવી ચીજ છે જે આપણા દૈનિક જરૂરિયાતની વસ્તુઓથી લઈને દરેક ચીજ વસ્તુઓમાં એટલા હદે ભળી ગઈ છે કે તેને સંપૂર્ણ પણે દૂર કરવું તે લોઢાના ચણા ચાવવા બરાબર તો શું પરંતુ લગભગ અશક્ય જ લાગે તે રીતની પરિસ્થિતિ ઉભી કરીને બેઠું છે. એક તરફ જયારે લોકોને ખબર જ છે કે પ્લાસ્ટિકના કારણે નુકસાન થઇ જ રહ્યું છે છતાં પણ તેમને હજી તે નથી ખબર કે વ્યક્તિગત રીતે કે સામુદાયિક રીતે એવા તો તેઓ કયા પગલાં ભરે કે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે. આમ ત્યાંથી જ અમારા આ ફાઉન્ડેશનની સફર શરુ થાય છે.”

આગળ તેણી જણાવે છે કે, એક તરફ એ લોકો છે કે જેઓ આ રીતનો કચરો ઉત્પન્ન કરી રહ્યા છે જેમાં સોસાયટી છે, ઇન્ડસ્ટ્રી છે, વ્યક્તિ પણ છે, વગેરે ઘટકો અને પરિબળો છે જયારે બીજી તરફ એવા પણ લોકો અને સંસ્થા છે જે આ કચરાનું રિસાયક્લિંગ કરી રહ્યા છે. જેમાં તેઓ પ્લાસ્ટિક ને ફ્યુઅલ, પેલેટ્સ અને રોડમાં કન્વર્ટ કરી રહ્યા છે.

અન્વેષા ફાઉન્ડેશનનો આશય પણ આ રીતે પ્લાસ્ટિકના વેસ્ટને રિસાયક્લિંગ કરવાનો જ છે પરંતુ એક અલગ રીતે કે તેમાંથી એવી વસ્તુઓનું નિર્માણ થાય જેનો ઉપયોગ સામાન્ય માણસો કરી શકે અને ફરી એ વસ્તુઓ જૂની થાય એટલે ફરી તેને રિસાયકલમાં મૂકી ફરી તેનો ઉપયોગ થતો રહે જેથી એક રીતે એવી સર્ક્યુલર સિસ્ટમનું નિર્માણ થાય જે જુના પ્લાસ્ટિકના રિસાયકલ દ્વારા બનતી વસ્તુઓના ઉપયોગ દ્વારા જ અવિરત ચાલતી રહે અને નવા પ્લાસ્ટિકને બનતું અટકાવે.

RECYCLED PLASTIC ART

આ પણ વાંચો: રમવાની ઉંમરે રાજકોટના નિસર્ગે ઘર આંગણે બનાવ્યું ગાર્ડન, 15 પ્રકારનાં પતંગિયાં બને છે મહેમાન

આમ આ પ્રકારની સિસ્ટમ દ્વારા મારા વાચકોને હું સાદી ભાષામાં સમજાઉં તો એ કે, વ્યક્તિગત રીતે જ હું એક રો મટિરિયલમાંથી નવો તૈયાર કરેલ પ્લાસ્ટિકનો પદાર્થ ન વાપરીને રિસાયકલ કરેલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું શરૂ કરું તો અનાયાસે જ કે ઓટોમેટિકલી આ પૃથ્વી પર હું કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવામાં અને પર્યાવરણના જતનમાં મારો ફાળો આપી રહ્યો છું.

તો આમ અન્વેષા ફાઊન્ડેશન દ્વારા આ બધા પેરામીટર અને ફેક્ટર દ્વારા એક ઇન્ટિગ્રેટ મોડલ બનાવવામાં આવ્યું જેનું નામ વેસ્ટ હબ આપવામાં આવ્યું જે આ વેસ્ટ કલેક્ટ કરવા માટે વ્યવસ્થિત સર્ક્યુલર હબ બનાવે છે. ચાલો આ વાત ને આપણે નિહાર અગ્રવાલ દ્વારા જણાવવામાં આવેલ એક સ્ટોરીના માધ્યમથી સમજીએ.

ગુજરાતનું એક ગામ છે જ્યાં પંચાયત છે સફાઈ કર્મચારી છે અને ગવર્મેન્ટ સિસ્ટમ પણ છે છતાં ત્યાં ઘરે ઘરે અને જે તે જગ્યાએ લોકો દ્વારા જ્યાં ત્યાં ફેંકાયેલ અને કચરા પેટીમાં ફેંકવામાં આવેલા વેસ્ટને કલેક્ટ કરીને તેને એક જગ્યાએ ભેગું કરવામાં આવે છે અને પછી તે ચોક્કસ માત્રામાં વધે એટલે તેને બાળી નાખવામાં આવે છે અને આ જ સાયકલ આ ગામમાં વર્ષોથી ચલાવવવામાં આવી રહી છે જેના કારણે ત્યાં જમીન, પાણી અને હવા ત્રણેનું પ્રદુષણ ખુબ જ પ્રમાણમાં થઇ રહ્યું છે.

Bench From Recycled Plastic

આ પણ વાંચો: ભાવનગરના પરિવારે પુત્ર-પુત્રીના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે, ચકલી પણ માંડી શકશે સંસાર

આથી આ સમસ્યાના નિવારણ માટે અન્વેષા ફાઉન્ડેશન આ ગામનો પ્લાસ્ટિક કચરો વિવિધ રીતની વ્યવસ્થિત પદ્ધતિ દ્વારા એકત્રિત કરીને ગામની નજીક જ થોડા કિલોમીટર પર એક એવું યુનિટ હોય જે આ રીતના કચરાને અને તેમાં પણ મુખ્યત્વે પ્લાસ્ટિક કચરાને રિસાયકલ કરે છે ત્યાં પહોંચાડવાની જોગવાઈ કરે છે. અને તે માટે તેમના દ્વારા પ્લાસ્ટિકના કચરાના એકત્રીકરણની વિવિધ પદ્ધતિઓ ગામમાં અમલમાં મુકવામાં આવે છે જેમ કે અલગ પ્લાસ્ટિક એકત્રીકરણ ડસ્ટબીન મુકવામાં આવે છે, ગલ્લાઓ પર કે ગામમાં અમુક જગ્યાઓ પર વપરાયેલા પ્લાસ્ટિકને ટીંગાળવા માટે હુક મુકવામાં આવે છે, વગેરે વગેરે જેના દ્વારા એકત્રિત થયેલ પ્લાસ્ટિકને રિસાયકલ કરવા માટે નજીકના યુનિટમાં મોકલી શકાય. તેણી કહે છે કે, ડસ્ટબીન કરતા હુકમાં પ્લાસ્ટિક ટીંગાળવું પણ એક કારગર પધ્ધતિ છે જેથી ડસ્ટબીનમાં લોકો થૂંકે છે તે દ્વારા થતી ગંદગી ઘટે છે.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે અન્વેષા ફાઉન્ડેશન દ્વારા ગામ લોકો અને પંચાયતની મદદથી એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિકને ફક્ત રિસાયકલ કરવા માટે જ જે તે રિસાયકલ યુનિટમાં મોકલવામાં આવે છે. પરંતુ તે રિસાયકલ પ્લાસ્ટિકમાંથી લોકઉપયોગી જે તે વસ્તુઓ બનાવવાનું કામ અન્વેષા ફાઉન્ડેશન દ્વારા જ થાય છે અને તે માટે તેઓ જે વસ્તુ બનાવવાની છે તેની ચોક્કસ ડિઝાઇનિંગથી લઈને વસ્તુ બન્યા પછી તેને ફાઇનલ ટચ આપવા સુધીનું કામ કરે છે અને ઉલ્લેખનીય છે કે આ બનેલી વસ્તુઓને તેઓ વિનામૂલ્યે ગામના લોકોને ઉપયોગમાં આવે એ રીતે પરત પણ કરે છે.

vocational training

આ પણ વાંચો: દરજીઓ પાસેથી કતરણ એકત્ર કરીને, જરૂરિયાતમંદ બાળકો માટે બનાવે છે નવા કપડા

તમને થતું હશે કે તેઓ કંઈ રીતે આ રિસાયકલ પ્લાસ્ટિકમાંથી વિવિધ  વસ્તુઓ બનાવતા હશે તો તે માટે અન્વેષા ફાઉન્ડેશન પોતાને ત્યાં આ રીતની વિવિધ સ્કિલ શીખવાડવા માટે મહિને 1000 રૂપિયા ફી તરીકે લઇ વોકેશનલ સ્કૂલ દ્વારા સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન આપે છે જેમાં એક વિભાગમાં યુવાનોને ફેબ્રિકેશનનું કામ શીખવવામાં આવે છે આમ ગામના લોકો માટે એક રિસાયકલ મટિરિયલમાંથી બનેલ ચીજ વસ્તુઓ તૈયાર પણ થાય છે સાથે સાથે તે વિદ્યાર્થીઓને ફેબ્રિકેશનનું કામ શીખવા પણ મળે છે.

આ સિવાય વધારાનું કામ આ જ સંસ્થાની વોકેશનલ સ્કૂલમાંથી તૈયાર થઈને પોતાનો અલગ ધંધો શરૂ કરનાર યુવાનોને સંસ્થા દ્વારા જ સોંપવામાં આવે છે અને તે માટે તે યુવાનોને પૈસા પણ ચુકવામાં આવે છે.

અહીંયા મુખ્ય વાત એ છે કે વોકેશનલ સ્કૂલમાં એક છોકરાને તૈયાર કરવા માટે દર મહિને 6000 રૂપિયા હજારનો ખર્ચો આવે છે પરંતુ સંસ્થા તેમને 5000 રૂપિયા સ્પોન્સર કરે છે અને 1000 રૂપિયા ફી તરીકે લે છે અને જો તે વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેને સંસ્થાનું કોઈ કામ આપી જેમકે ઝાડને પાણી આપવું વગેરે દ્વારા 1000 રૂપિયા પગાર તરીકે ચુકવવામાં આવે  છે જેના દ્વારા તેની ફી તે પોતાની મેળે જ ભરી લે છે અને સન્માનપૂર્વક સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વોકેશનલ સ્કૂલમાં વિવિધ સ્કિલ્સ શીખે છે અને આગળ જતા પોતાની મેળે ધંધો પણ નાખે છે. નોંધનીય બાબત એ છે કે સંસ્થા આ રીતે વર્ષમાં ફક્ત 20 બાળકોને જ સ્કિલ બેઝડ વોકેશનલ ટ્રેનિંગ આપે છે.

medals from recycled plastic

આમ, એક બાજુ પર્યાવરણનું જતન તો બીજું બાજુ ગામ લોકોની સુખાકારીમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે અન્વેષા ફાઉન્ડેશન દર વર્ષે 20 બાળકોને પોતાની જિંદગીમાં વ્યવસ્થિત રીતે આગળ વધવા માટે મદદ કરે છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon