Search Icon
Nav Arrow
Distributing Clothes To Needy
Distributing Clothes To Needy

દરજીઓ પાસેથી કતરણ એકત્ર કરીને, જરૂરિયાતમંદ બાળકો માટે બનાવે છે નવા કપડા

દરજીની પાસે પડેલા કતરણનાં કપડાનાં ઢગલાને જોઈને યુવતીને આવ્યો અનોખો વિચાર, આજે અનાથઆશ્રમનાં બાળકોને વહેંચી રહી છે સ્ટાઈલિશ નવાં કપડા

જ્યારે પણ મારી મમ્મી સૂટ સિવડાવે છે, ત્યારે તે હંમેશા દરજીને કહે છે કે જે પણ કપડા બાકી હોય તે પાછા આપી દે. પછી આ બાકીના નાના કપડાનો ઉપયોગ બીજા સૂટની ડિઝાઇનમાં અથવા કવર વગેરે બનાવવા માટે થાય છે. નાના શહેરોમાં મોટાભાગની મહિલાઓ આવું જ કરે છે.

તમારો સૂટ અથવા ડ્રેસ બનાવ્યા પછી, બાકીના ફેબ્રિકમાંથી, જો શક્ય હોય તો, નાના બાળક માટે ફ્રોક બનાવવામાં આવે છે અથવા બાકીના અલગ-અલગ ટુકડા જોડીને ઓશીકાનું કવર બનાવવામાં આવે છે. પરંતુ મોટા ભાગના સ્થળોએ તમે જોશો કે ઘણીવાર દરજીની દુકાનો અથવા બુટીકમાંથી આ કતરણો કચરામાં જ જાય છે. મોટા શહેરોમાં તે ઘણું જોવા મળે છે.

પ્રદૂષણના મામલામાં ફેશન ઈન્ડસ્ટ્રી ટોપ 10માં છે
બજારમાં પોતાનું સિલાઈ મશીન લઈને બેસતા દરજીઓ પાસે પણ તમને નાના કપડાના ટુકડા પડેલા જોવા મળશે. જેને કંઈપણ વિચાર્યા વગર કચરામાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફેશન ઈન્ડસ્ટ્રી દુનિયામાં પ્રદૂષણના મામલે ટોપ 10માં સામેલ છે? હા, એક ટીશર્ટ કે જીન્સ બનાવવામાં હજારો લીટર પાણી વેડફાય છે.

તેથી જ આજે દરેક વ્યક્તિએ વ્યક્તિગત સ્તરે આ વિશે વિચારવાની જરૂર છે. એવું જરૂરી નથી કે આપણે કંઈક મોટું કરીએ, નાના પ્રયાસો પણ પર્યાવરણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમ કે ફરીદાબાદમાં રહેતી રિતુ સિંહ કરી રહી છે.

એમબીએ ગ્રેજ્યુએટ રિતુ સિંહે તેના અભ્યાસ બાદ થોડા વર્ષો સુધી ફેશન ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેથી તેઓ જાણે છે કે આ ઉદ્યોગ પર્યાવરણ પર કેવી નકારાત્મક અસર કરી રહ્યો છે. આ જ કારણ છે કે તે આ દિવસોમાં સસ્ટેનેબલ ફેશન પર બ્લોગ પણ લખી રહી છે.

Helping Orphans

બચેલી કતરણનો ફરીથી ઉપયોગ
ઋતુએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના સ્તરે પર્યાવરણ માટે નાના-નાના પગલાં ભરી રહી છે. આ બધામાં સૌથી રસપ્રદ પગલું એ છે કે તે દરજી પાસે બચતુ કતરણના કપડા એકત્ર કરીને તેનો ફરીથી ઉપયોગ કરી રહી છે. તેણે કહ્યુકે, હંમેશાથી આદત રહી છેકે, દરજી કે બુટિકની પાસે જે પણ કપડું બચી જાય છે અને જેને તે કતરણ કહીને ફેંકી દે છે, તે કપડાને એકત્ર કરીને તે બાળકો માટે પાઉચ, બેગ અથવા કોઈ ટી-શર્ટ વગેરે બનાવી લે છે.

તેણીએ કહ્યું, “હું લગભગ ચાર વર્ષથી આ કામ કરી રહી છું. મેં ઘણીવાર જોયું કે દરજીઓ પાસે હંમેશા આવી કતરણનો ઢગલો હોય છે. મેં તેને એકવાર પૂછ્યું કે તમે તેની સાથે શું કરશો, તો તેણે કહ્યું કે એક કચરાવાળો માણસ આવશે અને તેને બધું આપશે. મેં વિચાર્યું કે આ બધા નવા કપડા છે અને જો તેને જોડી દેવામાં આવે તો આપણે કંઈક ડિઝાઇન કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ દરેક જણ એવું વિચારતું નથી. તેથી મેં અલગ-અલગ જગ્યાએથી આ કપડાં એકઠા કરવાનું શરૂ કર્યું અને તેમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું, જે મારા બાળકો અથવા મારા માટે ઉપયોગી થઈ જતુ હતુ.”

તેના દ્વારા એકત્ર કરાયેલા કપડા વધવા લાગ્યા, તેથી તેણે બધી વસ્તુઓ તૈયાર કરી અને જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચવાનું શરૂ કર્યું. તેણીએ જણાવ્યું કે તે મૂળ બોકારોની છે અને જ્યારે પણ તે બોકારો જાય છે, ત્યારે તે આ સામાનને ત્યાં પણ લઈ જાય છે.

અનાથ આશ્રમ અને ઝૂંપડપટ્ટીના બાળકોને કપડાંનું વિતરણ કરે છે
ઋતુએ જણાવ્યું કે ધીમે-ધીમે તેણે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. તે કહે છે, “જ્યારે મેં આ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને અંદરથી ખુશી મળવા લાગી. આ આશ્રમોના બાળકોને વસ્ત્રો આપીને સંતોષ મળે છે. પાછળથી, દરજી અને બુટીક સિવાય, કેટલાક ઉત્પાદન એકમોએ પણ મને બાકીના કપડાં મોકલ્યા. આ સિવાય હવે ઘણા લોકોને મારા આ કામ વિશે ખબર પડી ગઈ છે, તેથી તેઓ પણ કપડાં મોકલે છે.”

ઋતુ આ બધા કપડાના કટકા એકઠા કરે છે અને બે મહિલાઓને આપે છે. ત્યારબાદ આ બંને મહિલાઓ આ કપડામાંથી બાળકો માટે ટી-શર્ટ, ટોપ, પાઉચ, બેગ વગેરે બનાવે છે. ઋતુએ જણાવ્યું કે જે મહિલાઓ પાસેથી તે આ બધા કપડા સીવડાવે છે તે પણ જરૂરિયાતમંદ છે અને પોતાના ઘરમાં સિલાઈનું કામ કરે છે. આ કારણે તેઓ થોડા પૈસા કમાય છે અને રીતુને સારા તૈયાર કપડાં મળે છે.

Making Clothes For Needy

તેણી કહે છે કે કોઈપણ સારા દરજી આ કતરણોને જોડીને કપડાં સિલાઈ કરવાનો માથાનો દુખાવો લેશે નહી. પરંતુ આ મહિલાઓ તમામ કામ ખૂબ જ મહેનતથી કરે છે. તેમણે ‘SOS વિલેજ’ સંસ્થાના બાળકો માટે કપડાં બનાવ્યા હતા. આ સિવાય તેણે ફરીદાબાદ અને સરિતા વિહારના બે-ત્રણ અનાથાશ્રમોમાં બાળકો માટે કપડાં પણ બનાવ્યા છે.

તેણે કહ્યું, “ફરીદાબાદમાં પણ ઘણા સ્લમ વિસ્તારો છે. ત્યાં પણ હું અવારનવાર જઉં છું અને બાળકો માટે આ રીતે તૈયાર કરેલા કપડાં લઈને આવું છું. નવા વસ્ત્રો જોઈને બાળકોના ચહેરા પર જે આનંદ આવે છે તે હૃદયને શાંતિ આપે છે. એવું નથી કે આ કપડાં હું બીજા બાળકોને જ આપું છું. હું આ કતરણમાંથી મારા બાળકો માટે કપડાં પણ બનાવું છું.”

ધ બેટર ઈન્ડિયાની વાર્તાથી મળી પ્રેરણા
અત્યાર સુધીમાં ઋતુએ 50 થી વધુ બાળકોને આ રીતે તૈયાર કરેલા કપડા પહોંચાડ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં, તેમણે ઓડિશાના એક ખેડૂત જલંધર પટેલની વાર્તા વાંચી, જેઓ 25 નિરાધાર વૃદ્ધોની સંભાળ રાખે છે. તેણે જલંધરજીનો સંપર્ક કર્યો અને તેમને પૂછ્યું કે શું તે તેમને કોઈ રીતે મદદ કરી શકે છે.

જલંધર પટેલે કહ્યું, “ઋતુજીએ અમારી બધી માતાઓ માટે બનાવેલા બ્લાઉઝ અને કેટલાક કપડાના પાઉચ અને બેગ મોકલ્યા છે. તમામ મહિલાઓ ખૂબ જ ખુશ છે કે તેમના માટે દિલ્હીથી સામાન આવ્યો છે. ઋતુ કહે છે, “મેં ક્યારેય ગણતરી કરી નથી કે મેં કેટલા કિલો કપડા ભેગા કર્યા કે બનાવ્યા. પરંતુ દર વર્ષે લગભગ 13 મિલિયન કપડાંનો કચરો લેન્ડફિલમાં જાય છે. આવી સ્થિતિમાં, જો હું થોડા કિલો કપડાનો કચરો પણ લેન્ડફિલમાં જતા અટકાવી શકું, તો તે સારી વાત છે. વળી, આ કપડાં પણ કોઈના માટે ઉપયોગમાં આવી રહ્યા છે.”

અલબત્ત, ઋતુનો આ નાનકડો પ્રયાસ સરાહનીય છે. આશા છે કે વધુ લોકો તેમની પાસેથી પ્રેરણા લેશે.

તમે ઋતુના ફેસબુક પેજ દ્વારા તેમની સાથે સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: છોટાઉદેપુરની આ દુકાનને નથી દરવાજા, 24 કલાક રહે છે ખુલ્લી, ગ્રાહકો જાતે જ વસ્તુ લઈ ગલ્લામાં મૂકે છે પૈસા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon