શું તમે ક્યારેય વિચાર્યું છે કે કપડાંની ફેક્ટરી અથવા બુટિક હાઉસમાંથી કચરાના રૂપમાં નીકળતાં કપડાંથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે? આજે અમે તમારો પરિચય ઓડિશાના ભુવનેશ્વરમાં ફેશન બ્રાન્ડ ચલાવનારી એક યુવતી સાથે કરાવા જઈ રહ્યા છીએ, જે આખા શહેરના ટેલર, બુટિક હાઉસ અને કાપડની ફેક્ટરી માં બદલો કાપડનો તમામ પ્રકારનો કચરો ભેગો કરી નવા પ્રોડક્ટ બનાવે છે. તેમના દ્વારા બનાવેલ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ જેમ કે બેગ, જ્વેલરી, ડ્રેસ, કુશન કવર વગેરેની શહેરમાં ભારે માંગ છે.
પોતાની ફેશન બ્રાન્ડ ‘Lady Ben‘ ચલાવતી 28 વર્ષીય બેનોરીટા દાશે ધ બેટર ઈન્ડિયા સાથે પોતાની સંપૂર્ણ યાત્રા વિશે વિસ્તારમાં વાત કરી.
બેનોરીટા કહે છે, “હું હંમેશાં અમુક બાબતો પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહી છું. જેમ કે, મને ખોરાક વેસ્ટ કરવો બિલકુલ પસંદ નથી. ના મને પ્લાસ્ટિકની વસ્તુઓમાં વધારે રસ છે. હું હંમેશા માટી અથવા કાચની વસ્તુઓ ખરીદું છું. આ સિવાય જ્યારે કપડાંની વાત આવે છે ત્યારે મેં હંમેશાં મારા ઘરની મહિલાઓને સૌથી નાનામાં નાના કપડાંનો પણ ઉપયોગ કરતા જોયા છે. મને સ્કૂલના સમયથી જ સિલાઈનો શોખ ચઢી ગયો હતો અને મેં નક્કી કરી લીધું હતું કે હું ફક્ત ફેશન ડિઝાઈનીંગમાં જ આગળ વધીશ.

બાળપણથી રહી વસ્તુઓ પ્રત્યે સંવેદનશીલ
ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યા પછી, બેનોરીટાએ ‘સસ્ટેનેબલ ફેશન’ માં માસ્ટર ડિગ્રી કરી અને ત્યારબાદ તેમને એક ફેશન કોલેજમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું. તેમને કહ્યું કે થોડા સમય સુધી ભણાવ્યા બાદ તેમને લાગ્યું કે તેમને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું જોઈએ. તે માટે તે એક ડિઝાઇનિંગ ફર્મ સાથે જોડાઈ ગયા. પરંતુ તેમનો અનુભવ ખૂબ જ અલગ હતો. તે કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કચરો ભેગો થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
વર્ષ 2018 માં નોકરી છોડીને, તે પોતાના શહેર પરત ફર્યા. તેમને કહ્યું, “મેં નક્કી કર્યું છે કે હવે હું મારી પોતાની બ્રાન્ડ શરૂ કરીશ, પરંતુ તે એક સંપૂર્ણપણે સસ્ટેનેબલ બ્રાન્ડ હશે. તે માટે જ મેં ઈન્ડસ્ટ્રીમાં વધતાં કાપડ(ગાભા) ને કાચા માલ તરીકે વાપરવાનો નિર્ણય કર્યો. મેં મારા માસ્ટર્સ દરમિયાન જ, મારું બ્રાન્ડ નામ ‘Lady Ben’ રજિસ્ટર કરાવ્યું હતું. તે અંતર્ગત મેં કામ શરૂ કર્યું. મારી પાસે પહેલેથી પડેલું જે કાપડ હતું, તેનાથી પોતાની પહેલી પ્રોડક્ટ બનાવી.

તેમને ‘ઝીરો ઈન્વેસ્ટમેન્ટ’ થી પોતાના કામની શરૂઆત કરી. તેમને નવા ઉત્પાદનો બનાવવા માટે તેમની પાસે પહેલેથી જ ઉપલબ્ધ વસ્તુઓને ઉપયોગમાં લીધી. તે કહે છે કે લગભગ બે મહિના સુધી તેમને ‘વેસ્ટ’ કપડામાંથી અલગ-અલગ પ્રયોગ કરી વસ્તુઓ બનાવી. પહેલા તેમને સિલાઈની સાથે ‘ફેવિકોલ’ ની મદદ લીધી. પરંતુ તે પછી તેમને લાગ્યું કે વસ્તુઓને આકર્ષક બનાવવા માટે ભરતકામનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તેમના ઉત્પાદનોની સુંદરતા વધી ગઈ. બેનોરિટા કહે છે કે તેમને શહેરના ‘ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર’ નો સંપર્ક કર્યો.
“સેન્ટરના અધિકારીઓએ મને મારા ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરી. તેઓએ મને સરકારી કાર્યક્રમોમાં સ્ટોલ લગાવવાની મંજૂરી આપી અને ત્યાંથી મને ગ્રાહકો મળવા લાગ્યા. આ પહેલા માત્ર એક જ છોકરી મારી સાથે કામ કરતી હતી અને તેને લગભગ બે મહિના સુધી મફતમાં પણ કામ કર્યું. પરંતુ જ્યારે મારું વેચાણ શરૂ થયું, ત્યારે મેં તેનો પગાર ચૂકવ્યો અને સાથે જુદા સ્થળે એક વર્કશોપ પણ લઈ લીધી. ‘
દરજીઓ જોડેથી ભેગા કર્યા ગાભા
બેનોરીટા કહે છે કે તેમને શહેરના દરજીઓની દુકાનમાં જવાનું શરૂ કર્યું. તે તેમની પાસે જતી અને ગાભા માંગતી. જે તમામ દરજીઓ તેને ખુશી-ખુશી આપી દેતા કારણકે આ ટુકડાઓની વ્યવસ્થા કરવી તેમના માટે અઘરી હતી. દરજી ઉપરાંત, તેમના શહેરમાં જ ત્રણ-ચાર નાની ફેક્ટરીઓમાંથી ગાભા લેવાનું શરૂ કર્યું. તે કહે છે કે તેમના ત્યાં દર અઠવાડિયે લગભગ પાંચથી છ બોરી ગાભા આવે છે. આને સૌ પ્રથમ સુતરાઉ, સાટીન, સિન્થેટિક વગેરે જેવા ફેબ્રિક અનુસાર અલગ કરવામાં આવે છે.
કાપડને અલગ પાડ્યા પછી, તેને રંગના આધારે અલગ કરવામાં આવે છે. આ પછી, જરૂરિયાત પ્રમાણે ટુકડાઓને ભેગા સીવી મોટું કાપડ બનાવવામાં આવે છે અને પછી ઉત્પાદનો તૈયાર થાય છે. આ પ્રક્રિયાથી, આજે તે લગભગ 25 પ્રકારના ઉત્પાદનો બનાવી રહ્યા છે જેમ કે બેગ્સ, જ્વેલરી, ડ્રેસ, પડદા, બેડશીટ્સ વગેરે. પોતાના ઉત્પાદનો વેચવા માટે શહેરના વિવિધ મેળાઓ અને પ્રદર્શનોમાં સ્ટોલ લગાવે છે. આ ઉપરાંત તેમને દિલ્હી અને ભુવનેશ્વરમાં પોતાનો સ્ટોર પણ ખોલ્યો છે.
આ સિવાય ઘણા લોકોએ પોતાના ઘરમાંથી નીકળતા જૂના કપડા પણ ડોનેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે જ, ઘણા લોકો પોતાના જૂના કપડાં આપી તેમના ઘર માટે સુંદર વસ્તુઓ બનાવડાવે છે. તેમની એક ગ્રાહક, મુસ્કાન દુઆ કહે છે, “બેનોરીટાની તમામ ડિઝાઇન ખુબ જ સુંદર હોય છે. સાથે જ, તેમની બ્રાંડ પર્યાવરણને અનુકૂળ કામ કરી રહી છે, જે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. ” ત્યાંજ એક અન્ય ગ્રાહક, આદિત્ય સાહુ કહે છે, “બેનોરીટા એક ગજબની ડિઝાઇનર છે જે કચરામાંથી કમાલ કરી રહી છે. તેમના કામના જેટલા વખાણ થાય એટલા ઓછા છે.”

ઓફલાઈનથી ઓનલાઇન
ગયા વર્ષ સુધી બેનોરીટા અને તેમની ટીમ ઓફલાઈન જ કામ કરી રહી હતી. આજે તેમની ટીમમાં 16 લોકો જોડાઈ ચુક્યા છે અને ઝીરો ઈન્વેસ્ટમેન્ટથી શરૂ થયેલ બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 10 લાખ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત, તે ફેશન કોર્સના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પણ આપી રહી છે. તે કહે છે કે ગયા વર્ષ સુધી તે ઓફલાઇન જ કામ કરતી હતી. તેમ જ, લોકડાઉન દરમિયાન, તેમણે જોયું કે માટીકામ અને અન્ય હસ્તકલા બનાવતા લોકોના રોજગાર ઉપર ખરાબ અસર પડી છે. તેથી તેમને બે કુંભાર પરિવારો દ્વારા બનાવેલી પ્રોડક્ટ્સ પણ પોતાની બ્રાન્ડ હેઠળ લોન્ચ કરી.
તેમની આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમને કહ્યું, “ગયા વર્ષે લોકડાઉન ખુલતાંની સાથે જ અમારા ટેરાકોટા ઉત્પાદનોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેનું વેચાણ પણ સારું થયું હતું. પરંતુ મને એ પણ સમજાઈ ગયું કે હવે અમારે ઓનલાઈન માર્કેટમાં કામ કરવું પડશે. આના પહેલાં અમે ક્યારેય અમારી પોતાની વેબસાઇટ બનાવવાનું વિચાર્યું નહોતું. પરંતુ હવે અમે અમારી વેબસાઇટ પર કામ કરી રહ્યા છીએ. ટૂંક જ સમયમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે. અમે છેલ્લા એક વર્ષમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. ”
તે કહે છે, “જો કોઈ અમારા ઉત્પાદનોને જોવા અથવા ખરીદવા માંગે છે, તો તે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અમારો સંપર્ક કરી શકે છે. આ સિવાય, અત્યારે, અમારો પ્રયાસ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે થયેલ નુકસાનની ભરપાઇ કરવાનો છે.”
ભવિષ્યમાં, તે ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમના સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે. ધ બેટર ઈન્ડિયા બેનોરીટાના જુસ્સાને સલામ કરે છે અને અમને આશા છે કે તે પોતાના ક્ષેત્રમાં નવા શિખરો સુધી પહોંચશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રાજકોટના 10 પાસ યુવાને બનાવ્યું અનોખું મેન્યુઅલ મશીન, કલાકોમાં બનતી વેફર્સ બને છે મિનિટોમાં!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.