દુનિયામાં મોટાભાગના દેશ પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવા માટે અનોખા પ્રયોગો કરી રહ્યા છે. જેને લીધે લોકોમાં પણ હવે પ્લાસ્ટિકથી થતાં નુકસાન અંગે જાગૃતિ આવી છે. એવામાં ભારતમાં પણ ઘણાં વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે મોટાભાગના વિસ્તારમાં કાગળની કેરી બેગનું ચલણ પણ વધ્યું છે. જેને લીધે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ઘટાડો થયો છે. આમ પ્રદૂષણ ઘટાડવા માટે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ એ ગાંધી, ડૉક્ટર તેજસ દોશી અને BMCના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિજય પંડિત ઇકો બ્રિક્સ પાર્ક બનાવ્યો છે.
ભાવનગરના અકવાડા લેક પાસે ઇકો બ્રિક્સ પાર્ક તૈયાર કરાયો છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ એ ગાંધીએ તેમની વ્યસ્તતા વચ્ચે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરી હતી. કમિશનર એમ એ ગાંધીએ જણાવ્યું કે, ” મેં, ડોક્ટર તેજસ દોશી અને BMC એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિજય પંડિતે વિચાર્યું હતું કે, કેવી રીતે ઇકો બ્રિક્સ પાર્ક તૈયાર કરવો, તેની ડિઝાઈન કેવી હશે? જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.” મૂળભૂત રીતે પ્લાસ્ટિક પ્રોબ્લેમેટિક વસ્તુ છે. તેના મલ્ટિપલ યુઝ આપણે કરતાં રહીએ છીએ. આ ઉપરાંત પ્લાસ્ટિકના રોડ પણ હવે બને છે. પણ, જે પ્લાસ્ટિક માર્કેટમાં છૂટું ફરતું થાય છે, તેના લીધે પર્યાવરણને વધુ નુકસાન થશે. એટલે આ પ્લાસ્ટિકને એક જગ્યાએ ભેગું કરી તેનો યોગ્ય ઉપયોગ કરવાનો અમારો ઇકો બ્રિક્સ દ્વારા પ્રયત્ન છે.”

ઇકો બ્રિક્સ પાર્ક બનાવવા પ્લાસ્ટિકની બોટલ કેવી રીતે ભેગી કરી?
કમિશનર એમ એ. ગાંધીએ જણાવ્યું કે, ” આ કાર્ય કરવા માટે અમે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ કરી પ્લાસ્ટિકની બોટલ માગી હતી. આમ દરકે લોકોએ 1 કે 1.5 લીટરની બોટલ અને પ્લાસ્ટિકના ઝભલાં સહિતની વસ્તુ આપી હતી. જેમાં બોટલમાં ઠસોઠસ ઝભલાં ભરીને આપવાની હોય છે. અમે તેમને સામે એક બોટલ દીઠ 10 રૂપિયા આપ્યા હતાં. આ પ્રકિયા ઓપન ફોર ઓલ હતી. આ રીતે અમે ત્રણ-ચાર મહિનામાં કુલ 31 હજાર પ્લાસ્ટિકની બોટલ ભેગી કરી હતી.”
ઇકો બ્રિક્સ પાર્ક કેટલાં વિસ્તારમાં બનાવ્યો, તેમાં કઈ કઈ એક્ટિવિટી કરી શકાય છે?
આ અંગે એમ. એ ગાંધીએ કહ્યું કે, ” અમે કુલ 400 સ્ક્વેર ફૂટમાં ઇકો બ્રિક્સ પાર્ક બનાવ્યો છે. જેનો ઉપયોગ લોકો બેસવા, ચાલવા અને અન્ય એક્ટિવિટી માટે પણ કરી શકે છે. જોકે, લોકો આ બ્રિક્સ પાર્કમાં ચાલે તો તેમને સારો ફાયદો થાય છે કે, કારણ કે, પ્લાસ્ટિકની બોટલો ઊંધી ગોઠવેલી હોવાથી તે એક્યુપ્રેશર ઇક્વિપમેન્ટ જેવું કામ કરે છે.”

ઇકો બ્રિક્સનો પાર્ક બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો?
આ અંગે પણ વાત કરતાં કમિશનર એમ. એ. ગાંધીએ જણાવ્યું કે, ”પાર્ક બનાવવામાં અમારે થોડાક મહિનાનો સમય લાગ્યો હતો. કેમ કે, કોઈ પ્રોપર ગાઇડન્સ નહોતું. જેથી કેટલાક અમે બનાવીએ ફરી પાછું તેને વીંખી નાખીએ ફરી અમે નવેસરથી બનાવવાનું શરૂ કરીએ. આમ અમે બે-ત્રણ મહિનાની મહેનતે ઇકો બ્રિક્સ પાર્ક બનાવ્યો હતો.”

ઇકો બ્રીક્સ પાર્કમાં બોટલનો કેવી રીતે ઉપયોગ કરાયો છે?
આ ઇકો બ્રિક્સ પાર્કમાં વપરાયેલી પ્લાસ્ટિકની આખી બોટલમાં નાની કોથળી કે ઝભલાને પાતળી લાકડીથી બોટલના તળિયા સુધી નાખી દેવામાં આવે છે. આ પછી બોટલને ઉપયોગમાં લઈ શકાય છે. જેનો ઉપયોગ ગાર્ડનની દીવાલ, તળાવ જેવા સ્થળે બેસવાના માટે બાંકડા બનાવવા માટે કરાયો છે. સૌથી ખાસ વાત છે કે, ઇકો બ્રીક્સ ક્યારેય ન નાશ પામતી વસ્તુ છે. જેથી તેનો ફરી પણ ઉપયોગ કરી શકાય છે.
અંતમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમે. એ. ગાંધીએ કહ્યું કે, ” હવે ઇકો બ્રિક્સ પાર્ક બની ગયો છે. લોકો આનો વધુમાં વધુ ઉપયોગ કરે. આ ઉપરાંત અમે ભવિષ્યમાં પણ આ રીતે અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા પ્રદુષણને અટકાવવાના પ્રયત્ન કરતાં રહીશું.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ચાર મિત્રોની કમાલ, પાંચ લાખ બેકાર પ્લાસ્ટિક બોટલમાંથી અંડમાનમાં બનાવ્યો રિસોર્ટ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.