Search Icon
Nav Arrow
Jagdishbhai
Jagdishbhai

રાજકોટના 10 પાસ યુવાને બનાવ્યું અનોખું મેન્યુઅલ મશીન, કલાકોમાં બનતી વેફર્સ બને છે મિનિટોમાં!

રાજકોટમાં રહેતા 10 પાસ યુવાને બનાવ્યું એવું મશીન કે જેના વેફર્સ બનાવવાનું 5 કલાકનું કામ 1 કલાકમાં આરામથી કરી શકાય છે.

ઉનાળો એટલે ગુજરાતના મોટા ભાગના શહેરો અને ગામડામાં અથાણા અને વેફર્સ બનાવવા માટેની સિઝન. માર્ચ- એપ્રિલ મહિનાના સંધી સમયે મોટે ભાગ ગુજરાતની ગૃહણીઓ વર્ષભર માટે અથાણા અને વેફર્સ બનાવતી હોય છે. ગુજરાતમાં મોટાભાગના ઘરે ઉપવાસમાં બટેટાની વેફર્સ ખાવાનું ચલણ હોવાથી ગૃહણી આખા વર્ષ માટેની વેફર્સ એક સાથે જ બનાવતી હોય છે. એક દસકા પહેલાં વેફર્સ બનાવવાનું કામ સમય અને મહેનત માંગી લેતું, પણ હાલના સમયમાં ઑટોમેટીક મશીન અને મેન્યુઅલ મશીન આવી જતાં મહિલાઓને ઘણી રાહત થઈ છે.

રાજકોટમાં રહેતા જગદીશભાઈ બરવાડિયાએ એક એવું મશીન બનાવ્યું છે જેનાથી મહિલાઓનું વેફર્સ અને સલાડ બનાવવાનું કામ સહેલું બન્યું છે. મશીન વિશે વાત કરતા જગદીશભાઈ કહે છે ”હું 2015 માં નોકરી કરતો હતો પણ નોકરીની આવકથી ઘર ઠીક-ઠીક ચાલતું એટલે મેં કોઈ ધંધો કરવાનું વિચાર્યું આ વિશે મે મારા સસરાને વાત કરી તો તેઓ એ મને વેફર્સ બનાવવાનું મશીન બનાવવાની ભલામણ કરી અને પોતે 20 વર્ષ પહેલાં એક મશીન બનાવ્યું હતું તેનો નમુનો બતાવ્યો, આ નમુનો જોઈ મેં મશીન બનાવવાનું નક્કી કર્યું અને વેફર્સ અને સલાડ એ આજે લગભગ દરેક ઘરે બનતી વસ્તું છે એટલે આ કામ માટે કોઈ મશીન હોવું જોઈ એવું મને લાગતું અને મને આમાં ભવિષ્યનો ધંધો નજરમાં આવ્યો”.

મુળ ફાડદંગના જગદીશભાઈએ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ગરીબીને કારણે આગળ ભણવાનો શોખ હોવા છતાં ભણી શક્યા નથી પરંતુ તેમના ઈરાદો કંઈક કરવું અને કંઈક બનવું એ હજું પહેલાં જેવો જ છે. તેઓ હાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સાથે સાથે વેફર્સ મશીન બનાવવાનું પણ કામ કરે છે.

Waffer making machine

મશીનની ખાસિયત વિશે જણાવતા જગદીશભાઈ કહે છે કે ”મારા મશીન દ્વારા મહિલાઓને ઘણો જ ફાયદો થયો છે કેમ કે પરંરાગત રીતે વેફર્સ બનાવવાનું ઉપકરણ આવે છે તેમાં જો કોઈ મહિલા વેફર્સ બનાવે છે તો એક તો તેમા સમય વધુ લાગે છે અને બીજું ક્યારેક હાથમાં વાગવાનું પણ જોખમ રહે છે જ્યારે મારા મશીન દ્વારા ઓછા સમયમાં વધુ વેફર્સ બનાવી શકાય છે અને કોઈ દુર્ધટના થવાનું જોખમ રહેતું નથી.

તેઓ પોતાના મશીન વિશે વધુમાં કહે છે કે હાલમાં બજારમાં ઘણા મેન્યુઅલ વેફર્સ મશીન વેચાઈ રહ્યાં છે, પરંતુ તેઓ જે મશીન બનાવે છે તે ઉચ્ચ ગુણવત્તાવાળા છે જેમાં તેઓ લોખંડ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરે છે જેથી મશીન વજનદાર અને ટકાઉ તેમજ વાપરવામાં સરળ લાગે છે જ્યારે અન્ય મશીન પતરાના બનેલા હોય છે જેથી જોઈએ તેવું કામ આપતા નથી.

ગ્રાહકની પ્રતિક્રિયા
મનીષાબેન કે જેઓ વેફર્સ બનાવવાનો ગૃહ ઉદ્યાગ ચલાવે છે તેઓએ આ મશીન વિશે કહે છે ”અમે પહેલાં હાથથી વેફર્સ બનાવવાનું ઉપકરણ (છીણી) આવે તેનાથી વેફર્સ બનાવતા ત્યારે 50 કિલોની વેફર્સ બનાવતા અમારે આખો દિવસ લાગતો જ્યારે આ સીતારામ બ્રાંડના મશીનથી બે કલાકમાં જ 50 કિલોની વેફર્સની સ્લાઈડ બનાવી શકાય છે અને તે પણ આરામથી, મશીનને લીધે અમારો સમય અને પૈસા બચે છે અને વેફર્સની થીકનેસ (જાડાઈ) પણ એક સમાન રહે છે.”

શરૂઆતનો સંઘર્ષ
જગદિશભાઈ માટે મશીન બનાવવાથી માંડીને વેચવા સુધીની સફર કેવી રહી તે અંગે તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, ”2015 માં મેં આ ધંધો કરવાનો વિચાર કર્યો અને મારા કઝીનને વાત કરી તેઓ રોકાણ કરવા અને જરૂરી મદદ કરવા પાર્ટનર બનવા સહમત થયા પણ બન્યું એવું કે પ્રથમ વર્ષે માંડ 50-60 જેટલા યુનિટ સેલ થયા એટલે મારા કઝીને આ ધંધામાં આગળ નથી વધાવું એમ કહી ધંધો બંધ કરવા કહ્યું પણ મેં નક્કી કર્યું હતું કે મારે આ જ ધંધામાં આગળ વધવુ છે તેથી મેં એકલા એ જ ધંધો સંભાળી લીધો અને મહેનત અને માર્કેટીંગ કરવાનું ચાલુ રાખ્યું.”

અત્યારે જગદીશભાઈ અને તેમના મોટાભાઈ સાથે મળીને મશીનના પાર્ટ્સનું એસેમ્બ્લિંગ કામ જાતે જ કરે છે પરંતું આવતા વર્ષે મશીનના વધુ ઉત્પાદન કરવાના પ્લાનિગં સાથે 2-3 લોકોને રાખવા પડી શકે તેવું લાગે છે એમ જગદીશભાઈ કહે છે.

સોશિયલ મીડિયાને લીધે વધ્યો ધંધો
જગદીશભાઈએ ગુજરાતના દરેક શહેરના મોટાભાગના જાણીતા મશીન ડિલરો પાસે જઈ રૂબરૂ માર્કેટીંગ પણ કર્યું છે. આ વિશે તેઓ કહે છે ”કેટલાક ડિલર તો મશીનનો ડેમો જોઈને અમારી મજાક કરતા અને કહેતા કે આ ન ચાલે અને અમુક તો પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે વસ્તું માંગતા, તો કેટલાક ડિલરો સારો રિસ્પોન્સ પણ આપતા આમ ઓફલાઇન માર્કેટમાં અમારું ઠીક-ઠીક વેચાણ થતું પછી મારા મિત્રની સલાહથી મેં ફેસબુક અને વૉટ્સઅપ પર મારા મશીનની વિગતો સંપર્ક નંબર સાથે શેર કરવાનું ચાલું કર્યું ત્યાર બાદ મને સીધા જ ઑર્ડર મળવાનું શરૂ થયું અને ખાસ્સી સંખ્યામાં મશીન વેચાયા.”

ગયા વર્ષે લોકડાઉન લાગવાથી ધંધાને ફટકો પડ્યો હતો પરંતુ આ વર્ષેની શરૂઆતમાં સારા પ્રમાણમાં ઑર્ડર મળ્યા હતા જેથી ગયા વર્ષની ખોટ સરભર થઈ ગઈ અને આવતા વર્ષ પણ મશીનની સારી ડિમાન્ડ રહેશે તેમ જગદીશ ભાઈનું અનુમાન છે.

Rajkot

આંધ્રપ્રેદશ થઈ લઈને અમેરિકાથી આવે છે ઑર્ડર
જગદીશભાઈ કહે છે તેમનાં મશીન ગુજરાતમાં તો લગભગ દરેક શહેરમાં પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા અને જે ગ્રાહકોએ મશીન ખરીદ્યા છે તેમના રેફરન્સથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશથી પણ ઑર્ડર આવવા લાગ્યાં છે અને આ વર્ષે એક યુનિક અમેરિકા રહેતા ગુજરાતીનો ઑર્ડર પણ આવેલો તેમને ત્યાં કુરિયર મારફતે મશીન મોકલાવ્યું છે.

ખાણીપીણીના નાના ધંધાર્થીઓ માટે મેન્યુઅલ મશીન બનાવવાની છે ઈચ્છા
પોતાના ભવિષ્યના પ્લાન વિશે જગદીશભાઈ કહે છે તેઓના ખાણીપીણીના નાના ધંધાર્થી માટે મેન્યુઅલ મશીન બનાવવાની ઈચ્છા છે, જેના વડે તેઓ શાકભાજીનું કટીંગ અને સલાડ ઓછા સમયમાં વધુ માત્રામાં કરી શકે, જેથી તેનો સમય બચે અને નફો વધારવામાં મદદ મળી શકે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને આ મશીન વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે જગદીશભાઈ બરવાડિયાનો આ નંબર 8866619226 પર સંપર્ક કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનું

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon