Search Icon
Nav Arrow
Gujarat
Gujarat

અમદાવાદની અનોખી સાડી લાઈબ્રેરી, 3000 થી 23 હજાર સુધીની સાડીઓનો નિશુલ્ક, 800+ મહિલાઓએ લીધો લાભ

અમદાવાદમાં બનાવવામાં આવી છે અનોખી સાડી લાઈબ્રેરી. જ્યાં ગુજરાત અને અમેરિકાની શ્રીમંત મહિલાઓ પ્રસંગોમાં એકાદવાર પહેરેલી સાડીઓ દાનમાં આપેછે. અને અહીંથી દરેક જરૂરિયાતમંદ મહિલા મફતમાં પ્રસંગમાં પહેરવા માટે સાડી લઈ જઈ શકે છે.

દરેક વ્યક્તિએ લાયબ્રેરીનું નામ સાંભળ્યું જ હશે અને લાયબ્રેરીમાંથી ઘણાં લોકો પુસ્તકો વાંચીને પાછા આપ્યા હશે. પણ, શું તમે ક્યારેય સાડીની લાયબ્રેરી વિશે સાંભળ્યું છે, તમને એવું લાગતું હશે કે, હોતી હશે કાંઈ, સાડીની લાયબ્રેરી?. હા…, સાડીની પણ લાઇબ્રેરી છે. આ સાડીની લાયબ્રેરી અમદાવાદમાં આવેલાં રામદેવપીરના ટેકરા પાસે આવેલી છે. જે ગ્રામ શ્રી ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત છે.

ગ્રામ શ્રી ટ્રસ્ટનું કામ બહેનોના સશક્તિકરણનું છે. આ ટ્રસ્ટ બહેનોને હેન્ડીક્રાફ્ટ અને ભરત ગૂંથણની તાલીમ આપે છે અને પછી કામ પણ આપે છે. જેથી તે બહેનો ખુદ પગભર થઈ શકે. આમ બહેનોનું ઓવરઓલ ડેવલમેન્ટ થાય તેવો ગ્રામ શ્રી ટ્રસ્ટનો એપ્રોચ છે. ગ્રામ શ્રી ટ્રસ્ટમાં સોશિયલ ડિપાર્મેન્ટ કોર્ડિનેટર નીતાબહેન જાદવે તેમની સંસ્થા દ્વારા ચાલતી સાડી લાયબ્રેરી વિશે ધ બેટર ઇન્ડિયા સાથે ખુલ્લા મને વાત કરી હતી.

Sari Library
Sari Library

સાડી લાયબ્રેરી શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
આ અંગે નીતાબહેને વાત કરતાં જણાવ્યું કે, ” 11 વર્ષ પહેલાં સાડી લાયબ્રેરીની શરૂઆત થઈ હતી. અમારા ફાઉન્ડર ટ્રસ્ટી અનારબહેન પટેલ અને વંદના અગ્રવાલને સાડી લાયબ્રેરી શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તે સમયે તેમના ઘણાં મિત્રો અને પરિચિતો પાસે ખૂબ જ એક્સપેન્સિવ સાડીઓ હતી. જે તેઓએ પ્રસંગમાં એક-બેવાર પહેરી હોય અને સારી કન્ડિશનમાં હતી. તો, એ લોકો પૂછતાં હતાં કે, અમારી પાસે આવી સાડી છે એનું કરીએ શું?”

”એટલે ગ્રામ શ્રી સંસ્થા વર્ષ 1995થી બહેનો સાથે કામ કરે છે અને અમારી સાથે ઓલરેડી બહેનો તો છે. એટલે તેમને જ આ સાડી ઉપયોગી થઈ શકે એટલે અનારબહેન અને વંદના અગ્રવાલને સા઼ડી લાયબ્રેરીની શરૂઆત કરી. જેમાં બહેનોને ગમશે તે સાડી લઈ જશે અને લાઇબ્રેરીની જેમ ઉપયોગ થશે. જો કોઈ બહેન તેની સાડી એક જ મહિલાને આપી દે તો એનો એક જ બહેનને લાભ મળે, પણ જો તે સાડી લાઇબ્રેરીમાં ડોનેશનમાં આપે તો ઘણી બહેનો તેનો લાભ લઈ શકે. જેથી બહેનોને અલગ અલગ સાડી પહેરવા પણ મળે. આ ઉપરાંત તેમના દ્વારા કરવામાં આવતો સાડીનો ખર્ચાનો તેમના બાળકોના ભરણપોષણમાં થઈ શકે. આમ આ રીતે સાડી લાયબ્રેરીની શરૂઆત થઈ હતી.”

Ahmedabad

અમદાવાદમાં સાડી લાયબ્રેરીનું સેન્ટર શરૂ કર્યું
નીતાબહેને આ અંગે પણ જણાવ્યું કે, ”સાડી લાયબ્રેરી શરૂ કરવાનું વિચાર્યા પછી અમદાવાદમાં રામદેવપીરના ટેકરા પાસે આવેલાં સ્લમ વિસ્તાર નજીક આમારું સેન્ટર પહેલાંથી જ છે. જ્યાં અમે ઘણી કોમ્યુનિટીની બહેનો સાથે હેન્ડીક્રાફ્ટનું કામ કરીએ છીએ. એટલે અમે ત્યાં એક રેક રાખ્યો છે. જેમાંથી બહેનો તેમના પ્રસંગ અને તહેવાર દરમિયાન અલગ-અલગ રેન્જની સાડી પસંદ કરી નિશુલ્ક પહેરવા લઈ જાય છે. આમ ધીરે-ધીરે આ કન્સેપ્ટ અને બીજી જગ્યાએ પણ શરૂ કર્યો છે. જેનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.”

સાડીનું ડોનેશન કેવી રીતે આવે છે?
નીતા બહેને જણાવ્યું કે, ” સાડીનું ડોનેશન જે લોકોને પહેલાંથી ખબર છે તે દર છ મહિને વર્ષે આપે છે. આ ઉપરાંત સાડી લાઇબ્રેરી માટે અમને છેલ્લાં દોઢ વર્ષથી USથી શેર એન્ડ કેર નામના ઓર્ગેનાઇઝેશનમાંથી સાડીઓ ડોનેશન તરીકે આવે છે. આ ઉપરાંત અમદાવાદમાંથી પણ લોકો સાડી ડોનેશન તરીકે મોકલે છે.”

”અમારા આખા આ વિચારમાં રૂપિયાનું કોઈ મહત્ત્વ જ નથી. જે દાતાઓ સાડીઓ આપે છે તે એક ભાવથી આપે છે અને એવું વિચારીને આપે છે કે અમારી સાડીનો લાભ ઘણી મહિલાઓ સુધી પહોંચશે. આમ તે દાતા દર છ મહિને અમને સાડીઓ આપે છે. અમારે ત્યાં અંદાજે 3 હજારથી 23 હજાર સુધીની સાડી ડોનેશનમાં આવે છે. અત્યાર સુધી આટલાં વર્ષમાં 800 મહિલાઓએ સાડીનો લાભ લીધો છે. ”

સાડી લઈ જવાની અને પાછી આપવાની પ્રોસેસ શું છે?
આ અંગે નીતે બહેને જણાવ્યું કે, ” અમારે ત્યાંથી કોઈ સાડી લઈ જાય તેનો અમે કોઈ ચાર્જ લેતાં નથી. પણ, જે બહેન સાડી પહેરવા માટે લઈ જાય તે પાછી આપવા આવે ત્યારે તેઓ ડ્રાય ક્લિનિંગ કરાવીને પાછી આપવાની બસ આટલી પ્રોસેસ હોય છે. અને જે બહેનો ઓળખીતા છે તે સાડી લઈ જાય ત્યારે અમે કોઈ પુરાવો લેતાં નથી. જો કોઈ સાવ અજાણી મહિલા સાડી લેવા આવે તો અમે માત્ર તેમનું આધારકાર્ડ અને નંબર માંગીએ છીએ. આ સિવાય ઓળખીતા બહેનની ફ્રેન્ડને પણ અમે સાડી કોઈ પુરાવા વગર આપીએ છીએ. અમારો વિચાર છે કે, વધુમાં વધુ બહેનો સુધી સારી સાડી પહોંચે. સ્લમ બહેનો ઓછામાં ઓછા હજાર રૂપિયાની સાડી પ્રસંગમાં પહેરવા લે તો તે સાડીના રૂપિયા બચત થાય. ”

Gujarati News

કયા વિસ્તારની મહિલાઓ આ સાડી લાયબ્રેરીનો ઉપયોગ કરે છે?
નીતા બહેને કહ્યું કે, ” મોટાભાગની સ્લમ મહિલાઓ સાડી લાયબ્રેરીનો લાભ લે છે અને મિડલ ક્લાસની મહિલાઓ ઓછો લાભ લે છે. રામાદેવપીરના ટેકરાના આસપાસ રહેતી મહિલાઓ સાડી લાયબ્રેરીનો વધુ ઉપયોગ કરે છે.

આ ઉપરાંત નીતા બહેને અંતમાં જણાવ્યું કે, ” સાડી લાયબ્રેરીના કોન્સેપ્ટમાં અમે ખાસ ધ્યાન રાખ્યું છે કે, ઓછો સ્ટાફ જોઈએ. ઓછી જગ્યા જોઈએ. આ ઉપરાંત અમે જ્યાં રેક રાખ્યો છે ત્યાં જ સાડીઓ હોય. એટલે 10થી 6 દરમિયાન ઓફિસનો અમારો જે ટાઇમ છે તેમાં પણ સાડી લાઇબ્રેરી માટેનો સ્પેસિફિક ટાઇમ રાખીએ કે, જે અમે વ્યવસ્થિત કોર્ડિનેટ કરી શકીએ. અત્યારે અમદાવાદ, પાટણ, લીલાપુર, રાહપુરા, જખવાડા, પુનાદ્રા, વાઘજીપુરા, પેઢાંબલી, કડા અને અમદાવાદના ગાંધી આશ્રમમાં આવેલી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ છે એમાં પણ અમે એસ્ટાબ્લીસ કર્યું છે. ”

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે પણ અહીંથી સાડી લેવા કે આપવા ઈચ્છતા હોય તો gramsocial13@gmail.com પર ઈમેલ કરી શકો છો અથવા નીચે જણાવેલ જગ્યાએ જઈને નીતાબેનને મળી શકો છો.

રૂદ્ર વિમેન સેન્ટર,
ગોરાકુંભારવાસ,
રામાપીરનો ટેકરો,
જૂના વાડજ, અમદાવાદ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: શાકની ખરીદીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અમદાવાદી લેડીનો ટ્રેન્ડી ઓપ્શન, રોજગારી મળી એડ્સ પીડિત મહિલાઓને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon