આખી દુનિયામાં પર્યાવરણ બચાવ માટે ‘નો પ્લાસ્ટિક’ ની વાતો થઈ રહી છે, હજારો-લાખો લોકો આ માટે અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ રોજિંદા જીવનમાં ખરેખર આપણે તેનું કેટલું પાલન કરીએ છીએ, એ અંગે ક્યારેય વિચાર્યું છે તમે?
રોજિંદા વપરાશ માટે શાક લેવા જવાનું હોય તો પણ આપણે 8-10 પ્લાસ્ટિકની કોથળી લઈને આવતા હોઈએ છીએ, તો પછી શાકભાજીનો વધારાનો કચરો કે રોટલી લોકો આ જ કોથળીમાં ભરીને બહાર ફેંકતા હોય છે. એટલે ઘણીવાર બહાર ફરતી ગાયો તેને કોથળી સાથે જ ખાઈ જતી હોય છે, જેના કારણે તેમના શરીરને નુકસાન થાય છે. તો વળી આ જ કોથળીઓ લેન્ડફિલ્ડમાં જાય છે ત્યારે તે જમીનને પણ ખૂબજ નુકસાન કરે છે, કારણકે પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી.
આજે અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદની એક એવી મહિલાની, જેમણે પ્લાસ્ટિકનો આ ઉપયોગ ઘટાડવા શરૂ કર્યું છે એક સ્ટાઈલિશ અભિયાન. લોકોની જરૂરિયાતો પણ સંતોષાય, અગવડ પણ પડે નહીં અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણા અંશે ઘટાડી શકાય.
મૂળ પાલનપુરનાં વતની સુરભીબેન જોશી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર અને લાઈબ્રેરિયન છે. તેમના પતિ આઈટી ફિલ્ડમાં કામ કરતા હોવાથી તેમને કંપની દ્વારા અલગ અલગ દેશોમાં રહેવાનું થયું. લગભગ 8 વર્ષ તેઓ કેન્યા, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની અને પેરિસ જેવા દેશોમાં રહ્યા. પરંતુ બધે ફર્યા બાદ તેમને એમજ લાગ્યું કે, બીજા દેશોમાં સુખ-સગવડ તો મળે છે, પરંતુ ભારત જેવું કલ્ચર અને પ્રેમની હુંફ બીજે ક્યાંય નથી. એટલે ગયા વર્ષે જુલાઈમાં તેઓ પાછા ભારત ફર્યા. અહીં તેમણે જોયું કે, નાનાથી મોટા દરેક કામમાં પ્લાસ્ટિકની કોથળીનો જ ઉપયોગ થાય છે, જ્યારે તેઓ વિદેશમાં હતા ત્યારે તેમણે ખાસ નોંધ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાની પાસે એક બેગ રાખતી હોય છે અને તેમાં જ ખરીદી કરતા હોય છે. જેથી તેમણે ત્યાં અલગ-અલગ પ્રકારની કપડાની સ્ટાઇલિશ બેગ્સ પણ જોઈ હતી. અહીં આવીને શરૂઆતમાં તો તેમણે પોતાના ઉપયોગ માટે ખાદીની સાદી બેગ બનાવી પરંતુ શાક લેવા જાય ત્યારે તેમાં બધુ શાક ભેગુ થઈ જતું હતું, જેને ઘરે લાવીને છૂટુ પાડવામાં પણ ઘણો સમય લાગી જતો હતો.

તો બીજી તરફ એવી સાદી થેલી લઈને તેમની દીકરી અને પતિને જતાં પણ શરમ આવતી એટલે તેમણે કઈંક સ્ટાઇલિશ વિકલ્પ અંગે વિચારવાનું શરૂ કર્યું, જેમાં તેમને જિન્સ સૌથી શ્રેષ્ઠ લાગ્યું, કારણકે તે ટકાઉ હોય અને સ્ત્રી હોય કે પુરૂષ બધાને ટ્રેન્ડી લુક આપી શકે. ત્યારબાદ તેમણે વિદેશમાં એક જ બેગમાં અલગ-અલગ ખાનાં હોય તેવી કેટલીક ડિઝાઇન્સ જોઈ હતી, એટલે તેમણે સૌથી પહેલાં એક બેગ ઘર માટે બનાવી. જેમાં દરેક ખાનામાં લગભગ 500 ગ્રામ શાકભાજી આવી જાય અને વચ્ચેના મોટા ખાનામાં ડુંગળી-બટાકા જેવા વધારાનાં શાક આવી જાય. અનુભવ બાદ એમાં થોડા સુધારા વધારા પણ કર્યા, તેનાં ખાનાં ઊંડાં કર્યાં, જેથી અંદરથી શાકભાજી નીકળી ન પડે. તો તેમાં ચપટી રાખી, જેથી શાક આરામથી સમાઈ જાય. આમ ત્રણ-ચારવાર અનુભવના આધારે ડિઝાઈનમાં બદલાવ કર્યા.
માર્કેટમાં આવી બેગ સરળતાથી મળી પણ જાય, પરંતુ સુરભીબેને પોતાના અનુભવના આધારે આ બેગની ડિઝાઇન બનાવી, જેથી તતેમાં અગવડતા નથી પડતી. તેમાં આદુ-મરચાં જેવા મસાલાથી લઈને બધાં શાકભાજી માટે ‘વેજી- સે-પાર્ટેડ’ બેગ બનાવી. પછી આ બેગ લોકોને ગમવા લાગતાં તેમણે બીજા લોકો સુધી પહોંચાડવા માટે આવી બેગ્સ બનાવડાવાનું નક્કી કર્યું. આ માટે બહુ ફર્યા બાદ એક્સપોર્ટ ક્વૉલિટીનું જિન્સ પસંદ કર્યું અને અસ્તર માટે કૉટરનું કાપડ વાપર્યું. તો બેગને ખભે લટકાવવા માટે ખાટલા ભરવા માટે વપરાતી પાટીનો ઉપયોગ કર્યો જેથી ખભે લટકાવીએ તો ખભા દુ:ખે નહીં.

હવે વાત આવી આટલી મોટી સંખ્યામાં બેગ્સ બનાવી કોણ આપશે. તે સમયે દેશમાં લૉકડાઉનનો સમય ચાલતો હતો. આ ઉપરાંત તેઓ કોઈ એવી વ્યક્તિ પાસે બેગ બનાવડાવવા ઇચ્છતા હતા, જેમને આના દ્વારા રોજગાર મળી રહે, એટલે તેમણે ગુજરાત એડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન (GAP) નો સંપર્ક કર્યો અને તેમાં કાર્ય કરતા પરમાનંદભાઈ દલવાડીની મદદથી 15 એડ્સ પીડિત મહિલાઓ પાસે આ બધી બેગ્સ બનાવડાવી. જેથી આ મહિલાઓને પણ રોજાગારી મળી રહી. આ માટે બધી જ સામગ્રી સુરભીબેને આપી અને સિલાઈ પણ એડવાન્સમાં આપી. અને તેના વેચાણ બાદનો બધો જ નફો પણ તેઓ આ જ સંસ્થાને દાનમાં આપે છે. માઉથ ટુ માઉથ પબ્લિસિટી અને ફેસબુક મારફતે લોકોને આની જાણ થતી જ રહે છે. અને અત્યાર સુધીમાં સુરભીબેને તેમની આ સ્ટાઇલિશ વેજિટેબલ બેગ તમિલનાડુ, મહારાષ્ટ્ર, ચેન્નઈ, બેંગ્લોર, પૂણે સહિત અનેક જગ્યાએ મોકલી છે. આ બેગની કિંમત 250 રૂપિયા છે. આ ઉપરાંત ઘણા એનઆરઆઈ લોકોએ ત્યાંથી ઓર્ડર કર્યા અને અહીં ભારતમાં વસતા તેમના સંબંધીઓ સુધી પહોંચાડવાનું કહ્યું.
આ બધી બેગ્સ બન્યા બાદ તેમાંથી જે નાના-નાના કપડાના ટુકડા વધા તેમાંથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે નાના-નાના બટવા બનાવ્યા, જેમાં તેઓ તેમનો મોબાઈલ, સેનિટાઇઝર, ચશ્મા અને થોડા પૈસા મૂકી શકે. અને તેને પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. આ બધા જ કામ માટે અસ્તરના કાપડ માટે પણ તેમણે બહુ સારો રસ્તો શોધ્યો. સામાન્ય રીતે દરજી કપડાં સીવે પછી વધતા નાના-નાના ટુકડા કઈ કામના નથી હોતા. એટલે સુરભીબેને કેટલાક દરજીઓનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી આ બધા ટુકડા લઈ તેનો બેગ્સ અને બટવામાં ઉપયોગ કર્યો. જેથી ખર્ચમાં ઘટાડો થયો. આ ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો આનંદ પણ મળ્યો.

હવે ધીરે-ધીરે સુરભીબેનના કામ અંગે લોકો જાણવા માંડ્યા. આ દરમિયાન કોઈએ તેમના ઘરે લગ્ન સમયે મહેમાનોને ભેટમાં આપવા માટે ડિઝાઇનર બટવા બનાવી આપવા વાત કરી. તો આ દરમિયાન તેઓ જીવનતીર્થ સંસ્થાના સંપર્કમાં આ આવ્યાં. આ સંસ્થા સવારના સમયે પ્લાસ્ટિક વીણવા જતી મહિલાઓને બપોર પછી સીવણકામ શીખવાડે છે. એટલે સુરભીબેને આ મહિલાઓને બટવાની ડિઝાઇન બનાવી તો આ મહિલાઓએ સુંદર બટવા બનાવી પણ આપ્યા. આ તેમની આ ઝુંબેશથી લોકોને સારી-સારી વસ્તુઓ પોષાય તેવા ભાવમાં મળવા લાગી અને સામે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળવા લાગી.

તો ગત દિવાળી સમયે બનાસકાંઠાની લોકસારથી સંસ્થા સાથે મળીને તેમણે માટીના કોડિયામાં મીણના દિવડા તૈયાર કર્યા. અને પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કપડાની નાનકડી બેગમાં બે-બે દિવડા પેક કર્યા સાથે કપૂર અને હળદર મૂકી. માત્ર 20 રૂપિયાના આ પેકેટને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે, તેમણે 1000 દિવાનું વિચાર્યું હતું, પરંતુ કુલ 3500 દિવા પેકેટ વેચાઈ ગયા અને તેમાંથી થયેલ કમાણી એ વિસ્તારના બાળકોના અભ્યાસ માટે આપવામાં આવ્યા.

નજીકના ભવિષ્યમાં તેઓ મંદિરમાંથી નીકળતી ચુંદડીઓમાંથી પછેડી, ગૌમુખી કે ચંદરવો બનાવવાનું વિચારે છે. આ માટે તેઓ આસપાસની ઘરે બેસી કામ કરી કમાતી મહિલાઓને સાથે લેશે. જેથી તેમને પણ રોજગાર મળી રહેશે.
સુરભીબેનના પિતાએ ‘પરિવર્તન અભિયાન’ ના નામથી અભિયાન શરૂ કર્યું હતું. જેના અંતર્ગત તેમણે કેટલાક મેડિકલ કેમ્પ પણ કર્યા હતા. પરંતુ તેઓ ડૉક્ટર હોવાથી છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણના કારણે વધારે સમય નથી આપી શકતા, પરંતુ સુરભીબેન હવે તેના અંતર્ગત કામ કરી રહ્યા છે. આ અંગે ધ બેટર ઈન્ડિયાને સુરભીબેને કહ્યું, “અત્યાર સુધી સમાજે આપણને ઘણું આપ્યું છે, અને બસ આવા નાના-નાના પ્રયત્નોથી થોડું-ઘણું પાછું આપવાનો પ્રયત્ન કરીએ છીએ.”
આ સિવાય પર્યાવરણ માટે તેઓ બીજા પણ કેટલાક નાના-નાના પ્રયત્નો કરે છે. તેમની ગાડીમાં પતરાળી કે માટીના કપ રાખે છે. જેથી ક્યાંક બહાર નીકળે તો પ્લાસ્ટિકના કપ કે પ્લાસ્ટિકની પ્લેટનો ઉપયોગ ન કરવો પડે. આ બધા પ્રયત્નો ભલે નાના-નાના લાગે પરંતુ, જો બધા જ લોકો તેને અનુસરતા થાય તો, આગળ જતાં પર્યાવરણને ઘણો મોટો ફાયદો થઈ શકે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે સુરભીબેનનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, તેમનો સંપર્ક તેમના ફેસબુક પેજ પર કે, 9016663711 નંબર પર કૉલ કે વૉટ્સએપ કરી શકો છો.
આ પણ વાંચો: કેળાના ઝાડનાં કચરામાંથી ઉભો કર્યો ધંધો, ગામની 450 મહિલાઓને મળ્યો રોજગાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.