આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી દુકાનની જે આખુ વર્ષ 24 કલાક ખુલ્લી રહે છે, રવિવારની પણ રજા નહીં, પછી ભલેને તેનો માલિક હાજર હોય કે ના હોય. છોટા ઉદેપુર તાલુકાના કેવડી ગામમાં છે એક દુકાન જે છેલ્લા ત્રીસ વર્ષોથી આ રીતે જ ચાલી રહી છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા દુકાનના માલિક સઈદભાઈએ તે પાછળનું તે કારણ અને શરૂઆતથી જ કેમ તેઓએ આ રીતે જ દુકાન ચલાવવાનું પસંદ કર્યું તે વિધિવત વિસ્તારપૂર્વક જણાવ્યું. તો ચાલો આપણે તેમની સાથેના થયેલા સંવાદને આગળ માણીએ.
18 વર્ષની ઉંમરે શરુ કરી દુકાન
સઈદભાઈ જણાવે છે કે તેઓ જયારે પોતાના 18માં વર્ષમાં પ્રવેશ્યા ત્યારે તેમને કેવડી ખાતે દુકાનની શરૂઆત કરી. તે દિવસથી જ તેમને આ દુકાનને આખુ વર્ષ 24 કલાક ચલાવવાનો નિર્ણય લીધો ભલેને પછી તેઓ ત્યાં હાજર હોય કે ના હોય પણ દુકાન તો હંમેશા ખુલ્લી જ મળે અને જે લોકોને જે કંઈ લઇ જવું હોય તે લઇ જાય અને તે લીધેલ વસ્તુના પૈસા સ્વેચ્છાએ મૂકી પણ જાય.

શરૂઆતમાં લોકોને આ રીત દ્વારા કંઈક અજુગતું જ લાગેલું કે આ તે કેવી દુકાન અને ઘણા લોકો આ બાબતેને એક શંકાની નજરે પણ જોતા. પરંતુ ત્યારબાદ સઈદભાઈએ લોકોના ઘેર ઘેર જઈને પોતાના દ્રષ્ટિકોણ અને શા કારણે તેઓ આ રીતે દુકાન ચલાવી રહ્યા છે તે વિશેની સમજ આપવાની શરુઆત કરી અને ઘણા બધાને હૈયા ધારણા પણ આપી કે તમારે કોઈ પણ વસ્તુની જરુરુ હોય તો મારી દુકાન હંમેશ માટે ખુલ્લી જ છે. અને ધીરે ધીરે લોકોને દુકાન પ્રત્યે વિશ્વાસ જાગ્યો.
આ રીતે મળ્યો દુકાન શરુ કરવાનો આશય
માત્ર 18 વર્ષની ઉંમરમાં આ પ્રકારની વિચારધારા દ્વારા દુકાનની શરૂઆત કરવી તે ખરેખર અદ્દભુત બાબત છે. સઈદભાઈને આ દુકાન કેમ આ રીતે જ શરુ કરી તે વિષે પૂછતાં તેઓ જણાવે છે કે “જુઓ હું ફક્ત એક જ નિયમમાં માનું છું કે, મેં આજ દિવસ સુધી કોઈનું પણ ખોટું નથી કર્યું તો કોઈ દિવસ કોઈ વ્યક્તિના હાથે મારા માટે શું ખોટું થઇ જવાનું. અને સાથે સાથે એ પણ જણાવ્યું કે જિંદગીમાં તેમને ડર ફક્ત ભગવાનનો છે મનુષ્યનો નહીં અને તે જ કારણે મેં આ દુકાનને આવી રીતે જ ચલાવવની શરૂઆત કરી. કારણ કે જેનો ડર જ ના હોય તેનાથી ડરી હું શું ધંધો કરી લેવાનો હતો. ડર તો ફક્ત ભગવાનથી છે માણસ તો સમજ્યા.”

30 વર્ષમાં ફક્ત એક જ ચોરીનો બનાવ અને તે પણ ફક્ત બેટરી માટે
સઈદભાઈને દુકાનમાં કોઈ ચોરી થઇ છે આજ સુધી તે બાબતે પુછતા તેમને જણાવ્યું કે “અત્યાર સુધી ફક્ત એક જ વખત ચાર વર્ષ પહેલા એવો બનાવ બન્યો કે, દુકાનમાંથી પૈસાની જગ્યાએ એક બેટરીની જ ચોરી થઇ હતી પોલીસ પણ આવી હતી પણ મેં ફરિયાદ કરવાનું ટાળ્યું, કેમ કે મને એ વાતનો સંતોષ હતો કે ચોર પૈસા ન ચોરીને બેટરી લઇ ગયા તે પાછળ કોઈ તેનો આશય હશે બાકી એને લઇ જ જવા હોત તો પૈસા જ લઇ જાત.
લોકો ઓળખે છે ઊભા શેઠ તરીકે
સઈદભાઈ જણાવે છે કે,” તેમના પિતા પણ ધંધાદારી હતા અને આ વિસ્તારમાં એક વ્યવસ્થિત મોભો ધરાવતા વ્યક્તિ પણ. તો આસપાસના લોકો તેમને ઊભા શેઠ તરીકે ઓળખતા જે ઉપનામ આજે સઇદભાઈ માટે વપરાય છે. અત્યારે તેમની દુકાન ઊભા શેઠની દુકાન તરીકે જ ઓળખાય છે. કંઈ પણ હોય લોકોના મોઢે ફક્ત એક જ નામ હોય છે કે ઊભા શેઠ.

દુકાનમાં રાખે છે બધી જ ચીજ વસ્તુઓ
તમને જયારે દુકાન માં શું શું રાખો છો તે વિશે પૂછવામાં આવ્યું તો તેઓ જણાવે છે કે તેઓ ઠંડા પીણાં , દૂધથી લઈને કરિયાણાની દરેક ચીજ વસ્તુઓ રાખું છું. તે સિવાય પતરાં, દરવાજા, ટાઇલ્સ, પાણીના કેરબા, કટલરી, હાર્ડવેર વગેરે જેવી વસ્તુઓ રાખે છે. આ બધી જ વસ્તુઓ 24 કલાક લોકોને ખરીદવા માટે ઉપલબ્ધ હોય છે અને જેને જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ તે શેઠ હોય કે ના હોય તો પણ જાતે જ આવીને લઇ જાય છે.

અંગત જીવન
સઇદભાઈ જણાવે છે કે તેમણે 27 વર્ષની ઉંમરે લગ્ન કર્યા પરંતુ ક્યારેય સહપરિવાર કેવડી ખાતે નથી રહ્યા. 13 વર્ષ જેવું ગોધરાથી અપડાઉન કરતા હતા અને છેલ્લા 17 વર્ષથી બરોડા ખાતે રહે છે. પરંતુ હવે બરોડાથી અપડાઉન ન કરતા તેઓ એકલા જ કેવડી ખાતે રહે છે અને સમયાંતરે ઘરે જવા આવવાનું રાખે છે. તેમને બે પુત્ર છે જેમાંથી એક પાયલોટ છે અને બીજો હજી અભ્યાસ કરી રહ્યો છે.

આમ, ઈમાન, ઈજ્જત અને વિશ્વાસના દિવાને પ્રગટાવી છોટા ઉદેપુરના કેવડી ગામ જેવા આદિવાસી વિસ્તારમાં આ વ્યક્તિ અત્યારના આ દંભી દૌરમાં ન માની શકાય તેવું કામ કરી રહ્યો છે. ધ બેટર ઇન્ડિયા આવા વ્યક્તિઓ તેમજ તેમણે પોતે ઘડેલા માનવ સમાજને અલગ દ્રષ્ટિકોણથી દેખી શકવાના રિવાજોને દિલથી સલામ કરે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: US રિટર્ન ‘ફકિરા’ IIM ના ગેટ પર મારુતિ 800 માં બર્ગર વેચી કરાવે છે પત્નીના કેન્સરની સારવાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.