Search Icon
Nav Arrow
Sole Craft
Sole Craft

જૂના જીન્સ-ડેનિમને ફેંકશો નહીં, આ લોકોને આપો, તેઓ તેમાંથી ચંપલ બનાવીને ગરીબ બાળકોને આપશે!

જૂના જીન્સ-ડેનિમમાંથી બેગ, ચંપલ, પેન્સિલ બૉક્સ બનાવીને ગરીબ બાળકોને આપી રહ્યા છે ત્રણ મિત્રો

હકારાત્મક સમાચારો સમાજના અન્ય યુવાનોને પણ કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. આ કહાની પણ એવા ત્રણ યુવાઓની છે, જેમના અલગ વિચારથી સમાજમાં પરિવર્તનનો એક પવન ફૂંકાયો છે.

ફેશન ડિઝાઇનિંગમાં ડિગ્રી મેળવનારી મૃણાલિની રાજપુરોહિતને એક દિવસ અચાનક એક વિચાર આવ્યો. આ વિચાર એવો હતો કે હું એવું તો શું કરી શકું જેનાથી રાત્રે નિરાતે ઊંઘી શકું, તેમજ હું ગર્વથી કહી શકું કે મેં પણ સમાજ માટે કંઈક કર્યું છે. અતુલ અને નિખિલે આ વિચારમાં મૃણાલિનીનો સાથ આપ્યો હતો. ત્રણેય મિત્રોએ મળીને એક એવું સ્ટાર્ટઅપ શરૂં કર્યું જે ગરીબો અને જરૂરિયાતવાળા બાળકોની મદદ કરે છે.

Sole Craft
ડાબેથી – મૃણાલિની રાજપુરોહિત, નિખિલ ગહલોત અને અતુલ મેહતા

ત્રણેય મિત્રોએ જૂના જીન્સ, ડેનિમમાંથી બાળકો માટે સ્કૂલની સામગ્રી બનાવવાનું નક્કી કર્યું હતું. સૌથી પહેલા જૂના જીન્સમાંથી બેગ, ચંપલ, જૂતા અને પેન્સિલ બૉક્સ બનાવ્યાં હતાં.

જે બાદમાં ત્રણેયએ વિચાર કર્યો કે હવે આગળ શું કરવું? આ લોકોએ પૈસા એકઠા કરીને સરકારી સ્કૂલોમાં તેમના ઉત્પાદનો આપવાની શરૂઆત કરી. પછી વિચાર આવ્યો કે શા માટે આ કામને મોટા સ્તર પર ન કરવામાં આવે? આ માટે એક સ્ટાર્ટઅપ બનાવવાનું નક્કી થયું. ત્રણેયએ આ સ્ટાર્ટઅપનું નામ ‘સોલક્રાફ્ટ’ રાખ્યું છે.

School Bag
સોલક્રાફ્ટના ઉત્પાદન સાથે બાળકો

‘સોલક્રાફ્ટ’ શરૂ થયાને આજે લગભગ બે વર્ષ થઈ ગયા છે. ડૉનેશન અને અન્ય માધ્યમથી આજે લગભગ 1,200થી વધારે સ્કૂલોના બાળકો સુધી ‘સોલક્રાફ્ટ’ની વસ્તુઓ પહોંચી ચૂકી છે.

‘સોલક્રાફ્ટ’ની ટીમે જરૂરિયાતવાળા બાળકો સુધી આ વસ્તુઓ પહોંચાડવા ઉપરાંત લોકોને રોજગારી પણ આપી છે. આ લોકોને ‘સોલક્રાફ્ટ’ 20 હજાર રૂપિયા સુધીનો પગાર પણ આપી રહ્યા છે.

મૃણાલિની કહે છે કે, “ગરીબ બાળકો માટે સસ્ટેનેબલ ફેશન, એ અમારી ટેગલાઇન છે. અમે જૂની અને કામમાં ન આવનારા ડેનિમ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કોઈ પણ જીન્સ કે ડેનિમનો લોકો અમુક વર્ષો પછી ઉપયોગ નથી કરતા. આ કપડાની ખાસિયત એવી છે કે તમે જેમ જેમ તેને પહેરો છે તેમ તેમ તે વધારે મજબૂત થાય છે. આથી અમે નક્કી કર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ડેનિમ પહેરવાનું છોડી દે ત્યારે શા માટે અમે તેનો ઉપયોગ કરીને અમારી જવાબદારી ન નિભાવીએ?”

Purani Jeans
બાળકીને જીન્સનાં ચપ્પલ પહેરાવતી મૃણાલિની

આ વિચાર સાથે આ ત્રણેય મિત્રો નીકળી પડ્યા હતા. તેમણે બાળકોના અભ્યાસ માટે એક કિટ બનાવી હતી. આ કિટ તેઓ સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોને આપતા હતા. આ કિટ ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવી છે. આ કિટમાં જીન્સ અને ડેનિમમાંથી બનાવવામાં આવેલા ચંપલ પણ હતા. મૃણાલિનીએ જાતે જ આ ચંપલને પહેરીને અંદાજ લગાવ્યો હતો કે તે કેટલા સમય સુધી ટકી શકે છે. તમામ વાતની ખાતરી બાદ જ તેમણે આ કિટને બાળકોમાં વહેંચી હતી.

મૃણાલિની અને તેના અન્ય બે મિત્રોનો હંમેશા એવો પ્રયાસ રહે છે કે પ્રાથમિક સુવિધાઓથી વંચિત ક્ષેત્રોમાં રહેતા એવા બાળકોની મદદ કરવી, જેમની પાસે સારા ચંપલ કે બેગ્સ નથી.

Purani Jeans
કિટ મળતાં ખુશ થયેલ બાળકો

આ માટે ટીમે સ્કૂલ બેગ, ચંપલ અને જિયોમેટ્રી બોક્સ સાથેની એક કિટ તૈયાર કરી છે. આ તમામ વસ્તુઓ જૂના ડેનિમ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે. એટલું જ નહીં, એક વખત કિટની વહેંચણી બાદ ટીમ એ વાતની પણ તપાસ કરે છે કે તેમણે જે કિટ આપી છે તેનો બાળકો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં. જો બેગ, ચંપલ કે અન્ય વસ્તુઓ ફાટી ગઈ હોય તો આ લોકોને પ્રયાસ રહે છે કે તેમને બદલી આપે અથવા જરૂરી મદદ કરે. હાલ આ મિત્રોની મુહિમ જોધપુર અને તેની આસપાસના ગામોની સરકારી સ્કૂલો સુધી સીમિત છે પરંતુ તેમનું સપનું છે કે આને મોટાપાયે શરૂ કરવામાં આવે.

ટીમનું લક્ષ્ય છે કે આગામી વર્ષમાં એક લાખથી વધારે લોકો સુધી આ કિટ પહોંચે. આવી એક કિટની કિંમત આશરે 399 રૂપિયા છે. અત્યાર સુધી જે કિટ વહેંચવામાં આવી છે તેનો ખર્ચ આ તમામ મિત્રોએ જ ઉઠાવ્યો છે. આગામી દિવસોમાં વધારે કિટ બનાવવા માટે ‘ડેનિમ કલેક્શન ડ્રાઇવ’ શરૂ કરવામાં આવશે.

Best From West
Best

‘સોલક્રાફ્ટ’ની ટીમ જે મુહિમ ચલાવી રહી છે તેનાથી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. એક ઘટના અંગે વાતચીત કરતા નિખિલ ગહલોત (ચીફ ઇનોવેશન ઓફિસર) કહે છે કે, “બાસનીની એક સ્કૂલમાં અમે કિટ આપવા માટે ગયા હતા. અમે ત્યાં જોયું કે એક બાળકે અડધું કપાયેલું ચંપલ પહેરી રાખ્યું છે. આ બાળક પાસે બેગ પણ ન હતી. તે પુસ્તકો પોતાના હાથમાં રાખીને સ્કૂલે આવતો હતો. અમે તેને બેગ અને ચંપલ આપ્યા હતા. આ ક્ષણે બાળકની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. આ ક્ષણ અમારી પાસે કેમેરામાં કેદ છે.”

‘સોલક્રાફ્ટ’નું આયોજન છે કે તે સ્કૂલ બેગ, ચંપલ, પેન્સિલ બોક્સ, ટ્રાવેલ કિટ, ચશ્મા કવર, જીમ બેગ, શૂ કવર, કાર્ડ હોલ્ડર, બોટલ કવર, પાસપોર્ટ કવર, લેપટોપ બેગ, આઈપેડ કવર, મેટ્રેસિસ સહિતના ઉત્પાદનો બનાવે.

Help Poor kids

જો તમે પણ ‘સોલક્રાફ્ટ’ સાથે જોડાવા માંગો છો તો ‘સોલક્રાફ્ટ’ વેબસાઇટ પર વૉલિન્ટિયર્સ ફૉર્મ અને ઇન્ટર્નશિપના માધ્યમથી જોડાઈ શકો છો. તમે પ્રચાર માટે મદદ કરી શકો છો. કોઈ સ્કૂલ અથવા કૉલેજના એમ્બેસેડર બની શકો છો. ડેનિમ એકઠા કરીને આપી શકો છો.

જો તમે સોલક્રાફ્ટની કોઈ મદદ કરવા માંગો છો તો તેમનો ફેસબુક , ઈ-મેલ, વેબસાઇટના માધ્યમથી સંપર્ક કરી શકો છો. અથવા આ નંબર 08559840605, 08387951000 પર કૉલ કરી શકો છો.

મૂળ લેખ: મોઈનુદ્દીન ચિશ્તી

આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon