ગુજરાતના ભાવનગર જિલ્લાના વતની શિવાભાઈ રવજીભાઈ ગોહિલે પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન માટે અનોખી જ કંકોત્રી બનાવી છે, જેનો ઉપયોગ કર્યા પછી તે ચકલીઓ માટે પક્ષી ઘર બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.
જ્યારે શિવાભાઈ રવજીભાઈ ગોહિલે તેમના પુત્ર જયેશના લગ્નની તારીખ નક્કી કરી ત્યારે તેઓ ઈચ્છતા હતા કે દરેક વ્યક્તિ આ પ્રસંગને ખાસ રીતે યાદ રાખે. પુત્રના લગ્નની સાથે સાથે તેઓની દીકરીના પણ લગ્ન ગોઠવ્યા હતા અને તે કારણસર આ સંયુક્ત પ્રસંગ એકદમ રસપ્રદ અને યાદગાર બની રહે તેવી બંને બાપ દીકરાની ઈચ્છા હતી. અને આ કારણે જ તેઓ આવી યુનિક કંકોત્રી બનાવવા માટે દોરવાયા.
આ સુંદર કંકોત્રીને લગ્ન પછી ચકલીના માળામાં રૂપાંતરિત કરી શકાય છે, અને ગુજરાતના ભાવનગર જિલ્લાના 45 વર્ષીય પિતા આ ઉત્તમ વિચારનો શ્રેય તેમના પુત્રને આપે છે.
તેઓ કહે છે કે જ્યારે જયેશ પ્રથમ વખત કંકોત્રીનો પુનઃઉપયોગ કરવાનો આ અનોખો વિચાર લઈને આવ્યો ત્યારે તેમણે દિલથી આ વિચારને સમર્થન આપ્યું હતું. તેઓ આગળ કહે છે કે, “એક કચરા તરીકે ફેંકી દેવાને બદલે, કંકોત્રીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય તે વાત જ સૌથી સારી છે.”
શિવાભાઈ ઉમેરે છે કે અમારો પરિવાર પક્ષી પ્રેમી છે અને તેમના ઘરમાં કેટલાય બર્ડહાઉસ છે. “અમે શક્ય તેટલું ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે મોટે ભાગે માટીના વાસણોનો ઉપયોગ કરીએ છીએ અને તેમાં પક્ષીઓ માટે પીવાનું પાણી પણ મૂકીએ છીએ.

આમ આ રીતે જ આ સાદગી તથા ટકાઉપણું પોતાના ઘરે આવેલ આ માંગલિક પ્રસંગમાં પણ છલકાઈ આવે તે હેતુસર જયેશે તેના તેમજ તેની બહેનના લગ્નની કંકોત્રીમાં આ વિચાર અમલમાં મુક્યો.
શિવાભાઈ કહે છે,“તમામ આમંત્રિતો અમારા વિચારથી રોમાંચિત હતા, અને તેમાંથી મોટાભાગના લોકોએ પોતપોતાના ઘરોમાં ક્યાંક ને ક્યાંક આ કંકોત્રીમાંથી બનેલ માળા મુક્યા અને તેમાંથી ઘણાંના ઘરે તો ચકલીએ સંસાર પણ વસાવી દીધો છે. અમે ખુશ છીએ કે અમારા બાળકોના લગ્ન આ રીતે હંમેશ માટે યાદ રહેશે.”
શિવાભાઈ અને તેમનો પરિવાર, જેઓ શક્ય તેટલું પ્રકૃતિની નજીક રહેવાનો પ્રયાસ કરે છે, તેઓ હવે એક વ્યવસ્થિત ઉત્તમ દિવસની તૈયારી કરી રહ્યા છે. અને જેમ જેમ ઘણા પક્ષીઓ આ કંકોત્રીમાંથી પોતાના માટે બનાવેલા નવા ઘરોમાં રહેવા લાગ્યા છે તેમ તેમ શિવાભાઈ તેમજ દરેક જણ તેમના પુત્રના આ અનોખા વિચારને સરાહનીય રીતે યાદ પણ કરશે.
મહત્વની વાત એ છે કે આ માળા રૂપી કંકોત્રી બનાવવાનો ખર્ચ એક નંગ દીઠ વીસ રૂપિયા લેખે થાય છે અને તેઓએ તેને ઉભી રીતે નહીં પરંતુ આડી રીતે બનાવી બહારની જગ્યા પર માંગલિક પ્રસંગની દરેક વિધિની વિધિવત માહિતી સાથે પ્રિન્ટ કરાવી હિતેચ્છુઓમાં વહેંચી છે.

આડી રીતે બનાવવાનો હેતુ એ કે તેમાં ચકલી જયારે ઈંડા મૂકે ત્યારે વ્યવસ્થિત રીતે તે તેમાં ગોઠવીને પોતાના બચ્ચાને મોટા કરી શકે. સાથે સાથે માળામાં ચકલીના પ્રવેશ માટેનું છિદ્ર પણ છે, ફક્ત ચકલી જ પ્રવેશી શકે તે રીતે બનાવ્યું છે જેથી બીજા કોઈ પક્ષીઓ તેને હેરાન ના કરી શકે.
ધ બેટર ઇન્ડિયા પરિવાર ગોહિલ પરિવારની આ પહેલ ફક્ત ભાવનગર પૂરતી માર્યાદિત ના રહી ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોમાં પણ પહોંચે તે આશય અને આશા સાથે આ લેખને લોકો સમક્ષ મૂકી રહ્યું છે. કેમ કે વાચકોને તો ખબર જ છે કે જ્યાં પ્રકૃતિ ત્યાં જ પરમેશ્વર.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રાજકોટના યુવાને ધાબામાં વાવ્યા 500 દેશી-વિદેશી રણ પ્રદેશના છોડ, બાળપણનો શોખ કર્યો પૂરો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.