લગ્નની વાત આવે કે લગ્નની કંકોત્રીની લાખો રૂપિયાનો ધુમાડો કરતાં લોકો જરા પણ વિચાર નથી કરતા. 5 રૂપિયાથી લઈને 500-700 રૂપિયા સુધીની કંકોત્રી છપાવતા હોય છે લોકો, તો મોટા-મોટા ઉદ્યોગપતિઓ તો હજારો રૂપિયાની કંકોત્રી પણ છપાવતા હોય છે. પરંતુ કંકોત્રી ભલે ગમે તેટલી મોંઘી હોય, લગ્નના થોડા દિવસ બાદ તો તે કચરામાં જ જતી હોય છે. પરંતુ જો આ કંકોત્રી હંમેશ માટે લોકોને ઉપયોગી થાય એવી હોય તો, લોકો તેને વર્ષો-વર્ષ સુધી સાચવી રાખે. બસ આવું જ કઈંક વિચાર્યું, ગુજરાતના અમરેલી જિલ્લાના નાનકડા ગામ ગાધકડાના સંકેત સાવલિયાએ.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સંકેતે કહ્યું, “જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે, આર્થિક તંગીના કારણે વધુ ભણવા માટે ક્યાંથી સ્કોલરશીપ મળે છે એ અંગે બહુ તપાસતો અને એ સમયે આસપાસ કોઈ માર્ગદર્શન આપી શકે તેવું પણ નહોંતું. 10 મા ધોરણમાં આવ્યો તો પણ પૂરતું માર્ગદર્શન નહોંતુ કે આગળ શું ભણવું. તો ઘણીવાર આધાર કાર્ડ કરાવવું હોય કે ચૂંટણી કાર્ડ, કે પછી મા અમૃતમ કાર્ડ કે બીજાં કોઇ ડોક્યૂમેન્ટ્સ, ઘરમાં કોઇ ખાસ ભણેલું ન હોય ત્યારે સરકારી કચેરીઓમાં બહુ ધક્કા ખાવા પડે છે. આ બધી સમસ્યાઓ મેં બાળપણથી જ જોઇ હતી. એટલે આ બધાનો કોઇ સરળ હલ નીકળે એવું હું વિચારતો હતો.”
વધુમાં ઉમેરતાં તેમણે કહ્યું, “છેલ્લાં 5 વર્ષથી હું શિક્ષણ ક્ષેત્રમાં કામ કરું છું. જ્યાં મેં ખાસ નોંધ્યું કે, કન્યા શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે. લોકો કન્યા શિક્ષણને ગંભીરતાથી નથી લેતા. એટલે લોકો આ બાબતે ગંભીરતાથી વિચારે આ ઉપરાંત આજકાલ પ્રાઇવેટ શાળાઓનું ચલણ બહુ વધી ગયું છે. આસપાસ સારી સરકારી શાળાઓ હોવા છતાં લોકો દેખાદેખીમાં તેમનાં બાળકોને પ્રાઇવેટ શાળામાં મૂકે છે. એટલે લોકો સુધી સરકારી શાળાઓની ગુણવત્તા અંગે જણાવવા મેં જાતે જે શાળાઓની મુલાકાત કરી છે, તેની કેસ સ્ટડી લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. જેમાં એ શાળાએ સમાજ માટે શું કર્યું અને સમાજે શાળા માટે શું કર્યું તે બધુ લોકો સુધી પહોંચાડ્યું.”

સૌથી મહત્વની બાબત તો સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ આપવામાં આવે છે, તે અંગે બહુ ઓછા લોકોને ખબર હોય છે. જેના કારણે પૈસાની તંગીના કારણે તેમને ભણતર અધવચ્ચેથી જ છોડવું પડે છે. વિદેશ અભ્યાસ, છત્રાલય માટે, ફૂડ બિલ માટે વગેરે માટે મળતી લોન માટે કેવી રીતે અપ્લાય કરવું વગેરે ખૂબજ મહત્વની બાબતો છે.
તો આ બધી જ બાબતો અંગે વિસ્તૃતમાં સંપૂર્ણ માહિતી મારી કંકોત્રીમાં છાપવામાં આવી છે. આમ આ આખી કંકોત્રીને છપાવવા જઈએ તો એક કંકોત્રી ઓછામાં ઓછા 50-60 રૂપિયામાં પડે. એટલે અમે તેની માત્ર 200 કૉપી જ છપાવી, જે સાવ નાના ગામડામાં આપી શકાય. બાકી બધાંને અમે સૉફ્ટ કૉપીમાં પીડીએફ મોકલી. અને આ કંકોત્રી માત્ર ગુજરાત જ નહીં આખા દેશની સાથે-સાથે વિદેશોમાં પણ વાયરલ બની અને તેનાં ઘણાં સારાં પરિણામ પણ આવ્યાં.

- દુબઈ રહેતા એક ભાઇ સુધી અમારી કંકોત્રી પહોંચી. જેમનું મૂળ વતન મહેસાણા હતું અને મારી કંકોત્રીમાં વિજાપુરની દોલતપુરની ડાબલાપુર શાળાની કેસ સ્ટડી અંગે જણાવેલ હતું. જે જોઇ તેમણે શાળાનો સંપર્ક કર્યો અને ભારત આવ્યા બાદ એ શાળાની મુલાકાત લીધી અને શાળામાં શિક્ષણ માટે દાન પણ આપ્યું.
- જુનાગઢની એક કન્યાશાળાને અમે કંકોત્રી મળ્યા બાદ અમેરિકાથી એક ડોનરનો ફોન આવ્યો. જેમનું મૂળ વતન જુનાગઢ હતું. અને તેમણે જણાવ્યું કે, તમારા ત્યાં આર્થિક રીતે નબળું કોઇપણ બાળક હોય તો મને જણાવજો, તેની બધી જ જરૂરિયાતો હું પૂરી કરીશ. બસ ત્યારથી તેઓ આજે પણ મદદ કરે છે.
- આ સિવાય એક વડોદરા અને સુરતના વિદ્યાર્થીએ પણ સંપર્ક કર્યો હતો. તેમને વિદેશ અભ્યાસ અંગે લોન માટે કેવી રીતે અપ્લાય કરવું એ અંગે જાણવું હતું. તેમણે આ કંકોત્રીમાં જે રીતે જણાવ્યું હતું એ રીતે અપ્લાય કરતાં સફળતા પણ મળી હતી.
- તો ઘણા લોકો બીજા શહેર કે રાજ્યના હતા. જેમને મા કાર્ડ, આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડ કેવી રીતે કઢાવવું તે અંગે મહત્વની માહિતી મળી રહી.

લોકોને ભણતરથી લઈને સરકારી યોજનાઓ અને વિવિધ દસ્તાવેજો સહિતની બધી જ માહિતી મળી રહી આ કંકોત્રીમાંથી.
સાથે-સાથે આ કંકોત્રીમાં સ્વચ્છ ભારત અને બેટી બચાવો અને બેટી ભણાવોનો લોગો છપાવવામાં આવ્યો જેથી લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય.
જ્યાં-જ્યાં આ કંકોત્રી વાયરલ થઈ, ત્યાંની આજુ-બાજુની શાળાઓમાં લોકો મુલાકાત લેવા લાગ્યા.
કંકોત્રી છપાવતાં પહેલાં સંકેતભાઇએ તેમના માતા-પિતા અને મંગેતર સાથે વાત કરી અને તેમણે આવી આખી કંકોત્રી છપાવવાનું જણાવ્યું. પરંતુ સંકેતભાઇ નહોંતા ઇચ્છતા કે આટલા બધા કાગળનો બગાડ થાય. આ ઉપરાંત જ્યારે કંકોત્રી મળે ત્યારે બધા આખી વાંચે પણ નહીં. પરંતુ જો તે સોફ્ટ કૉપીનાં હોય તો લોકોને જ્યારે પણ તેની જરૂર પડે ત્યારે તેમાંથી માહિતી લઈ શકે છે.

આ સિવાય બીજી એક રસપ્રદ વાત કરીએ તો, આજકાલ લોકો હાઇફાઇ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે ત્યાં સંકેત અને તેમની મંગેતર અંકિતાએ દેશી કાઠિયાવાડી અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેથી લોકોને આપણી મૂળ સંસ્કૃતિ ફરી તાજી કરાવતું ફોટોશૂટ ખૂબજ ગમી ગયું હતું અને ખૂબજ વાયરલ પણ બન્યું.
સંકેતભાઇ અત્યારે એન્યુકેશન ઈનોવેશન બેન્કમાં પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ એસોશિએટ તરીકે કામ કરે છે. જેના અંતર્ગત તેઓ જે સરકારી શાળાઓમાં જે પણ શિક્ષકો સારું કામ કરતા હોય તેમનું ડોક્યુમેન્ટેશન કરી બીજા શિક્ષકો સુધી પહોંચાડે છે, જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વધારો કરી શકાય. તો તેમનાં પત્ની અંકિતાબેન લાઇબ્રેરી આસિટન્ટ તરીકે કામ કરે છે. આમ શિક્ષણ ક્ષેત્રે કામ કરતા આ દંપત્તિની કંકોત્રી પણ હજારો-લાખો લોકોને પ્રશિક્ષિત કરવાની સાથે-સાથે ખૂબજ મદદરૂપ બની રહી છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે સંકેતભાઇનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો, તેમને 81408 83112 પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.