આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવા ગુજરાતી યુવાન વિશે જેનાં લગ્નને આજે 3 વર્ષ થઈ ગયાં, છતાં લોકો આજે પણ નથી ભૂલ્યા. વાત લગ્નની જ નહીં, લોકો તેમના લગ્નની કંકોત્રી પણ નથી ભૂલ્યા.
આપણા દેશમાં લગ્ન સમારંભો માત્ર વર-વધુ જ નહીં, પરંતુ તેમના પરિવાર અને સંબંધીઓ માટે પણ બહુ મહત્વના હોય છે. લગ્ન સાથે સંકળાયેલ નાની-મોટી દરેક રસમો ખૂબજ ભવ્યતાથી નિભાવવામાં આવે છે અને પરિવારજનો લગ્ન પાછળ લાખો-કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. અંબાણી પરિવારનાં લગ્ન વિશે તો તમે જાણતા જ હશો. લગ્નની ભવ્યતાની વાત તો ઠીક, માત્ર કંકોત્રીની કિંમત 2 લાખ રૂપિયા હતી.

લગ્નની કંકોત્રીની કિંમત 5 રૂપિયાથી લઈને 2 લાખ સુધીની હોઇ શકે છે. પરંતુ જરા વિચારો, તમારી આ જ કંકોત્રી લોકોના ઘરમાં પસ્તી જ બની જતી હોય છે. લગ્નનાં બે વર્ષ બાદ તો સગાં-વહાલાં અને મિત્રોને તો મેરેજ એનિવર્સરી પણ સોશિયલ મીડિયામાં અપડેટ જોઇ યાદ આવે છે. તો ગુજરાતના એક યુવાને બે વર્ષ પહેલાં કઈંક એવી કંકોત્રી છપાવી હતી કે, આજે પણ લોકોએ તેને સાચવી રાખી છે અને લોકો આ કંકોત્રીની પીડીએફ કૉપી અને તસવીરો સામેથી મંગાવે છે.
ગુજરાતના અમદાવાદમાં રહેતા 32 વર્ષિય ચેતન પટેલ એક સમાજ સેવક છે અને સૃષ્ટિ સંગઠ સાથે જોડાયેલા છે. જેના અંતર્ગત તેઓ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના ઉત્થાન માટે કામ કરે છે. તેઓ સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન સાથે રિસર્ચ એસોશિયેટ તરીકે કામ કરી રહ્યા છે. તો સાત્વિક , કંડાચગામ – કલોલ , જ્ઞાન, એજ્યુકેશન ઈનોવેશન બેન્ક અને હની બી નેટવર્ક માટે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ શોધયાત્રા માટે પણ રિસર્ચ ફેલો તરીકે જોડાયેલા છે.

તેઓ આ બધી જ સંસ્થાઓ સાથે ગુજરાતના ખૂણે-ખૂણે નાના-મોટા સંશોધન કરી રહેલ સંશોધકોને બહાર લાવે છે. લોકો સુધી તેમની માહિતી પહોંચાડે છે અને તેમને શક્ય એટલી મદદ પહોંચાડવાનો પણ પ્રયત્ન કરે છે. માત્ર સંશોધકો જ નહીં, ખેડૂતો માટે પણ તેઓ આટલી જ મહેનત કરે છે. ઓર્ગેનિક રીતે ખેતી કરતા લોકોને આગળ લાવવાની વાત હોય કે પછી ખેડૂતો માટે મદદરૂપ ટેક્નિક્સ વિશે તેમને જણાવવાનું હોય, ચેતન પટેલ હંમેશાં તૈયાર રહે છે.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કંડાચ ગામના એક ખેડૂત પરિવારમાંથી આવતા ચેતન પટેલે પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં જ લીધું હતું. ત્યારબાદ તેમણે મંગલ ભારતી ગ્રામ વિદ્યાપીઠ (સંખેડા) માં ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું. ગ્રેજ્યુએશન દરમિયાન જ તેઓ સૃષ્ટિ સંગઠનના સંપર્કમાં આવ્યા અને આજે લગભગ 13 વર્ષથી સૃષ્ટિ સંગઠન સાથે જોડાયેલા છે.

આજે પણ તેમના દરેક નિર્ણયનું માન રાખવામાં આવે છે પરિવારમાં. આ અંગે જણાવતાં ચેતન પટેલ કહે છે, “આટલે સુધી પહોંચવામાં મેં બહુ સંઘર્ષ કર્યો છે. બાળપણથી જ ઘરવાળાંની મદદ કરતો હતો અને તેની સાથે-સાથે મને ભણવામાં પણ એટલો જ રસ હતો. મારી લગનને જોઇ પરિવારે પણ મને સાથ આપ્યો.”
સૃષ્ટિમાં ‘શોધયાત્રા ઓર્ડિનેટર પદ પર કાર્યરત ચેતનનું માનવું છે કે, સમાજ સુધારની વકાલત કરતા લોકો જ મોટાભાગે તેને પોતાના જીવનમાં ઉતારી શકતા નથી. બધા ઇચ્છે તો છે કે, સમાજમાં કોઇ ગાંધી હોય, પરંતુ સાથે-સાથે એમ પણ ઇચ્છે છે કે, આ ગાંધી તેમના ઘરમાં નહીં, પરંતુ કોઇ બીજાના ઘરમાં હોવા જોઇએ.’

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ચેતન પટેલે જણાવ્યું કે, “જો આપણે બદલાવ લાવવા ઇચ્છતા હોઇએ તો, સૌથી પહેલાં તો પોતાના વિચારોમાં અને વ્યવહારમાં બદલાવ લાવવો જોઇએ. સૄષ્ટિ મારફતે હું ઘણા મુદ્દાઓ પર કામ કરું છું, પરંતુ હું તેને મારા જીવનમાં ન ઉતારી શકું તો તેનો શું ફાયદો? એટલે જ હું ઇચ્છતો હતો કે, મારાં લગ્ન લોકો માટે બદલાવની એક પહેલ બને. જેની શરૂઆત મેં લગ્નની કંકોત્રીથી કરી,”
ચેતનનાં લગ્ન 25 નવેમ્બર 2017 ના રોજ થયાં હતાં. આવાં નિરાળાં અને અદભુત લગ્ન વિશે ભાગ્યે જ તમે ક્યાંક સાંભળ્યું કે જોયું હશે!
તેમનાં લગ્નની કંકોત્રી લગભગ 20 પાનાંની હતી. શરૂઆતનાં બે પાનાંમાં લગ્નના સમારંભો અને રસમોની માહિતી આપવામાં આવી હતી. બાકીનાં 18 પાનાંમાં કૃષિ સંબંધિત, ખેડૂતો માટે ફાયદાકારક માહિતી અને અલગ-અલગ પાયાના ઈનોવેટર્સ અને તેમની શોધ અંગે છપાવવામાં આવ્યું હતું.

ચેતને કહ્યું, “સૌથી પહેલાં તો તેમાં અનાજના ભંડાર માટે દેશી ઉપાયો વિશે લખાવડાવવામાં આવ્યું, જેમ કે, ઘઉંમાં લીમડાનાં પાન, ફુદીનાનાં સૂકાં પાન નાખવાં. આ રીતે લગભગ 30-40 પારંપારિક અને જૈવિક રીતો વિશે લખાવડાવામાં આવ્યું. જો ખેડૂતો આ ઉપાયોનો ઉપયોગ કરે તો તેમને કોઇ રસાયણોની જરૂર નહીં પડે.”
આ અંગે વાત કરતાં વધુમાં તેમણે કહ્યું, “ત્યારબાદ આપણે જોઇએ છીએ કે, પાકમાં જીવાત અને કીડા પડવાથી બહુ નુકસાન થાય છે. તો અલગ-અલગ પ્રાકૃતિક રીતે કઈ રીતે પાકને બચાવી શકાય એ અંગે પણ છપાવડાવામાં આવ્યું અને પશુપાલન માટે જરૂરી ટેક્નિક્સ વિશે પણ લખવામાં આવ્યું.”
ચેતનના મોટાભાગના સંબંધીઓ કોઇને કોઇ રીતે ખેતી પર આધારિત છે. આ જોતાં તેમના માટે આ લગ્ન બહુ સારી માહિતીનો સ્ત્રોત બની ગયો અને જે લોકો જાતે ખેતી કરતા નહોંતા, તેમણે આ કંકોત્રી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી.
ચેતનભાઇ જણાવે છે કે, લગ્નને લગભગ 3 વર્ષ થઈ ગયાં છે, છતાં આજે પણ લોકો ફોન કરી કાર્ડની પીડીએફ કૉપી માંગે છે. અત્યાર સુધીમાં આ કંકોત્રી હજારો લોકો સુધી પહોંચી ચૂકી છે.

લગ્નની કંકોત્રી જ નહીં, લગ્ન પણ રહ્યાં અનોખાં
તેમના લગ્નની કંકોત્રી જ નહીં, પરંતુ લગ્ન પણ સૌથી અલગ અને અનોખાં હતાં. તેમનાં લગ્નમાં આવનાર બધા જ લોકો માટે આ લગ્ન યાદગાર બની ગયાં. જ્યાં ડીજે, મ્યૂઝિક સિસ્ટમની જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોના ઇનોવેટર્સના 25 સંશોધનોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું.
તેમનાં લગ્નમાં મોટાભાગે ખેડૂતો અને ગ્રામીણો જ આવવાના હતા. એટલે તેમની આ પહેલ તેમના માટે મદદરૂપ તો હતી જ, સાથે-સાથે આ સંશોધન કરનાર લોકો માટે પણ પોતાનું હુનર બતાવવાની સારી તક હતી.
આ અંગે ચેતને કહ્યું, “શહેરમાં ખેડુત મેળો લાગે કે કોઇ પ્રદર્ષન યોજાય તો, ખેડૂતો માટે સમય કાઢી જવું મુશ્કેલ બની જાય છે. પરંતુ મને ખબર હતી કે, મારા લગ્નમાં આવનાર મોટાભાગના લોકો ગામડાના જ હશે, એટલે આ પ્રદર્ષન ગોઠવવામાં આવ્યું. જેથી મહેમાનો જમતાં-જમતાં તેમનાં કામ અને ખેતીને સરળ બનાવતાં સંશોધનો વિશે પણ જાણી શકે.”

ભોજનના બગાડ પર જાગૃતિ
કોઇપણ લગ્ન હોય, જન્મદિવસની પાર્ટી હોય, કે પછી બીજો કોઇ સમારંભ, ભોજનનો મોટાપાયે બગાડ જોવા મળે છે. લોકો ખાય તેના કરતાં બગાડ વધારે કરે છે. પછી આ બધુ જ ડસ્ટબિનમાં જાય છે. લોકોને આ બાબતે જાગૃત કરવા અમે એક જબરદસ્ત ઉપાય અપનાવ્યો.
ચેતને કહ્યું, “મેં 1500-2000 પેન લીધી અને તેના પર ‘સેવ ફૂડ, સેવ લાઇફ’ (ભોજન બચાવો, જીવન બચાવો) સ્લોગન પ્રિન્ટ કરાવ્યું. આ પેનને લઈને કેટલાક સ્વયંસેવકો ડસ્ટબિન્સની પાસે ઊભા થઈ ગયા. ત્યારબાદ જે પણ મહેમાન ડસ્ટબિન આગળ તેમની પ્લેટ લઈને આવે અને તેમની પ્લેટ એકદમ ખાલી હોય તેમને સ્વયંસેવક ધન્યવાદ કહે અને આ પેન ગિફ્ટમાં આપે. તો જે લોકોએ ભોજનનો બગાડ કર્યો તેમને આ પેન ન આપવામાં આવી.”
ચેતનની આ પહેલથી લોકોને વિચારવા મજબૂર કરી દીધા. કારણકે ઘણા લોકોએ સ્વયંસેવકોને પૂછ્યું કે, તેમને પેન કેમ નથી મળી, ત્યારે કારણ જાણી તેમના ચહેરા પર પસ્તાવાનો ભાવ જોવા મળતો. “લગ્નમાં 3500 લોકો આવ્યા હતા, જેમાંથી અડધા લોકોને આ પેન મળી. આ આંકડો આપણને એ અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર કરી દે છે. આ જોઇ મને પણ લાગ્યું કે, હવે બીજા ઘણા લોકો ભોજનના બગાડને રોકવા અંગે વિચારશે.”

પ્લાસ્ટિક ફ્રી લગ્ન
આ અંગે ચેતન જણાવે છે કે, તેમણે લગ્નમાં કોઇપણ પ્રકારની પ્લાસ્ટિક ક્રોકરીનો ઉપયોગ નહોંતો કર્યો. ચમચીથી લઈને પાણીના ગ્લાસ બધુ જ સ્ટીલનું રાખવામાં આવ્યું હતું. “પહેલાં તો મારા પપ્પા આ માટે તૈયાર નહોંતા. તેમને બીક હતી કે, લગ્નમાં વાસણ ખૂટી પડશે તો. પરંતુ મેં તેમને સમજાવ્યા અને તે માની ગયા અને અમને કોઇપણ પ્રકારનાં વધારાનાં વાસણની જરૂર ન પડી.”
તેમને લગ્નસ્થળ પર પોસ્ટર પણ લગાવડાવ્યાં હતાં, જેના પર લખવામાં આવ્યું હતું કે, દરેક મહેમાન વાસણનો ઉપયોગ સાવધાનીથી કરે, જેથી બીજા મહેમાનોને તકલીફ ન પડે. તેમની આ પહેલ રંગ લાવી અને લોકોને સ્ટીલનાં વાસણોનો કૉન્સેપ્ટ ગમ્યો.
તેમની જીવનસંગીની આવૃતિનું સ્વાગત પણ તેમણે હટકે રીતે કર્યું. પરિવારે વહુના સ્વાગત માટે ઘરની બહાર 500 સુધી બંને બાજુ દિવા અને ફૂલ પાથરવામાં આવ્યા. જેની પાછળ તેમનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે, જે રીતે સાસરીમાં જમાઇનું સ્વાગત થાય છે અને માન-સન્માન કરવામાં આવે છે, બરાબર એ જ રીતે વહુનો પણ પૂરેપૂરો હક છે.

ચેતનનું કહેવું છે કે, એક છોકરી તેનો આખો પરિવાર છોડીને નવા પરિવારને અપનાવે છે, એ જોતાં સાસરિયાંએ પણ બે ડગલાં આગળ વધવું જોઇએ. આ આપણી જવાબદારી છે કે, આપણે ઘરની નવી સભ્યને પ્રેમ અને માન-સન્માન આપીએ, તેને સાચા દિલથી અપનાવીએ.
લગ્ન બાદ ચેતન પટેલ પત્ની સાથે હનિમૂન કરવા માટે હિમાચલના ચાંબા જિલ્લાના ભિલોલી ગામમાં ગયા હતા. ત્યાં તેમણે 500 પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવડાવી હતી, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજે પણ એ ગામમાં જવા માટેનો રસ્તો નથી.

વધુમાં ચેતને કહ્યું, “અમારાં લગ્ન બાદ અમે આવૃત્તિનો જન્મદિવસ પણ ગામની એક સાધારણ શાલામાં બાળકોની વચ્ચે જ ઉજવ્યો હતો અને અમને જે માન-સન્માન મળ્યું, એ જોઇ અમે નિર્ણય કર્યો કે, અમે દર વર્ષે જન્મદિવસ શાળાનાં બાળકો, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જ ઉજવશું. અને આ સિલસિલો આજે પણ યથાવથ છે.”
ચેતન અને આવૃત્તિનાં લગ્ન ખરેખર લોકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. તેમની આ પહેલ સોશિયલ મીડિયા મારફતે આજ સુધીમાં હજારો-લાખો લોકો સુધી પહોંચી ચૂકી છે. અંતે ચેતન માત્ર એટલું કહેવા ઇચ્છે છે કે, આજના સમયમાં નકારાત્મક સમાચાર દેશમાં મિનિટોમાં વાયરલ બની જાય છે, પરંતુ જે લોકો સમાજ માટે કઈંક સારું કરવા ઇચ્છે છે, તેમનો કહાનીઓ ગામથી શહેર સુધી પહોંચી શકતી નથી. આપણે આવા જ લોકોની કહાનીઓ બહાર લાવવી જોઇએ અને મારો પ્રયત્ન એ જ છે કે, આ પ્રકારની પહેલોથી પ્રભાવિત થઈ વધુમાં વધુ લોકોએ બદલાવ માટે આગળ વધવું જોઇએ.
જો તમે પણ આ અંગે વધુ જાણવા ઇચ્છતા હોય અને ચેતન પટેલનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો 9227447243 નંબર પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: આ બે ગુજરાતી મિત્રોએ દિવેટનું મશીન બનાવી આપી 6000 કરતાં વધુ મહિલાઓને રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.