Search Icon
Nav Arrow
Save Sparrow Project
Save Sparrow Project

કચ્છના કોલેજીયન યુવાનોને શરૂ કર્યું ચકલી બચાવ અભિયાન, ફ્રી સમયમાં બાંધ્યા 7 હજાર+ માળા

આસપાસ ચકલીઓની સતત ઘટતી જતી સંખ્યા જોઈએ કચ્છના ભાવિક ચૌહાણે મિત્રો સાથે મળીને શરૂ કર્યું ચકલી બચાવ ગૃપ. કૉલેજ બાદ નવરાશના સમયમાં બાંધ્યા 7 હજાર કરતાં વધુ માળા અને બર્ડ ફીડર. 30 રૂપિયાથી શરી કરેલ અભિયાન પહોંચ્યું 1 લાખે.

કોલેજમાં ભણતાં ભણતાં સૌ યુવાનો મોજ શોખ અને મજા કરતા હોય છે જ્યારે કચ્છના આ યુવાનોનું જૂથ ભણતાં ભણતાં ફ્રી સમયમાં કરી રહ્યા છે ચકલીઓ, અન્ય પક્ષીઓ અને પર્યાવરણ માટેના સેવા કાર્યો.

કચ્છના ભુજથી 15 કિમી પહેલા આવતા કુકમા ગામના યુવાનોનું એક એવું જૂથ છે કે જેઓના પર્યાવરણલક્ષી કાર્ય ખરેખર સરાહનીય છે. તો આવો જોઈએ તેમના કાર્યો અને તેનું સુંદર પરિણામ.

મૈત્રીભાવ ગ્રુપ કુકમાનાં યુવાનો છેલ્લા ચાર વર્ષથી સેવ સ્પેરો કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ તમામ યુવાનોએ ચાર વર્ષની સખત મહેનતથી સાત હજારથી વધુ ચકલી ઘર, બર્ડ ફીડર, પાણીના કુંડા, માટીના ચકલી ઘર અલગ અલગ જગ્યાએ લગાવ્યા અને લોકોને વિતરણ કરી લુપ્ત થતી ચકલીઓ અને પક્ષીઓ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે. તેઓએ અત્યાર સુધી ભારતના 20 થી વધુ રાજ્યોમાં અને ગુજરાતના 60 થી વધુ ગામડાઓ અને શહેરોમાં લોકોના ઘરે ઘરે ચકલી ઘર અને બર્ડ ફીડરના પાર્સલ પડતર કિંમતે મોકલાવી લોકોને ચકલીઓ માટે જાગૃત કર્યા છે.

તેઓના વોટસ એપ ગ્રુપમાં સમગ્ર ભારતમાંથી 125 થી વધુ લોકો જોડાયેલા છે. આ યુવાનોએ ગુજરાતમાં અને ગુજરાત બહાર તમિલનાડુ, કેરલ, કર્ણાટક, હૈદરાબાદ, રાજસ્થાન, બિહાર, મુંબઈ, લખનઉ, ગુડગાવ, ભોપાલ જેવા અનેક રાજ્યો અને શહેરોમાં પક્ષીઓ માટે ચકલી ઘર અને બર્ડ ફીડરના પાર્સલ પણ મોકલાવેલા છે.

Save Sparrow Project

ઘ બેટર ઈંડિયા સાથે વાત કરતા સેવ સ્પેરો કેમ્પેઈનના સ્થાપક અને સંચાલક ભાવિક ચૌહાણ જણાવે છે કે તેમણે આ કાર્યની શરૂઆત પોતાના ઘરેથી વર્ષ 2017 માં ખૂબ નાના પાયે બૂટ ચપ્પલના બોક્ષમાંથી ચકલી ઘર બનાવીને અને ચકલીઓ માટે ચણ મૂકીને કરી હતી. તેમાં તેમને ખૂબ સારું પરિણામ મળ્યું. ધીરે ધીરે ગામના મિત્રો હેમાંગ પરમાર અને અમિત ચૌહાણ, વિશાલ ચૌહાણ સાથે મળી હજુ વધારે બોક્ષમાથી ચકલી ઘર બનાવીને ગામમાં અલગ અલગ જગ્યાએ મંદિર, રેલવે સ્ટેશન પર લગાવ્યા. તેઓ આગળ કહે છે કે,”મે ક્યારેય વિચાર્યું ન હતું કે ચકલીઓ માટેના કાર્યમાં અમને આટલી મોટી સફળતાં મળશે. ટીમના સૌ મિત્રોના સહિયારા પ્રયાસો અને સખત પરિશ્રમ ગ્રામજનો અને અન્ય અનેક લોકોના સહકારથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શક્યા છીએ અને ધીરે ધીરે ચકલીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

હાલમાં આ યુવાનો પક્ષીઓના ચણ માટે દર મહિને 120 કિલો જેટલું ચણ આપી રહ્યા છે. પક્ષીઓ માટે ગામમાં અલગ અલગ જગ્યાએ બર્ડ ફીડરની વ્યવસ્થા કરી છે જેમાં ચણ ભરી દે છે જે એક અઠવાડિયા સુધી ચાલે છે. દર રવિવારે તેઓ આ બર્ડ ફીડરમાં ચણ ફરીથી ભરી આવે છે.

Sparrow Nest In House

તેઓના કાર્યને જોઈ ગામના અનેક લોકો અને યુવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યમાં જોડાયા છે. તેઓ આ વિષય પર શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કરવા પર વધુ ભાર મૂકી રહ્યા છે જેથી એક વિદ્યાર્થી પોતાના ઘરના લોકોને સમજાવે તો એમ કરતા કરતા અનેક ઘરોમાં પક્ષીઓ અને પર્યાવરણ બાબતે જાગૃતિ આવે અને આવનારી પેઢી પણ સમજદાર બને.

આ કાર્યમાં શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી તેમની પાસે કોઈ ફંડ ન હતું અને લોકોને પરિણામની પણ ખબર ન હતી તેથી કોઈને વાત કરતા તો પણ ઘણા લોકો એવું જ કહેતા કે આ ફાલતુ કામ છે આમાં કંઈ ના મળે ભણવાનું કરો એમાં કંઈક થશે. ચકલી પોતે માળા બનાવી લે આપણે કંઈ જ કરવાનું ના હોય. તેમ છતાં તે લોકોએ આ કાર્ય પણ જાળવી રાખ્યું છે અને સાથે સાથે ભણતરમાં પણ સારી એવી ટકાવારી જાળવી રાખી છે.

શરૂઆત માત્ર 30 રૂપિયાથી કરી હતી પરંતુ આજે કુલ એક લાખ રૂપિયાની કિંમતના ચકલી ઘર, બર્ડ ફીડર ખરીદી અલગ અલગ જગ્યાએ લગાવી અને જરૂર પડે ત્યારે લોકોને તે પડતર કિંમતે વિતરણ પણ કરી છે. અત્યારે દાતાઓ અને સેવાભાવી લોકો તથા ગ્રામજનોનો સારો એવો સહયોગ મળી રહ્યો છે.

Bird Feeder

ચકલીઓનું પ્રમાણ શા માટે ઘટી રહ્યું છે?
ધ્વનિ પ્રદૂષણ, વાહનોની સતત અવર જવરનો ઘોંઘાટ, મોબાઈલ ટાવરના રેડીયેશન, ખેતીમાં જંતુનાશક રસાયણયુકત દવાનો ઉપયોગ, નળિયા વાળા ઘરની જગ્યાએ પાકા છતવાળા ઘર વગેરે કારણે ચકલીઓને રહેવા અને માળો બાંધી બચ્ચા ઉછેરવા જગ્યા નથી મળી રહી. તેથી તેઓ હવે ગમે ત્યાં ટ્યુબ લાઈટ પર કે પંખા પર કે પછી કારમાં પણ માળો બાંધી નાખે છે.

આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે ધ્વનિ પ્રદૂષણ, મોબાઈલ ટાવરના રેડિયેશન, છત વાળા પાકા મકાન બની જતા ચકલીઓ અને અન્ય પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. અનેક શહેરોમાં ચકલીઓ તેમજ અન્ય કેટલાક પક્ષીઓ નાશ થવાના આરે પહોંચી ગયા છે ત્યારે આ યુવાનો ચકલીઓ અને અન્ય પક્ષીઓની સંખ્યા વધારવા તેમને રહેવા ઘર, ખોરાક પાણીની વ્યવસ્થા તો કરે જ છે પરંતુ સાથે સાથે લોકોને તથા શાળાના બાળકોને આ અંગે જાગૃત પણ કરી રહ્યા છે.

ગરબામાંથી ચકલી ઘર
નવરાત્રી બાદ રંગીન ગરબાઓ તળાવમાં પધરાવવામાં આવતા હોય છે તેમાં રહેલ કેમિકલયુક્ત રંગ પાણી પ્રદૂષણ ફેલાવે છે અને જળચર જીવો માછલી કાચબાને નુકસાન પહોંચાડે છે. આ ગરબાનો ઉપયોગ જો પક્ષીઓ ઘર માટે કરીએ તો માતાજીના પવિત્ર ગરબમાંથી એક જીવને રહેવા ઘર મળી જાય તે હેતુથી આં યુવાનોએ છેલ્લાં બે વર્ષથી ગરબામાંથી ચકલી ઘર બનાવી અલગ અલગ જગ્યાએ લગાડ્યા છે. જેમાં ચકલીઓ માળો બનાવી રહે પણ છે.

યુવાનોના આં જૂથે પક્ષીઓ માટે વૃક્ષો પણ વાવ્યા છે
મૈત્રીભાવ ગ્રુપના સેવ સ્પેરો કેમ્પેઇનના આ કાર્યમાં ભાવિન ભિયાને તેમના બીજા સાથીદાર યુવાન મિત્રો હેમાંગ પરમાર, વિશાલ ચૌહાણ, હાર્દિક ચૌહાણ, નયન પરમાર , ધ્રુવ ચૌહાણ, આદિત્ય ચૌહાણ, મિત દરજી, જીગર વરું વગેરે અભ્યાસ સાથે નિયમિત રીતે સખત મહેનત કરી રહ્યા છે.

Bird Feeder

ચકલીઓની સંખ્યા વધારવા શું કરવું?
દરેક વ્યક્તિએ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારમાં ચકલી ઘર, પાણીના કુંડ, ચણ મૂકવું જોઈએ.

ચકલી ઘર એવી જગ્યાએ મૂકવું કે જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ તેના પર ન પડે, વરસાદમાં પલળી ના જાય અને બિલાડી કે શિકારી પક્ષીઓ ત્યાં સુધી પહોંચે નહિ.

એક ચકલી ઘરમાં ચકલી વર્ષમાં ચાર થી પાંચ વખત ઈંડા મૂકે છે. એક સાથે બે ત્રણ ચાર ઈંડા પણ મૂકે છે બચ્ચાંને ઉછેરે છે માળામાં અને મોટા થતાં બચ્ચાં માળામાંથી ઉડી જાય છે.

ચકલી પોતે ક્યારેય માળામાં રહેતી નથી તે ઈંડા મૂકી બચ્ચાંને ઉછેરવા માટે માળો બનાવે છે.

ઘરેલુ ચકલી ક્યારેય ઝાડ પર માળો બનાવતી નથી. તે ઘરની રવેશમાં, ખૂણા ખાંચા વાડી જગ્યામાં ઘરની આસપાસ માળો બનાવે છે.

ઘરેલુ ચકલી ઝીણા જીવડાં, ઈયળ, ચોખા, બાજરો, કાંગ ખાય છે. જે ઘઉં કે જુવાર ખાતી નથી માટે ચકલીને ઘઉં કે જુવાર ન આપી ચોખા બાજરો કાંગ આપી શકાય. શિયાળામાં બાજરો વધુ ખાય છે ઉનાળામાં ચોખા, બાજરો બંને ચાલે.

ધ બેટર ઇન્ડિયા પરિવાર યુવાનોની ચકલી બચાવવા માટેની આ મહેનતને સલામ કરે છે અને તે હાજી પણ આ અભિયાન બાબતે ખુબ આગળ વધે તેવી શુભેચ્છા પણ પાઠવે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પક્ષીઓને ભૂખ્યા જોઈ, કોલેજમાં બનાવ્યો સૂરજમુખીનો બગીચો, રોજ આવે છે 500 પોપટ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon