Search Icon
Nav Arrow
M Shakthivel
M Shakthivel

આ માછીમારે You Tube દ્વારા પોતાના કસ્બાને કર્યો રોશનીથી ઝળહળતો, દાયકાઓ બાદ જોઈ વિજળી

આ માછીમારનું બાળપણ ફાનસનાં અજવાળે ભણીને વીત્યુ, પરંતુ હવે તેનાં એક પ્રયાસે ગામને કરી દીધુ વીજળીથી ઝળહળતુ. હવે મોબાઈલ ચાર્જ કરવા નથી જવું પડતું નજીકની હોટેલમાં.

“હું 12મું પાસ થયો ત્યાં સુધી મારા ગામમાં વીજળી નહોતી. અમે અમારું શાળાકીય શિક્ષણ ફાનસ નીચે ભણીને પૂરું કર્યું, જેને સળગાવવા માટે કેરોસીનની જરૂર પડે છે,” આવુ તમિલનાડુના તુતૂકુડીના 30 વર્ષીય એમ શક્તિવેલનું કહેવુ છે.

તેમના કસ્બાના લોકો માટે સાંજ પછી કોઈ પણ કામ કરવું મુશ્કેલ હતું અને કેરોસીનના દીવાઓના સહારે તેમનું જીવન પસાર થતું હતું. પછી, 2004ની સુનામી પછી, કસ્બાના મુખ્ય રસ્તાઓ પર કેટલાક સોલાર લેમ્પ પોસ્ટ્સ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે શક્તિવેલના કારણે અહીંના અનેક ઘરો રોશનીથી ઝળહળી રહ્યા છે.

“તે સમય સુધી અમે વીજળી વિશે માત્ર સાંભળ્યું હતું, પરંતુ અમે અમારા ગામમાં ક્યારેય જોઈ ન હતી,” તેઓ કહે છે.

તે પછી, શક્તિવેલને વીજળીથી જીવનમાં આવનારા સકારાત્મક ફેરફારો અનુભવાયા અને તેમણે પોતાના ગામમાંથી અંધકાર દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમના સખત પ્રયાસોના પરિણામે, આજે તેમના કસ્બાના 15 ઘરો રુફટોપ સોલાર પેનલ્સથી પ્રકાશિત છે.

આ પણ વાંચો: માત્ર 2 જ લાખમાં આ એન્જિનિયરે ગામડાની માટી અને રિસાઈકલ વસ્તુઓમાંથી બનાવ્યું ઈકો ફ્રેન્ડલી ઘર

અહીંના લોકો માટે માછીમારી એ આવકનો મુખ્ય સ્ત્રોત છે અને શક્તિવેલ તેના પિતા સાથે આ જ કામ કરતા હતા.

તેઓ કહે છે, “અમે અમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેટલીકવાર અમારી પાસે ખાવાના પૈસા પણ નહોતા, તેથી અમારી માતા દાળમાં વધુ પાણી ઉમેરીને ચલાવતી હતી અને ક્યારેક અમે ભૂખ્યા સૂઈ જતા.”

પરંતુ, શક્તિવેલને ચાર વર્ષ પહેલા યુટ્યુબ વિશે ખબર પડી અને તેનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું.

તે કહે છે, “યુટ્યુબની પહોંચથી પ્રભાવિત થઈને, મેં મારી ચેનલ – તૂતુકુડી મીનવનનો પહેલો વિડીયો નાંખ્યો. વિડીયો સ્માર્ટફોન વડે રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને પાણીની અંદરના શોટ માટે પારદર્શક પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યો હતો. આ વિડીયોમાં અમે બતાવ્યું છે કે કેવી રીતે માછીમારો સમુદ્રમાં ઊંડે સુધી જાય છે અને જાળ વડે માછલી પકડે છે.”

લોકોને શક્તિવેલનો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો અને તેઓ વધુ વિડીયો બનાવવા માટે પ્રેરિત થયા. તેણે અત્યાર સુધીમાં 500 થી વધુ વિડીયો બનાવ્યા છે અને યુટ્યુબ પર તેના 7 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

સોશિયલ મીડિયાથી મળી મદદ
દરેક વિડીયો સાથે શક્તિવેલનો વ્યાપ વધતો ગયો. આ અંગે તે કહે છે, “મારી પાસે શ્રીલંકા, મલેશિયા અને સિંગાપોર જેવા ઘણા દેશોના પ્રેક્ષકો છે, જેઓ દક્ષિણ ભારત સાથે કોઈને કોઈ સંબંધ ધરાવે છે. તેમણે મને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને મને પૈસા મોકલવાનું શરૂ કર્યું. આ પૈસાથી મેં મારા કસ્બામાં સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું.”

આ રીતે શક્તિવેલે પ્રયોગ કરવાનું શરૂ કર્યુ. તે કહે છે કે પહેલા બે ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે રૂ.36,000 અને રૂ.60,000નો ખર્ચ થાય છે, જે તેમને ઘણું મોંઘુ પડ્યુ હતુ.

Solar Electricity For Home

આ પણ વાંચો: 2021 ના ગુજરાતના 5 સંશોધકો જેમણે કર્યાં છે સામાન્ય લોકો માટે બહુ કામનાં સંશોધનો

તેઓ કહે છે, “તે પછી મેં જાતે સોલાર પેનલ લગાવવાનું શીખ્યું અને પછીથી અમે દરેક ઘરમાં 16,000 રૂપિયાથી ઓછી કિંમતમાં સોલર પેનલ લગાવી. આ પેનલથી ઘરમાં ત્રણ બલ્બ, એક પંખો ચલાવવા ઉપરાંત, કોઈપણ સમસ્યા વિના ફોન અને ટોર્ચલાઇટને ચાર્જ પણ કરી શકાય છે.”

કેમકે, તેમનો કસ્બો દરિયા કિનારે આવેલો છે, એટલે તેમના ઘરોમાં અવારનવાર ઘણા દરિયાઈ કીડા-મકોડા આવતા હોય છે, પરંતુ હવે તેઓને રાત્રે હંમેશા વીજળીને કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

શક્તિવેલ જણાવે છે કે સોલાર પેનલ લગાવતા પહેલા અહીંના લોકોને મોબાઈલ ચાર્જ કરવા માટે નજીકની હોટલોમાં જવું પડતું હતું.

તેઓ કહે છે, “તે સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પરંતુ અમારે પહેલાં અમારા ફોનને ચાર્જ કરવા માટે તેમની પાસેથી ચા ખરીદવી પડતી હતી. હવે પોતાના ઘરોમાં ફોન ચાર્જિંગની સુવિધાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે ખરેખર એક ખુશી છે જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી.”

શક્તિવેલને તેના કસ્બામાં 15 ઘરોમાં સોલર પેનલ લગાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો અને આ માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

તે કહે છે, “હું ઘણી વખત અટવાઈ ગયો કારણ કે મારી પાસે કામ ચાલુ રાખવા માટે પૂરતું ભંડોળ નહોતું. પહેલી સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી ત્યારે મને જે આનંદ થયો, તેણે મને મારું કામ પૂર્ણ કરવા માટે પ્રેરિત કર્યો.”

તે અંતમાં કહે છે, “આજે પણ જ્યારે હું પાવર સ્વીચ ચાલુ કરું છું, ત્યારે તે જ ક્ષણ હોય છે જ્યારે હું સ્માઈલ કરું છું. અંધારામાં ન રહેવું એ અમારી સૌથી મોટી કમાણી છે.”

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon