દીકરીને લગ્નમાં આપણે લાખોનો સામાન આપીએ તો પણ સમય જતાં તેની કિંમત ઘટવાની જ છે, એટલે જ રાજકોટનો હિરાણી પરિવાર તેમની લાડલીને કઈંક એવું આપવા ઈચ્છતો હતો કે, તેની કિંમત વધ્યા કરે. આ બાબતે બહુ વિચાર્યા બાદ તેમને કઈંક એવો વિચાર આવ્યો જે આજે આખા ગુજરાતને ખૂબજ ગમ્યો છે.
તો આજે ધ બેટર ઇન્ડિયા રાજકોટના એક પરિવાર દ્વારા પોતાના ઘરની દીકરીના લગ્નમાં તેને સોલાર પેનલ ગિફ્ટ આપી લોકોમાં એક જાગૃકતા ફેલાવવાના હેતુથી કંઈ રીતે લોકો પણ પોત પોતાના ઘરમાં સોલાર પેનલ ફિટ કરાવી અને તે દ્વારા સૌર ઉર્જા માંથી વીજળી ઉત્પન્ન કરી આ ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યા સામે ટકી શકે અને સાથે સાથે વીજળી બાબતે થતો તેમનો ખર્ચો પણ શૂન્ય કરી વધેલી વીજળી સરકારને વેચી પણ શકે તેની એક રસપ્રદ વાત લઈને હાજર થયું છે.
ધ બેટર ઇન્ડિયા સાથે પરિવારના સભ્ય નિલેશભાઈએ આ બાબતે વાત કરી હતી અને તેમણે જણાવ્યું કે, લગ્ન નક્કી થયા બેનના એ દરમિયાન જ બધી વસ્તુઓ આપવાની વાત ચાલતી હતી તો અમે પૂછેલું કે તમારે કઈ વસ્તુ નથી તે કહો તો અમે આપીએ તો સામે પક્ષેથી તો કઈ પણ વસ્તુ લેવાની ના જ પાડવામાં આવેલી કે અમારે ત્યાં બધું જ છે અમારે કંઈ જ જોઈતું નથી. આ કારણે અમને લાગ્યું કે તેમના ઘરમાં બધું જ છે પરંતુ સોલાર પેનલ ફિટ નથી તેથી બીજું કઈ આપીએ તેના બદલામાં સોલાર પેનલ જ ફિટ કરાવીએ તો સૌથી સારું જેના કારણે તેમના ઘરમાંથી વિજળી બિલ રૂપે પૈસાની જાવક બંધ થઇ જાય અને સાથે સાથે સોલાર ઉર્જાના ઉપયોગ કરતા ઘરોમાં એક ઘરનો વધારે ઉમેરો થવાથી પર્યાવરણને પણ ફાયદો થાય.

સામાન્ય માણસથી લઈને લાખો-કરોડપતિઓ લગ્ન પાછળ પાણીની જેમ પૈસા વહાવે જ છે, પરંતુ આ રીતે કરેલ ખર્ચ ખરેખર ઊગી નીકળે છે. દીકરીને લાંબા સમય સુધી વિજળીના બિલમાંથી છૂટકારો તો મળશે જ, સાથે-સાથે આમાંથી પ્રેરણા લઈને થોડા-ઘણા લોકો પણ આવું કોઈ પગલું લેશે તો, હિરાણી પરિવાર અને ધ બેટર ઈન્ડિયાનો આ પ્રયાસ ખરેખર સફળ ગણાશે.
નિલેશભાઈ વધુમાં જણાવે છે કે અમારા માટે આ મોટી વાત નહોતી કેમકે અમારી ખુદની જ લીજી સોલાર કરીને પોતાની જ એક સોલાર ફર્મ છે. પરંતુ મેરેજ વખતે ગિફ્ટ સ્વરૂપે સોલાર આપવી અને તેનો ફોટોગ્રાફ પાડીને પ્રસિદ્ધ કરવો તે પાછળનો હેતુ અમારી ફર્મનું માર્કેટિંગ નહીં, પરંતુ એટલો જ હતો કે ગુજરાતભરમાં લોકો આ બાબતે વધારે જાગૃત થાય અને તેઓ પણ આવી કોઈ ઉમદા પહેલની શરૂઆત કરી પર્યાવરણીય કામગીરી તથા ક્લાઈમેટ ચેન્જ જેવી આફત સામે લેવાતા વિવિધ પગલાંઓમાં પોતાનો પણ ફાળો નોંધાવવા આગળ આવે.
જોકે એક સામાન્ય માણસના મનમાં ઘણા સવાલો હોય છે, જેમ કે, આ પેનલ ક્યાંથી ખરીદી શકાય? કુલ કેટલો ખર્ચ આવે? સરકાર તેમાં કેટલી સબસિડી આપે છે? લગાવ્યા બાદ તેનું ધ્યાન કેવી રીતે રાખવું તેમજ કેટલા કિલોવૉટની પેનલ લગાવવી. જેના જવાબ આજે આપી રહ્યા છે અહીં નિલેશભાઈ.
એક સોલાર પેનલ ફિટ કરાવવા પાછળ 40% ની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે તથા આ સોલાર ફિટ કરાવવા માટે સબસિડીને બાદ કરતા હાલ વર્તમાન સમયમાં એક લાખથી લઈને એક લાખ વીસ હજાર જેટલો ખર્ચ થાય છે જેમાં 3.3 કિલોવોટની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે રોજના 15 યુનિટ આસપાસ વીજળી ઉત્પન્ન કરે છે જેમાં દિવસ દરમિયાન ઘરના એક બે એસી, ફ્રિજ, મોટર, વગેરે ચાલી શકે છે. આગળ તેઓ જણાવે છે કે બહેનને આપેલા આ સોલાર પેનલ દ્વારા તેમણે છેલ્લા બે મહિનાનું વીજળીનું બિલ તો નથી જ ભરવું પડ્યું ઉપરથી તેમના ખાતા માં 465.29 રૂપિયા જમા બોલે છે.
આ સોલાર પેનલ એક વખત ફિટ કરાવ્યા પછી તે 25 વર્ષ સુધી કામ આપે છે અને તેને ઇન્સ્ટોલ કર્યા ના ત્રણ ચાર વર્ષમાં જ સોલાર માટે રોકેલા પૈસા વસૂલ થઈ જાય છે.
તો સોલાર પેનલના મેઇનટેનન્સ બાબતે નિલેશભાઈનું કહેવું છે કે તેમાં કોઈ વધારાનો ખર્ચ નથી તમે તે માટે ઓટોમેટેડ સ્પ્રિન્કલર ગોઠવવામાં આવે છે જેની મદદથી જરૂર જણાય ત્યારે તમે તે પેનલ્સને સાફ કરી શકો છો. આ સિવાય તમે જાતે સાવરણી ફેરવીને છૂટા પાણીથી ધોઈ પણ શકો છો. તેને સાફ કરવા પાછળનો હેતુ એક જ છે કે, જો પેનલ પર જરા પણ ધૂળ જામેલી નહીં હોય તો, તે તેટલી જ વધારે સોલર શક્તિ ગ્રહણ કરશે અને એટલી જ વધારે સોલર એનર્જી ઉત્પન્ન થશે.
સૌથી રસપ્રદ બાબત જણાવતા નિલેશભાઈ કહે છે કે જો સોલાર પેનલ ફિટ કરાવવા બાબતે તમારે સરકાર તરફથી સબસીડી મેળવવી હોય તો તમે ફક્ત ભારતમાં જ બનેલ સોલાર પેનલનો ઉપયોગ કરી શકો છો. જો વિદેશથી આયાત સોલાર પેનલ તમે ખરીદશો તો તમને સબસીડીનો કોઈ લાભ આપવામાં આવશે નહીં.

ધ બેટર ઇન્ડિયા ક્લાઇમેન્ટ ચેન્જ જેવી ગંભીર સમસ્યા સામે એક સામાન્ય વ્યક્તિ કે પરિવાર પણ કઈ રીતે બાથ ભીડી શકે અને તે દ્વારા તે પણ કઈ રીતે વ્યવસ્થિત પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પોતાનું યોગદાન આપી શકે તે માટે વિવિધ લેખો દ્વારા જાણકારી આપતું જ હોય છે. અને તે માટેના વિવિધ લેખો તમને અમારી વેબસાઈટ પર મળી જ રહેશે.
અત્યારે આ દિશામાં સામાન્ય વ્યક્તિ દ્વારા પણ નક્કર પગલાં ભરાય તે ખુબ જ જરૂરી છે કેમકે ગુજરાતમાં સરેરાશ તાપમાન 1986-2019 ની વચ્ચે મહત્તમ 2.9 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે અને તે 21મી સદીના અંત સુધીમાં વધુમાં વધુ 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, તેમ તાજેતરમાં જાહેર કરાયેલ ગુજરાત સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (SAPCC) જણાવે છે.
2019 સુધીના 33-વર્ષના સમયગાળામાં આ વધારો, જેને SAPCC એ માનવસર્જિત ઉત્સર્જનને આભારી છે તેમ જણાવ્યું છે અને તે એક ટર્મમાં અત્યાર સુધીના સૌથી ઉચ્ચ તાપમાન તરીકે જોવામાં આવે છે. “એન્થ્રોપોજેનિક ઉત્સર્જન” એ માનવ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઉત્સર્જન છે જેમ કે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ, વનનાબૂદી અને જમીનના-ઉપયોગમાં ફેરફાર.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIMA) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-ગાંધીનગર (IIT-Gn), રાજ્યોની ટીમોના સમર્થન સાથે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગ જણાવે છે કે,”અમારા ભાવિ અંદાજો દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદ અને તાપમાનમાં વધારો થવાનો અંદાજ છે – 21મી સદીના અંત સુધીમાં તાપમાનમાં 1.5-5 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદમાં 15% થી 25% સુધીનો વધારો થવાનો અંદાજ છે.”
ગુજરાત ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય જોખમો તાપમાન અને વરસાદની ક્ષમતા અને દરિયાઈ સપાટીમાં વધારો છે.
“આ કૃષિ, આર્થિક ક્ષેત્રો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વસ્તી જૂથોને જુદી જુદી રીતે અસર કરે છે. કૃષિ એ એક મુખ્ય ક્ષેત્ર છે જે 50% વસ્તીને રોજગારી આપે છે અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 9.5% યોગદાન આપે છે. અંદાજિત વરસાદની ભિન્નતા અને ક્ષમતા ઉત્પાદકતાને જોખમમાં મૂકે છે, જેમાં 54% ખેતીની જમીન વરસાદ આધારિત ખેતી પર આધારિત છે અને કુલ જમીનના 60% કરતા વધુ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત ઝોનમાં છે.”
“26.9 મિલિયન પશુધનની વસ્તી ધરાવતું પશુધન અને પશુપાલન ક્ષેત્ર ગરમીના તાણ અને ઘાસના મેદાનોમાં બગાડને કારણે ઉત્પાદકતા ગુમાવી શકે છે. અસરનું મૂલ્યાંકન સૂચવે છે કે પાકની ઉપજ ઘટી રહી છે.”

ગુજરાત સરકારે જોખમોનું સંચાલન કરવા માટે બહુવિધ પગલાં લીધાં છે. અનુકૂલન વ્યૂહરચનાઓમાં વાવેતર અને લણણીના સમયમાં ફેરફાર, ટૂંકા જીવન ચક્ર સાથે પાકનો સંગ્રહ, પાક પરિભ્રમણ અને નવા પાકોની ખેતી, આધુનિક સિંચાઈ તકનીકો, પાક યોજનાઓમાં વિવિધતા અને પાક-વ્યવસ્થાપન તકનીકનો અમલ. ટપક સિંચાઈમાં ગુજરાત અગ્રણી રાજ્યોમાંનું એક છે.”
ગભરાઈ ગયા? ઉપરના આંકડાઓ અને માહિતી જોઈને. જો હા તો સાચે જ તમે પર્યાવરણ અને આપણી આગામી પેઢીના ભવિષ્ય માટે ખરેખર ચિંતિત છો. અહીંયા અમે ફક્ત જળવાયું પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જના કારણે ઉભી થનાર મુશ્કેલીઓ જણાવવા જ નથી આવ્યા પણ સાથે સાથે એક સામાન્ય નાગરિક કે પરિવાર પણ આ જળવાયું પરિવર્તનને રોકવાની લડાઈમાં પોતાની ભૂમિકા કંઈ રીતે નિભાવી શકે એટલા માટે જ ઉપર જણાવ્યા પ્રમાણે હિરાણી પરિવારની આ યુનિક પહેલની રસપ્રદ વાત પણ સાથે લઈને આવ્યા છીએ.
છેલ્લે નિલેશભાઈ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે બહેનના લગ્નમાં આ રીતે સોલાર પેનલ ગિફ્ટ આપવી તે ખરેખર એક ઉમદા વિચાર હતો અને આ રીતે જ સમગ્ર ગુજરાતમાં પણ લોકો આ રીતની પહેલ પોતાને ત્યાં આવતા માંગલિક પ્રસંગોમાં એક બહાના હેઠળ શરૂ કરી આસપાસના લોકોમાં આ બાબતની જાગૃકતા ફેલાવવા માટે પણ કરે તો પણ તે આવકારદાયક છે.
સોલાર પેનલ બાબતે જો તમારે હજી પણ વધારે માહિતી જોઈએ છે તો તમે 9016653486 નંબર પર સંપર્ક કરી નિલેશભાઈ સાથે વાતચીત કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: મંદિરની ચુંદડીઓમાંથી ‘અર્પણ પોટલી’ અને ‘ચાંદલા કવર’, મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.