ઘણીવાર લોકો ગામ છોડીને શહેરોમાં સ્થાયી થઈ જાય છે. બીજી તરફ શહેરમાં રહેતા લોકો ભાગ્યે જ ગામ તરફ વળે છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેણે મુંબઈ અને પુણે જેવા મહાનગરોમાં લાંબો સમય વિતાવ્યા બાદ ગામમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. 57 વર્ષના નરેન્દ્ર પીતલેની આ પ્રેરણાદાયી કહાની છે.
પર્યાવરણ પ્રત્યેના પ્રેમને કારણે નરેન્દ્ર પીતલેએ ગામમાં પોતાના માટે એક ઘર તૈયાર કર્યું છે, જે કોંક્રીટનું નહીં પણ માટીનું બનેલું છે.
જો કે, ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવાનો વિચાર તેમના મગજમાં રાતોરાત આવ્યો ન હતો. નાનપણથી જ ગ્રામીણ જીવન પ્રત્યેની તેમની રુચિ અને તેના વિશે સતત વાંચ્યા પછી જ તેમની વિચારસરણી બદલાઈ ગઈ.

આ પણ વાંચો: Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ
તમે પ્રકૃતિ સાથે કેવી રીતે જોડાયા?
નરેન્દ્ર પીતલે મુંબઈ નજીકના વિરારના નાના ગામડાના છે. પરંતુ તે મુંબઈમાં મોટા થયા હતા. તો વર્ષ 1990થી 2012 સુધી, તે નોકરીના કારણે પુણેમાં રહેતા હતા.
નરેન્દ્ર વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે અને ઘણી અલગ-અલગ કંપનીઓમાં કામ કરે છે. તેમજ થોડો સમય કન્સલ્ટન્સીનું કામ પણ કર્યું. પરંતુ તેમને ક્યારેય પોતાના કામથી સંતોષ ન હતો. નોકરીની સાથે એગ્રીકલ્ચર અને ઇકોલોજી જેવા વિષયો વિશે વાંચતા રહેતા હતા.
નરેન્દ્ર કહે છે, “ઇકોલોજી પરના ઘણા પુસ્તકો વાંચ્યા પછી જ મને સમજાયું કે આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ તે યોગ્ય નથી. ટકાઉ જીવનશૈલી માટે આપણે જીવનમાં કેટલાક ફેરફારો કરવા પડશે. મને આ વિષય એટલો ગમ્યો કે મેં નોકરીની સાથે ઇકોલોજીનો કોર્સ પણ કર્યો.”
વર્ષ 2004માં, જ્યારે તેઓ પુણેમાં હતા, ત્યારે તેમણે ત્યાંથી ઇકોલોજીનો કોર્સ કર્યો હતો, જેને તેઓ તેમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ પણ જણાવે છે.
તેમને નાનપણથી જ ટ્રેકિંગનો પણ શોખ હતો. નોકરી દરમિયાન રજા પર પણ નજીકના ગામમાં જ રહેતા હતા. તેઓ તેને પ્રકૃતિ સાથેના જોડાણ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું કારણ પણ માને છે.

તેમના મિત્રને ઈકો-ટુરીઝમ બનાવવા માટે પ્રેરિત કર્યા
નરેન્દ્ર હંમેશા વિચારતા હતા કે જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવવું. દરમિયાન તેના એક મિત્રએ જણાવ્યું કે લોનાવાલા નજીક શિલિમ્બ ગામમાં તેની પાસે લગભગ 20 એકર જમીન છે.
નરેન્દ્રને તે જોઈને ઘણી નવાઈ લાગી કે આટલી જમીન હોવા છતાં તેનો મિત્ર શહેરમાં નોકરી પાછળ દોડી રહ્યો છે. તેઓ કહે છે, “અમને બાળપણમાં કહેવામાં આવતું હતું કે સૌથી સારી નોકરી ખેતી છે, બીજો ધંધો અને પછી જ નોકરી આવે છે. પરંતુ આજે લોકો તેનાથી વિપરીત કરી રહ્યા છે. જે બદલવાની જરૂર હતી. મેં મારા મિત્રને તેની જમીન પર એગ્રો ટુરિઝમ સેન્ટર બનાવવાનો વિચાર આપ્યો.”

આ પણ વાંચો: સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી
આ રીતે નરેન્દ્રએ તેના મિત્રની 20 એકર જમીન પર એક એગ્રો ટુરિઝ્મ સેન્ટર બનાવવાનું કામ શરૂ કર્યું. આ દરમિયાન તે પૂણેથી કન્સલ્ટન્સીનું કામ પણ કરતા હતા. તે ગમે ત્યાંથી પોતાનું કામ કરી શકતા હતા, તેથી તેમણે ગામમાં જમીન લઈને ઘર બનાવવાની યોજના બનાવી. જ્યારે નરેન્દ્રએ આ વાત તેના મિત્ર સાથે શેર કરી ત્યારે તેમણે તેમને પોતાની જમીન પર ઘર બનાવવાનું કહ્યું.
નરેન્દ્ર કહે છે, “એક તરફ હું મારા મિત્ર માટે એક સરસ ઈકો-ટુરિસ્ટ સેન્ટર બનાવી રહ્યો હતો અને બીજી તરફ મેં મારા માટે પણ એક નાનું ઈકો-ફ્રેન્ડલી ઘર બનાવવાનું શરૂ કર્યું,”
વર્ષ 2012માં, માત્ર ત્રણ મહિનામાં, તેણે 500 ચોરસ ફૂટનું નાનું ઘર બનાવ્યું. જેના માટે તેણે માત્ર બે લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. કેમકે નરેન્દ્રએ લગ્ન કરેલાં નથી, એટલા માટે તેમને મોટા ઘરની પણ જરૂર નહોતી. તેથી તેઓએ ઓછામાં ઓછી જગ્યામાં ઘર બનાવવાનું નક્કી કર્યું.
નાનું ઇકો-ફ્રેન્ડલી ઘર કેવી રીતે બન્યુ
નરેન્દ્રએ ઘર બનાવવા માટે સંશોધન પણ કર્યું હતું. વાસ્તવમાં, તે ઓછા ખર્ચે ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવા માંગતા હતા. ઘર મોટાભાગે સ્થાનિક અને રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓથી બનેલું છે. આમાં તેમણે પેકિંગ બોક્સના નકામા લાકડાનો ઉપયોગ કર્યો છે. ઉપરાંત, બારી-બારણા પણ જૂના છે, જે તેમણે ભંગારના વેપારી પાસેથી ખરીદ્યા છે. ઘરના છતમાં લાગેલી ટાઈલ્સ પણ જૂની છે.
તેમણે કહ્યું, “ગામમાં લોકો પાકું ઘર બનાવતી વખતે જૂના ઘરની ટાઈલ્સ ફેંકી દે છે. મેં છતમાં એવી જ ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે.”
ઘરની દિવાલ માટે, તેમણે સ્થાનિક કર્વી લાકડાનો ઉપયોગ કર્યો, જેમાં માટીના મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ઘરમાં એક બોરીથી પણ ઓછા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ તેઓએ બાથરૂમ બનાવવા માટે કર્યો છે.
નરેન્દ્રએ ફ્લોરમાં પણ કોંક્રિટનો ઉપયોગ કર્યો નથી. ફ્લોર માટીનું છે, જેના પર દર ત્રણ મહિને ગાયના છાણનું લિંપણ કરવામાં આવે છે. મડ મોર્ટારના ઉપયોગને કારણે, ઘરની અંદર સારી ઠંડક રહે છે, આ જ કારણે તમને તેમના ઘરમાં પંખો નહીં મળે.
આ 500 ચોરસ ફૂટના ઘરમાં એક બેડરૂમ, એક રસોડું, એક બાથરૂમ અને વરંડા છે. આ ઉપરાંત, તેઓએ 100 વોટની સોલર પેનલ્સ પણ ઇન્સ્ટોલ કરી છે, જે તેમને આરામથી ઉપયોગ કરતાં વધુ પાવર આપે છે.

આ પણ વાંચો: 10-15 હજારમાં બનતાં કચ્છી ભૂંગાં બચાવે ધરતીકંપ અને રેતીનાં તોફાનોથી, બાંધકામ છે અનોખુ
નરેન્દ્રએ ચાર મહિના પહેલા જ કન્સલ્ટન્સીનું કામ પણ છોડી દીધું છે. આ અંગે તેઓ કહે છે, “હું કામના સંબંધમાં અવારનવાર પુણે જતો હતો, જેના કારણે હું કિચન ગાર્ડનનું કામ કરી શકતો ન હતો. પરંતુ હવે મેં શહેરનું કામ છોડી દીધું છે અને ટૂંક સમયમાં મારા માટે કિચન ગાર્ડન તૈયાર કરીશ.”
છેલ્લે, નરેન્દ્ર કહે છે, “હું લોકોને ઇકો-ફ્રેન્ડલી ઘરો બનાવવામાં મદદ કરવા માંગુ છું. ઘણા લોકો પૂછીને જાય છે પણ બધા પરંપરાગત ઘરને બદલે ઈકો-ફ્રેન્ડલી ઘર બનાવતા ડરે છે. મારા મત મુજબ પહેલા લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવાની જરૂર છે, તો જ તેઓ જીવનમાં પરિવર્તન લાવી શકે છે.”
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો