ગુજરાત રાજ્યમાં આવેલ કચ્છ એ 45,652 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતો, ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છની વસ્તી 21 લાખ છે અને સાક્ષરતા દર 59.79% છે. સાથે સાથે તે ભૂકંપ સંભવિત વિસ્તાર પણ છે. આ જ કારણે અહીંના લોકોનાં ઘર પણ અન્ય વિસ્તારો કરતાં અલગ જ હોય છે.
ભૂંગા એટલે કચ્છના 200 વર્ષ જૂના ભૂકંપ પ્રતિરોધક માટીના મકાનો
1819માં કચ્છના રણમાં આવેલા ભૂકંપમાં 1500થી વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપ માત્ર ત્રણ મિનિટ ચાલ્યો હોવા છતાં, સમગ્ર ગુજરાતમાં અનેક આફ્ટરશોક્સ આવ્યા હતા અને ઇમારતોને અમુક અંશે નુકસાન થયું હતું. વિનાશને કારણે કચ્છના લોકો દ્વારા ભૂંગા નામના ગોળાકાર માટીના મકાનો ડિઝાઇન કરવામાં આવ્યા, જે ધરતીકંપનો સામનો કરી શકે છે અને 200 વર્ષથી ઉપયોગમાં લેવાય છે.
ગુજરાતના કચ્છના આ ભૂંગા અનોખા, ગોળાકાર દિવાલોવાળા છે જેમાં શંકુ આકારની છત છે. આ આપત્તિ-સંભવિત પ્રદેશમાં, ભૂંગા તેમની માળખાકીય સ્થિરતા અને આબોહવાની સામે હકારાત્મક પ્રતિભાવ માટે જાણીતા છે. પ્રદેશ રેતાળ છે અને ભૂંગા રેતીના તોફાન અને ચક્રવાતી પવનોથી પણ રહેવાસીઓને રક્ષણ આપે છે.
આશ્ચર્યની વાત નથી કે, 2001ના ભુજ ભૂકંપમાં, ભૂંગા કેન્દ્રની નજીક હોવા છતાં અસરગ્રસ્ત ન હતા. તેનાથી વિપરીત, અન્ય ઘણી કોંક્રીટની ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. 2001 પછી, ગુજરાત સરકારે ભૂંગાના નિર્માણને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે, જે એનજીઓની મદદથી બનાવવામાં આવે છે.

માટીના ઘરો પર્યાવરણને અનુકૂળ છે અને સ્થાનિક રીતે ઉપલબ્ધ વાંસ, માટી અને લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ભૂંગાની દીવાલો અને ફ્લોર ગાય કે ઊંટ કે ઘોડાના છાણ સાથે મિશ્રિત માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દિવાલો જાડી હોવાથી, તેઓ તાપમાનના ફેરફારોથી માળખાનું રક્ષણ કરે છે, ગરમીની ઋતુમાં અંદરના ભાગને ઠંડો રાખે છે અને ઠંડીની ઋતુમાં ગરમ રાખે છે.
છત વજનમાં હલકી છે. તે દિવાલોની ટોચ પર બાંધવામાં આવે છે, શંકુની રચના કરતી સર્પાકાર ફ્રેમ પર ટેકવવામાં આવે છે. બારીઓમાં લાકડાની ફ્રેમ હોય છે અને ક્રોસ વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે તેને નીચા સ્તરે સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક ભૂંગામાં એક દરવાજો અને બે બારીઓ હોય છે. છત પરનું ઘાસ પણ વાર્ષિક ધોરણે બદલવું પડે છે.
બાહ્ય દિવાલોને રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવે છે જ્યારે આંતરિક ભાગને ઉત્કૃષ્ટ સફેદ માટી અને મટ્ટિકમ નામના મિરર વર્કથી શણગારવામાં આવે છે. અરીસાનો આ ઉપયોગ માટીના ઘરની અંદરના પ્રકાશને વધારે છે અને સફેદ માટી તેને ચો તરફ ફેલાવે છે.
આમ કચ્છનું આ પરંપરાગત સ્થાપત્ય તેના પ્રદેશ અને તેના લોકોની સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને રજૂ કરે છે. વાતાવરણ અને માનવીની અનુકૂળતા પર ભાર મૂકીને આ ઇમારતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રી અને ટકાઉ બાંધકામ તકનીકો તથા પરંપરા દ્વારા મેળવેલ આવડત તેમજ જ્ઞાનના ઉપયોગ દ્વારા આ ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ભૂંગા મુખ્યત્વે ગુજરાતના કચ્છ પ્રદેશના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને બન્ની અને પછમમાં રણના ટાપુઓ (રણની મધ્યમાં ફળદ્રુપ જમીન) પર છે. બન્ની એક સપાટ મેદાન વિસ્તાર છે જેમાં કાંપવાળી માટીનો પ્રકાર છે. ત્યાં બાંધકામ માટે કોઈ પત્થરો અથવા બીજી કોઈ સ્થાનિક ચીજવસ્તુઓ એકંદરે ઉપલબ્ધ નથી. આથી કાદવ અને છાણ તથા જે તે બીજી બાંધકામ સામગ્રીનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
ભૂંગા એ વર્ષોથી કચ્છ જિલ્લામાં એવા વિસ્તારનું પરંપરાગત બાંધકામ છે જ્યાં ધરતીકંપનું જોખમ ખૂબ વધારે છે. ભૂંગા શંકુ આકાર હોય છે અને નળાકાર દિવાલો દ્વારા આધારભૂત છત ધરાવે છે. ભુંગાનું બાંધકામ સો વર્ષોથી અસ્તિત્વમાં છે. આ પ્રકારના ઘર તદ્દન ટકાઉ અને રણની પરિસ્થિતિઓમાં માનવજાતને ટકાવી રાખવા માટે એકદમ યોગ્ય છે.
ભૂંગા બનાવટમાં ગોળાકાર હોય છે જેનો આંતરિક વ્યાસ સામાન્ય રીતે 3m થી 6m ની વચ્ચે હોય છે, સામાન્ય રીતે એક દરવાજો હોય છે અને બે નાની બારીઓ ધરાવે છે. તે પ્લિન્થ દ્વારા જોડાયેલા છે
ભૂંગાનું ઝુંડ એક પ્લિન્થ પર બાંધવામાં આવે છે સામાન્ય રીતે જૂથમાં જ એક આખા કુટુંબની વસાહતો હોય છે.

દિવાલો અને પાયાના નિર્માણ માટે જરૂરી ઘટકો
1) માટી અને બ્લોક્સ માટે ચોખાની ભૂકી.
2) ફાઉન્ડેશન માટે વપરાયેલ સિમેન્ટ મોર્ટાર.
3) પ્લાસ્ટર માટે બન્ની, ગાયનું છાણ અને સ્થાનિક જમીનમાંથી મેળવેલ માટી.
દિવાલોના નિર્માણના તબક્કા નીચે મુજબ છે:
1) 30 સેમી ઊંડી અને 45 સેમી પહોળો પાયો ખોદવામાં આવે છે. બ્લોક્સ નાખવાની પ્રક્રિયાને સ્થાનિક રીતે ચેન્ટર કહેવામાં આવે છે.
2) પાયા પર દિવાલો ઉભી કરવામાં આવે છે, ગાયના છાણ વત્તા સ્થાનિક માટીના મોર્ટારનો ઉપયોગ કરીને, પાણી સાથે મિશ્ર કરીને સંયોજનને કાર્યક્ષમ બનાવાય છે.
3) જ્યાં જરૂરી હોય ત્યાં લિંટલ્સ અને દરવાજા અને બારીની ફ્રેમ નાખવામાં આવે છે.
4) એક પ્લેટફોર્મ, ઓટલા અને ત્યારબાદ 45 સે.મી.ની ઊંચાઈ સુધી રોડાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
પ્લાસ્ટર લેયર માટેનું મિશ્રણ, જેને સ્થાનિક રીતે છાણીયું લીંપણ કહેવામાં આવે છે, તે ગાયના છાણ અને સ્થાનિક માટીથી બનાવવામાં આવે છે. તેને સુધારવા માટે પાણી ઉમેરવામાં આવે છે. દિવાલની બાહ્ય સપાટી પર પ્રથમ સ્તર લાગુ કરવામાં આવે છે, અને હાથનો ઉપયોગ કરીને તેને સુંવાળી બનાવવામાં આવે છે. તેને પૂર્ણ કરવામાં લગભગ એક દિવસ લાગે છે, અને પછી આંતરિક સપાટી પર બીજો સ્તર લાગુ કરવામાં આવે છે. આમ કુલ સાત સ્તરનું લીંપણ કરવામાં આવે છે. દિવાલની બંને સપાટી પર લીંપણનું છેલ્લું સ્તર બન્ની પ્રદેશમાંથી મેળવેલ માટીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
ભૂંગાની શંકુ આકાર છત તેના શિખર પર ઊભી કેન્દ્રિય લાકડાની પોસ્ટ દ્વારા ટેકો મેળવે છે, જે લાકડાના જોઈન્ટ પર રહે છે. છત અને લાકડાના જોઈન્ટ સામાન્ય રીતે ભૂંગાની દિવાલો પર સીધો ટેકો આપે છે. કેટલીકવાર, લાકડાના જોઈન્ટ પર છતનો ભાર હોય છે અને નળાકાર દિવાલને અડીને ડાયમેટ્રિકલી મૂકવામાં આવેલી લાકડાની થાંભલીઓ પર સ્થાનાંતરિત થાય છે જે આ છત પરનો ભાર ઘટાડે છે.

કેટલાક કિસ્સાઓમાં, વધારાની તાકાત પૂરી પાડવા માટે લિંટેલ સ્તર અને કોલર સ્તર પર મજબૂતીકરણ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેન્ડ વાંસમાંથી અથવા આરસીસીમાંથી બનાવવામાં આવે છે. જે બાજુની લોડ-વહન શક્તિને મોટા પ્રમાણમાં વધારે છે અને ધરતીકંપમાં પણ ભૂંગા ની ટકી શકવાની ક્ષમતામાં વધારો કરે છે.
પરંપરાગત ભૂંગામાં હળવા વજનની શંકુ આકારની છત હોય છે જ્યારે તાજેતરના ભૂંગાના બાંધકામોમાં વિવિધ પ્રકારની છત બનાવવામાં આવતી હોય છે જેના પર ભારે મેંગલોર ટાઇલ્સ સહિત બાંધકામ સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આ બાંધકામો સ્થાનિક ગ્રામીણો દ્વારા ખૂબ ઓછા મજૂરો સાથે કરવામાં આવે છે અને 30 દિવસની અંદર પૂર્ણ કરી શકાય છે.
– સ્થાનિક રીતે ઉપલબ્ધ નરમ પથ્થરને સરળતાથી કાપી શકાય છે અથવા લંબચોરસ બ્લોક્સમાં છીણી શકાય છે, જેનો ઉપયોગ દિવાલના ચણતર માટે થાય છે.
– સ્થાનિક માટીનો ઉપયોગ મડ મોર્ટાર અને એડોબ બ્લોક્સ બનાવવા માટે થાય છે. છત માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ લાકડા અને વાંસનો ઉપયોગ થાય છે.
– 1 ભુંગાનો સમગ્ર બાંધકામ ખર્ચ અંદાજે 10000-15000 છે, જેમાં મહત્તમ ખર્ચ સામગ્રી અને મજૂરી સાથે આવરી લેવામાં આવે છે.
આ પણ વાંચો: હડપ્પન સંસ્કૃતિથી હેરિટેજ હોમ, ગુજરાતનાં ઘરો છે ઉત્તમ આર્કિટેક્ચર અને સસ્ટેબિનિલિટીના નમૂના
આમ, આધુનિકતાની સાથે જુનવાણી તકનીકોને પણ આવરી લેવામાં આવે તો આગળની પેઢીને તેમાંથી હજી પણ ઘણું વધારે નવું શીખવા મળશે અને સાથે સાથે કુદરતી હોનારતો સામે રક્ષણ મેળવવા માટે જે તે બાંધકામના અત્યારે ખુબ મોટા ખર્ચમાં કરવામાં આવે છે તેમાં પણ રાહત થશે જે સામાન્યથી સામાન્ય માનવીને આસાનીથી પરવડી પણ શકશે.
ભૂંગા વિશે વધારે જાણો આ નીચે આપેલા વિડીયો પર ક્લિક કરીને.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.