મોગરો ભારતમાં ખૂબ જ લોકપ્રિય ફૂલ છે. મહિલાઓ તેનો ઉપયોગ ગજરાથી તેમના વાળને સજાવવા માટે કરે છે. ફૂલની સુગંધ એટલી અદ્ભુત છે કે તેનો ઉપયોગ સુગંધિત અગરબત્તીઓ બનાવવા માટે પણ થાય છે.
મોગરાના ફૂલમાં અનોખી સુગંધ ઉપરાંત અનેક ઔષધીય ગુણો પણ ભરપૂર છે. આના દ્વારા ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ એક નેચરલ ડિઓડ્રેંટ છે. નારિયેળ તેલ (કોપરેલ) સાથે તેનો ઉપયોગ કરીને, તમે શુષ્ક ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 10-15 ફૂલને આખી રાત પાણીમાં પલાળીને વાળ ધોવાથી વાળ મુલાયમ અને મજબૂત બને છે.
ચાલો જાણીએ કે તમે તેને કુંડામાં કેવી રીતે ઉગાડી શકો છો અને તેની સુંદરતાનો આનંદ માણી શકો છો.
જોધપુરમાં પોતાના ઘરમાં 7000થી વધુ ફૂલોનો બગીચો ધરાવતા રવિન્દ્ર કાબરા જણાવે છે, “ઘરમાં મોગરાના ફૂલો રોપવાથી તમને પ્રકૃતિ સાથે અદ્ભુત જોડાણ અનુભવાશે અને તેની સુગંધ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. આ તમને તમારી બધી પરેશાનીઓ ભૂલાવીને એક નવી ઉર્જા સાથે આગળ વધવાની પ્રેરણા આપશે.”
રવિન્દ્રના મતે, મોગરો મૂળભૂત રીતે લતા (ડાળી) છે, પરંતુ તેને ઝાડની જેમ પણ ઉગાડી શકાય છે. દેશના કોઈપણ ભાગમાં કુંડામાં ઉગાડવું સરળ છે.
તેઓ કહે છે, “જો તમે તેને છોડની જેમ ઉગાડો તો ફૂલ તોડવા સરળ હોય છે. પરંતુ લતા ખૂબ જ ઉપર જતી હોવાને કારણે ઉપરના ભાગમાં લાગેલાં ફૂલ તોડવા થોડા મુશ્કેલ થાય છે.”

કેવી રીતે તૈયાર થશે છોડ
રવિન્દ્ર જણાવે છે કે નર્સરીમાંથી મોગરાનો છોડ ખરીદવા ઉપરાંત તેને કાપીને, કલમ બનાવીને પણ સરળતાથી તૈયાર કરી શકાય છે.
તેઓ જણાવે છે કે બટ્ટ મોગરા, હાથી મોગરા જેવી સાત-આઠ પ્રજાતિઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે નર્સરીમાંથી છોડ ખરીદો છો, તો ખાતરી કરો કે તેમાં પહેલેથી જ ફૂલ આવેલા છે. નહિંતર, નબળી ગુણવત્તાનો છોડ મળવાનો ડર રહે છે.
તો, જો તમે તેને કાપીને જાતે તૈયાર કરવા માંગતા હો, તો તેને ગમે ત્યારે લગાવી શકાય છે, પરંતુ ફેબ્રુઆરી મહિનો આ માટે ખૂબ જ સારો છે. કારણ કે, આ સમય દરમિયાન સફળતાનો દર 75 થી 80 ટકા રહે છે.
રવિન્દ્ર કહે છે, “કટિંગ હંમેશા ઓછામાં ઓછી છ મહિના જૂની ડાળી પર જ કરવું જોઈએ. જો કટીંગની લંબાઈ છ થી આઠ ઈંચ હોય અને જાડાઈ 12 મીમી હોય તો છોડ સરળતાથી રોપી શકાય છે. ખાતરી કરો કે ડાળી સખત હોય નરમ નહી, નહીં તો છોડ વધશે નહીં.”
વધુમાં તેઓ આગળ જણાવે છે, “એક વાસણમાં સાત-આઠ ડાળીઓ એકસાથે વાવો. 45 થી 60 દિવસમાં મૂળ વિકસિત થઈ જાય છે. પછી, બધા છોડને વ્યક્તિગત પોટ્સમાં લગાવી દો. લગાવ્યાનાં દોઢ મહિના પછી, તેમાં ફૂલ આવવાનું શરૂ થાય છે.”
રવિન્દ્ર કહે છે કે છોડ લગાવવા માટે, તેની ટોચ પર રુટ હોર્મોન પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. આનાથી છોડ ઊગવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.

ફૂલ માટે સૌથી સારી ઋતુ
રવિન્દ્ર કહે છે કે મોગરામાં ઉનાળામાં સૌથી વધુ ફૂલો આવે છે. આ માટે બેસ્ટ મહિનો માર્ચના અંતથી જુલાઈના મધ્ય સુધી છે. જેમ જેમ વરસાદ વધતો જાય છે તેમ તેમ તેમાં ફૂલો ઓછા થતા જાય છે.
તે કહે છે કે મોગરામાં દરરોજ બે-ત્રણ કલાક સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે, નહીં તો તેમાં ફૂલો ખૂબજ ઓછાં આવે છે.
માટી કેવી રીતે તૈયાર કરવી
રવિન્દ્ર કહે છે કે એક કુંડામાં મોગરાને રોપવા માટે ઓછામાં ઓછું 12 ઈંચનું કુંડું હોવું જોઈએ. માટીના મિશ્રણ માટે, 80 ટકા બગીચાની માટી અને 20 ટકા વર્મી કમ્પોસ્ટ અથવા જૂના છાણીયા ખાતરનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાન રાખો કે જમીન ખૂબ સખત ન હોય, અન્યથા છોડને વધવા માટે મુશ્કેલી પડી શકે છે.
કુંડામાં ત્રણ-ચતુર્થાંશ માટીની માત્રા રાખો જેથી સિંચાઈ દરમિયાન તમને વધારે તકલીફ ન પડે.
ઉપરાંત, કુંડાના તળિયે એક નાનું કાણું કરીને ડ્રેનેજ સિસ્ટમને મજબૂત કરો. નહિંતર, વરસાદના દિવસોમાં, કુંડામાં વધુ પાણી એકઠું થવાનું શરૂ થશે અને તેના કારણે છોડના મૂળ સડવા લાગશે.
ઉધઈ લાગે ત્યારે શું કરવું
રવિન્દ્ર જણાવે છે કે મોગરામાં જલ્દી કોઈ બીમારી લાગતી નથી. પરંતુ કેટલીકવાર આમાં ઉધઈ લાગતી હોય છે, જે છોડ માટે ખૂબ જ નુકસાનકારક છે. જૈવિક જંતુનાશકો ઉધઈ પર અસરકારક નથી. આ માટે ક્લોરો ફાયર ફોર્સ કેમિકલનો ઉપયોગ વધુ ફાયદાકારક છે.
તેઓ જણાવે છે કે એક લિટર પાણીમાં કેમિકલના પાંચ ટીપાં મિક્સ કરીને છોડને આપો. આ પ્રક્રિયાને 10 દિવસ પછી ફરીથી કરો. આ રીતે, પાંચ મહિના સુધી છોડને કોઈ ખતરો રહેશે નહીં.

કેવી રીતે કાળજી લેવી
રવિન્દ્ર કહે છે, “મોગરાને વર્ષમાં ત્રણ વાર ફર્ટિલાઇઝ કરો. માર્ચના પહેલા અઠવાડિયામાં, પછી લગભગ દોઢ મહિના પછી એપ્રિલમાં અને છેલ્લી વખત જૂનમાં. આ છોડમાં મોટા અને તાજા ફૂલો લાવશે.”
તે કહે છે કે જ્યારે છોડ એક કે બે વર્ષનો થઈ જાય ત્યારે તેમાં ઉગતી ડાળીઓને કાપી નાખો. આ છોડમાં વધુ ફૂલો લાવશે.
તેઓ કહે છે, “હંમેશાં ટ્રીમિંગ ફેબ્રુઆરીમાં જ કરવું જોઈએ, કારણ કે લગભગ એક મહિના પછી છોડમાં ફૂલ આવવાનો સમય હોય છે. બીજીવાર ટ્રીમીંગ ફૂલોની મોસમ પૂરી થયા પછી જુલાઈમાં કરી શકાય છે.”
રવિન્દ્ર જણાવે છે કે ઉનાળામાં મોગરામાં બંને વખત પાણી આપવું સારું રહેશે. તો, શિયાળામાં એક દિવસ બાદ ત્રીજા દિવસે પાણી આપવું પણ પૂરતું છે. તો, વરસાદના દિવસોમાં કુંડામાં વધુ પડતું પાણી ન બચે તે જોવું જરૂરી છે.
શું-શું જોઈએ
12 ઇંચનું કુંડુ
બગીચાની માટી
વર્મી કમ્પોસ્ટ અથવા જૂનું છાણનું ખાતર
કંઈ વાતોનું ધ્યાન રાખશો
કુંડામાં વધારે પાણી એકઠું થવા ન દો.
છોડને ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક સૂર્યપ્રકાશની જરૂર હોય છે.
કટીંગ માટે બેસ્ટ મોસમ ફેબ્રુઆરી છે.
વર્ષમાં ત્રણ વખત (માર્ચ, એપ્રિલ અને જૂનમાં) ખાતર આપો.
જ્યારે ઉધઈ આવે ત્યારે ક્લોરો ફાયર ફોર્સનો ઉપયોગ કરો.
આ રીતે એકવાર મોગરાના છોડને રોપવામાં આવે તો તમે ઓછામાં ઓછા 10-12 વર્ષ સુધી તેનો આનંદ માણી શકો છો.
જુઓ વીડિયો –
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: મજૂરને લોહી માટે પડતી તકલીફ જોઈ મોરબીના માજી સૈનિકે શરૂ કરી ફ્રી બ્લડ બેન્ક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.