એક ઘર જે ચારેય બાજુથી સહ્યાદ્રીની પર્વતમાળાઓથી ઘેરાયેલું હોય, ઘરથી 900 ફૂટના અંતરે ડેમ અને થોડે દૂર ભગવાન શંકરનું વર્ષો જૂનું મંદિર, એ ઘરમાં રહેવું કેટલું સુખદ હશે તેની કલ્પના કરો. બે વર્ષ પહેલાં, જ્યારે પૂણેના એક આર્કિટેક્ટ દંપતીએ પૂણેથી લગભગ 50 કિલોમીટર દૂર આવી સુંદર જગ્યાએ તેમના ફાર્મહાઉસ માટે જમીન ખરીદી હતી, ત્યારે તેઓ ઇચ્છતા ન હતા કે અહીં કોઈ કૉંક્રીટની ઇમારતો બનાવે.
જો કે, તેમને તે અંદાજ પણ ન હતો કે, બે વર્ષમાં તે અહીં પોતાના માટે માટીનો મહેલ બનાવશે. હા, તેમણે માત્ર માટી અને વાંસનો ઉપયોગ કરીને આ બે માળનું ફાર્મહાઉસ તૈયાર કર્યું છે. આજે આ બંને શહેરની ભીડથી દૂર રહીને પોતપોતાનું કામ કરી રહ્યા છે અને માત્ર પ્રોજેક્ટના સંબંધમાં જ બહાર જાય છે.
જ્યારે તે ઘર બનાવી રહ્યા હતા ત્યારે ગામના લોકોએ તેમને કહ્યું કે આ વિસ્તારમાં દર વર્ષે ભારે વરસાદ પડે છે અને ડેમને કારણે પવનની ગતિ હંમેશા વધારે રહે છે. પરંતુ આ બંનેને વિશ્વાસ હતો કે માટીનો ઉપયોગ કરીને બનેલા કિલ્લાઓ વર્ષો-વર્ષ સુધી ઉભા રહે છે, તો અમારું ઘર કેમ ન રહે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, તેઓ બહુજ ખુશીથી જણાવે છે કે આ વર્ષે મહારાષ્ટ્રમાં આવેલા તોફાની ચક્રવાત દરમિયાન અમારા ઘરને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં ઘરને કોઈ નુકસાન થયું નથી.

અર્થ બેગથી બનાવી દીવાલ
વર્ષ 2020માં, દિવાળીના સમયે, તેમણે એક એકર જમીન ખરીદી હતી, ત્યારબાદ ડિસેમ્બરમાં તેણે અહીં બાઉન્ડ્રી વોલ બનાવવાની શરૂઆત કરી. તેઓ આ જમીનમાં પથ્થર વડે દિવાલ બનાવવા માંગતા હતા. જ્યારે તેમણે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું અને માટી ખોદવાનું શરૂ કર્યું ત્યારે તેમણે વિચાર્યું કે આ માટીને કેમ નકામી જવા દેવી અને પથ્થર પાછળ પૈસા કેમ ખર્ચા કરવા?
ત્યારે તેમના મગજમાં અર્થ બેગની દિવાલ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે સિમેન્ટની ખાલી થેલીઓમાં માટી અને ચુનો ભરીને માટીની થેલીઓ બનાવી અને સસ્ટેનેબલ ઘર બનાવવાનું શરૂ કર્યું. યુગ કહે છે, “આર્મી બંકરો સામાન્ય રીતે આ પ્રકારની દિવાલથી બનેલા હોય છે. અમે આવો જ એક પ્રયોગ કર્યો, જે સફળ પણ રહ્યો. એ પછી એક પછી એક પ્રયોગ કરીને અમે અમારું આખું ઘર તૈયાર કર્યું.”
સમગ્ર બાઉન્ડ્રીની દીવાલ માટે, તેમણે ઈંટોની 3500 માટીની બોરીઓ બનાવી, દિવાલને જમીનના સ્તરથી 3 ફૂટ નીચે અને જમીનની સપાટીથી 4 ફૂટની ઉંચી દીવાલ બનાવી છે. આ પછી તેણે પહેલા માટી અને વાંસમાંથી સ્ટોર રૂમ બનાવ્યો. તેમાં સફળતા મળ્યા બાદ તેણે ધીમે ધીમે આખું ઘર માટીમાંથી બનાવવાનું નક્કી કર્યું.

સ્થાનિક માલસામાનનો કર્યો બેસ્ટ ઉપયોગ
સાગરે તેની ઇન્ટર્નશિપ દરમિયાન દક્ષિણ ભારતમાંથી બેમ્બુનું કામ શીખ્યું હતું. આ સિવાય તેમણે થનાલમાં જઈને માટીના ઘર બનાવવાનો 10 દિવસની વર્કશોપ પણ કરી હતી. તે તાલીમનો ઉપયોગ તેણે પોતાનું ઘર બનાવવા માટે કર્યો. ઘરને સંપૂર્ણપણે ટકાઉ કેવી રીતે બનાવવું તે શીખવા માટે તેણે સ્થાનિક સંસાધનોની શોધ કરી.
સાગર કહે છે, “અમે આ ઘર માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ વાંસનો ઉપયોગ કર્યો છે. અમે આ વાંસ માત્ર અડધા કિલોમીટરના અંતરેથી ખરીદ્યો હતો. જ્યારે ઘર બનાવવા માટે અમારા ખેતરની લાલ માટી અને ઘાસનો ઉપયોગ થતો હતો. અમે દિવાલની વ્યવસ્થા માટે નજીકના જંગલમાંથી કાર્વીની લાકડીઓ અને વાંસની ચટાઈનો ઉપયોગ કર્યો. તો, ઘરનું માળખું તૈયાર કરવા માટે, અમે Wattle & daub અને COB wall system અપનાવી. જ્યારે માટીનું મિશ્રણ – લાલ માટી, ચુનો, ભૂસી, હરિતકી એટલે કે હરડનું પાણી, ગોળ, લીમડાને ગૌમૂત્ર અને ગાયના છાણમાં ભેળવીને બનાવવામાં આવ્યુ હતું.”
તેઓએ ઘરની જમીન માટે માટી અને ગોબરનો પણ ઉપયોગ કર્યો છે. જેમાં દર અઠવાડિયે ગાયના છાણથી લેપ કરવામાં આવે છે. તેણે સ્થાનિક લોકો સાથે મળીને ચાર મહિના તંબુમાં રહીને આ ઘર બનાવ્યું હતું. તે કહે છે કે સ્થાનિક લોકોની મદદથી અમને ઓછા ખર્ચે તૈયાર કરવામાં મદદ મળી.
ગામના લોકોએ બે માળનું ઘર પહેલીવાર જોયું
ઘરમાં નીચેના ભાગમાં વરંડો, લિવિંગ રૂમ, રસોડું અને બાથરૂમ છે, જ્યારે ઉપરના માળે બીજો રૂમ અને ટેરેસ બનાવવામાં આવ્યું છે. ઉપરના ભાગમાં વાંસની છત બનેલી છે. બાથરૂમ માટેની ટાઇલનો ઉપયોગ ચુનાની સાથે કરવામાં આવ્યો છે. આ રીતે આ આખું ઘર સિમેન્ટ અને કોંક્રીટ વગર પૂર્ણ થયું છે. સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજી અપનાવવાને કારણે આ ઘરની અંદરનું તાપમાન બહારની સરખામણીએ ઓછું રહે છે. સાગરે જણાવ્યું કે આ વર્ષે તેણે એસી અને પંખા વગર ઉનાળો પસાર કર્યો છે.
ગામના લોકો શરૂઆતમાં આવી વ્યવસ્થામાં માનતા ન હતા. પરંતુ આજે આ માટીના મહેલને જોવા માટે ઘણા લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. ભારે વરસાદથી બચવા માટે તેઓએ ઘરની છત પરથી એક્સ્ટેન્શન આપ્યું છે. જેના કારણે બહારની દિવાલોને પાણી વધારે સ્પર્શતું નથી. જોકે, યુગે કહ્યું કે અહીં ભારે વરસાદ જોઈને અમને લાગ્યું કે અમારે વાંસમાંથી બનેલા એક્સટેન્શનને વધારવાની જરૂર છે.
સાગર કહે છે, “ગામવાસીઓ હવે તેમના દરેક મહેમાનને અમારું ઘર બતાવવા લાવે છે. જ્યારથી આ ઘર બન્યું છે ત્યારથી આજુબાજુના ઘણા લોકો, સરકારી અધિકારીઓ અને મુંબઈના ઘણા આર્કિટેક્ટ અમારા ઘરની મુલાકાત લેવા આવ્યા છે.” આ બે માળનું મકાન બનાવવાનો ખર્ચ માત્ર 500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે લગભગ ચાર લાખ રૂપિયા આવ્યો છે.

કિચન ગાર્ડનમાં ઉગે છે શાકભાજી
તેમની પાસે કુલ એક એકર જમીન છે, જેમાંથી તેણે 1200 ચોરસ ફૂટનું આ ઘર બનાવ્યું છે અને કેટલીક જગ્યાએ તેમણે વૃક્ષો અને કેટલીક મોસમી શાકભાજી પણ ઉગાડી છે. આ ઉપરાંત લોનાવાલાથી નજીક હોવાને કારણે આ વિસ્તાર એક સારું પર્યટન સ્થળ પણ છે. તેથી આગામી દિવસોમાં સાગર વધુ કેટલાક માટીના રૂમ બનાવવાનું વિચારી રહ્યો છે, જેમાં લોકો શહેરથી દૂર માટીના મકાનોમાં રહેવાની મજા માણી શકે.
સાગરે કહ્યું, “સોશિયલ મીડિયા દ્વારા આ ઘર આસપાસના વિસ્તારોમાં એટલું લોકપ્રિય બન્યું છે કે ઘણા અજાણ્યા લોકો અહીં આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેથી હું કેટલાક વધુ રૂમ બનાવવાનું વિચારી રહ્યો છું જ્યાં હું કેટલાક મહેમાનોનું સ્વાગત કરી શકું. અહીં ઘણી ટેન્ટ હોટલો છે, પરંતુ આ પ્રકારના માટીના ઘર નથી.”
હાલમાં તે તેના પાંચ કૂતરા અને એક બિલાડી સાથે અહીં રહે છે. આ ઘર સાગર અને યુગાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. આવનારા સમયમાં તેઓ કોંક્રીટના ઘરને બદલે, આ જ રીતે પર્યાવરણને અનુકૂળ કામ કરવા માંગે છે.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છના કોલેજીયન યુવાનોને શરૂ કર્યું ચકલી બચાવ અભિયાન, ફ્રી સમયમાં બાંધ્યા 7 હજાર+ માળા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.