આજે આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના નાના રણમાં સૂર્ય ઉર્જાના ઉપયોગ દ્વારા મીઠું પકવતા અગરિયાઓની. તેમના આ નવીનીકરણીય ઉર્જા દ્વારા મીઠું પકવવાની રીતના કારણે તેઓના ખર્ચમાં ઘણો ઘટાડો થઇ આવકમાં વધારો થવાની સાથે સાથે પર્યાવરણને પણ સારો એવો ફાયદો થઇ રહ્યો છે.
ધ બેટર ઇન્ડિયાએ આ માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાકોટ ગામના ભરતભાઈ સોમેરા સાથે વાતચીત કરતા તેઆ વિશે વધારે વિસ્તારપૂર્વક જણાવે છે જે નીચે મુજબ છે.
ભરતભાઈ કહે છે કે, અહીંયા 600 – 700 વર્ષથી મીઠું પકવવામાં આવે છે. ત્યારે બળદ અને ચામડાની કોસનો ઉપયોગ કરીને જમીનમાંથી પાણી કાઢવામાં આવતું અને તેના દ્વારા મીઠું પકાવવામાં આવતું હતું. ત્યારબાદ પાણીના તળ નીચે જવાના કારણે ક્રમશ: તેની જગ્યા ઓઇલ એન્જીન અને છેલ્લે ડીઝલ એન્જીને લઇ લીધી. પરંતુ ડીઝલ એન્જીનના કારણે અગરિયાને એક સીઝન દરમિયાન તેના મેઇન્ટેનન્સ અને ડીઝલમાં 30 થી 35 હજાર સુધીનો ખર્ચો આવતો હતો. અને સાથે અહીંયા પાટણ, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી આ 5 જિલ્લાના 8 તાલુકાના 109 ગામના 8000 પરિવાર મીઠું પકવતા હોવાથી દરેકને પોતાનું અલાયદું ડીઝલ એન્જીન હતું જેના દ્વારા હવાનું પ્રદુષણ પણ ખુબ થતું હતું.

આ બધા વચ્ચે એક વખત અગરિયા હિત રક્ષક મંચ દ્વારા આ બાબતે ગંભીર વિચારણા કરીને બેંગ્લોરથી સોલાર સિસ્ટમ 2009 માં લાવીને 2011 – 2012 બે વર્ષ માટે તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. તે સફળ થતા 2013માં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં અરજી કરી અને અહીંયા સોલર સિસ્ટમ નાખવા માટે આવેદન આપવામાં આવ્યું જેમાં સરકાર શ્રી તરફથી આ પાંચ જિલ્લાના અગરિયાને મીઠું પકવવામાં સરળતા રહે તે માટે 80 ટકાની સબસીડી ના સહયોગ આધારિત 4 થી 5 હજાર સોલાર સિસ્ટમ નાખવામાં આવી. એનો ફાયદો એ થયો કે હવે અગરીયાઓનું જીવન ધોરણ સુધર્યું છે અને મીઠું પકવવાની સાથે સાથે તેઓ રણમાં જે રીતે છુટા છવાયા રહે છે તેને જોતા મનોરંજન અને દૈનિક ક્રિયાઓ માટે દરેક ઘરને વીજળી પણ મળી રહી છે. જીવન ધોરણ સુધારવાના કારણે અને હવે ડીઝલ એન્જીનના જાકારાના કારણે તેઓ પોતાના અને પોતાના પરિવાર માટે સમય આપતા પણ થયા છે. છોકરાઓ સારી રીતે ભણતા અને વિધિવત આગળ વધવાની અપેક્ષા રાખતા પણ થયા છે.
આમ, એક નવીનીકરણીય સ્ત્રોતના ઉપયોગથી ગુજરાતના આ વિસ્તારમાં ખરેખર એક હકારાત્મક બદલાવ આવ્યો છે જે આવકારદાયક છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સુરતનો આ ખેડૂત કોઈપણ જાતના માર્કેટિંગ વગર અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સુધી વેચે છે ઑર્ગેનિક ગોળ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.