Search Icon
Nav Arrow
Eco Friendly Ideas
Eco Friendly Ideas

જો ટકાઉ ઘર બનાવવા ઈચ્છતા હોવ તો આ 8 પ્રાચીન ભારતીય તકનીકો તરફ પાછા ફરવું જ રહ્યું

ઘરને ડિઝાઈન કરવા માટે આપણા સમૃદ્ધ પરંપરાગત આર્કિટેક્ચરમાંથી પ્રેરણા લેવાથી ઘર તો ઈકો ફ્રેન્ડલી બનશે જ સાથે-સાથે તમારા ઘરને અલગ જ સાંસ્કૃતિક ઓળખ પણ મળશે.

8 પ્રાચીન ભારતીય તકનીકો કે જેને આપણે આજે ટકાઉ ઘરો બનાવવા માટે તેમજ ઘરોની તે પ્રમાણેની ડિઝાઇન બનાવવા માટે ફરી પાછી અમલમાં લાવવી જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સમૃદ્ધ પરંપરાગત આર્કિટેક્ચરમાંથી પ્રેરણા લેવાની તાતી જરૂર છે અને તેનાથી તે માત્ર ઇકો-ફ્રેન્ડલી જ નહીં પરંતુ આપણને એક અલગ સાંસ્કૃતિક ઓળખ પણ. જે વર્ષોથી છે તે પણ પુરી પાડશે.

પરંપરાગત આર્કિટેક્ચર સ્થાનિક આબોહવા, ટોપોગ્રાફી, સંસ્કૃતિ અને સંદર્ભના દર્ષ્ટિકોણ પ્રમાણે પેઢીઓથી વિકસિત થયું છે. તે સ્થાનિક રીતે ઉપલબ્ધ કુદરતી સામગ્રી અને સ્વદેશી બાંધકામની તકનીકોનો ઉપયોગ કરે છે. તેથી, તે ટકાઉ, બિનખર્ચાળ છે અને મજબૂત તેમજ સુંદર હોય છે.

ભારતીય આર્કિટેક્ચરના ગાંધી એવા લૌરી બેકરના શબ્દોમાં કહીએ તો, – “કેટલીકવાર સ્થાનિક આર્કિટેક્ચર એટલું સુંદર અને એટલું યોગ્ય હોય છે કે મને લાગે છે કે અન્ય કોઈપણ રીતે ભારતીય ઘરના બાંધકામ માટે પ્રયત્ન કરવો અને ડિઝાઇન કરવી તે મૂર્ખતા અને અપમાનજનક હશે.”

પરંતુ શું તમે જાણો છો કે પરંપરાગત આર્કિટેક્ચરના ઘણા તત્વોને નવા ઘરોની ડિઝાઇનમાં સરળતાથી ફરીથી એક નવીનતાવાદી સુધાર સાથે શમાવી શકાય છે?

સ્થાનિક અને કુદરતી સામગ્રી
પરંપરાગત આર્કિટેક્ચર સ્થાનિક રીતે મેળવેલી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરે છે કારણ કે તે સરળતાથી ઉપલબ્ધ હોય છે તેમજ આર્થિક અને આબોહવાની દ્રષ્ટિએ વધુ યોગ્ય પણ. ઉપરાંત, એકદમ ઓછા પરિવહન ખર્ચને કારણે તે પોષાય તેમ છે. આવી સામગ્રીઓ જે તે સ્થાનના કુદરતી વાતાવરણ સાથે પણ સારી રીતે સુસંગત છે.

પથ્થર, ઇંટો, કાદવ, લાકડું, ચૂનો એ ચોક્કસ પ્રદેશમાં તેમની ઉપલબ્ધતાને આધારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સામગ્રી હતી.

પ્રાચીન સમયથી, ઘરોમાં દિવાલો, છત અને માળ બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટોન મજબૂત અને ટકાઉ છે, ઉપરાંત આકર્ષક રંગો અને બંધારણ પ્રમાણે અલગ અલગ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે. હિમાચલમાં સ્લેટ, રાજસ્થાનમાં સેન્ડસ્ટોન, આંધ્રમાં કુડપાહ અથવા કેરળમાં લેટેરાઇટ જેવા સ્થાનિક રીતે મળતા પથ્થરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

પ્રાચીન સમયથી ઈમારતોમાં માટી અને ઈંટોનો ઉપયોગ થતો આવ્યો છે. મકાન માટે ઉપલબ્ધ સૌથી વધુ પર્યાવરણને અનુકૂળ સામગ્રી પૈકીની કોઈ વસ્તુ હોય તો તેમાની એક અને સૌથી મહત્વની માટી છે. સૂર્ય પ્રકાશમાં સૂકાયેલી ઇંટો પણ આ જ શ્રેણીમાં આવે છે. આવી ઈંટો મજબૂતાઈ અને નક્કરતા માટે છે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી લોકપ્રિય છે. ઈંટની ઈમારતો અને બાંધકામો સદીઓથી તેમની ટકાઉપણાની સાક્ષી આપે છે.

Eco Friendly Ideas

આજે પણ બાંધકામ માટે ઈંટોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે માટીથી બનેલી ઈમારત હવે વ્યવહારમાં નથી રહી. કેટલાક આર્કિટેક્ટ્સ અને સંસ્થાઓ સમકાલીન આર્કિટેક્ચરમાં માટીના ઉપયોગને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સિમેન્ટના આગમન પહેલા ઇમારતોમાં ચૂનોનો ઉપયોગ થતો હતો. ચૂનો એ પ્લાસ્ટરની અવેજીમાં સિમેન્ટના વપરાશ પર કાપ મૂકી શકે છે. હાનિકારક VOC (અસ્થિર કાર્બનિક સંયોજનો) છોડતા સિન્થેટિક પેઇન્ટનો ઉપયોગ કરવાને બદલે લાઈમ વૉશ પેઇન્ટિંગ સારામાં સારો  વિકલ્પ છે.

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પરંપરાગત ઘરો બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે. પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં, ઘરો થાંભલાઓ પર ઉભા હોય છે. વાંસ ઓછા વજનના હોવાથી વારંવાર ધરતીકંપ આવતા આ પ્રદેશ માટે એકદમ યોગ્ય છે. વાંસમાં પુષ્કળ સંભાવનાઓ છે કારણ કે તે ખૂબ જ ઝડપથી વિકસે છે અને તેમાં અદ્ભુત શક્તિ અને લચીલાપણું છે.

ભૂતકાળમાં, લાકડાનો ઉપયોગ મુખ્યત્વે દરવાજા અને બારીઓ માટે અને કેટલાક પ્રદેશોમાં ઘરના એકથી વધુ માળના નિર્માણ માટે થતો હતો. પરંતુ, આજના ઘરોમાં આપણે લાકડાના વધુ પડતા ઉપયોગથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે જંગલોની નાબૂદીમાં ફાળો આપે છે. તેથી, જ્યાં પણ શક્ય હોય ત્યાં જુના લાકડાઓનો ફરીથી ઉપયોગ કરો અથવા FSC દ્વારા પ્રમાણિત લાકડાની ખરીદી કરો કેમકે તે માન્યતા પ્રાપ્ત જંગલના વિસ્તારમાંથી જવાબદારી પૂર્વક કાપવામાં આવેલ હોય છે.

Eco Friendly Techniques

આંગણું
આંતરિક આંગણું પરંપરાગત ભારતીય ઘરના લેઆઉટનો અભિન્ન ભાગ હતો. તે ઘરના આંતરિક ભાગમાં પૂરતો કુદરતી પ્રકાશ અને તેમ જ હવાઉજાસ પ્રદાન કરે છે. તે હિન્દીમાં આંગન, પંજાબીમાં વેહરા અથવા મલયાલમમાં નાદુમુત્તમ અને ગુજરાતીમાં ચોક અથવા આંગણ તરીકે ઓળખાય છે, તે એક એવી જગ્યા છે જ્યાં ઘણી બધી પારિવારિક પ્રવૃત્તિઓ સંપૂર્ણ એકાંતમાં થઈ શકે છે.

ઘણા ઘરોમાં આંગણા કોરિડોર અને વરંડાથી ઘેરાયેલ હતા. જેમાંથી વિવિધ રૂમમાં પ્રવેશ કરી શકાય છે. તે છાંયો પૂરો પાડે છે અને વરસાદને પણ દૂર રાખે છે. કેટલાક ઘરોમાં એક કરતાં વધુ આંગણા હતા. તે વધતા તાપમાનથી ઘરને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ધૂળની ડમરીઓ ઓછી તીવ્રતાથી ઘર ઉપરથી પસાર થશે અને તેના કારણે જાણે કુદરતને ઘરમાં આવકાર આપીને સુખદ વાતાવરણ બનાવવામાં પણ મદદ મળશે.

Eco Friendly Techniques

જાળી
ભારતના પરંપરાગત આર્કિટેક્ચરમાં જાળી અથવા જાળી સ્ક્રીનનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ સ્ક્રીનો ઠંડા પવનને આવવા દે છે પરંતુ સૂર્યની ગરમી તથા ધૂળને દૂર રાખે છે. તેઓ પ્રકાશ અને પડછાયા સાથે રસપ્રદ પેટર્ન બનાવે છે. જયપુરમાં હવા મહેલ, રાજવી પરિવારની મહિલાઓ માટે નીચેની શેરીમાં ખાસ કરીને ઔપચારિક સરઘસો સંપૂર્ણ એકાંત અને આરામથી જોવા માટે બનાવવામાં આવ્યો હતો. સમગ્ર મહેલ રેતીના પથ્થરમાં જટિલ જાળીના કામથી બનેલો છે. મુઘલ સ્થાપત્યમાં પણ મહેલો અને પેવેલિયન માટે આરસ અને સેંડસ્ટોનમાં સુંદર જાળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમી ઘટાડવા માટે પાણીની સાથે જાળીઓનો ઉપયોગ અત્યંત અસરકારક હતો. કેટલાક આર્કિટેક્ટ્સ દ્વારા તેમની ડિઝાઇનમાં જાળીઓને આધુનિક ઢબે ઢાળી ઉપયોગ કરવામાં આવ્યો છે. લે કોર્બુઝિયરે ચંદીગઢમાં તેમની ઇમારતો માટે બ્રિસ-સોલીલ અથવા સન-બ્રેકરનો ઉપયોગ કર્યો હતો. લૌરી બેકરે તેના ઘણા પ્રોજેક્ટ્સમાં ઈંટની જાળીઓના વિવિધ સ્વરૂપો સાથે સર્જનાત્મક રીતે પ્રયોગ કર્યો.

 Sustainable Homes

વરંડા
તે ઘર સાથે જોડાયેલ ઢંકાયેલું અને આંશિક રીતે બંધ માળખું છે. પરંપરાગત ઘરોમાં સામાન્ય રીતે મહેમાનોને આવકારવા માટે પ્રવેશદ્વાર પર વરંડા હોય છે. આ છાંયો પૂરો પાડે છે અને સૂર્યની ગરમી અને વરસાદથી બચાવે  છે. વરંડા ઘરના આંતરિક ભાગ અને બાહ્ય વાતાવરણ વચ્ચે અવકાશ બનાવે છે, ત્યાંથી ઘરના રહેવાસીઓને પ્રકૃતિ સાથે જોડે છે. કેરળના પરંપરાગત ઘરમાં, આગળના વરંડા, પૂમુખમ ઉપરાંત, બાજુઓ પર વરંડા છે જેને ચૂટ્ટુ વરંડા પણ કહેવાય છે. તે ઘરને ઉનાળાની ગરમી અને ચોમાસાના ભારે વરસાદથી બચાવે છે. આંગણાની બાજુમાં આવેલ વરંડા વિવિધ કૌટુંબિક પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રસંગો માટે ઠંડી અને છાંયડાવાળી જગ્યા પ્રદાન કરે છે. વરંડાની છતને સ્તંભોની શ્રેણી દ્વારા ટેકો આપવામાં આવ્યો હોય છે જે લાકડા અથવા પથ્થરમાં સુંદર રીતે કોતરવામાં આવ્યા હોય છે.

 Sustainable Homes

છજ્જા
આ ઢાળવાળી અથવા આડી હોઈ શકે છે અથવા રાજસ્થાની આર્કિટેક્ચરમાં ઝરૂખાની જેમ ચારે બાજુ રક્ષણ માટે બનાવી હોય તેવી હોઈ શકે છે. છજ્જાઓ દ્વારા આપવામાં આવતી છાયાને લીધે, તેઓ ઘરના આંતરિક ભાગમાં પ્રવેશતી ગરમીને ઘટાડવામાં ફાળો આપે છે. ઉષ્ણકટિબંધીય આબોહવામાં, ભારે ચોમાસાના વરસાદને રોકવા માટે પરંપરાગત રીતે ઢોળાવવાળા ઓવરહેંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે, ઢોળાવવાળી છજ્જાઓનો ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં ભારે હિમવર્ષા થાય છે. જેસલમેરમાં આવા મુખ્ય સ્થાપત્ય તત્વો તરીકે ઝરોખા અને પીળા રેતીના પથ્થરમાં જાળીઓની બનાવટની સાથે ઉત્કૃષ્ટ સ્થાપત્ય માટે જાણીતું છે.

Renewable-Energy-Sources

કમાનો
કમાનો એ સુંદર ડિઝાઇનની સાથે સુવિધા માટે બનવવામાં આવે છે જેનો ઉપયોગ આજના ઘરોમાં ભાગ્યે જ થાય છે. કમાનો તેમના નરમ વળાંકોને કારણે એક સુંદર ઘાટ આપે છે. તેનો ઉપયોગ તમામ દરવાજા અને બારી ખોલવા પર થાય છે. તેઓ ઇંટો અથવા પથ્થરમાંથી બનાવી શકાય છે જેથી બાંધકામમાં ઉપયોગમાં લેવાતા કોંક્રિટના જથ્થા પર બચત થાય છે. કોરિડોર અને વરંડામાં કમાનો ખરેખર આકર્ષક લાગે છે.

Ancient Indian Architecture

ઢાળવાળી છત
ભારે વરસાદ અને હિમવર્ષા થતા વિસ્તારોમાં ઢોળાવવાળી છત હંમેશાથી બનાવવામાં છે. પરંતુ આજે, સર્વવ્યાપક સપાટ કોંક્રિટ સ્લેબ આપણા શહેરો અને ગામડાઓમાં આ ઢાળવાળી છતવાળા બાંધકામને ઝડપથી ઘાટડી રહ્યા છે. દક્ષિણના રાજ્યોમાં, ચોમાસાના ભારે વરસાદના પાણીના નિકાલ માટે ઢાળવાળી છત બનાવવામાં આવતી હતી. તે સામાન્ય રીતે ટેરાકોટા ટાઇલ્સ (નળીયા) થી બનવવામાં આવતી હતી, આ માટે મેંગલોરી ટાઇલ્સ પણ સૌથી પ્રખ્યાત છે. ઉત્તર ભારતના પહાડોમાં ઢાળવાળી છત સ્લેટ પથ્થરની ટાઇલ્સથી બનવવામાં આવતી હતી. આ કુદરતી ટાઇલ્સ અને ઢોળાવવાળી છત ઘરની સુંદરતામાં અને તેના આકર્ષણમાં ખરેખર ઉમેરો કરે છે. આંતરિક ભાગમાં થોડો પ્રકાશ મેળવવા માટે રસપ્રદ સ્કાયલાઇટ્સ અથવા બારી પણ મુકવામાં આવતી.

Ancient Indian Architecture

બિલ્ટ-ઇન ફર્નિચર
પરંપરાગત ભારતીય સ્થાપત્યમાં ઘર બાંધતી વખતે અમુક પ્રકારનું ફર્નિચર બનાવવામાં આવતું હતું. કેરળના ઘરોમાં, ચારુપદ્દી તરીકે ઓળખાતા આગળના વરંડામાં બિલ્ટ-ઇન બેઠકો હતી. તેનો ઉપયોગ પરિવારના સભ્યો મહેમાનોની મેહમાનગતી તેમજ તેમના મનોરંજન માટે કરતા હતા. દક્ષિણ ભારતીય ઘરોના વરંડામાં પણ લાકડાના હિંચકા મુકવામાં આવતા હતા.

મોટાભાગના ઘરોની અંદર સંગ્રહ અને પ્રદર્શન માટે વિશિષ્ટ રચનાઓ અને છાજલીઓ બનાવતા. કેટલીક રચનાઓનો ઉપયોગ રાત્રે દીવાઓ અથવા ફાનસ રાખવા માટે કરવામાં આવતો હતો કારણ કે તે પવનથી ઉડી ન જાય. બિલ્ટ-ઇન ફર્નિચર અત્યંત ટકાઉ હતું. આધુનિક ઘરોની ડિઝાઇન કરતી વખતે આવા કેટલાક રસપ્રદ ફર્નિચરની ગોઠવણ કરી શકાય છે.

આધુનિકતાની આંધળી દોડમાં વડવાઓ દ્વારા વિધિવત વિકસાવવામાં આવેલી રચનાઓને ના ભૂલી અને તેને વ્યવસ્થિત રીતે એક નવીન ઓપ આપી આપણા આધુનિક બાંધકામમાં સમાવિષ્ટ કરી આપણે પર્યાવરણને તેમજ આપણી સંસ્કૃતિને, આપણી એક અલગ ઓળખને હજી પણ બચાવી શકીએ છીએ.

Renewable-Energy-Sources

મૂળ લેખ: નવિતા સિંગ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ‘હરણ’ બચાવવા ખેડૂતે સમર્પિત કરી પોતાની 50 એકર જમીન, હરણની સંખ્યા 3 થી વધીને થઈ 1800!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon