ધ બેટર ઇન્ડિયા આજે એક એવા વ્યક્તિની વાત તમને કરવા જઈ રહ્યું છે કે જેઓ આપણા ગુજરાતના ભુજ શહેરના જ છે અને જેમણે અમેરિકામાં સારી એવી નોકરીમાં રાજીનામુ આપી પોતાના દિલની વાત સાંભળી એક ઉમદા ટ્રાવેલર તરીકે પ્રસ્થાપિત થયા છે. તેમનું નામ વરુણ સચદે છે અને તેઓ અત્યાર સુધી 32 દેશ તેમજ ભારતમાં પણ જ્યાં ભાગ્યે જ કોઈ જવાનું સાહસ કરે તેવી જગ્યાઓ પર પણ ફરી ચુક્યા છે. રસપ્રદ વાત એ છે કે તાજેતરમાં જ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન જેવી જ હૂબહૂ જગ્યા જે કચ્છના કાળીયાધરો ખાતે છે તેને દુનિયાના લોકો સમક્ષ લાવવાનું કામ પણ વરુણભાઇ એ જ કર્યું છે.
આ લેખમાં ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા વરુણભાઇ પોતાના દક્ષિણ અમેરિકા ખંડના 12 મહિનાના પ્રવાસ વિશે સવિસ્તાર જણાવે છે. આ દરમિયાન તેમણે કંઈ રીતે ત્યાંના વિવિધ દેશોમાં પોતાનો ખર્ચો કાઢવા માટે કમાણી કરી અને તે દ્વારા જ એ ખંડના પોતાના પ્રવાસને જાળવી રાખ્યો. તો ચાલો તેમના આ રસપ્રદ અનુભવને આપણે તેમના શબ્દોમાં જ માણીએ.

આરંભ
જૂન 2015 માં મેં મારી નોકરીમાંથી રાજીનામુ આપીને બે મહિના બાઈક પર ઉત્તર અમેરિકામાં જ 7000 કિલોમીટર આસપાસ મુસાફરી કરી અને તે પછી આગળના મારા પ્રવાસને આરંભ્યો તે અંતર્ગત 13મી ઑગસ્ટ 2015ના રોજ, હું ખિસ્સામાં તેમજ બેન્ક અકાઉન્ટમાં મારી બચાવેલી મૂડી અને સ્પેનિશ શીખ્યા વગર જ મેરિસ્કલ સુક્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ, ક્વિટો, એક્વાડોર પર ઉતર્યો. મારી પાસે એક્વાડોર વિશે ન તો કોઈ યોજના હતી કે ન તો આ દેશ વિશે બહુ ખ્યાલ હતો. મેં એક્વાડોરને એટલા માટે પસંદ કર્યું કારણ કે તે ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશ આપે છે. હું એરપોર્ટની બહાર નીકળ્યો અને એન્ડિયન પવને મને પાંખો આપી. હું જાણતો હતો કે સામ્બા અને સાન માર્ટિન, પેલે અને પેટાગોનિયા, એમેઝોન અને ગાલાપાગોસ, ઈન્કાસ અને ગુઆરનીસ, માચુ પિચ્ચુ અને માપુચેના આ ભવ્ય ખંડને ખરેખર ફરવા માટેની મારી પાસે હવે સંપૂર્ણ સ્વતંત્રતા છે. મને ત્યારે બિલકુલ ખબર ન હતી કે હું આ ખંડમાં એક વર્ષ જેટલા લાંબા સમય માટે ઉતરી રહ્યો છું જે મને બ્રાઝિલ, પેરાગ્વે, બોલિવિયા, ઉરુગ્વે, આર્જેન્ટિના, ચિલી, પેરુ, કોલંબિયા, મેક્સિકો, ગ્વાટેમાલા, બેલીઝ અને ક્યુબા લઈ જશે.
શા માટે લેટિન એટલે કે દક્ષિણ અમેરિકા?
લેટિન અમેરિકામાં કેરેબિયન ટાપુઓ સહિત મેક્સિકોથી લઈને આર્જેન્ટિના અને ચિલીના દક્ષિણ છેડા સુધીના 20 દેશોનો સમાવેશ થાય છે. તે વિશ્વનો એક એવો ભાગ છે જેને ભારતીય પ્રવાસીઓ દ્વારા દુર્ભાગ્યપૂર્ણ રીતે અવગણવામાં આવે છે. તો, શા માટે હું ભારતીય પ્રવાસીઓના મનપસંદ પશ્ચિમ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયાને છોડીને લેટિન અમેરિકા ગયો?
તો તેનો જવાબ છે જિજ્ઞાસા! વિશ્વની બીજી બાજુ લોકો કેવી રીતે જીવે છે? તેઓ શું ઉગાડે છે અને ખાય છે? તેમની ભાષાઓ, દંતકથાઓ અને લોકકથાઓ? તેઓ કયા પ્રકારના સંગીત પર નૃત્ય કરે છે અને તેમની પસંદગીના પીણાં શું છે? બદલાતા લેન્ડસ્કેપ્સ, વિશાળ મહાસાગરો, વિસ્તરતા ગ્લેશિયર્સ, ઉંચા શિખરો, અલગ ટાપુઓ અને વિશાળ જંગલ અને તેના ઊંડા રહસ્યો. મેં આખા લેટિન અમેરિકામાં બાળક જેવા ઉત્સાહ સાથે પ્રવાસ કર્યો. લેટિન અમેરિકા પસંદ કરવાનું બીજું કારણ સ્પેનિશ હતું કારણકે ત્યાં સંપૂર્ણ પણે દરેક દેશોમાં સ્પેનિશ જ બોલાતી હોય છે જેમાં મેક્સિકોથી એન્ટાર્કટિકા સુધીની અમુક ભાષામાં કેટલાક અપવાદો છે. અને અંતિમ કારણ મુસાફરીનો ખર્ચ હતો. લેટિન અમેરિકા લગભગ ભારત જેટલું જ સસ્તું છે.

તમે તમારી મુસાફરી માટે કેવી રીતે ચૂકવણી કરી?
સૌ પ્રથમ, તે જાહેર પરિવહન, હોસ્ટેલ, કાઉચસર્ફિંગ, સસ્તી રેસ્ટોરન્ટ્સ, સ્થાનિક બિઅર, કેમ્પિંગ અને હિચહાઇકિંગ જેવા સામાન્ય પરંતુ અદ્ભુત રીતો સાથેની આ એક સસ્તી સફર હતી.
પરંતુ, મુસાફરીમાં પૈસાનો ખર્ચ તો થાય જ છે. હું થોડી બચત સાથે એક્વાડોર પહોંચ્યો અને દુનિયાની પરવા કર્યા વિના ત્રણ અઠવાડિયા સુધી મુસાફરી કરી. 21મા દિવસે, મેં મારું બેંક બેલેન્સ ચેક કર્યું તો અને લાગ્યું કે હવે કંઈક કરવું પડશે. મેં પ્લાઝા ડે લા ઈન્ડિપેન્ડેન્સિયામાં પૈસા કેવી રીતે કમાવવા તે અંગે વિચાર કરવામાં થોડો સમય વિતાવ્યો અને અચાનક મારા મગજમાં એક ઝબકારો થયો.
ક્વિટો, એક્વાડોરમાં દાબેલીનું વેચાણ
બીજા જ દિવસે મેં હોસ્ટેલના રસોડામાં દાબેલી તૈયાર કરવા માટે બટાકા, મસાલા અને બે ડઝન પાઉં ખરીદ્યા. મને આ સફળ જશે કે કેમ તેની શંકા હતી તેથી મેં ફક્ત 24 દાબેલીઓ જ તૈયાર કરી. મેં તેમને સ્ટીલ ટ્રેમાં મૂકી અને પ્લાઝા ડે લા ઈન્ડિપેન્ડેન્સિયા જવા રવાના થયો. બે કલાકમાં તે બધી જ દાબેલી વેચાઈ ગઈ અને હું લગભગ $26 કમાઈ પરત ફર્યો. પરંતુ, સ્થાનિક લોકોને છૂંદેલા બટાકાની આ દાબેલીનો વિચાર પસંદ ન આવ્યો. તેથી, બીજે જ દિવસે મેં સ્થાનિક શાકભાજી અને ચટણીઓ સાથે વેજીટેબલ સેન્ડવીચ બનાવી અને તૈયાર કરી. 30 મિનિટમાં તો બધી જ 24 સેન્ડવીચ વેચાઈ ગઈ. મેં આ કામ જ્યાં સુધી બ્રાઝીલ જવા માટે મારી પાસે પૂરતી રકમ ઉભી ના થાય ત્યાં સુધી કર્યું.

બ્રાઝિલમાં રમ ઇન્ફ્યુઝન(મિશ્રણ) નું વેચાણ
બ્રાઝિલિયનો તેમના મુક્ત વિચારસરણીવાળા સ્વભાવ અને અલગારી આત્મા જેવા છે અને તે માટે જ તેઓ જાણીતા છે. ત્યાં કમાણી માટે મેં સસ્તા કાચાસા(સ્થાનિક બ્રાઝિલિયન રમ) ખરીદી અને તેમાં મસાલા, ફૂલો, કોફી બીન્સ, વેનીલા બીન્સ અને ચોકલેટ બોટલની અંદર નાખી તેને પાંચ દિવસ સુધી એમ જ પડી રહેવા દીધી જેથી તેમાં અલગ અલગ સ્વાદ બને. તે પછી આ અલગ અલગ સ્વાદ અલગ સ્વાદ ધરાવતી કાચાસા મેં હોસ્ટેલ, પ્લાઝા, શેરીઓ અને બહારના બારમાં એક શોટ્સના એક ડોલર લેખે વેચી. તે ત્યાં કમાવાનો સૌથી ઝડપી અને સરળ રસ્તો હતો. અને આ રીતે હું જે લોકોને પણ મળ્યો અને તેમના દ્વારા સાંભળેલી વાર્તાઓથી મારું હૃદય અને ખિસ્સા બંને ભરાઈ ગયા.
અજાણતા જ ઇન્ટરપૉલના હાથે ચડ્યો
પહેલી વાત તો એ કે બ્રાઝિલથી હું જયારે બસ માર્ગે બોલિવિયા પ્રવેશ્યો ત્યારે અજાણતા જ બસ ઉભી રહી ત્યારે વિઝા વગર જ એક શહેરમાં ઉતર્યો. ટૂંક સમયમાં ત્યાંની સ્થાનિક પોલીસે મને પકડ્યો અને વિઝા માંગ્યા તો મેં કહ્યું કે વિઝા તો ઓન એરાઇવલ છે તો તેમણે જણાવ્યું કે તે એરપોર્ટ હોય અને તમે બસ માર્ગે આવ્યા છો. આ મુસીબતમાંથી છૂટવા માટે મેં 30 ડોલરમાં સમાધાન આણ્યું અને તે લોકોએ મને જવા દીધો. પરંતુ હવે મને મારી આગળની સફર માટે હવે મારે પૈસાની જરૂર હતી.

બોલિવિયામાં અંગ્રેજી શીખવ્યું
આપણી પેઢીની એક ખામી એ છે કે આપણે બધા જ જવાબો ઇન્ટરનેટ પર શોધીએ છીએ. આપણે લોકો સાથે વાત કરવાનું અને આપણી ચિંતાઓ, વિચારો અને લાગણીઓની ચર્ચા કરવાનું બંધ કરી દીધું છે. હવે ઘણી બધી વેબસાઇટ્સ છે જે સમગ્ર વિશ્વમાં અંગ્રેજીનું શિક્ષણની પ્રદાન કરે છે. જો કે, તે માટેની પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક હોય છે તેથી જ હું બ્રાઝિલથી સીધો મને જ્યાં જરૂર હતી ત્યાં ગયો. મેં લા પાઝના ગરીબ પડોશમાં મારી કુશળતાનો ઉપયોગ થઇ શકે તેવી શાળા અથવા સંસ્થાની શોધમાં સમય પસાર કર્યો અને કુદરતની કૃપાથી મને એક એવું સ્થળ મળ્યું પણ ખરું કે જે મને તેમના અંગ્રેજી અભ્યાસક્રમને વ્યવસ્થિત માળખું આપવા માટે બે અઠવાડિયા માટે નોકરી પર રાખવા માટે ખુશ હતા. હું ખરેખર એક સુકૂન સાથે ખુશી અનુભવી રહ્યો હતો અને તેઓએ મને મારા પ્રયત્નો માટે સારી એવી રકમની ચૂકવણી પણ કરી. જેની સૌથી વધુ જરૂર હોય તેવા લોકોને મદદ કરવી તે ખૂબ જ સંતોષકારક લાગણી હતી. તે તમારા હૃદયને એવા આનંદથી ભરી દે છે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ક્યાંક દૂરના દેશમાં, તમે ભવિષ્યના દિમાગને આકાર આપી રહ્યા છો તે વાત જ રોમાંચક છે. જે દિવસે હું ત્યાંથી વિદાય થયો તે દિવસે હું મારા આંસુ રોકી શક્યો નહીં.
સેન્ટિયાગો ડી ચિલીમાં સેન્ડવીચનું વેચાણ
અહીંયા પણ મેં એ જ પ્રક્રિયાને અનુસરી જે મેં ક્વિટો, એક્વાડોરમાં અમલમાં મૂકી હતી. હું આ જગ્યાનો ઉપયોગ બે બાબતો પર વધારે પ્રકાશ ફેંકવા માટે કરીશ. પ્રથમ, સ્થાનિક ભાષા શીખવી કેટલી મહત્વપૂર્ણ છે તેના પર પૂરતો ભાર આપીશ કેમકે તે જે તે સંસ્કૃતિને વધારે ઊંડાણ પૂર્વક સમજવાનો એકમાત્ર રસ્તો છે. તે તમારી ક્ષિતિજને પણ વિસ્તૃત કરે છે અને તમને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરીને પૈસા કમાવવાની રીતો પણ બતાવે છે.
સેન્ટિયાગોમાં સેન્ડવીચ વેચતા એક અઠવાડિયું થઈ ગયું હતું. મેં જે પ્લાઝામાં વેચાણ કર્યું હતું ત્યાંના અન્ય વિક્રેતાઓ સાથે મેં એક લાગણીશીલ સંબંધ બાંધી લીધો હતો. મેં ત્યાં સ્વેટર વેચતી મહિલા ઈસાબેલાને કહ્યું કે હું કાલે પેરુ જવા રવાના થઈ રહ્યો છું. તો તેણી ખરેખર રડી પડી. હું ત્યાં હતો તે અઠવાડિયામાં અમે ઘણી વસ્તુઓ વિશે વાત કરી અને ઇસાબેલાએ વિચાર્યું કે હું લાંબા સમય માટે અહીં રહીશ.

પેરુમાં હોટેલ્સ અને હોમસ્ટે
સેક્રેડ વેલી એ કુસ્કોની નજીકની ખીણ છે. આ ખીણ અધિકૃત સંસ્કૃતિ અને સમય-વિસરાયેલી જીવનશૈલીને આશ્રય આપે છે. ત્યાં પહોંચતા જ તમને લાગે કે તમે કોઈક ટાઈમ મશીન દ્વારા અલગ સમયમાં પ્રવેશી રહ્યા છો. મેં તે પવિત્ર ખીણમાં નાના ગામડાઓ અને પહાડીની ટોચ પર આવેલા ગામડાઓનું ભ્રમણ કરવામાં એક અઠવાડિયું ગાળ્યું. ત્યાં હોમસ્ટે અને હોટલ માલિકોને તેમની મિલકતો બુકિંગ અને એરબીએનબી પર મૂકવામાં મદદ કરી. બદલામાં, તેઓએ કાં તો મને પૈસા ચૂકવ્યા અથવા ત્રણ ટાઈમના ભોજન સાથે મફત રોકાણ આપ્યું. એક શહેરમાં, કોઈએ આ વાત ફેલાવી કે હું હોટેલ અને હોમસ્ટેના માલિકોને તેમની મિલકતો ઇન્ટરનેટ પર મૂકવામાં મદદ કરી રહ્યો છું. થોડા કલાકોમાં, આખા શહેરમાં લોકો મને શોધી રહ્યા હતા. જ્યારે મેં તેમને ઈન્ટરનેટ શીખવ્યું ત્યારે તેમના ચહેરા પર સ્મિત જોઈને એક અદ્ભુત અનુભૂતિ થઈ.
રમ અને સિગાર પર ક્યુબામાં માર્કેટિંગ
જ્યારે પણ કોઈ મને પૂછે છે કે કયું સ્થળ અથવા દેશ તમને સૌથી વધુ નજીક છે, ત્યારે હું કહું છું ક્યુબા. ક્યુબા મને ખરેખર 90 ના દાયકાનો અનુભવ કરાવે છે. ઇન્ટરનેટ નથી, રેડિયો ટ્રાન્ઝિસ્ટર, શેરીઓમાં સંગીત, વરંડામાં ગપસપ કરતા લોકો, ફૂટબોલને લાત મારતા બાળકો અને વાતચીત કરવા આતુર દરેક જણ. ક્યુબાના લોકો હજુ પણ એ જીવન જીવવાની કળા સાથે જોડાયેલ છે જેને આપણે લાંબા સમયથી ભૂલી ગયા છીએ. ક્યુબા પ્રેમ છે. હા તેમાં એક વાત તો ખાસ ઉમેરવી રહી કે ઈન્ટરનેટની અછતને કારણે, ક્યુબન વિશ્વના માર્ગોથી અજાણ છે. તેથી જ તેમાંના કેટલાક ટેક-સેવી વિદેશીઓ સાથે વ્યવહાર કરવાની શ્રેષ્ઠ રીત જાણતા નથી.
મેં કેટલાક કલાકારો અને વિક્રેતાઓ સાથે વાત કરતા હવાનામાં મર્કાડો આર્ટેસનલ (કારીગરોની બજાર)માં થોડા કલાકો ગાળ્યા. તેમની પાસે વિદેશીઓ સાથે વ્યવહાર કરવા માટે જરૂરી મૂળભૂત વ્યાપારી સૂક્ષ્મતાનો અભાવ હતો. હવે, હું વેચાણ કે માર્કેટિંગ નિષ્ણાત નથી પરંતુ હું જે જાણતો હતો તે મેં તેમની સાથે શેર કર્યું છે. મારે તેમની પાસેથી કોઈ પૈસા નહોતા જોઈતા કેમકે તેઓ પોતાની જીવન જરૂરિયાતની પૂરતી માટે ખરેખર સંઘર્ષ કરી રહ્યા હતા.

અંતે એક વાત જરૂર ઉમેરીશ કે સૌથી વધારે મજા આર્જેન્ટિના અને ચિલીમાં તો મેં 7000 કિલોમીટરની આસપાસ ફક્ત લિફ્ટ લઈને જ મુસાફરી કરી જેને એક રીતે હીચ હાઇકીંગ પણ કહે છે તેમાં આવી. આ મુસાફરી દરમિયાન મને ઘણા એવા લોકો મળ્યા જેમની પાસેથી હું આ વિસ્તાર, તેની સંસ્કૃત, વિચારસરણી, ભૂગોળ બધી બાબતે ઘણું શીખ્યો.
આ રીતની મુસાફરીમાં સગવડતા માટે એકતો ત્યાંની ભાષા અને વાતચીત કરવાની ઢબમાં પકડ હોવી જોઈએ અને મુસાફરી દરમિયાન તમને જે જગ્યાએ જે પણ સાધન સંસાધન મળે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરતા આવડવો જોઈએ જે એકદંરે તમારી મુસાફરીને ખુબ જ સગવડ ભરી અને સુંદર બનાવશે. અને આ કારણે જ તે 12 મહિના મારા જીવનના શ્રેષ્ઠ 12 મહિના હતા. મેં સમૃદ્ધ સંસ્કૃતિનો અનુભવ કર્યો, વિદેશી ભાષાઓ શીખ્યો અને બોલ્યો, વિશ્વના અન્ય વિસ્તારની અદ્ભૂત જગ્યાઓનો પ્રવાસ કર્યો, એમેઝોન રેઈનફોરેસ્ટને પાર કર્યું, શાર્ક સાથે તરવું, સ્પોટેડ પેન્ગ્વિન, ગર્જના કરતા ગ્લેશિયર્સની બાજુમાં પડાવ નાખ્યો, મિત્રો બનાવ્યા અને ખરેખર ઘણું શીખ્યું. વિવિધ ખંડ અને તેના લોકો વિશે. મારી પાસે એક હજાર અને એક વાર્તા કહેવાની બાકી છે. પરંતુ, અન્ય કોઈ સમયે, અન્ય કોઈ જગ્યાએ.
ધ બેટર ઇન્ડિયાએ જયારે વરુણભાઈના મોઢે જ તેમના આ અદ્ભૂત અનુભવોની વાત સાંભળી ત્યારે ખરેખર એવું લાગ્યું કે જાણે અમે ખુદ વરુણભાઇ સાથે દક્ષિણ અમેરિકાના પ્રવાસે નીકળી ગયા હોઈએ. તો અમારા યુવાન મિત્રો રાહ કેમ જોઈ રહ્યા છો ચાલો નીકળી પડો એક એવી સફર પર કે જ્યાં તમારો પોતાનો શ્વાસ પણ અનુભવે કે હાશ! હવે હું વ્યવસ્થિત વેડફાઇને ઉપયોગમાં આવી રહ્યો છું.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.