કેરળના કોચીનમાં રહેતા અજય અબે અને તારા પંડાલા વ્યવસાયે આર્કિટેક્ટ છે. આ દંપતીનો હેતુ લોકો માટે પર્યાવરણને અનુકૂળ સસ્તું ઘર બનાવવાનો છે. એટલા માટે તેઓ ઘર બાંધવાની જુદી જુદી તકનીકો પર કામ કરી રહ્યા છે જેથી સામાન્ય લોકો પણ તેમના બજેટમાં સસ્ટેનેબલ ઘર બનાવી શકે. વર્ષ 2020માં, તેણે તેના પરિવાર માટે એક ઘર બનાવ્યું, જે દરેક રીતે પ્રકૃતિની નજીક છે. સાથે જ, તેમણે આ ઘરને ‘વોકલ ફોર લોકલ’ ના ઉદાહરણ તરીકે પણ વર્ણવે છે. કારણ કે તેમણે સ્થાનિક કામદારોને તેના નિર્માણ માટે કામે લગાડ્યા હતા અને લગભગ તમામ કાચો માલ પણ સ્થાનિક જગ્યાઓ પરથી લાવવામાં આવ્યો હતો.
તારાએ ધ બેટર ઇન્ડિયાને કહ્યું, “અમે હંમેશા પોસાય તેવા ખર્ચે પ્રકૃતિને અનુકૂળ ઘર બનાવવાનું વિચાર્યું છે. જો આપણે ‘ગ્રીન સર્ટિફાઇડ હોમ’ વિશે વાત કરીએ, તો તેમા ઘણો ખર્ચ થાય છે. તેથી, અમારો પ્રયાસ છે કે અમે આ રેટિંગમાં ન આવીએ અને લોકોની જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા સંસાધનોમાં ઘરનું નિર્માણ કરીએ. અમે અમારા પોતાના પરિવાર માટે આ ઘર બનાવી રહ્યા હતા, તેથી અમે કેટલાક અલગ પ્રયોગો કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. તેથી અમે વિચાર્યું કે અમે આ ઘર એવી રીતે બનાવીશું કે તે અન્ય લોકો માટે એક મોડેલની જેવું હશે.”
વર્ષ 2020ની શરૂઆતમાં બનીને તૈયાર થયેલાં આ ઘરનો પાયો સામાન્ય રીતે બન્યો નથી અને ન તો સામાન્ય પ્રકારની ઈંટોનો ઉપયોગ થયો છે. ઘરના નિર્માણમાં સિમેન્ટનો ઉપયોગ સામાન્ય કરતાં 67% ઓછો થયો છે, જ્યારે સ્ટીલનો ઉપયોગ 75% ઓછો થયો છે. ઘર તૈયાર થયા પછી, ફિનિશિંગ માટે કોઈ પેઇન્ટ અથવા પુટ્ટીની જરૂર નહોતી. તેના બદલે, તેણે પ્લાસ્ટર વિના માટીનાં ગારાથી દિવાલો પેઈન્ટ કરી હતી. આર્થિક અને પ્રકૃતિને અનુકૂળ હોવા ઉપરાંત, આ ઘરમાં જગ્યાની પણ ઘણી વધારે બચત થઈ છે.

ઓછા સંસાધનો સાથે વધુ સારું કામ
અજય કહે છે, “ઘણીવાર લોકો ઘરના પાયાના નિર્માણ માટે ગ્રેનાઈટ, રેતી અને સિમેન્ટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જમીનની અંદર જેટલો પાયો બનાવવામાં આવે છે, લગભગ તેટલી જ ઉંચાઈ પર જમીન ઉપર પણ પાયો બનાવવામાં આવે છે. આ પાયો ભરાયા પછી ઘરનું બાંધકામ શરૂ થાય છે. પરંતુ અમે અમારા આ ઘરમાં જમીન ઉપરના આ પાયાને ભરવાની જગ્યાએ ‘સ્ટિલ્ટ ફ્લોર’નું રૂપ આપ્યુ છે.”
“જમીન ઉપર પાયો ભરવાને બદલે, અમે બીમનો ઉપયોગ કર્યો છે. પ્લાસ્ટરની મદદથી બીમને જોડવામાં આવ્યા છે. દિવાલોને જોડવા માટે પાઈપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પછી તારની જાળી લગાવવામાં આવી છે. આ કારણે, લોકો આ સ્થળનો ઉપયોગ પ્રાણીઓ રાખવા માટે કરી શકે છે, અથવા અન્ય કોઇ કામ જેમ કે માછલીનું પાલન અથવા હાઇડ્રોપોનિક વગેરે માટે કરી શકે છે.”
સ્ટીલ્ટ ફ્લોર ઉપર સ્લેબ બનાવવા માટે સ્ટીલ, સિમેન્ટ અથવા ગ્રેનાઈટનો ઓછામાં ઓછો ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિક, કાચ જેવી વસ્તુઓનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કામ માટે માત્ર એક જ મિસ્ત્રી અને બે મજૂરોની જરૂર પડી હતી અને આ કામ માત્ર બે દિવસમાં જ થઈ ગયું. વધુમાં, સિમેન્ટ, રેતી અને પાણીનો 60% સુધી ઓછો ઉપયોગ પણ આ તકનીકમાં થયો છે.

જો આપણે હવે દિવાલોની વાત કરીએ તો તેમણે કહ્યું, “અમે દિવાલોના નિર્માણ માટે AAC બ્લોક્સનો ઉપયોગ કર્યો છે. આ બ્લોક્સથી બનેલી દિવાલો ઓછી જગ્યા લે છે અને તેને સામાન્ય ઇંટોની જેમ કોઇપણ પ્રકારના જળ શોધનની જરૂર પડતી નથી. ઉપરાંત, આ બ્લોક્સ કટરથી સરળતાથી કાપી શકાય છે, તેથી પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં કોઈ સમસ્યા આવતી નથી.”
તેઓએ ફ્લોર માટે પીળા ઓક્સાઇડ ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે અને તેમની છત મલ્ટીલેયર છે. તેમણે કહ્યું, “છત બનાવવા માટે સ્ટીલ ફેબ્રિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તળિયે GI (ગેલ્વેનાઈઝ્ડ આયર્ન) ફ્રેમ છે અને તેની ઉપર આ GI શીટ અને પછી જૂની માટીની ટાઇલ્સ લગાવવામાં આવી છે. જો અમે ભવિષ્યમાં ક્યારેય સોલર પેનલ લગાવવા માંગતા હોઈએ, તો અમારે માત્ર થોડી ટાઇલ્સ દૂર કરવી પડશે અને સોલર પેનલ છતમાં જ ફિટ થઈ જશે.”

આ ઘર ચારે બાજુથી એરકન્ડિશન્ડ છે
અજય અને તારા કહે છે કે તેમના ઘરમાં ઉપરથી નીચે સુધી સારું વેન્ટિલેશન છે. તેઓએ સ્ટિલ્ટ ફ્લોરને સંપૂર્ણપણે બંધ કર્યું નથી, પરંતુ વાયર મેશનો ઉપયોગ કર્યો છે, જેના કારણે હવાનો સારો પ્રવાહ છે. વધુમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર, ઘરમાં પ્રવેશતાની સાથે જ સામાન્ય બેઠકની જગ્યા છે. ત્યારબાદ, ડ્રોઇંગ રૂમ, લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, સામાન્ય બાથરૂમ અને રસોડું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે બડરૂમ પણ છે, જેમાંથી એક રૂમમાં બાથરૂમ અટેચ છે.
પહેલા માળે બેડરૂમ છે જેમાં અટેચ બાથરૂમ અને ખુલ્લું ટેરેસ છે. ખુલ્લી કાચની બારીઓની પરંપરાગત શૈલીમાંથી પ્રસ્થાન, સ્ટેનલેસ સ્ટીલ જાળીનો ઉપયોગ વિન્ડો ફ્રેમ તરીકે કરવામાં આવ્યો છે. જાળી દ્વારા હવાનો સતત પ્રવાહ ઘરનું તાપમાન સંતુલિત રાખે છે.
તેઓએ સિમેન્ટને બદલે બારીઓ ઉપર મેટલના છજ્જા બનાવ્યા છે. વળી, મોટા ભાગના જૂના લાકડાને ઘરમાં લાકડાનાં કામ માટે ફરીથી ઉપયોગમાં લેવાયા છે. દિવાલો પર કોઈ પ્લાસ્ટર નથી અને મલ્ટી લેયર સીલિંગને કારણે પણ ઘરનું તાપમાન હંમેશા સંતુલિત રહે છે.
આ દંપતી દાવો કરે છે કે ઉનાળામાં તેમના ઘરનું તાપમાન બહારના તાપમાનથી લગભગ આઠ ડિગ્રી નીચે રહે છે. આને કારણે, ઘરમાં એસી-કૂલર ચલાવવાની બહુ જરૂર નથી. આ સિવાય ઓક્સાઈડ ટાઈલ્સના કારણે ઘરનું ફ્લોર પણ ખૂબ જ ઠંડુ રહે છે તો તમે ઈચ્છો તો નીચે સૂઈ શકો છો.
અજયના પિતા અબ્રાહમ કહે છે, “ગયા વર્ષે અમે લોકડાઉન લાગુ થયાના લગભગ બે મહિના પહેલા આ ઘરમાં આવી ગયા હતા. હવે જ્યારે અમે નિવૃત્ત થઈ ગયા છીએ, અમારી પાસે વિવિધ વસ્તુઓ કરવા માટે ઘણો સમય છે. આ ઘરમાં ઘણી જગ્યા છે, તેથી અમે ઘણું બધું કરી શકીએ છીએ જેમ કે અમે બાગકામ અને પશુપાલન માટે સ્ટિલ્ટ ફ્લોરનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય, કોઈપણ એસી-કૂલર વિના ઘરનું તાપમાન એટલું સારું રહે છે કે અમને ખૂબ જ આરામ લાગે છે અને ઘરમાં આવનારા મહેમાનો પણ આશ્ચર્યચકિત થાય છે.”

અજય અને તારા પોતાના નવા પ્રોજેક્ટ માટે પોતાના ઘરને એક મોડેલ તરીકે રજૂ કરી રહ્યા છે. જેથી તેઓ તેમના બજેટમાં ઇકો ફ્રેન્ડલી મકાનો બનાવીને વધુમાં વધુ લોકોને આપી શકે. જો તમે પણ આ દંપતીના ઘર વિશે વધુ જાણવા માંગો છો તો તમે તેમને ajayabey@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માઈક્રોવેવ આવ્યા તે પહેલાંથી જ ભારતનાં આ ગામમાં બની રહ્યા છે માઈક્રોવેવ-સેફ વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.