જંગલની વચ્ચોવચ અંડાકાર આકારના દરવાજા અને બારીઓ ધરાવતું આ નાનું ઘર, નાગાલેન્ડનું નવું પ્રવાસન સ્થળ બની ગયું છે. 29 વર્ષીય અસાખો ચેઝ દ્વારા બનાવેલું, આ ઘર તમને JRR Tolkienના પુસ્તકોમાં બનેલાં હૉબિટ્સનાં ઘરની યાદ અપાવશે. અસાખોએ એશિયાનું પહેલું ગ્રીન વિલેજ ખોનોમા પાસે તેમના ગામમાં આ ઘર બનાવ્યું હતું. આ 10 ×14 ફૂટનું ઘર બનાવવામાં તેને બે મહિનાનો સમય લાગ્યો. આ ઘર જેટલું સુંદર લાગે છે, તેને બનાવવામાં મહેનત એટલી જ લાગી છે.
જો કે, જ્યારે અસાખો પોતાના માટે પોતાના માટે એક નાનું ઘર બનાવી રહ્યો હતો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે હોબિટ હોમ ઇન્ટરનેટ પર એટલું લોકપ્રિય થઈ જશે.

દિમાપુર (નાગાલેન્ડ) ની શાળામાં બાળકોને ફિટનેસની તાલીમ આપનાર અસાખોને ટ્રેકિંગ અને મુસાફરીનો ખૂબ શોખીન છે. તેણે ફિલ્મો અને વાર્તાઓમાં આ પ્રકારનું ઘર ઘણી વખત જોયું હતું. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય આવું ઘર બનાવશે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તે કહે છે, “હું લોકડાઉન દરમિયાન મારા ગામ આવ્યો હતો. આ ખાલી સમયમાં મને ગામના જંગલોમાં ફરવાનો મોકો મળ્યો. ત્યારે જ મેં જંગલમાં મારા માટે એક નાનું ઘર બનાવવાનું વિચાર્યું.”
ગામમાં તેમના ઘરથી થોડેક જ દુર આ ઘર, તેમની ખાનગી જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે.
માટીમાં ખાડો ખોદીને બનાવ્યુ ઘર
અસાખોએ તેના મિત્રો અને કેટલાક સ્થાનિક લોકોની મદદથી માટી ખોદવાનું કામ શરૂ કર્યું. તેમણે કહ્યું કે લગભગ 15 લોકો બે દિવસથી ત્રણથી ચાર કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.
માટી ખોદ્યા પછી, તેઓએ બહાર અને અંદર લાકડાનો ઉપયોગ કરીને દિવાલો બનાવી. ઘરની આગળની દીવાલ બનાવવા માટે એલ્ડરનાં વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જોકે તેને પ્રખ્યાત ફિલ્મ The Lord of the Ringsઘણી પસંદ છે. પરંતુ આ ઘર બનાવતી વખતે તેમના મનમાં આ ફિલ્મનો વિચાર જરાય ન હતો. તે આસપાસની વસ્તુઓ અને નકામા લાકડાનો ઉપયોગ કરીને પોતાના માટે હોલિડે હોમ બનાવી રહ્યો હતો. જ્યારે તેણે ઘરનો દરવાજો બનાવ્યો ત્યારે તેના ઘણા મિત્રોએ તેને કહ્યું કે તેનું ઘર હોબિટ હોમ જેવું દેખાઈ રહ્યું છે.

હરિયાળીની વચ્ચે બનેલું હોબિટ હોમ
તેઓએ આ હોબીટ હોમ એકદમ મૂળભૂત સુવિધાઓ સાથે બનાવ્યું છે, જેમાં એક જ રૂમ છે, જેમાં લગભગ પાંચથી સાત લોકો રહી શકે છે. અહીં એક નાનું રસોડું, પશ્ચિમી શૈલીનું બાથરૂમ અને પાણી અને વીજળીની સુવિધાઓ પણ છે. તે ઇચ્છતા હતા કે ઘર શક્ય તેટલું પ્રકૃતિની નજીક અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવે.
તેમણે કહ્યું, “ઘર બનાવવા માટે એલ્ડરનાં ઝાડનાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાંચથી છ વર્ષમાં પાછા ઉગી જશે. હું વધારે વૃક્ષો કાપવા માંગતો ન હતો, તેથી મેં એક સાધારણ ઘર બનાવ્યું. મેં ઘરની અંદર ફર્નિચર બનાવવા માટે બાકી બચેલા લાકડાનો પણ ઉપયોગ કર્યો છે.”
ઘરની બહાર ઓર્ગેનિક ગાર્ડન બનેલું છે
ગયા વર્ષે નવેમ્બરમાં, તેણે આ ઘર બનાવવાનું શરૂ કર્યું હતુ અને જાન્યુઆરીમાં તેનું બહારનું માળખું બનીને તૈયાર થઈ ગયું. જે બાદ તેણે ફર્નિચર અને ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું. ઘરની અંદર તેણે એક ટેબલ અને બુક શેલ્ફ પણ બનાવ્યુ છે.
આ કાર્યમાં તેને તેના મિત્રો તેમજ પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. તેની માતા અને બહેને પણ ઘરની બહાર ટામેટાં, મરચાં, કોબી જેવા ઘણા શાકભાજી ઉગાડ્યા છે. તે કહે છે, “આ બગીચાને કારણે આ ઘરની સુંદરતા વધુ વધી છે. અહીં આવનાર દરેક મહેમાન તાજા શાકભાજી સાથે રસોઈનો આનંદ માણે છે.”

જોકે તેણે તેને પોતાના ઉપયોગ માટે જ બનાવ્યો હતો. પરંતુ તેના હોબિટ હોમ વિશે વાંચ્યા પછી, ઘણા લોકોએ અહીં રહેવા અને તેનો અનુભવ કરવાની વિનંતી કરવાનું શરૂ કર્યું. કોરોનાની બીજી લહેર પછી, લોકો રહેવા માટે તેના હોબીટ હોમમાં આવવા લાગ્યા. અસાખો તેને ઇકો ફ્રેન્ડલી પર્યટન સ્થળ તરીકે રાખવા માંગે છે. તેમણે કહ્યું, “આ ઘરમાં કોઈ ડસ્ટબિન નથી અને ઘણી સુવિધાઓ નથી. જે કોઈ અહીં આવવા માંગે છે, હું તેમને તેમની પોતાની પથારી અને સામાન લાવવા કહું છું. અમે રસોઈ માટે કેટલીક વસ્તુઓ રાખી છે. જેથી મહેમાનો પોતાનો ખોરાક રાંધીને ખાઈ શકે. તે વૈભવી હોટેલ નથી, પરંતુ જેઓ પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવા માંગે છે તેમના માટે આ એક બેસ્ટ પસંદગી છે.”
આ હોબિટ હોમ વિશે વધુ જાણવા માટે તમે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ ની મુલાકાત લઈ શકો છો.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: આ અધિકારીના પ્રયત્નોએ વાંસને બનાવી બ્રાન્ડ અને ગુજરાતના નાનકડા ગામમાં ખૂલી ગયો મૉલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.