શહેરની ભાગતી દોડતી જિંદગીથી ઘણીવાર લોકો કંટાળી જાય છે અને તેટલા માટે જ તેઓ કેટલાક દિવસો પ્રકૃતિના સાનિધ્યમાં શાંતિથી વિતાવવાનું પસંદ કરે છે. તેના માટે ઘણાં લોકો ફરવાનું પસંદ કરે છે તો ઘણાં લોકો જાતે જ પોતાના માટે કોઈક જગ્યા તૈયાર કરતાં હોય છે જ્યાં વચ્ચે વચ્ચે તેઓ રાજાઓ માણવા જતા હોય છે. કંઈક એવું જ કામ કેરળના શાનવાસ ખાને કર્યું છે. તેમણે પોતાના પરિવાર માટે એક ઇકો ફ્રેન્ડલી ઘર બનાવ્યું છે જ્યાં તેઓ રજાઓ માણવા માટે જાય છે.
આ ફાર્મ હાઉસ ત્રિશૂરના પલક્કડ વિસ્તારમાં છે. શાનવાસે જણાવ્યું કે પલક્કડના કેલિયાડમાં તેઓના ખેતર છે જેની દેખભાળ સ્થાનીક ખેડૂત કરે છે. પરંતુ વચ્ચે વચ્ચે તેઓ અને તેમનો પરિવાર પોતાના ખેતર પર જતા આવતા રહે છે. તેઓએ જણાવ્યું કે,” બે વર્ષ પેહલા અમે નક્કી કર્યું કે ખેતરમાં આપણું એક ફાર્મ હાઉસ હોવું જોઈએ જેથી બાળકો અહીંયા પ્રકૃતિના સાનિધ્યમાં સારો એવો સમય વિતાવી શકે. સાથે-સાથે જેઓ અમારા ખેતરની સાર સંભાળ રાખી રહ્યા છે તેમના માટે પણ સારી એવી રહેવાની વ્યવસ્થા પણ ઉભી થઇ જાય અને તે લોકો અહીંયા રહેવાની સાથે-સાથે આરામથી ખેતરની સાર સંભાળ પણ રાખી શકે.
તેમણે જણાવ્યું કે તેઓ ઓછા બજેટમાં એવું ઇકો ફ્રેન્ડલી ઘર બનાવવા માંગતા હતા જે પ્રકૃતિની નજીક હોય. પલક્કડ ખુબ જ ગરમ વિસ્તાર છે એટલા માટે તેમની કોશિશ એવું ઘર બનાવવાની હતી કે જે આ વિસ્તારમાં રહેવા માટે આરામદાયક અને પ્રાકૃતિક રૂપથી ઠંડુ હોય. તેમણે ફાર્મ હાઉસ બનાવવાનું કામ ‘સસ્ટેનેબલ અર્થન હેબિટેટ્સ‘ કંપનીને આપ્યું.
આ પણ વાંચો: એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી

જમીનમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કર્યો
શાનવાસ કહે છે કે આ ફાર્મ હાઉસમાં તેઓ પોતાને પ્રકૃતિની વધુ નજીક હોવાનો અહેસાસ કરે છે. કેમકે ઘરની અંદર માટીની તાજગી તથા બહાર હરિયાળી જ હરિયાળી.
તેમણે જણાવ્યું કે તેમનું ફાર્મ હાઉસ 710 વર્ગફૂટની જગ્યામાં બનેલું છે. આ ફાર્મ હાઉસમાં બે માળ છે. આ બંને માળને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જો ઈચ્છો તો બન્નેને અલગ અલગ ઘર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. પ્રથમ માળ પર જવાનો રસ્તો બહારથી છે. નીચેના માળે એક સીટઆઉટ, લિવિંગ રૂમ, બેડરૂમ, રસોડું અને કોમન બાથરૂમ છે. જયારે પહેલા માળે એક લિવિંગ રૂમ, એક બેડરૂમ, અટેચ બાથરૂમ, પેન્ટ્રી અને એક બાલ્કની છે.
શાનવાસે જણાવ્યું કે,” ફાર્મ હાઉસના નિર્માણમાં વધારેમાં વધારે પર્યાવરણીય અનુકૂળતા ધરાવતા રો મટીરીયલનો ઉપયોગ થાય તેના પર અમે ખાસ ધ્યાન આપ્યું છે. સાથે અમે તેને આર્થિક રીતે પરવડે તે રીતે પણ રાખવા માંગતા હતા, જેથી નિર્માણ અમારા બજેટમાં જ પૂર્ણ થઇ શકે. એટલા માટે જ ઘરના નિર્માણમાં રો મટીરીયલ આસપાસના વિસ્તારમાંથી જ લેવામાં આવ્યું છે. નિર્માણ માટે માટી, ચૂનો, લેટરાઇટ પથ્થર, સીએસઈબી બ્લોક, મેંગ્લોર ટાઇલ્સ અને એકદમ ઓછી માત્રામાં સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નીચેના માળે બનેલા બેડરૂમ અને લિવિંગ રૂમની દીવાલો માટે ‘Rammed Earth Technology‘ નો ઉપયોગ થયો છે. આ તકનીકમાં પ્રાકૃતિક સામગ્રી જેવી કે માટી, રેતી, કાંકરી વગેરેનો ઉપયોગ કરીને દીવાલ બનાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ તકનીકનો ઉપયોગ ઘરની તે દીવાલો બનાવવા માટે કરવામાં આવ્યો જ્યાં તડકો વધારે પડે છે. કેમ કે આ તકનીકથી બનેલી દીવાલો સૂરજની ગરમીને ઘરની અંદર પ્રવેશ કરવા દેતી નથી. આ કામ માટે તેમણે ઘરની જમીનમાંથી જ નીકળેલી માટીનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ
નથી પડતી કુલર કે એસીની જરૂરત
શાનવાસ જણાવે છે કે નીચેના માળ પર બાકીની દીવાલો લેટરાઇટ પથ્થરથી બનાવેલી છે. તેને ચણવા માટે સિમેન્ટની જગ્યાએ માટી, ચુના જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. જયારે બહારની તરફ પ્લાસ્ટર માટે માટીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ રસોઈ અને બાથરૂમમાં તેમણે સિમેન્ટનો પ્લાસ્ટર તરીકે ઉપયોગ કર્યો છે કેમકે તે જગ્યાઓ પર વધારે ભેજ રહે છે. સુરખી બનાવવા માટે ભઠ્ઠીમાં સેકેલી માટીની ઇંટોને પીસીને મિશ્રણ બનાવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નીચેના માળ સિવાય જો ઉપરના માળની વાત કરીએ તો તેના માટે અમે સ્થળ પરની જ ઉપલબ્ધ માટીથી બનેલા CSEB બ્લોક બનાવ્યા છે. આ બ્લોકથી જ ઉપરના માળની દિવાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને ચણવા માટે માટી અને થોડી માત્રમાં સિમેન્ટનો ઉપયોગ કરી મોર્ટર બનાવ્યો છે. દીવાલોને પછી માટીના ગારાથી ચિત્રિત કરવામાં આવી છે. આ ફાર્મ હાઉસની બધી જ દીવાલો વધારેમાં વધારે પ્રાકૃતિક સામગ્રીના ઉપયોગથી બનાવવામાં આવી છે.
તેમણે આ ફાર્મ હાઉસમાં કોઈ એસી કે કુલર નથી લગાવ્યું. તો પણ તેની અંદર સારી ઠંડક રહે છે. શાનવાસના પુત્ર અબ્દુલનું કેહવું છે કે,” ઘણીવાર હું અને મારો ભાઈ પોતાના મિત્રો સાથે આ ફાર્મ હાઉસ પર રાજાઓ ગાળવા માટે આવીએ છે. અમારું ફાર્મ હાઉસ ખેતરની વચ્ચોવચ્ચ છે અને ત્યાં ગરમીની ઋતુમાં પણ એસીની જરૂર નથી પડતી. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ઘરની અંદર હંમેશા પ્રાકૃતિક હવા મળી રહે. ઘરની દરેક બારી કદમાં મોટી છે અને એવી રીતે બનાવવામાં આવી છે કે ઘર વાતાનુકુલિત રહે. બારીઓને બનાવવા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થયો છે.
માત્ર 12 લાખ રૂપિયાનો થયો ખર્ચો
આ ઘરના આર્કિટેક્ટ મોહમ્મદ જણાવે છે કે, ગરમ વિસ્તારમાં પણ આ ઘરના ઠંડકવાળા ઇન્ટીરિયરનું કારણ પ્રાકૃતિક સામગ્રીથી બનેલી દીવાલોની સાથે સાથે ઘરની છત પણ છે. નીચેના માળની છતના નિર્માણ માટે તેમણે ફિલ્લર સ્લેબનો ઉપયોગ કર્યો છે. આ તકનીકમાં ફિલ્લર માટે તેમણે જૂની મેંગલોર ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. આ તકનીકનો ઉપયોગ કરીને છત બનાવવા માટે સિમેન્ટ અને સ્ટીલની લગભગ 25 ટકા સુધીની જરૂરિયાત ઘટી જાય છે. સાથે જ આ તકનીકની મદદથી બનેલી છત અંદરનું તાપમાન પણ સંતુલિત રાખે છે.
તેમણે જણાવ્યું કે,” ઉપરના માળની છત ‘ટ્રસ રૂફ’ છે અને તેને બનાવવા માટે મેંગલોર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રસ રૂફ માં નીચે સિલિંગ માટે સિમેન્ટ ફાઈબર બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તળિયા માટે કોટા પથ્થરનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: ભઠ્ઠીમાં નહીં, તડકામાં સુકવીને બનાવેલી ઈંટોથી બની છે આ ઘરની દિવાલો, જાણો શું છે તેના ફાયદાઓ
પ્રથમ માળ પર ‘જાળી કામ’ પણ કરવામાં આવ્યું છે જેથી ઘરની અંદર હવાનો પ્રવાહ બની રહે. તેના માટે ટેરાકોટાથી બનેલી જાળીઓનો ઉપયોગ થયો છે. ઘરના નિર્માણ માટે લાકડાના કામ માટે મોટાભાગે જૂના લાકડાઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
નિર્માણ માટેના ખર્ચમાં નથી થતો કોઈને વિશ્વાસ
મોહમ્મદ કહે છે કે આ ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસના નિર્માણ માટેની કિંમત માત્ર 12 લાખ રૂપિયા રહી છે. બજેટ ઓછું રહેવાનું કારણ જે સાધન સામગ્રી ઉપયોગમાં લેવામાં આવી છે તે છે જેમ કે, સ્થળ પરની જ માટી, ઇકો ફ્રેન્ડલી તેમજ સસ્તું રો મટીરીયલ(લેટરાઇટ પથ્થર, કોટા પથ્થર, મેંગલોર ટાઇલ્સ વગેરે)નો ઉપયોગ.
શાનવાસ કહે છે કે કોઈને પણ ફાર્મ હાઉસ જોઈને વિશ્વાસ નથી થતો કે તે માત્ર 12 લાખ રૂપિયામાં જ તૈયાર થયું છે. આ દેખાવમાં જેટલું સુંદર છે તેટલું જ રહેવામાં પણ સારું છે. હવે તેમના પરિવારની મોટા ગાળાની રાજાઓથી લઈને બાળકોના વિકેન્ડ સુધી બધું જ આ ફાર્મ હાઉસમાં વીતે છે.
જો તમે પણ આ પ્રકારનું ઘર બનાવવા માટે વધારે જાણકારી મેળવવા ઈચ્છો છો તો, earthenhabitat@gmail.com ઉપર ઈમેલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
તસવીર સૌજન્ય: શાનવાસ ખાન
આ પણ વાંચો: માતાની પ્રેરણાથી જયેશભાઈએ ઘરમાં બનાવ્યો 150 ઔષધીઓ અને શાકભાજીનો બગીચો, જીવે છે પ્રકૃતિમય જીવન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.