”આધુનિકરણ અને વેસ્ટર્ન કલ્ચરને લીધે આ વસ્તુ ભૂલાઈ ગઈ છે. એટલે સસ્ટેનેબલ તરફ મારું વળવાનું કારણ જ આ હતું કે, કેમ લોકો આવું કરવા લાગ્યા અને ગામડાંના લોકોમાં ખૂબ જ કોમનસેન્સ છે. એમાં કામ કરવાથી મને ખૂબ જ સંતોષ થયો.”
આજના આધુનિક સમયમાં ટેક્નોલોજી આંખના પલકારાની જેમ અપડેટ થઈ રહી છે. તે મુજબ આજે શહેરોમાં ડેવલમેન્ટ પણ થઈ રહ્યું છે. જોકે, આ ડેવલપમેન્ટને લીધે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ એક મોટી સમસ્યા જોવા પણ મળી રહી છે. લોકો આ સમસ્યાથી બચવા માટે ધીમે-ધીમે હવે શહેરોમાંથી નીકળીને પાછા ગામડામાં પ્રકૃતિના ખોળે વસવાટ શરૂ કર્યો છે. ત્યારે 39 વર્ષીય આર્કિટેક હિમાંશુભાઈ ભગવાનભાઈ પટેલે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. હિમાંશુભાઈએ અમદાવાદથી 35 કિલોમીટર દૂર આવેલાં ખંડેરાવપુરા ગામમાં 6 વિઘાની જગ્યામાંથી 1 વિઘામાં પર્યાવરણને અનુરૂપ એક મોર્ડન ઘર અને ઓફિસ બનાવી છે. આ ઘરમાં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ઉર્જા મળી રહે છે. જેને લીધે ધગધગતાં ઉનાળામાં ઘર અને ઓફિસનું તાપમાન બહાર કરતાં 5 ડિગ્રી ઓછું રહે છે એટલું જ નહીં આ ઘર અને ઓફિસ દરેક ઋતુને અનુરૂપ છે. તેમની આ પહેલ જોઈને લોકો પણ તેને અનુસરી રહ્યા છે. ત્યારે હિમાંશુભાઈએ આ અંગે ધ બેટર ઇન્ડિયા સાથે મોકળા મને વાત કરી હતી. જેને અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
એજ્યુકેશન અને અનુભવ વિશે જણાવશો
હિમાંશુભાઈએ આ અંગે જણાવ્યું કે, ” હું ધોરણ 12 સુઘી અમદાવાદમાં જ ભણેલો છું. એ પછી ગ્રેજ્યુએશન કરવા માટે એમ.એસ.યુનિવર્સિટી બરોડા ગયો હતો. ત્યાં કોસ્મોપોલિટન કલ્ચર હોવાને લીધે વડોદરા સિટી મને અમદાવાદ કરતાં ખૂબ જ ગમ્યું હતું. ત્યાંના અનુભવ અલગ હોવાને લીધે મને મારા વિચારો રજૂ કરવાનો મોકળો માર્ગ મળ્યો હતો. ગ્રેજ્યુએશન પતાવીને મેં અમદાવાદની અલગ-અલગ ફર્મમાં કામ કર્યું, પણ મને મારા કામથી સંતોષ મળતો નહોતો. આ પછી ત્યાંથી હું દુબઈ ગયો હતો. ત્યાં મેં દોઢ બે-વર્ષ કામ કર્યું અને પાછો આવી ગયો હતો. એ પછી બેંગ્લોરમાં બે વર્ષ રહ્યો. આ દરમિયાન હું ત્યાં ઘણો ફર્યો અને મેં એવું જોયું કે, ત્યાંના લોકો પોતાની સંસ્કૃતિ સાથે વળગી રહ્યા છે. મેં તેમના ઘર બનાવવાની પરંપરા જોઈ તો એવું લાગ્યું કે, તેમને તેને જાળવી રાખી છે. આ બધુ જોઈને મને એવું લાગ્યું કે, ગુજરાતની શું પરંપરા છે? કેમ આપણું આર્કિટેક્ચર પહેલાં કરતાં બદલાઈ ગયું છે. તો એની પાછળ મને આપણાં બિઝનેસ માઇન્ડેડ લોકો સમજમાં આવ્યા. એટલે સ્વભાવગત રીતે વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થઈ ગયા અને તેનું ઇમ્પિલિમેન્ટ કર્યું એટલે આપણી જૂની પદ્ધતિ વિસરાઈ ગઈ.”

આ પણ વાંચો: અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી
” વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમની સાથે વર્ષ 2010માં CM ફેલોશિપમાં પણ મેં એક વર્ષ કામ કર્યું હતું. ત્યારે અમે “ખુશબુ ગુજરાત કી” કેમ્પેઇન શરૂ થયું હતું. જેમાં મારું કામ ટૂરિઝમને સંભાળવાનું અને નવું શું કરી શકાય તેના આઇડિયા આપવાનું હતું. એ પાછો એક મારો નવો અનુભવ હતો. આ દરમિયાન હું આર્કિટેક્ચર કરતાં વસ્તુને મોટા લેવલે જોતાં શીખ્યો હતો. આ દરમિયાન લોકોના ઘણાં પ્રોબ્લેમ જાણવા મળ્યા. આ પછી મેં નક્કી કરી લીધું કે હું ગામડાઓમાં કામ કરીશ અને ગામડાઓના લોકો પાસેથી શીખીશ કે આપણી સંસ્કૃતિ માટે શું કરવું?, આપણી સંસ્કૃતિને બચાવવા શું કરવું?”
સસ્ટેનેબલ આર્કિટેક તરફ વળવાનું કેમ વિચાર્યું?
સસ્ટેનેબલ આર્કિટેક તરફ વળવા અંગેની વાત કરતાં કહ્યું કે, ” હું નાનપણથી ગામડાંઓમાં રહેલો માણસ છું. અમદાવાદથી 35 કિલોમીટર દૂર ખંડેરાવપુરા ગામ છે. ત્યાં મને નાનપણમાં જ્યારે પણ સમય મળે અને વેકેશન હોય ત્યારે અહીં રોકાવાનું ખૂબ જ ગમતું હતું. આજે આર્કિટેક જે પણ કંઈ કરતાં હોય તેનો સીધો સંબંધ તેમના જીવન સાથે હોય છે. જે તેમના અનુભવોથી જ રિફ્લેક્ટ થશે. આ પછી હું સિટીમાં પણ રહ્યો, ગામડાંઓમાં પણ રહ્યો મેં બધું જ જોયું. આ બધું જોયા પછી મને એ વાત ખબર પડી કે, ગામડાઓના માણસોમાં જે કોમનસેન્સ છે તે સૌથી વિશેષ હતી. ત્યારે મને થયું કે, જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા હોય તો આ કોમનસેન્સની ખૂબ જ જરૂર છે. હું અત્યારે જે કામ કરું છું તે કોમનસેન્સ છે. કોમનસેન્સ એટલે કે, મને ગરમી લાગે છે તો ઘર એવાં હોવાં જોઈએ કે મને ગરમીથી રક્ષણ આપે. બધા ગરમીથી રક્ષણ કરે તો છે જ, પણ સૌથી સરળ રસ્તો કયો છે? તો એ રસ્તો ગામડાંઓના લોકો પાસે છે. બાકી સિટીમાં એસી લગાડીને ગરમી સામે રક્ષણ તો મેળવાય જ છે, પણ તેના લીધે પર્યાવરણને ખૂબ જ તકલીફ થાય છે. ”

આ ઉપરાંત વધુમાં કહ્યું કે, ”હું ગામડાંઓના લોકોને પૂછતો કે, નળિયાવાળા જ મકાન કેમ બનાવો છો? ક્યારથી બનાવવાનું શરૂ કર્યું? તમારા બાપ-દાદાઓ આવા ઘર કેમ બનાવતાં હતાં? તો મને જાણવા મળ્યું કે, આ રિસર્ચ છે, રાતોરાત આવા ઘર બનાવી દીધા નથી. તેમણે 500 વર્ષથી રિસર્ચ કર્યું છે. આ ઉપરાંત તેમને ખબર છે કે, આ વાતાવરણમાં સૌથી સારા ઘર આ રીતે જ અને આ મટિરિયલથી જ બને. એમના ઘર લોકલ વસ્તુ, કન્સ્ટ્રક્શન અને ટેક્નિકથી જ બનેલા હોય છે. જેને લીધે ખર્ચો પણ ઓછો થતો હોય છે અને પ્રૂવન ટેક્નોલોજી છે. તેના ઉદાહરણ આપું તો, ગામડાઓમાં બધા ઘર નળિયાવાળા હોય છે. એક તરફ નળિયાવાળા ઘર અને એક તરફ ધાબાવાળા ઘરનું લોજિક સમજીએ. તો નળિયાવાળા ઘરમાં વરસાદનું પાણી તરત જ જતું રહેશે અને ધાબાવાળા ઘરમાં વરસાદનું પાણી ટેરેસમાં ભરાઈ રહેશે. આ બધું જોઈને મને એવું થયું કે, સિટીના લોકો તો એજ્યુકેટેડ છે. છતાં કેમ આવા મકાનો બનાવે છે? જેમાં એવું લાગ્યું કે, આધુનિકરણ અને વેસ્ટર્ન કલ્ચરને લીધે આ વસ્તુ ભૂલાઈ ગઈ છે. એટલે સસ્ટેનેબલ તરફ વળવાનું નક્કી કર્યું. તેનું કારણ જ આ હતું કે, કેમ લોકો આવું કરવા લાગ્યા અને ગામડાંના લોકોમાં ખૂબ જ કોમનસેન્સ છે. એમાં કામ કરવાથી મને ખૂબ જ સંતોષ થયો.”
આ પણ વાંચો: જ્યાં જેસીબી પણ પાછું પડતું હતું ત્યાં આ શિક્ષક દંપતિએ ઊભુ કર્યું નંદનવન, શાક, ફળો અને ઔષધી બધુ જ ઘરમાં

તમારું ઘર અને ઓફિસ કેવી રીતે બનાવી એ જણાવશો?
હિમાંશુભાઈએ કહ્યું કે, “અમદાવાદમાં મેં વર્ષ 2013થી પ્રાઇવેટ કામ શરૂ કર્યું હતું. ત્યાં મારી પાસે કોઈ ઓફિસ નહોતી એટલે ભાડાની ઓફિસમાં કામ કરતો હતો. જોકે, મને ત્યાંનું વાતાવરણ પસંદ નહોતું. કારણ કે, હું જે કામ કરતો હતો તે અલગ જ પ્રકારનું કામ હતું. મને એમ થયું કે, હું અહીં બેસીને કેમ કામ કરું છું અને એવું લાગતું હતું કે, જે કામ કરીને લોકોને આપું છું તે મારા માટે કેમ નથી? એટલે મેં નક્કી કર્યું કે, હું મારું ગામ છે ત્યાં જઉ અને ત્યાં જ ઓફિસ બનાવીને કામ કરું. એટલે હું અમદાવાદથી મારા ગામડે આવી ગયો. આજથી ત્રણ વર્ષ પહેલાં મેં આ ઓફિસ બનાવવાની શરૂઆત કરી હતી. જે ગયા વર્ષે કોરોનાકાળમાં પુરી થઈ. કોરોનાકાળ દરમિયાન હું અહીં જ હતો. એટલે મને એ રીતે પણ ઘણો ફાયદો થયો.”
આ ઓફિસમાં કયા-કયા મટિરિયલ્સનો ઉપયોગ કર્યો છે?
હિમાંશુ ભાઈએ કહ્યું કે, “મારું આ ઘર અને ઓફિસ બનાવવા માટે મેં ઘ્રાંગધ્રા પાસે જે લાલ પથ્થર મળે છે, જેને બેલા કહેવાય છે તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત નળિયા અને ફ્લોરિંગમાં કોટા સ્ટોન વાપર્યો છે. મેં ઓફિસ બનાવવામાં ક્યાય આરસીસી વાપર્યું જ નથી.”
આ પ્રકારની ઓફિસ બનાવવાથી કયો ફાયદો થાય છે?
આ અંગે વાત કરતા કહ્યું કે, “મારી ઓફિસની જગ્યા એકદમ તળાવની બાજુમાં છે. જે રીતે મારું ઘર અને ઓફિસ બનાવી છે તે ગામડાના જ સિદ્ધાંતોથી બનાવ્યું છે. આ સિદ્ધાંતને લીધે મને એવો ફાયદો થયો કે, બહારના તાપમાન કરતાં 5 ડિગ્રી ઓછું તાપમાન રહે છે. ખરચામાં પણ ઘણો ફાયદો થયો છે. જો આવું મકાન અમદાવાદમાં બનાવો તો દોઢ ઘણો ખરચો થાય છે. આ ઉપરાંત આમાં મેઇન્ટેનન્સનો ખર્ચો પણ સાવ ઓછો છે. રૂમની હાઇટ 15 ફૂટની હોવાને લીધે સફોકેશન થતું નથી અને ગરમી પણ ઓછી લાગે છે.”

કેટલી જગ્યામાં ઓફિસ બનાવી છે અને ખર્ચો કેટલો થયો છે?
હિમાંશુ ભાઈએ કહ્યું કે, “મેં 6 વિઘામાં આ ઓફિસ બનાવી છે. અમે એક વિઘામાં ઓફિસ ડેવલપ કરી છે. બાકીની પાંચ વિઘા જમીનમાં અમારા પૂરતાં ખાવા માટે ટામેટા, રિંગણા, કારેલા, દૂધી સહિતના શાકભાજી ઉગાડીએ છીએ. આ જગ્યાનો ઉદ્દેશ આર્કિટેક્ટની સાથે એગ્રીકલ્ચરનો છે. જે પ્રોમોટ કરીએ છીએ. આ જગ્યામાં મારા બાપ-દાદાઓની છે, એટલે ખરીદી નથી. બાંધકામનો અંદાજે 60 લાખનો ખર્ચ થયો છે.”
પર્યાવરણ માટે આ કેટલું આવકારદાયક છે?
જવાબમાં કહ્યું કે, “આ ઓફિસમાં મેં આરસીસીનો નહીવત ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત મેં પ્લાસ્ટર પણ કરાવ્યું નથી. જેને લીધે પર્યાવરણને કોઈ નુકસાન નથી. મેં જે કોર્ટયાર્ડ બનાવ્યું છે, ત્યાં કેટલાય પક્ષી આવે છે અને માળો પણ બાંધે છે. તો આ કુદરતની સાથે મારું ઘર ભળી ગયું છે. મારા ઘર પાસેના દરેક ઝાડમાં પક્ષીના માળા હોય જ છે.”
આ બનાવ્યા પછી લોકોના રિએક્શન શું હતાં?
આ અંગે હિમાંશુભાઈએ જણાવ્યું કે, “આ બાજુ ઘણું ડેવલપમેન્ટ વધી ગયું છે. આ તરફ લોકો કોરોના પછી ખૂબ જ આવી રહ્યા છે. જેને લીધે મારી પાસે આવા કામની પુષ્કળ ઇન્કવાયરી આવે છે. મારી પાસે જે લોકો આવે છે તે એકવાર બહારથી જોવે એટલે અંદર અચૂક આવે છે. આ ઘર જોયા પછી લોકો એવું કહે છે કે, આવું તો અમે સાઉથ ઇન્ડિયામાં જોયું છે. ત્યારે મને એમ થાય છે કે, તે લોકો તો આ વર્ષોથી કરે છે આપણે પણ આવું કરવાની જરૂર છે.”
આ પણ વાંચો: દર ચોમાસામાં 3-4 લાખ લિટર પાણી જમીનમાં ઉતારે છે ડેડિયાપાડાનો આ યુવાન, અને વાવે છે 2 લાખ ઝાડ
અત્યારસુધી કયાં-કયાં શહેરમાં આ રીતના ઘર અને ઓફિસ બનાવ્યા છે?
હિમાંશુ ભાઈએ જણાવ્યું કે, “મેં અત્યાર સુધી સાસણગીરના રિસોર્ટમાં પુષ્કળ કામ કર્યું છે. જ્યાં મેં બધી જ રીતના 6 રિસોર્ટ પ્રકૃતિને અનુરૂપ બનાવ્યા છે. આ સિવાય નવસારી જિલ્લામાં અમલસાડ ગામ છે ત્યાં મેં એક સ્મશાન બનાવ્યું છે. એ સ્મશાન ઇન્ડિયાનું સૌથી અનોખું સ્મશાન છે. આ સ્મશાન પ્રકૃતિ અને માનવ સ્વભાવને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. મોટાભાગના લોકો સ્મશાનમાં જતાં ડરે છે. એટલે અમે એવું સ્મશાન બનાવ્યું કે, અહીં લોકો દરરોજ હરવા-ફરવા અને રમવા આવે, મેડિટેશન કરે અને કોઈને જરાય પણ ડર ના લાગે. આ સ્મશાન અડધું જમીનની અંદર છે અને અડધું ઉપર છે જ્યાં ગાર્ડન બનાવ્યું છે. આ સિવાય સૂરતમાં પણ પ્રકૃતિને અનુરૂપ જ રેસિડન્સ બનાવ્યા છે અને મને આ કામમાં મજા આવે છે અને સંતોષ છે.”
સસ્ટેનેબલ ઘર કે ઓફિસ બનાવવામાં શું શું ધ્યાન રાખો છો?
આ અંગે જણાવ્યું કે, “મારા સિદ્ધાંતો ખૂબ જ સરળ છે. હું ગામડાના લોકો પાસેથી જ શીખ્યો છું. જેટલી જરૂર હોય એવી જ વસ્તુ બનાવીએ છીએ. આજે પણ મારા ક્લાયન્ટ આવે અને કહે કે, મારે 6 બેડરૂમવાળું ઘર બનાવવું છે. તો હું તેમને પૂછું કે, કેમ 6 બેડરૂમવાળું મકાન બનાવવું છે અને પછી તેમને સમજાવું કે તેમને ખરેખર તો બે બેડરૂમવાળા જ મકાનની જરૂર છે. ક્લાયન્ટની જેટલી જરૂર હોય એટલું જ બનાવીએ છીએ. જેટલું બને એટલું સિમ્પલી અવેલેબલ્સ મટિરિયલ્સ વાપરીએ છીએ. પર્યાવરણને અનુકૂળ ઘર કે ઓફિસ બનાવીએ છીએ. જ્યાં સુધી બને ત્યાં સુધી ઓછું આરસીસી વાપરવાનું આ સિદ્ધાંતો રાખીએ છીએ. હું જે દીવાલ બનાવું તેમાં ક્રાફ્ટ હોય છે જેને લીઘે તે ખૂબ જ સુંદર લાગે છે.”
અંતમાં તેમણે કહ્યું કે, “આ પ્રેક્ટિસ ઘણાં લોકોને ગમે છે, પણ કરવી ખૂબ જ અઘરી છે. આ કરવા માટે લોકોની માનસિકતા કેળવવાની ખૂબ જ જરૂરી છે. જો માનસિકતા કેળવાય તો જ આ થઈ શકે છે. આવા એક્ઝામપલની ખૂબ જ જરૂર છે. જેનાથી લોકોની માનસિકતા બદલાશે અને લોકો આ કરશે. જોકે, આર્કિટેક નહોતાં ત્યારે પણ ઘર બનતા જ હતાં. આ ઉપરાંત એ વાત પણ છે કે, મોર્ડન બનવા માટે આંધળું અનુકરણ કેમ છે? આપણી સંસ્કૃતિને જાળવીને મોર્ડન ના થઈ શકાય? મોર્ડનની વ્યાખ્યા આપણી પોતાની કેમ ના હોઈ શકે? જો પર્યાવરણને અનુરૂપ આપણે ઘર કે, ઓફિસ બનાવીએ અને તેમાં પર્યાવરણને અનુરૂપ મટિરિયલ્સ વાપરીએ તો આપણે ખરા અર્થમાં મોર્ડન છીએ. જોકે, હવે એવું લાગે છે કે, લોકો જાગૃત થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં બધું સારું થઈ જશે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માતાનો પ્રકૃતિ પ્રેમ જોઈએ દીકરીએ ઘરમાં વાવ્યા અનેક છોડ, સૂર્ય ઊર્જાનો સ્માર્ટ રીતે કરે છે ઉપયોગ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.