આજે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટના એક એવા ખેડૂતપુત્રની, જેમના ઘરના આંગણમાં જ તમને સામાન્યથી લઈને દુર્લભ ઔષધીના છોડ અને અલગ-અલગ ફળ શાકભાજીના છોડ જોવા મળશે. એટલું જ નહીં, તેઓ આ બધી ઔષધીના ઉપયોગ વિશે પણ જાણે છે અને અડોસ-પડોસના લોકો અને મિત્રો સંબંધીઓને જરૂર સમયે તેના ઉપયોગ સંબંધિત જાણકારી આપી તેમને આપે પણ છે. તો ચાલો મળીએ રાજકોટ જેવા આધુનિક શહેરમાં ઈકો ફ્રેન્ડલી જીવન જીવતા જયેશભાઈ રાદડિયાને.
જયેશભાઈએ અહીં આઠ વર્ષ પહેલાં જ્યારે નવું ઘર બનાવ્યું, ત્યારે જ તેમણે નક્કી કરી દીધું હતું કે, પ્રકૃતિની નજીક અને મદદરૂપ થાય તેવું ઘર બનાવવું છે અને તેવું જ જીવન જીવવું છે. આ માટે જ તેમણે ઘરના બધા જ ઓરડાઓમાં મોટી-મોટી બારીઓ બનાવડાવી છે અને છત ઊંચી રાખી છે, જેથી ઘરના બધા જ ઓરડાઓમાં દિવસે પૂરતો સૂર્યપ્રકાશ પહોંચી શકે અને લાઈટની જરૂર ન પડે, તેમજ રાત્રે સરસ પવન મળી રહે.
આ પણ વાંચો: કેશોદના 2 ભાઈઓના ઘર & ખેતરે ક્યાંય નથી આવતું વિજળી-પાણીનું બિલ, ઘી-દૂધ-શાક બધું જ ઑર્ગેનિક

વરસાદના પાણીના બચાવનું આગોતરું આયોજન
જયેશભાઈએ જ્યારે ઘર બનાવ્યું ત્યારે જ ઘરમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ફિટ કરાવી દીધી હતી અને આખા ચોમાસા દરમિયાન વરસાદનું પાણી જમીનમાં ઉતારવામાં આવે છે. આ જ કારણે તેમના ઘરના બોરવેલનું સ્તર હંમેશાં ઊંચુ જ રહે છે અને આખા વર્ષ દરમિયાન તેમને મીઠુ અને સારી ગુણવત્તાવાળુ પાણી મળતું રહે છે. જયેશભાઈના જણાવ્યા અનુસાર, સરકારે હવે દેશના દરેક ગામ-શહેરમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવું જોઈએ, જેથી વરસાદનું પાણી નદી-નાળાંમાં વહી ન જાય અને આપણાં ભૂસ્તર ખાલી પણ ન થાય. આ ઉપરાંત તેનાથી પૂરનો અને પાણી ભરાવાનો ખતરો પણ ઘટે છે.

ઘરની આસપાસ અને ધાબામાં બનાવ્યું નાનકડું જંગલ
જયેશભાઈએ ઘરના ફળિયા અને ધાબામાં ગળો, ત્રણ પ્રકારની તુલસી, હાડ સાંકળ, લક્ષ્મીતરૂ, લીંડી પીપર, ચણોઠી, અર્જુન સહિત 130 કરતાં વધારે ઔષધીઓના 400 કરતાં વધારે ઝાડ-છોડ છે. જેનો ઉપયોગ તેઓ પોતે તો કરે જ છે, સાથે-સાથે આ બધી ઔષધીઓ અંગે સારી જાણકારી હોવાના કારણે તેઓ આસપાસના લોકોને પણ જરૂરિયાત સમયે આપે છે.
આ ઉપરાંત તેમણે અહીં મરચાં, રીંગણ, ગલકાં, તૂરિયાં, દૂધી, વર્ષા દોડી, પાલક, શ્રીલંકન પાલક સહિતનાં અનેક શાકભાજી પણ વાવ્યાં છે. આ ઉપરાંત તેમણે કાસૂંદ્રો પણ વાવેલો છે, જેમાંથી ઘરે કૉફી પણ બનાવી શકાય છે અને તેના આયુર્વેદિક ફાયદા પણ બહુ છે.

રોજ શાકભાજી બનાવવાની સાથે-સાથે તેઓ તેમાંથી બીજી અવનવી વાનગીઓ પણ બનાવે છે. જેમકે ઘરે ઊગેલ વાંસમાંથી તેઓ ઘરે જ અથાણું બનાવે છે. તો શાકભાજીને પણ સોલર ડ્રાય કરે છે, જેથી આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય. તેમને બજારમાંથી માત્ર બટાકાં, ડુંગળી અને ટામેટાં જ લાવવાની જરૂર પડે છે, બાકી મોટાભાગનાં શાકભાજી તેમને ઘરના ગાર્ડનમાંથી મળી રહે છે.
જયેશભાઈને પહેલાંથી જ પ્રકૃતિ સાથે ખૂબજ લાગણી રહી છે અને ઘરમાં આ બધાં ઝાડ-છોડ વાવવા માટે તેમને તેમની માતા પાસેથી પણ પ્રેરણા મળી છે. આ ઉપરાંત આ બધાં જ કાર્ય માટે તેમની પત્નીનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે. જયેશભાઈ તેમના કામમાં વ્યસ્ત હોય કે બહારગામ હોય ત્યારે છોડને પાણી આપવાનું, ખાતર આપવાનું, જંતુનાશક છાંટવાનું વગેરે બધાં જ કામ તેમની માતા અને પત્ની સંભાળી લે છે.

આ પણ વાંચો: કાર ચાર્જીંગથી લઈને ગરમ પાણી સુધી, આ એપાર્ટમેન્ટમાં બધુ જ ચાલે છે સોલર એનર્જીથી
આ ઉપરાંત તેઓ ઘરે જ હોમ કંપોસ્ટિંગ પણ કરે છે, જેથી આ બધાં શાકભાજી અને છોડ માટે તેમને ઘરેથી જ ખાતર મળી રહે છે. આ માટે તેમણે તેમના ગાર્ડનમાં જ એક ખાડો બનાવ્યો છે, જ્યાં તેઓ ખાતર બનાવે છે. તો છોડ-વેલમાં ક્યારેક જીવાત દેખાય તો તેને ભગાડવાનાં જંતુનાશક પણ તેઓ જાતે જ બનાવે છે. તેઓ લીમડાનું તેલ, કરંજનું તેલ વગેરેને પાણીમાં મિક્સ કરી તેનો છંટકાવ કરે છે.
જયેશભાઈના ઘરની પાસે 700 વારની વિશાળ જગ્યા છે, જ્યાં તેમણે ઝાડ છોડ વાવ્યા છે અને આ ઉપરાંત તેમણે ધાબામાં ગ્રોબેગ અને કુંડાંમાં પણ છોડ વાવ્યા છે.

સોલર એનર્જીનો શક્ય એટલો ઉપયોગ
જયેશભાઇના ઘરમાં સોલર હીટર ફીટ કરાવ્યું છે. જેથી આખા દિવસ દરમિયાન તેમને નહાવા-ધોવા માટે અને રસોઈ માટે સોલાર હીટરનું ગરમ માણી મળી રહે છે. જેના કારણે વિજળી કે ગેસની બચત થાય છે. આ ઉપરાંત તેઓ સોલર કૂકરનો પણ ઉપયોગ કરે છે. જેમાં તેઓ રસોઈ બનાવવાની સાથે-સાથે શાકભાજીને સોલર-ડ્રાય પણ કરે છે, જેથી તેને લાંબા સમય સુધી સાચવી શકાય. ટૂંક સમયમાં તેમના ઘરમાં સોલર પેનલ પણ લાગી જશે, જેથી તેમને વિજળી બિલ પણ ‘ઝીરો’ થઈ જશે.
જયેશભાઈનું મૂળ વતન રાજકોટથી 120 કિમી દૂર જામકા ગામ છે. જ્યાં પણ તેમના ખેતરમાં ચેકડેમ પણ છે અને તેઓ વર્ષોથી તેઓ માત્ર ઑર્ગેનિક ખેતી જ કરે છે.

ઘરમાં પ્લાસ્ટિકને ‘નો’ એન્ટ્રી
જયેશભાઈનું માનવું છે કે, જો પાણે આપણી પૃથ્વીને બચાવવી હશે તો, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જ પડશે. જે પ્લાસ્ટિક રસાઈકલ થઈ શકે છે, તેનો બીજે ક્યાંક પણ ઉપયોગ થઈ શકે છે, પરંતુ જે પ્લાસ્ટિક રિસાઈકલ નથી થઈ શકતું, તે પ્રદૂષણ જ ફેલાવે છે. શહેરોમાં ગટરમાં પ્લાસ્ટિક ભરાઈ જવાના કારણે જ થોડો વરસાદ આવે ત્યાં પાણી ભરાઈ જાય છે. એટલે જ તેઓ ખરીદી માટે પણ કપડાની વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. અને જીવનશૈલી પણ એવી જ રાખે છે, જ્યાં પ્લાસ્ટિકની જરૂર ન પડે.
બધી જ સુવિધાઓ મળવા છતાં પ્રકૃતિની અનુકૂળ આવું જીવન આજકાલ બધાએ જીવવાની જરૂર છે. જેનાથી રસાયણ યુક્ત શાકભાજીથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે પાણી અને વિજળીનો પણ બચાવ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.