Placeholder canvas

એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી

એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી

પ્રદીપ અને તેમના પરિવાર એ ફક્ત ‘Eco Friendly Home’ જ નથી બનાવ્યું પણ તેઓ ટકાઉ પદ્ધતિ થી જીવન પણ જીવી રહ્યા છે. રસોઈ માટે જાતે જ ઘરમાં બને છે બાયોગેસ તો તેમાંથી બનેલ ખાતરથી ધાબામાં ઊગે છે બધાં જ ફળ-શાકભાજી. નહાવા-ધોવાના અને રસોઈના પાણીને પણ રિસાયકલ કરી વાપરે છે બગીચા માટે.

પ્રકૃતિને અનુકૂળ ઘરોની બાબતમાં ધીરે ધીરે લોકોમાં જાગૃકતા વધી રહી છે. આજે ઘણા લોકો ઈકો ફ્રેન્ડલી રીતથી ઘરો બનાવવાનું પસંદ કરે છે પરંતુ સમસ્યા એ છે કે ઘણાં લોકોના ઘર પહેલાંથી જ બનેલા છે અને તેમના માટે સંભવ નથી કે તેઓ આ બનેલા ઘરને તોડી ને નવું ઘર બનાવે. આ સમસ્યાનું સમાધાન છે જે બેંગ્લુરુના પ્રદીપ કૃષ્ણમૂર્તિ અને તેમના પરિવારે અપનાવ્યું છે. આજ અમે તમને તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રદીપે પોતાના જુના ઘરનું સમારકામ કરાવીને તેની જ ઉપર ઈકો ફ્રેન્ડલી રીતથી એક ઘર બનાવ્યું છે. પોતાના આ નવા ઘરમાં રહેવાની સાથે પ્રદીપ અને તેમનો પરિવાર પર્યાવરણને અનુકૂળ જીવશૈલીને ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

39 વર્ષીય પ્રદીપ જણાવે છે કે તેમણે લગભગ 15 વર્ષ સુધી આઇટી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું ત્યારબાદ તેઓ અત્યારે કૃષિ ક્ષેત્રે કામ કરતી કંપની સાથે જોડાયેલા છે. તેમનાં પત્નીએ બાયોટેક ક્ષેત્રમાં કામ કરેલ છે પરંતુ તેઓ હવે મેકઅપ આર્ટિસ્ટનું કામ કરી રહ્યા છે. આ દંપતીએ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં પોતાના આ ઈકો ફ્રેન્ડલી ઘર અને જીવનશૈલી વિશે વિસ્તાર પૂર્વક જણાવ્યું.

Eco Friendly Home

જુના ઘર ઉપર જ બનાવ્યું ઈકો ફ્રેન્ડલી ઘર
પ્રદીપે જણાવ્યું કે અમારું ઘર બે માળ નું છે, જેમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર છે. ગ્રાઉન્ડ ફ્લોર મારા માતા-પિતાએ સન 1998 માં બનાવ્યો. ત્યારબાદ 2015માં અમે ફર્સ્ટ ફ્લોર બનાવ્યો. તેને બનાવતા પહેલાં જ અમે નિર્ણય લઇ લીધો હતો કે ફર્સ્ટ ફ્લોર અમે પ્રકૃતિને અનુકૂળ બનાવીશું. અમારી કુલ જગ્યા 2400 વર્ગ ફૂટ છે અને પહેલો માળ 2000 વર્ગ ફૂટમાં બનેલો છે. ગ્રાઉન્ડ ફ્લોરનું સમારકામ, પહેલા માળના નિર્માણનો ખર્ચ લગભગ 48 લાખ રૂપિયા થયો છે જેમાં ફક્ત પહેલા માળની વાત કરીએ તો તેનો ખર્ચો લગભગ 30 લાખ છે. તેમના ઘરની ડિઝાઇન ‘Tropic Responses’ ટિમ એ કરી છે.

પહેલા માળ પર બનેલા પોતાનાં ઘરને તેમણે “ભૂમિ” નામ આપ્યું છે. તેમાં ત્રણ બેડરૂમ, બે બાથરૂમ, એક રસોઈ ઘર અને અગાશી છે. તેમણે જણાવ્યું કે નિર્માણના સમયથી જ તેમની કોશિશ રહી છે કે ઘરમાં પ્રાકૃતિક પ્રકાશ અને હવા ભરપૂર માત્રામાં આવે. ઘરના નિર્મા્ણમાં તેમણે સામાન્ય ઈંટોની જગ્યાએ હાથથી બનેલી તથા તડકામાં સૂકવેલી CSEB(કમ્પ્રેસ્ડ સ્ટેબિલાઇઝ અર્થ બ્લોક) નો ઉપયોગ કર્યો છે.

Eco Friendly Home

હાથથી લગભગ 15000 બ્લોક બનાવવામાં બે અઠવાડિયાનો સમય લાગ્યો. બ્લોક બનવ્યા પછી તેમને કોઈ ભઠ્ઠીમાં નહિ પણ 30 દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવ્યાં. તેમનું કહેવું છે કે તે પ્રાકૃતિક શ્વાસ લેવા વાળી ઈંટો છે જેનાથી બનેલા ઘરની અંદરનું તાપમાન દરેક ઋતુ માં સંતુલિત રહે છે.

પ્રદીપ કહે છે કે, “અમે ઘર બનાવવા માટે મોટા ભાગે ઈકો ફ્રેડલી રો મટીરીયલનો જ ઉપયોગ કર્યો. મોટા ભાગની નિર્માણ સામગ્રી સ્થાનીય સ્તરેથી જ લાવવામાં આવી છે. રો મટીરીયલની કિંમતની વાત કરીએ તો તે નિશ્ચિત રૂપે સામાન્ય રીતથી બનેલા ઘરોમાં વપરાયેલા રો મટીરીયલ જેવા કે ભઠ્ઠીમાં સેંકેલી ઈંટો, સિમેન્ટ અને રેતી વગેરેથી સસ્તું છે. પણ જયારે ઈકો ફ્રેન્ડલી તકનીકની રીતે બનેલા ઘરની વાત કરીએ તો મજૂરીનો ખર્ચો વધી જાય છે કેમ કે બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરોને આ રીત નથી આવડતી હોતી અને તેમને શીખવવું પણ અઘરું પડે છે. અમારે પણ મજૂરીનો ખર્ચો વધારે હતો પણ રો મટીરીયલનો ઓછો.”

Eco Friendly House HSR Layout

સિમેન્ટનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો.
પ્રદીપ અને અશ્વિની આગળ કહે છે કે તેમણે પોતાનાં ઘરમાં સિમેન્ટનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો છે. ઘરની દીવાલો CSEB બ્લોક થી બનેલી છે દીવાલોને ચણવા માટે પણ સિમેન્ટની જગ્યાએ ફક્ત રેતી, માટી, ચૂનો અને એકદમ ઓછી માત્રામાં સિમેન્ટનો ઉપયોગ કરીને મોર્ટર તૈયાર કરવામાં આવ્યો હતો. એ સિવાય તેઓ જણાવે છે કે તેમણે દીવાલની અંદર કે બહાર કોઈ પણ પ્રકાર નું પ્લાસ્ટર નથી કરાવ્યું. કેમ કે એમણે જે બ્લોકનો ઉપયોગ કર્યો છે તેના ઉપર કોઈ પ્લાસ્ટરની જરૂરિયાત નથી. તે સિવાય છત અને તળિયું પણ અલગ રીતે બનાવવામાં આવેલ છે.

તેમણે જણાવ્યું કે, “ઓરડાઓમાં તળિયા માટે જેસલમેર ચુના પથ્થર અને કોટા ચુના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે, આંગણ માટે, હાથેથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી આથનગુડી ટાઇલ્સ(Athangudi Tiles) નો ઉપયોગ કર્યો છે. ઘરની બહારની જગ્યાઓ પર સાદરાહલ્લી પથ્થર(Sadarahalli Stone) નો પ્રયોગ કર્યો છે. આ બધું જ પર્યાવરણને અનુકૂળ છે. છતનું નિર્માણ “ફિલર સ્લેબ તકનીક” થી થયું છે. તેમાં આરસીસીના પ્રયોગને ઓછો કરવા માટે કોઈક ફિલરનો ઉપયોગ કરવામાં આવે છે.”

તેમણે ‘ફિલર’ માટે માટીની ટાઇલ્સ, વાટકા અને શંકુ આકારના કુંડાનો ઉપયોગ કર્યો છે.”ફિલર સ્લેબ તકનીક” થી બનેલી છત ઘરના અંદરના તાપમાનને સંતુલિત રાખે છે. ગરમીની ઋતુમાં પણ ઘરમાં ઠંડક રહે છે.

Eco Friendly House HSR Layout

જુના લાકડાંનો કર્યો છે ઉપયોગ.
પ્રદીપ કહે છે કે તેમણે ઘરમાં વધારેમાં વધારે જુના લાકડાંનો ઉપયોગ કર્યો છે. જેમ કે તેમનાં ઘરમાં આઠ ફૂટના બે થાંભલા છે જે દેખાવમાં ખુબ જ સુંદર છે. આ થાંભલા લાકડાંના બનેલા છે પરંતુ તેને બનાવવા માટે નવા લાકડાંનો ઉપયોગ નથી કર્યો. તે માટે તેમણે ફણસના લાકડામાંથી બનેલા 60 વર્ષ જુના થાંભલાઓને ખરીદીને નવું રૂપ આપ્યું છે. એવી જ રીતે તેમણે જુના ફર્નિચરને ખરીદીને તેને પણ નવું રૂપ આપ્યું છે.

અમે જૂની રીતથી બનેલા ટેબલ અને સોફા ખરીદીને અને તેમને ઠીક કરાવીને ઉપયોગમાં લઇ રહ્યા છીએ. અમારી સીડીઓ ની રેલિંગ પણ આ રીતે જ તૈયાર કરવામાં આવી છે,” તેમણે કહ્યું. આ સિવાય તેમણે તેમનાં ઘરને વાતાનુકુલિત રાખવા માટે પણ ઘણી અલગ-અલગ રીતો અપનાવી છે. જેમ કે છતની ઊંચાઈ 10 ફૂટ ન રાખીને 11.5 ફૂટ રાખી છે. સાથે જ, ઘરમાં મોટા દરવાજાઓ અને બારીઓ પણ છે જેમાંથી તાજી હવાનો પ્રવાહ નિરંતર રહે છે જેના કારણે ઘરમાં ઠંડક રહે છે. તેમનો દાવો છે કે તેમને દિવસના સમયમાં વીજળીનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી. તેની સાથે જ વર્ષના મોટાભાગના મહિનાઓમાં તેમનાં ઘરમાં પંખા કે કુલરની પણ જરૂરિયાત નથી રહેતી.

Pradeep Krishnamurthy Mud House

પ્રકૃતિની અનુકૂળ જીવનશૈલી
અશ્વિની કહે છે કે તેમણે ફક્ત પોતાનાં ઘરને પ્રકૃતિને અનુકૂળ જ નથી બનાવ્યું પણ તેમાં રહેવાની સાથે પરિવાર પણ ટકાઉ જીવન પદ્ધતિથી જીવે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમે જેટલું થઇ શકે તેટલું પ્લાસ્ટિક અને રાસાયણિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચી રહ્યા છીએ. તેની જગ્યા એ કાપડ, કાગળની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ છીએ. કેટલીક ચીજો જેમ કે નાહવા અને કપડાં ધોવા માટેના સાબુને ઘરે જ બનાવી રહ્યા છીએ. તે સિવાય, અમારા ઘરમાં એલઇડી લાઈટ છે અને પંખો ચલાવવાની પણ જરૂરિયાત ઓછી રહે છે.”

તેમની જીવનશૈલીની સૌથી પ્રેરક વાત એ છે કે તેઓ ગેસ અને પાણીની બચત કરે છે. તેમનાં ઘરમાં બાયો ગેસ યુનિટ પણ છે, જેની મદદથી તેમને રોજ લગભગ ત્રણ કલાક ગેસ મળી રહે છે. આ ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા તથા બીજા કામો માટે થાય છે. બાયો ગેસ યુનિટમાંથી ગેસ સિવાય, તેમને ખાતર પણ મળે છે. તે જૈવિક ખાતરનો ઉપયોગ તેઓ પોતાનાં બગીચામાં કરે છે. પ્રદીપ અને અશ્વિનીનું કહેવું છે કે બાયો ગેસ યુનિટમાં તેમનાં ઘરનો બધો જ ભીનો કચરો ઉપયોગમાં લેવાય છે. બાયો ગેસના કારણે તેમનાં ઘરમાં એક ગેસ સિલિન્ડર લગભગ આઠ મહિના સુધી ચાલે છે. આ જ રીતે, તેમનો પરિવાર રોજ 500 લીટર પાણીની પણ બચત કરે છે. તેનું કારણ છે “ગ્રે વોટર રિસાયકલિંગ”. પ્રદીપ જણાવે છે કે ઘરમાંથી ફક્ત ટોયલેટનું પાણી જ બહાર જાય છે તે સિવાય રસોઈ, બાથરૂમનું પાણી ફિલ્ટર કરીને બગીચા,સાફ-સફાઈ અને ટોયલેટ ફ્લશ માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે રોજ લગભગ 500 લીટર પાણીની બચત કરે છે. પાણી માટે નગર નિગમ પરની તેમની નિર્ભરતા 50% ઓછી થઇ ગઈ છે.

Self Sustaining Mud House

ઘરની અગાશી પર બનાવ્યો બગીચો
પોતાનાં ઘરની અગાશી પર તેઓ અલગ-અલગ પ્રકારની ઋતુગત શાકભાજીઓ, ફળ ઉગાડી રહ્યા છે. ઋતુગત શાકભાજીઓમાં તુરીયા, ટામેટા, કાકડી, બટેટા, બીટ, મુળી, કોબીજ, ફુલાવર, મરચા, શિમલા મરચાં અને ભીંડા વગેરેનો સમાવેશ થાય છે, જયારે ફળોમાં તેમણે પપૈયા, જામફળ, દાડમ, મોસંબી, લીંબુ, કેળા, અનાનસ, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ(કમલમ) વગેરે ઉગાડ્યા છે. જાસ્મીન, ગલગોટા, ગુલાબ, ક્રાયસન્થેમમ ના ફૂલ પણ તેમની અગાશી પર ઉગાડવામાં આવ્યાં છે.

સંપૂર્ણ રીતે 100 % ટકાઉ જીવન પધ્ધિતીથી જીવવું મુશ્કેલ છે પરંતુ પ્રદીપ અને તેમનો પરિવાર પોતાની તરફથી પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. પ્રદીપ કહે છે કે,”આ ઘરમાં રહેવાથી મને હંમેશા સકારાત્મક ઉર્જાનો એહસાસ થાય છે ને લાગે છે કે એટલા માટે જ હું પોતાની આસપાસની દરેક વસ્તુમાં સકારાત્મકતા શોધી લઉં છું. કહેવાય છે ને કે તમે જેવું ઈચ્છો છો વિચારો છો, તમારી આસપાસ પણ તેવી જ ઘટનાઓ જન્મ લે છે. અમે અમારું ઈકો ફ્રેન્ડલી ઘર બનાવ્યું છે અને હવે જયારે અમે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ છીએ તો આપમેળે જ એવી હોટલ કે રિસોર્ટમાં પહોંચી જઈએ છીએ કે જે પોતે ઈકો ફ્રેન્ડલી છે.

Self Sustaining Mud House

તેમનું કહેવું છે કે,” આજના જમાનામાં આપણે આપણી જૂની પેઢીથી કશું જ શીખવા નથી માંગતા. જયારે સત્ય એ છે કે આપણે તેઓના જ્ઞાન અને અનુભવથી શીખવું જોઈએ કે આપણે કઈ રીતે પર્યાવરણને અનુકૂળ થઇને સારું જીવન જીવી શકીએ. અમે અમારા માતા-પિતા પાસેથી ઘણું શીખ્યું છીએ જેમ કે કચરાનું પ્રબંધન કઈ રીતે કરવું, ઘરમાં જ શાકભાજી ઉગાડવી, પાણીની બચત કરવી વગેરે. અમને ખુશી છે કે હવે અમે આ બધું પોતાનાં સંતાનને શીખવી શકીએ છીએ.

ખરેખર, પ્રદીપ અને તેમનો પરિવાર આપણાં સૌના માટે એક પ્રેરણા છે, જે આજના આધુનિક જીવનમાં પ્રકૃતિની નજીક રહેવાની પ્રેરણા આપે છે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

તસવીર સૌજન્ય :પ્રદીપ, અશ્વિની અને ટ્રોપિક રેસ્પોન્સેસ

આ પણ વાંચો: અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X