શું તમે ક્યારેય કોઈ એવી સ્કૂલ વિશે વિચાર્યું છે, જ્યાં બાળકોને હોમવર્કની ચિંતા ન હોય, માર્સ્ક્સ અને ગ્રેડનું પ્રેશર ન હોય, છતાં પ્રકૃતિ સંગ રહીને તેઓ મજા કરતાં-કરતાં બધુ જ શીખતાં જાય? આવી સ્કૂલ તો હોતી હશે! એમ જ જવાબ છે ને તમારો? પણ આવી પણ સ્કૂલ છે, એ પણ વડોદરા નજીક પાદરા પાસે તાજપુરા ગામની બહાર “Gdhyana સંશોધન નગરી.” જ્યાં બાળકોને ગુરૂકુળ સ્ટાઇલથી લઈને હાઈટેક રિસર્ચ સુધીનું શિક્ષણ આપે છે IIT બોમ્બેમાં પીએચડી બ્રિજેશ પટેલ.
IIT બોમ્બેમાં પીએચડી કરતી વખતે બ્રિજેશ પટેલને સમજાઈ ગયું કે, અહીં માત્ર પુસ્તકિયા જ્ઞાનનું મહત્વ નથી, અહીં તમને વિકાસ માટે પૂરતી તકો આપવામાં આવે છે, પરંતુ પીએચડી કર્યા બાદ રિસર્ચનાં કાર્યોમાં જોડાયા ત્યારે તેમને સમજાઈ ગયું કે, વિકાસની ખરી તકો તો બહુ ઓછી જગ્યાએ મળે છે. આ દરમિયાન તેમનો પુત્ર પણ મોટો થઈ રહ્યો હતો અને પત્ની તેના માટે સારી સ્કૂલ શોધી જ રહ્યાં હતાં. તો બ્રિજેશભાઈ એવું ઈચ્છતા હતા કે, તેને માત્ર અક્ષરજ્ઞાનની જગ્યાએ રિયલ એજ્યુકેશન મળે. આ માટે તેઓ ભારતનાં 22-23 રાજ્યોમાં ફર્યા અને શાંતિ નિકેતનથી આજ-કાલની હાઈટેક સ્કૂલો સુધી બધુ જ ફરી વળ્યા. પરંતુ તેમણે પોતાના બાળકને જાતે જ શિક્ષણ આપવાનું નક્કી કર્યું અને તેને સ્કૂલમાં ન મૂક્યો. આજે તેમનો પુત્ર 8 વર્ષનો છે, પરંતુ શાળાએ નથી જતો, છતાં અન્ય બાળકોની સરખામણીમાં તેનો વિકાસ બહુ સારો છે. આ જોઈ તેમને લાગ્યું કે, અન્ય બાળકોને પણ આ રીતે શિક્ષિત કરવાની કરવાની જરૂર છે, જેથી તેઓ જીવનની પાઠશાળામાં ક્યારેય પાછાં ન પડે, ગાડરિયા પ્રવાહમાં આગળ વધવાની જગ્યાએ પોતાના રસ અને આવડત અનુસાર આગળ વધી શકે.

ત્યારબાદ તેમણે ગુજરાતના વડોદરા પાસે પાદરા નજીક તાજપુરા ગામની બહાર જમીન પર તેમના આ પ્લાન પર કામ કરવાનું શરૂ કર્યું. તેમની આ શાળામાં કોઈપણ પ્રકારનાં બંધનો નથી. તેમાં કોઈપણ ઉંમરનું બાળક આવી શકે છે, કોઈપણ વર્ગનું બાળક આવી છે. તેઓ જીએસઈબી કે સીબીએસસી સાથે તો જોડાયેલ નથી, પરંતુ જે બાળકોને સર્ટિફિકેટ જોઈતું જ હોય, તેઓ ઓપન સ્કૂલમાં પરીક્ષા આપી શકે છે. આજકાલ ગુગલ, નાસા જેવી ઘણી મોટી કંપનીઓ સર્ટિફિકેટની જગ્યાએ આવડતને મહત્વ આપી રહી છે, ત્યાં બ્રિજેશ પટેલની આ સ્કૂલ સારા ભવિષ્ય તરફ રાહ ચીંધી રહી છે.

તેઓ બાળકના વિકાસ માટે જરૂરી નિયમોનું પાલન ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ તેમનો મુખ્ય હેતુ એ જ છે કે, બાળકો પ્રકૃતિને સુસંગત બનીને ઈકો ફ્રેન્ડલી રીતે ભણી શકે. તેમણે ગુરૂકુળ અને રિસર્ચ ઈન્ટિટ્યૂટનો સંયોગ કરી આ શાળાને બનાવી છે, જેમાં બાળકોને ઓપન ક્લાસ રૂમ પણ મળે છે અને વાંસના ઓરડામાં પણ ભણાવવામાં આવે છે. બાળકોને ખેતીનાં કાર્યો પણ શીખવવામાં આવે છે અને લેબોરેટરીમાં પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે. બાળકોને માટીમાં રમવા દેવામાં આવે છે અને તરતાં પણ શીખવવામાં આવે છે.

એક સમયે પોતે પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલ બ્રિજેશભાઈ ધ બેટર ઈન્ડિયાને જણાવે છે, “આજ-કાલનું શિક્ષણ માત્ર માર્ક્સ અને ગ્રેડ પૂરતું મર્યાદિત બની ગયું છે. પાંચમા ધોરણમાં ભણેલું સાતમા ધોરણ સુધી યાદ નથી હોતું બાળકોને. તેમને એ પણ ખબર નથી હોતી કે, તેઓ આજે જે ભણી રહ્યા છે, તે આગળ ક્યાં કામ લાગશે. બાળકો પાસે પુસ્તકિયુ જ્ઞાન તો હોય છે, પરંતુ એજ વસ્તુ સામે મૂકવામાં આવે તો તેઓ ઓળખી ન શકે.”

“અમારા ત્યાં શાળાએ જતાં બાળકો પણ આવી શકે છે અને શાળાએ ન જતાં બાળકો પણ આવી શકે છે. અમે સસ્ટેનેબલ જીવન પર ભાર આપી રહ્યા છીએ. બાળકોને આપવામાં આવતો ઑર્ગેનિક ફૂડ અહીં જ ઉગાડવામાં આવે છે. વાત માત્ર ફળ, શાકભાજી કે અનાજની જ નથી, તેઓ મગફળી અને સૂરજમૂખી પણ વાવે છે અને તેમાંથી તેલ કાઢવાનાં મશીન પણ રાખ્યાં છે, જેમાંથી બાળકો તેલ કાઢે પણ છે. અહીં ગાય અને વાછરડી પણ છે. એટલે બાળકોને તેનું જ દૂધ આપવામાં આવે છે. સાથે-સાથે છાસ, દહીં, ઘી, માખણ પણ એજ આપવામાં આવે છે.”

અત્યારે તેમની શાળામાં 12 બાળકો આવે છે. જેમના માટે કોઈ ફી નક્કી કરવામાં નથી આવી. જે બાળકોના વાલી ફી આપી શકે તેઓ તેમની ઈચ્છા અનુસાર આપી શકે છે, બાકીનાં બાળકોનો ખર્ચ દાન આધારે પૂરો કરવામાં આવે છે. સવારે બાળકો 8 વાગે આવે છે. તેઓ આવીને તેમની ઇચ્છા અનુસાર વિવિધ ટાસ્કમાં મદદ કરે છે. ત્યારબાદ તેમને કસરત-યોગ કરાવવામાં આવે છે. તેમને મેડિટેશન અને નેચર ટૉક પણ કરાવવામાં આવે છે. ત્યારબાદ પ્રાર્થના બાદ તેમને કેમ્પસમાં ઉગેલ ફળ આપવામાં આવે છે. જો ઓછાં પડે તો બહારથી ઑર્ગેનિક ફળો આપવામાં આવે છે. જેથી બાળકોને સવારમાં ફળો ખાવાની આદત પડે.
ત્યારબાદ તેમને વિવિધ વિષયો પર પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવે છે. બપોરે પણ તેમને આપણું પૌષ્ટિક ભોજન જ આપવામાં આવે છે અને 2 વાગે બ્રિજેશભાઈ જાતે તેમને મૂકવા જાય છે.

તેઓ આગ્રહ રાખે છે કે, શરૂઆતમાં બાળકની સાથે તેનાં માતા-પિતા પણ આવે અને જોવે બધું. ત્યારબાદ પણ બાળકને એકાદ મહિનો અહીં ભણાવવામાં આવે છે અને પછી તેમને અહીં ખરેખર મજા આવે તો જ તેમને અહીં ભણાવવામાં આવે છે. શનિ-રવિવારે બાળકોની સાથે તેમનાં વાલીઓ પણ અહીં આવીને તેમની સાથે જોડાઈ શકે છે.
અહીં માર્સ્ક અને પરીક્ષા પર ભાર નથી આપવામાં આવતો. તેમની પરીક્ષા પણ ટાસ્ક આધારે હોય છે. જેથી તેઓ ભવિષ્યના સારા નેતા બની શકે. પછી ભલે તેઓ ખેડૂત બને, સાયન્ટિસ્ટ બને, એન્જિનિયર બને કે કોઈ કલાકાર બને, તેમાં તેમનુ પ્રભુત્વ બનાવી શકે.

છેલ્લા દોઢ વર્ષથી ચાલુ આ ઈન્સ્ટિટ્યૂટનું નામ “Gdhyana” છે એટલે કે, જ્ઞાન+ધ્યાન.
બ્રિજેશભાઈ અને તેમની પત્નીએ પોતાની નોકરી છોડી દીધી છે. તેઓ પણ અહીં બનાવેલ ઝૂંપડીમાં જ રહે છે. તેમના ત્યાં આવતી સૌથી નાની બાળકી 2 વર્ષની છે, તો સૌથી મોટી બાળકી નવમા ધોરણની છે. અત્યારના ઓનલાઈન શિક્ષણમાં બાળકોનું ભણતર બગડી રહ્યું છે ત્યાં, અહીં બાળકો અત્યારે પણ સાચું શિક્ષણ લઈ રહ્યાં છે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે આ સુંદર સ્થળની મુલાકાત લેવા ઈચ્છતા હોવ કે તેમની સાથે જોડાવા ઈચ્છતા હોવ તો નીચે જણાવેલ સરનામા પર તેમનો સંપર્ક કરી શકો છો,
ગ્ધ્યાના સંશોધન નગરી ફાઉન્ડેશન,
રુદ્રાંશ ફાર્મ પાસે, નર્મદા કેનાલ રોડ,
તાજપુરા ગામ, પાદરા પાસે,
વડ્પ્દરા, ગુજરાત: 391440
અને જો તમે બ્રિજેશભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને 99698 00321 પર કૉલ કે મેસેજ કરી શકો છો.
આ પણ વાંચો: મા-દીકરીની જોડીએ ઝાડ કાપ્યા વગર બનાવી 1200+ પેપર પ્રોડક્ટ્સ, દરેકમાંથી ઊગે છે એક નવો છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.