તમે ક્યારેય એવા કાગળ વિશે, કે એવી પેપર બેગ વિશે વિચાર્યું છે, જેને બનાવવા માટે એકપણ ઝાડને નુકસાન ન કરવું પડ્યું હોય! એટલું જ નહીં તેમાંની મોટાભાગની વસ્તુઓ તો એવી કે, તેને માટીમાં રોપવામાં આવે તો સુંદર છોડ પણ ઊગી નીકળે, વાત પછી ડાયરીની હોય, રાખડીની હોય, કાગળની હોય, પેપર બેગની હોય, બર્થડે કાર્ડની હોય કે પછી લગ્નની કંકોત્રીની. સપના બરાબર લાગે છે ને! પરંતુ આ વાતને હકિકત બનાવી છે જયપુરની પીંકી મહેશ્વરી અને તેની માતાએ.

જીવનમાં અચાનક આવેલ વળાંક વિશે વાત કરતાં પીંકી જણાવે છે, “પહેલાં તો મેં 10 વર્ષ કૉર્પોરેટ વર્લ્ડમાં મુંબઈ નોકરી કરી છે. લગ્ન બાદ હું પાછી જયપુર આવી અને જયપુરમાં નોકરી શરૂ કરી. મારા પુત્રના જન્મ બાદ પણ મેં નોકરી શરૂ રાખી, જેના કારણે હું મારા પુત્રને પૂરતો સમય આપી શકતી નહોંતી. મારા દીકરાને મારાં મમ્મી-પપ્પા જ રાખતા અને ઘણીવાર તો એવું બનતું કે, હું મારા પુત્રને બે-ત્રણ દિવસે મળી શકું. જેના કારણે મા-દીકરા વચ્ચે અંતર વધવા લાગ્યું, મારો દીકરો મને ઈગ્નોર કરવા લાગ્યો, આ જોઈને મને લાગ્યું કે, જો મારો દીકરો જ મારી પાસે ન રહે તો આ પૈસાનું શું કરવાનું અને મેં તરત જ નોકરી છોડી દીધી. આ દરમિયાન મારો દીકરો ડ્રોઈંગ કરતો હતો અને ઘણા પેપર્સનો બગાડ કરતો હતો, આ જોઈ મેં તેને કહ્યું કે, બેટા આ પેપરનો બગાડ ન કરાય, આ પેપર માટે ઘણાં ઝાડ કાપવામાં આવે છે, જેના જવાબમાં એકદમ નિર્દોષભાવે તેણે મને કહ્યું, ‘તો પછી તમે જ કેમ પેપર નથી બનાવતાં?’ આ સમયે મારા મમ્મી-પપ્પા પણ પાસે બેઠાં હતાં, અને તેઓ પ્રકૃતિની ખૂબજ નજીક છે. તો તેમણે કહ્યું કે, બેટા ઝાડ કાપ્યા વગર પણ પેપર બની શકે છે અને બસ મેં એ જ દિવસે આ બાબતે રિસર્ચ કર્યું અને મારા પપ્પાની જુની ગંજીને કાપી, મિક્સરમાં પલ્પ બનાવી તેમાંથી શીટ બનાવી અને તેને સૂકવી, તો ખૂબજ સુંદર પેપર બનાવ્યું. ત્યારબાદ તો પેપર બેગ પણ બનાવી. આમ અમારા બંને માટે આ એક એક્ટિવિટી બની ગઈ.”

ત્યારબાદ ધીરે-ધીરે મેં બાળકોના વર્કશોપ લેવાના શરૂ કર્યા અને ધીરે ધીરે પેપરબેગ બનાવીને તેને વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો હું એક પેપર બેગ માત્ર 10 રૂપિયામાં વેંચતી હતી, આ જોઈ એકવાર મારા પતિએ મને કહ્યું કે, ‘આ 10-10 રૂપિયા માટે શું કરે છે તું? એના કરતાં મારી પાસેથી લઈ લે 10 બેગના 100 રૂપિયા!’ બસ આ વાત મનમાં ઘર કરી ગઈ અને મેં નક્કી કરી દીધું કે, આ એક બેગથી કરેલ શરૂઆત હું એક લાખ બેગ સુધી પહોંચાડીશ. અને સાડા ચાર વર્ષની મહેનત બાદ અમે વર્ષમાં એક લાખ કરતાં પણ વધારે બેગ બનાવીએ છીએ. અમારી આ બેગ બધાં કરતાં હટકે છે, કારણકે અમે પલ્પમાં જ વિવિધ વનસ્પતિનાં બીજ ભેળવી દઈએ છીએ અને પછી તેમાંથી પેપર બનાવીએ છીએ, એટલે તેના ઉપયોગ બાદ પણ તે નકામી નથી જતી. તેમાંથી ઝાડ-છોડ ઊગી નીકળે છે અને સંપૂર્ણ બાયોગ્રેડિબલ મટિરિયલ હોવાથી જમીનમાં સરળતાથી ભળી પણ જાય છે.

પીંકી અને તેની માતા અત્યારે પેપર, ડાયરી, જર્નલ, ઑફિસ ઑર્ગેનાઇઝર, રાખડી, કાર્ડ, લગ્નની કંકોત્રી, બૉક્સ, પેપર બેગ, ચૉકલેટ બૉક્સ, મિઠાઈનાં બૉક્સ વગેરે. દરેક તહેવાર માટે તેઓ આવાં પર્યાવરણ પ્રેમી સસ્ટેનેબલ ઉત્પાદનો બનાવે છે. જેથી કોઈપણ વસ્તુ કચરામાં ન જાય, તેનાથી જમીનનું પ્રદૂષણ ન થાય. ઝાડ-છોડ ઊગી નીકળવાથી પર્યાવરણને ફાયદો મળે છે.

તેમના આ આખા કામની એક સારી વાત કરતાં પીંકીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “2017 માં સ્ટાર્ટઅપ ઈન્ડિયામાં અમારી પસંદગી થઈ અને ઈન્ડિયા-ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં સરકારે અમને મફતમાં જગ્યા આપી. તે સમયના કૉમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુ અને રમેશ અભિશેષે અમારું કામ જોયું અને મને બીજા જ દિવસે વિજ્ઞાન ભવન બોલાવી અને મને પ્રાઈમ મિનિસ્ટર ઑફિસ રાઉન્ડ ટેબલ મિટિંગ માટે કેલેન્ડર, સ્ટેશનરી વગેરે માટે ઑર્ડર આપ્યો. જેનાથી અમારો જુસ્સો બહુ વધ્યો. આ ઉપરાંત દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રેડ સ્ટોર માટે પણ સરકારે અમને 95% સબ્સિડી આપી.”

ત્યારબાદ પીંકીનું સિલેક્શન એનએસઆઈટીના એક મેનેજમેન્ટ કોર્સમાં થયું અને કર્યું, ત્યારબાદ વૉલમાર્ટમાં પણ સિલેક્શન થયું અને તે પણ કોર્સ કર્યો. ત્યારબાદ IIM બેંગાલુરૂ માં સિલેક્શન થયું અને તેમાં પણ કોર્સ કર્યો. ત્યારબાદ પીંકીનું કામ જોઈ સરકારે પીંકીને બોલાવી અને બીજા આંત્રપિન્યોરશીપના ક્લાસ લેવા બોલાવી, અને સરકાર આ માટે પીંકીને વેતન પણ આપે છે.

પીંકીનાં માતા શારદા ડાગા આ બધાં જ કાર્યો માટે પીંકીને ભરપૂર સાથ આપે છે. તેમના સ્ટાર્ટઅપ ‘સરપ્રાઈઝ સમવન’માં પણ તેઓ પાર્ટનર છે અને કામ સંભાળે છે. અત્યારે તેમના વર્કશોપમાં 19 મહિલાઓ કામ કરે છે, તો દેશભરમાંથી લગભગ 35 મહિલાઓ ફ્રિલાન્સ તરીકે તેમની સાથે કામ કરે છે. પીંકી અને શારદા એવી મહિલાઓને કામ આપે છે, જેમને લોકો એમ કહે છે કે, તમે ઘરમાં રસોઈ સિવાય કઈં નહીં કરી શકો. તેઓ આ મહિલાઓને કામ શીખવાડે છે, અને કળા અને આવડત તો દરેક મહિલામાં હોય છે જ, જેનો ઉપયોગ કરે છે તેઓ.
તેઓ મહિલાઓને આગળ આવવા માટે પ્રેરણા આપતાં જણાવે છે, “જો આપણા વડાપ્રધાન વિદેશ જઈને પણ હિંદીમાં ભાષણ આપી શકતા હોય તો આપણે શું કામ પાછળ હટવું જોઈએ. અંગ્રેજી ન આવડતું હોય તો પણ ઘણું કરી શકાય છે.”

તેઓ બધાં જ પેપર કૉટનમાંથી બનાવે છે, તેઓ ત્રિપુરામાંથી સફેદ અને રંગબેરંગી કતરણ મંગાવે છે અને તેનો પલ્પ બનાવી તેમાંથી પેપર બનાવે છે.
તેમના કામની આગવી ઓળખ અંગે વાત કરતાં પીંકી જણાવે છે, “પેપર તો વર્ષોથી બનતાં આવ્યાં છે, પરંતુ અમે તેમાં કઈંક નવું કરી બતાવ્યું છે, દિવાળી હોય તો અમે પ્લાન્ટેબલ દિવા બનાવીએ છીએ, વેલેન્ટાઇન ડે હોય તો પ્લાન્ટેબલ હાર્ટ, રક્ષાબંધન હોય તો પ્લાન્ટેબલ રાખડી, નવા વર્ષ માટે પ્લાન્ટેબલ કેલેન્ડર, દરેક તહેવાર, પ્રસંગ માટે અમે કઈંક નવું લઈને આવીએ છીએ અને સૌથી મહત્વની વાત તો એ છે કે, અમારી દરેક પ્રોડક્ટમાં અમે ઘણો બધો પ્રેમ આપીએ છીએ. દરેક વસ્તુ સાથે અમે એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલીએ છીએ. અમારી પ્રોડક્ટ બનાવતી છોકરીઓ પણ ખુશી-ખુશી પ્રેમથી તેને બનાવે છે અને પેક કરે છે, જેને ખોલતી વખતે પણ ગ્રાહકને અદભુત ખુશી મળે છે.”
અને કદાચ આ જ કારણે શારદા ડાગા જણાવે છે કે, “અમે પૈસા કરતાં વધારે લોકોનો પ્રેમ કમાયો છે અને ઝાડ કમાયાં છે. કારણકે તેમની દરેક પ્રોડક્ટમાં તેઓ પેસ્ટમાં જ બીજ ભેળવે છે, જેથી તેમાંથી સંખ્યાબંધ લોકોએ ઝાડ વાવ્યાં છે.”
તો આજકાલ સ્ટાર્ટઅપ કરવા ઈચ્છતા લોકોને ખાસ સલાહ આપતાં પીંકી જણાવે છે, “જો તમે સફળ સ્ટાર્ટઅપ કરવા ઈચ્છતા હોવ તો, આ માટે લોન પર નિર્ભર ન રહો. તમારી પાસે આજે 100 રૂપિયા હોય તો તેમાંથી 200 કરો અને 200 માંથી 400 રૂપિયા કરો. આ રીતે મળેલ સફળતા ધીમી ભલે હશે, પરંતુ તેમાં પછડાવાની શક્યતા પણ બહુ ઓછી રહે છે.”

પીંકી અને શારદાની એક હટકે બાબત એ છે કે, તેઓ તેમના દરેક ફેલિયરને ઉજવે છે, જેથી આ ભૂલમાંથી શીખીને તેમાંથી જલદી આગળ વધી શકે. તો જો બીજી કોઈ વ્યક્તિ તેમની કૉપી પણ કરે તો તેને પણ સેલિબ્રેટ કરે છે, કારણકે પ્રોડક્ટ સારી છે, ત્યારે જ લોકોને તેની નકલ કરવાની ઇચ્છા થાય છે. તેઓ ઈચ્છે છે કે, તેમનામાંથી પ્રેરણા લઈને બીજા ઘણા લોકો આગળ આવે. આપણા દેશમાં આવડત અને કળા તો ઘણી છે, બસ જરૂર છે તો તેને આગળ લાવવાની, હિંમત કરવાની અને જાતે આગળ આવવાની.
તેમના સ્ટાર્ટઅપ ‘સરપ્રાઇઝ સમવન’ ને સાચું ઠેરવતાં દરેક પ્રોડક્ટ સાથે તેઓ એક સસ્ટેનેબલ ગિફ્ટ મોકલે છે. તો કોવિડના કપરા કાળમાં તેમણે ઘણા ગ્રાહકોને તેમની પ્રોડક્ટ સાથે સુંદર-સુંદર મેસેજ ખાસ લખીને મોકલ્યા છે, જે જોઈને તેઓ ખરેખર ખુશ થઈ ગયા.
તો તેમના પિતાએ પણ અત્યાર સુધીમાં પ્રકૃતિને બચાવવાનાં ઘણાં કાર્યો કરવાની સાથે-સાથે વૃક્ષો બચાવવા માટે એક લાખ કરતાં વધારે સૂત્રો પણ લખ્યાં છે. તેમની આ સફળતા માટે પીંકી મહેશ્વરી તેમનાં માતા-પિતા અને મિત્રોનો ખૂબજ આભાર માને છે, જે દરેક પરિસ્થિતિમાં તેમની પડખે ઊભાં હોય છે, તેમની દરેક નિષ્ફળતામાં સાથે ઊભાં હોય છે અને સફળતામાં પીઠ થબથબાવે છે.

પીંકી અને તેમની માતા શારદાને તેમના આ સ્ટાર્ટઅપ અને કામ માટે અત્યાર સુધીમાં સંખ્યાબંધ અવૉર્ડ્સ અને હજારો લોકોનો પ્રેમ મળ્યો છે, જે તેમના માટે અમૂલ્ય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે તેમની સરપ્રાઈઝ સમવન અંગે વધુ જાણવા ઈચ્છતા હોવ તો તેમની વેબસાઈટ પર જઈ શકો છો. આ ઉપરાંત તેમનાં ઉત્પાદનો તેમના ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પરથી પણ ખરીદી શકો છો. આ ઉપરાંત તેમનાં ઉત્પાદનો અમેઝોન પર પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: વડોદરાના યુવાને જૂના અખબારમાંથી બનાવી સીડ પેન્સિલ, પેન, નોટબુક, કુંડામાં વાવતાં ઊગશે છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.