બધા બાળકો માટે તેમના દાદા દાદી ખૂબ જ ખાસ હોય છે. દાદાનો લાડ અને દાદીની લોરી, એવું કહેવાય છે કે ભાગ્યશાળીના જ નસીબમાં હોય છે. બેંગ્લોરમાં રહેતા મણિકંદન સત્યબાલનને પોતાની દાદી વિશે એટલું જ જાણે છે જેટલું તેણે તેના માતા -પિતા પાસેથી સાંભળ્યું છે. પરંતુ તેમ છતાં તે તેની દાદી સાથે અતૂટ બંધન અનુભવે છે. આ અતૂટ સંબંધ અને તેના પિતાના સપનાને કારણે, તેણે તમિલનાડુના પુડુકોટ્ટાઇ જિલ્લાના કીરામંગલમ ખાતે એક અનોખું ઘર બનાવ્યું છે, જે તેણે પોતાની દાદીને સમર્પિત કર્યું છે.
તેમણે 750 ચોરસ ફૂટમાં બનેલા તેમના પર્યાવરણને અનુકૂળ ફાર્મ હાઉસનું નામ તેમની દાદીના નામ પરથી ‘Valliyammai Meadows’ રાખ્યું છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા મણિકંદને કહ્યું, “આ ઘર જ્યાં સ્થિત છે તે જગ્યાએ દાદીનું જૂનું માટીનું ઘર હતું. મારા પિતાની ઘણી યાદો આ સ્થળ સાથે જોડાયેલી છે. તે હંમેશા મને દાદી વિશે કહે છે કારણ કે 1980 માં જ તેમનું નિધન થયું હતું. દાદીની મહેનતને કારણે જ પપ્પાનો અભ્યાસ પૂરો થઈ શક્યો.”
તેથી તેમના પિતા સત્યબાલાનનું સપનું પૂરું કરવા માટે, મણિકંદન અને તેમની પત્ની ઇન્દુમતીએ આ ઘર બનાવવાનું નક્કી કર્યું. આ ઘર વર્ષ 2019માં પૂર્ણ થયું હતું. મણિકંદન સમજાવે છે, “હું વિઝ્યુઅલ ઇફેક્ટ્સ નિર્માતા છું અને ઇન્દુમતી એક શિક્ષિકા છે. હું ફિલ્મો, મ્યુઝિક વીડિયો અને જાહેરાતો માટે કામ કરું છું. અગાઉ અમે તેને પરિવાર માટે ‘હોલિડે હોમ’ બનાવવાનું વિચાર્યું હતું પરંતુ જ્યારે બાંધકામ પૂર્ણ થયું ત્યારે મારા માતા -પિતાએ આ ઘરમાં રહેવાનું નક્કી કર્યું. અમને પણ જ્યારે અમારા કામમાંથી સમય મળે છે, અમે આ ઇકો ફ્રેન્ડલી ઘરનો આનંદ માણવા પહોંચીએ છીએ.”

આર્કિટેક્ટ મિત્રએ આઈડિયા આપ્યો
મણિકંદન કહે છે કે તે માત્ર ઘર બાંધવા માંગતો હતો. પરંતુ તેઓ ટકાઉ અથવા પર્યાવરણને અનુકૂળ બાંધકામ વિશે વધારે જાણતા ન હતા. તેમને આ વિશે તેમના એક આર્કિટેક્ટ મિત્ર તિરુમુરુગન પાસેથી ખબર પડી. તેને તેના મિત્ર દ્વારા ડિઝાઇન કરાયેલું ઘર મળ્યું અને તેણે જ મણિકંદનને સલાહ આપી કે ઘરને શક્ય તેટલું પ્રકૃતિને અનૂકુળ બનાવે. એટલા માટે તેઓએ તેમના ઘરના નિર્માણમાં વધુને વધુ પર્યાવરણને અનુકૂળ વસ્તુઓ અને બાંધકામની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. ઘરના પાયા માટે તેઓએ લગભગ છ ફૂટની ઉંચાઈ સુધીના પથ્થરોનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: વરસાદનું પાણી ઘરની બહાર નથી જતુ અહીં, રંધાય છે સોલર કુકરમાં, ઘરમાં ઉગાડેલી શાકભાજીમાંથી બને છે હેલ્ધી ફૂડ
“અમે ઘરના નિર્માણમાં અમે કોંક્રિટના થાંભલા પણ બનાવ્યા નથી, ન તો અમે અન્ય સ્થળોએ સિમેન્ટનો ઘણો ઉપયોગ કર્યો છે. દિવાલો માટે અમે ‘રેટ ટ્રેપ બોન્ડ’ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. આ સાથે, દિવાલોના ચણતરમાં સિમેન્ટ અને ઇંટોનો ઓછામાં ઓછો જથ્થો વાપર્યો છે. ઉપરાંત, દિવાલો મજબૂત અને થર્મલ કાર્યક્ષમ છે,”તેમણે જણાવ્યુ. રેટ ટ્રેપ બોન્ડ ટેકનોલોજી સાથે, દિવાલો બનાવતી વખતે વચ્ચે ખાલી જગ્યા છોડી દેવામાં આવે છે, જેના કારણે ઘરની અંદરનું તાપમાન સંતુલિત રહે છે.
મણિકંદન કહે છે, “અમે ઘરે રહીને તફાવત અનુભવીએ છીએ. કારણ કે આ વિસ્તારમાં ખૂબ ગરમી છે. પરંતુ મારા ઘરનું તાપમાન હંમેશા બહારના તાપમાન કરતા ઓછું હોય છે. આનું એક મુખ્ય કારણ એ છે કે અમે દિવાલો માટે રેટ ટ્રેપ બોન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ સિવાય દિવાલો પર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર કે પેઇન્ટ કરાવ્યુ નથી. બીજું મુખ્ય કારણ એ છે કે છતના બાંધકામ માટે આરસીસીને બદલે ‘ફિલર સ્લેબ’ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.”

છતનાં નિર્માણમાં માટીનાં 450 કટોરાનો કર્યો ઉપયોગ
તેણે વધુમાં સમજાવ્યું કે તેણે છત માટે ફિલર સ્લેબ ટેકનિકનો ઉપયોગ કર્યો. આ તકનીકમાં, સિમેન્ટનો ઉપયોગ કરવાને બદલે, છતની નીચેની બાજુએ અન્ય કોઈપણ પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓએ આ કામ માટે માટીના વાસણોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું, “ફિલર સ્લેબ ટેકનોલોજીથી છત બનાવવા માટે લગભગ 20% ઓછો સિમેન્ટ અને સ્ટીલ વપરાય છે. દિવાલોની જેમ, ઘરની છત પણ થર્મલ કાર્યક્ષમ છે અને ઘરની અંદરનું તાપમાન સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”
ઘરની મધ્યમાં ‘હેડ રૂમ’ પણ છે, જે તમામ ચાર દિવાલોમાં વેન્ટિલેશનની સુવિધા છે. વળી, તેમના ઘરનો આકાર ગોળ છે, લંબચોરસ નથી, જેના કારણે હવાની અવરજવરમાં કોઈ સમસ્યા નથી. તેમનું કહેવું છે કે રાત્રે 10 વાગ્યા પછી તેમનું ઘર ખૂબ જ ઠંડુ થઈ જાય છે. “આ વિસ્તાર ખૂબ ગરમ છે. પરંતુ હજુ પણ અમને ઘરમાં એસી લગાવવાની જરૂર નથી. કારણ કે ઘરનું તાપમાન સંપૂર્ણપણે સંતુલિત રહે છે. ખાસ કરીને રાત્રે,પંખા ચલાવવાની પણ જરૂર પડતી નથી”મણિકંદને કહ્યું.
આ પણ વાંચો: અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી

ઘરમાં લાકડાનાં કામ માટે, તેણે આ જમીન પર પહેલેથી જ વાવેલા લીમડા, જેકફ્રૂટ અને સાગનાં વૃક્ષોનો ઉપયોગ કર્યો છે. આ પછી તેણે ઘરની આસપાસ 40 વૃક્ષો વાવ્યા. તેમાં કેરી, જેકફ્રૂટ, અંજીર, નારંગી, ચીકુ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે મરી અને લવિંગના છોડ પણ વાવ્યા છે. આ સિવાય તેના ઘરની આસપાસ 1000 જેટલા નાળિયેરનાં વૃક્ષો છે. મણિકંદનના પિતા સત્યબાલાનનું કહેવું છે કે આ ઘરમાં રહેતી વખતે તે પોતાની જાતને માત્ર પ્રકૃતિની નજીક જ નહીં પણ તેની માતાની પણ નજીક અનુભવે છે.
શાકભાજી પણ ઉગાડે છે
સત્યબાલાન અને તેની પત્ની, થાવમણી મોટા અને ગાઢ વૃક્ષો તેમજ શાકભાજી વાવે છે. તેમણે પાલક, શક્કરીયા, ટેપીઓકા, કેળા અને કેટલાક ઔષધીય છોડ પણ વાવ્યા છે. આ સાથે, તેઓ બાગકામ માટે વરસાદી પાણીનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
મણિકંદન કહે છે કે તેના ઘણા મિત્રો અને સંબંધીઓ તેને કહે છે કે તેઓ તેમની રજાઓ તેના ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસમાં વિતાવવા માગે છે. તેથી તે ભવિષ્યમાં આ ફાર્મ હાઉસને ‘હોલિડે ગેટવે’ તરીકે વિકસાવવાનું વિચારી રહ્યા છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સોલર સિસ્ટમ પણ નથી, છતાં 30% ઓછું આવે છે વીજળીનું બિલ, જાણવા માંગો છો કેવી રીતે?
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.