Search Icon
Nav Arrow
Athana Busineess
Athana Busineess

100 પ્રકારનાં અથાણાં બનાવી દેશભરમાં થઈ ફેમસ, હોમ શેફ બની ગઈ સફળ બિઝનેસ વુમન

હોમશેફ ઈંદરપ્રીત નાગપાલ છેલ્લાં 21 વર્ષથી ફૂડ બિઝનેસ કરી રહી છે અને છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં તેણે અથાણાં અને જેમનો બિઝનેસ, ‘Herbs n Spices’ પણ શરૂ કર્યો છે.

કેરી, લીંબુ, કોબી, ગાજરનાં અથાણાં લગભગ બધાએ ખાધા જ હશે. પણ શું તમે ક્યારેય ચિકન, મટન, પ્રોનનું અથાણું ખાધું છે? હા, તમે એકદમ સાચું વાંચ્યું છે. નોન-વેજ ખાનારાઓ માટે પણ આ એક નવી વસ્તુ હોઈ શકે છે, તેથી શાકાહારીઓ તો ભૂલી જ જાઓ. હવે સવાલ એ થશે કે આ અથાણાં ક્યાંથી મળશે અને કોણ બનાવે છે? આ અથાણાં મુંબઈ સ્થિત હોમ-શેફ ઈન્દરપ્રીત નાગપાલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેને ‘રમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્દરપ્રીત તેના બ્રાન્ડ નામ, ‘Herbs n Spices’ના માધ્યમથી લોકોને માત્ર અલગ અલગ વાનગીઓ જ નહીં પરંતુ 100 થી વધુ પ્રકારના અથાણાં, જામ અને ચટણીઓ પણ ખવડાવી રહી છે.

રસપ્રદ વાત એ છે કે તે લગભગ 21 વર્ષથી હોમ શેફ તરીકે કામ કરી રહી છે. જો કે, તેણે થોડા વર્ષો પહેલા જ અથાણાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને તે પછી તેણે તેના વ્યવસાયનું બ્રાંડિંગ કર્યુ. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, 49 વર્ષીય ઈન્દરપ્રીતે વાત કરી કે કેવી રીતે અમૃતસરમાં મોટી થયેલી એક સાદી છોકરીએ પુણે, હૈદરાબાદ અને મુંબઈ જેવા શહેરોમાં તેના હાથના સ્વાદની છાપ છોડી છે. છેલ્લા 21 વર્ષમાં, ઈન્દરપ્રીત ઘણા જુદા જુદા શહેરોમાં રહેતી હતી, પરંતુ તેણે ક્યારેય પોતાનું કામ છોડ્યું નહીં. કારણ કે રાંધવુ અને લોકોને ખવડાવવું એ તેમના માટે પૈસા કમાવવા કરતાં તેમના જુસ્સાને જીવવાનો એક માર્ગ છે.

Herbs And Spices

અમૃતસરના એક સાદા પરિવારમાં ઉછરેલી ઈન્દરપ્રીત બાળપણથી જ તેના ઘરમાં વિવિધ પ્રકારના અથાણાં તૈયાર થતા જોયા હતા. પરંપરાગત પદ્ધતિઓ કે જેના દ્વારા તેની માતા અને દાદી અથાણું અથવા ચટણી અથવા અન્ય કોઈ વાનગી બનાવે છે તે હજી પણ તેના મનમાં તાજી છે. આ સિવાય સમય જતાં વિવિધ સ્થળોની વાનગીઓથી પ્રેરિત થઈને તેમણે પોતાની કેટલીક નવી વાનગીઓ પણ તૈયાર કરી છે.

તે કહે છે, “મને નાનપણથી જ રસોઈનો ખૂબ શોખ હતો અને એટલે જ કદાચ મેં હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કોલેજ પછી, મેં લગ્ન કર્યા અને મારા પતિ સાથે પુણે રહેવા આવી ગઈ.”

કુકિંગ ક્લાસિસથી ઉદ્યોગસાહસિક સફરની શરૂઆત થઈ
ઇન્દરપ્રીતે ક્યારેય બિઝનેસ કે સ્ટાર્ટઅપ જેવી બાબતો વિશે વિચાર્યું નથી. તેણે બાળપણથી જે જોયું હતું તે પુણેમાં કરવાનું ચાલુ રાખ્યું. ઘરે વિવિધ પ્રકારના અથાણાં બનાવવા અથવા ખાસ પ્રસંગો પર ફટાફટ વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી દેવી. તેના દ્વારા બનાવેલું ભોજન કે અથાણું જો એકવાર કોઈ ખાતું તો તેનાં વખાણ કરતાં થાકતું નથી. તેના પડોશના લોકોએ તેને તેના ઘરો માટે અથાણું બનાવડાવવાનું શરૂ કર્યું, અને તેના ઘણી બહેનપણીઓએ તેને તેની પુત્રીઓને રસોઇ શીખવવાનું કહ્યું.

HerbnSpices

“પહેલા તો હું કોઈ પણ પૈસા લીધા વગર જ અથાણું અથવા તો કોઈ પણ વ્યંજન બનાવીને મારા પડોશીઓને ત્યાં પહોંચાડી દેતી હતી. પણ પછી તેમને ખૂબ જ અજીબ લાગતુ હતુ કે હું કોઈ પૈસા નથી લેતી. ઘણા લોકોએ મને કહ્યું કે મારે આ કામ માટે થોડા પૈસા લેવા જોઈએ. તે વર્ષ 1998ની વાત હશે, જ્યારે મેં ઘરે ‘Rummy’s Kitchen’ શરૂ કર્યું અને છોકરીઓને રસોઈના ક્લાસિસ આપવાનું શરૂ કર્યું. આમાંની મોટાભાગની છોકરીઓ એવી આવતી હતી જેઓ રસોઈની શોખીન હતી અથવા જો કોઈ ભણવા માટે બહાર જવા માંગતા હોય તો તેમને જાતે રસોઈ બનાવવી પડશે.”તેમણે કહ્યુ.

કુકિંગ ક્લાસિસની બેચ તો ચાલી રહી હતી, ત્યારે તેમને લોકો પાસેથી રસોઈ માટે ઓર્ડર મળવા લાગ્યા. ઈન્દરપ્રીતનું કહેવું છે કે તેણે સપ્તાહના અંતે હોમ શેફ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અગાઉ તેને તેના ઘરની નજીકથી ઓર્ડર મળતો હતો. પણ પછી તેણે જાતે જ પોતાના હાથે નાના -નાના પોસ્ટર બનાવ્યા અને તેની ઝેરોક્ષ કરાવીને કેટલીક જગ્યાઓએ લગાવ્યા હતા. ઘણી વખત તેણે છાપા વહેંચતા ભાઈને આપ્યા કે તે છાપા સાથે ઘરે ઘરે પહોંચાડશે. તે કહે છે, “તે સમયે કોઈ સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનના ઉપયોગનું ચલણ ન હતુ. તેથી જો કોઈને ઓર્ડર આપવો હોય તો તેઓ લેન્ડલાઈન પર અથવા જાતે આવીને વ્યક્તિગત રીતે મને જણાવે કે કયા દિવસ, કઈ વાનગીઓ, કેટલો જથ્થો તેઓ ઇચ્છતા હતા અને હું તે બનાવતી અને પહોંચાડતી અથવા તેઓ આવીને તેમની જાતે લઈ જતા હતા.”

HerbnSpices

શહેર બદલાયા પણ તેમનું કામ અટક્યું નહી
ઈન્દરપ્રીત કહે છે કે થોડા વર્ષો પુણેમાં રહ્યા બાદ તે તેના પરિવાર સાથે બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ. પણ અહીં આવ્યા પછી પણ તેણે ફરી પોતાનું કામ શરૂ કર્યું. “જ્યારે પણ તમને કોઈ વસ્તુનો શોખ અને પેશન હોય, તમે જ્યાં પણ હોવ, તમે તમારો રસ્તો બનાવી જ લો છો. કોઈપણ નવી જગ્યાએ ગયા પછી, તમને સેટલ થવામાં બે કે ત્રણ મહિના લાગે છે. આ પછી, લોકો સાથે તમારો પરિચય વધવા લાગે છે. જો લોકો તમને જાણવાનું શરૂ કરે તો તમે તમારા કામને સરળતાથી શરૂ કરી શકો છો. મેં તે જ કર્યું, મારા પોતાના કેટલાક પોસ્ટર બનાવ્યા અને તેને નજીકના સ્થળોએ લગાવ્યા,”તે કહે છે.

તેની શરૂઆત એક -બે ઓર્ડરથી થઈ હતી અને દરેક જેણે તેમનું ખાવાનું ખાધુ હતુ તેમણે તેમની પ્રશંસા કરી અને અન્યને તેમના વિશે કહ્યું. ઈન્દરપ્રીત કહે છે કે આ બધા દરમિયાન તેણે ક્યારેય શીખવાનું બંધ કર્યું નહીં. તેના બદલે, તેમણે તેમના બાળકોને મોન્ટેસરી સ્કૂલમાં દાખલ કર્યા, જ્યાં તેમને ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે ખબર પડી. તેને લાગ્યું કે તેણે આ કોર્સ કરવો જોઈએ અને તેણે તે કોર્સ કર્યો. કોર્સ પુરો કર્યા પછી, તેણે તે જ મોન્ટેસોરી શાળામાં થોડો સમય કામ પણ કર્યું. આ નોકરીની સાથે, તેણીએ વીકએન્ડમાં પોતાનો ફૂડ બિઝનેસ પણ ચલાવ્યો.

Homemade Achar

તે કહે છે, “તમારે હંમેશા કંઈક નવું શીખતા રહેવું જોઈએ. વ્યક્તિએ નવી વસ્તુઓ અજમાવવી જોઈએ અને કંઈપણ અજમાવવાથી ક્યારેય પાછળ ન હટવું જોઈએ. ઘણા લોકો વિચારતા હતા કે હું ઘર, નોકરી અને મારા નાના વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરી શકું? પરંતુ મને તેમા મજા આવતી હતી કારણ કે હું તે બધું મારી પોતાની ખુશીથી કરી રહી હતી. સાથે જ, તેણી પોતાને આર્થિક રીતે સ્વતંત્ર રાખવામાં સક્ષમ હતી. મને આ કામમાં મારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.”

કમાલનું છે ટાઇમ-મેનેજમેન્ટ
લગભગ 15 વર્ષ પહેલા ઇન્દરપ્રીત અને તેનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. મુંબઈમાં પણ તેમણે મોન્ટેસરી સ્કૂલના પ્રભારી તરીકે થોડો સમય કામ કર્યું. પરંતુ પછી તેનો ફૂડ બિઝનેસ વધવા લાગ્યો, તેથી તેણે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે કહ્યું કે હોમ શેફની સાથે, તેણે નાના -મોટા કાર્યક્રમો માટે કેટરિંગનું કામ પણ શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટ, મોબાઈલ, સોશિયલ મીડિયાના આગમન સાથે તેમનું કામ પણ ઘણું વધી ગયું અને મુંબઈ બહાર પણ તેમનું નામ જાણીતું બન્યું.

પોતાન રૂટિન વિશે વાત કરતા, તે કહે છે, “હું મારા બપોરના ઓર્ડર સવારે 5.30 વાગ્યે તૈયાર કરવાનું શરૂ કરું છું. આ કામ આઠ વાગ્યા સુધી ચાલે છે. પછી આઠ વાગ્યાથી હું ઘરના કામ પર ધ્યાન આપું છું. બાળકોની કોલેજ, કોઈની ઓફિસ, ઘરનું કામ, આ બધું કરતી વખતે દસ અને અગિયાર વાગી જાય છે. તે પછી, હું ફરીથી તમામ ઓર્ડર તૈયાર કરવામાં લાગી જાઉ છું અને ટાઈમથી તેની ડિલીવરી કરી દઉ છું. દિવસ દરમિયાન, હું થોડો આરામ પણ કરું છું અને પછી 4 વાગ્યાથી ડિનરના ઓર્ડર પર કામ શરૂ થાય છે, જે હું 6.30 વાગ્યા સુધીમાં ગ્રાહકોને પહોંચાડી દઉ છું. તે પછી હું મારો તમામ સમય મારા પરિવાર સાથે વિતાવું છું.”

પોતાના ટાઈમ-મેનેજમેન્ટની સાથે, ઈન્દરપ્રીત તેના ગ્રાહકો સાથે પણ સંપૂર્ણ પ્રમાણિક છે. વળી, તે ક્યારેય ગ્રાહકોને નિરાશ પાછા મોકલતી નથી. માની લો કે તેણે કેટલાક દિવસો માટે તેમનું મેનૂ ફિક્સ કર્યું છે. પરંતુ જો કોઈએ તેને બીજી વાનગી માટે વિનંતી કરી હોય, તો તેને ના પાડવાને બદલે, તે તેના માટે વાનગી બનાવવાનો પ્રયત્ન કરે છે. તેથી જ તેમના અડધાથી વધુ ગ્રાહકો હવે નિયમિત છે, જે અઠવાડિયામાં એક કે બે વાર ચોક્કસપણે ઓર્ડર આપે છે. દર અઠવાડિયે તેમને લગભગ 70 ફૂડ ઓર્ડર મળે છે.

આ ઉપરાંત, તેમને નાના અને મોટા કેટરિંગ માટે પણ ઓર્ડર મળતા રહે છે. તેને તેના કામમાં મદદ કરવા માટેએક મહિલાને રાખી છે, જે તેને શાકભાજી કાપવા અથવા અન્ય કોઈ તૈયારી કરવામાં મદદ કરે છે. તેણીએ કહ્યું કે તે અઠવાડિયામાં સોમવાર અને મંગળવારે રજા રાખે છે કારણ કે આ બે દિવસ તે તેના અથાણાં, જામ અને સૉસનું કામ કરે છે.

100થી વધુ પ્રકારના અથાણાં બનાવે છે
ઈન્દરપ્રીત કહે છે કે હાલમાં તેનો ફૂડ બિઝનેસ માત્ર મુંબઈમાં મર્યાદિત છે. પરંતુ અન્ય સ્થળોના લોકો પણ અથાણાં વિશે પૂછે છે અને થોડા વર્ષો પહેલા તેણે પોતાનો અથાણાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. જેથી મારા હાથનો સ્વાદ સમગ્ર દેશમાં ફેલાવી શકાય. તેમણે કહ્યું કે કેટલાક સામાન્ય અને મોસમી અથાણાં બનાવવા ઉપરાંત, તેમણે કેટલીક અલગ અને તદ્દન નવી અથાણાંની વાનગીઓ પણ તૈયાર કરી. આજે તે ગ્રાહકોને 100 થી વધુ પ્રકારના અથાણાં પ્રદાન કરી રહી છે. આમાંથી કેટલાક આખું વર્ષ ચાલતા અથાણાં હોય છે, જ્યારે કેટલાક ફક્ત સિઝન અનુસાર બનાવવામાં આવે છે. તો, તે ઓર્ડર પર જ કેટલાક અથાણાં બનાવે છે.

Pickle Business

કેરી, લીંબુ ઉપરાંત તે કોબી, ગાજર, કારેલા, ભીંડા, મૂળા, રીંગણ, બટાકા, જામફળ, જેકફ્રૂટ, કચાલુ જેવી વસ્તુઓનું અથાણું પણ બનાવે છે. નોન-વેજ અથાણાંમાં, તે લોકોને ચિકન, માછલી, મટન, પ્રોન વગેરેના અથાણાં પહોંચાડે છે. અથાણાં ઉપરાંત, તે ઘણા પ્રકારના જામ, શેઝવાન સૉસ પણ બનાવે છે. ઈન્દરપ્રીતનું કહેવું છે કે તેને દેશના વિવિધ ખૂણાઓમાંથી ઓર્ડર મળે છે. તેણે ખૂબ જ ઓછા ખર્ચે પોતાનું કામ શરૂ કર્યું અને પછી તે જે કમાતી ગઈ, તેને બિઝનેસમાં લગાવતી રહી. હવે તે પોતાનાં બિઝનેસમાંથી વર્ષે 10 લાખ રૂપિયા સુધી કમાઈ લે છે.

તુષાર, જે તેની પાસેથી વિવિધ પ્રકારના અથાણાં ખરીદે છે, તે કહે છે કે તેણે તેની પાસેથી ચિકન, મટન, પ્રોન, લસણ જેવા અથાણાં મંગાવ્યા હતા અને બધા અથાણાં એકથી વધીને એક હતા. તેના દ્વારા બનાવેલાં અથાણા તમે જેટલાં ખાશો તેટલાં જ વધારે ખાવાની ઈચ્છા થશે. તેથી જ તુષાર હવે દરેકને સલાહ આપે છે કે તેની પાસેથી જ અથાણું મંગાવો. તો, તેના અન્ય ગ્રાહક, દેવબ્રત કહે છે કે તેણે આટલું સારું માછલીનું અથાણું પહેલાં ક્યારેય ખાધું ન હતું. તેમણે કહ્યું, “ઇન્દરપ્રીતે બનાવેલા અથાણાંની વાત અલગ છે. સૌથી સારી વાત એ છે કે ઈન્દરપ્રીત તેના અથાણામાં કોઈ પ્રિઝર્વેટિવ કે અન્ય કોઈ એડિટિવ ઉમેરતી નથી.”

વધુ પણ છે સિદ્ધિઓ
તેણી કહે છે કે તેણી હંમેશા એ જ શીખી છે કે ભોજન એકદમ શુદ્ધ અને સારું બનાવવું જોઈએ જેથી ભોજન કરનાર તમારા માટે પ્રાર્થના કરે. એટલા માટે તે પોતાના કામમાં સંપૂર્ણ ઈમાનદારી રાખે છે. આ ઉપરાંત, તે સમયાંતરે પોતાને અપગ્રેડ કરી રહી છે. તેણીએ તેની પુત્રીઓ પાસેથી નવા જમાનાની ટેકનીકો શીખી છે અને હવે તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા તેના ગ્રાહકો સાથે જોડાયેલી રહે છે. તેના બિઝનેસ સિવાય, ઇન્દરપ્રીતે કુક શોમાં પણ ભાગ લીધો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી અનોખી વાનગીઓ ઘણી વખત સારી જગ્યાએ દર્શાવવામાં આવી છે.

તેણે કહ્યું, “હું રસોઈ શો ‘ધ ખાન સિસ્ટર્સ’ના એક એપિસોડમાં આવી હતી. આ સિવાય, મેં સંજીવ કપૂર જીના શોમાં ભાગ લીધો અને કૂક શો જીત્યો. તે મારા માટે મોટી સિદ્ધિ હતી. મને Home Chef and Baker’s award 2020 પણ મળ્યો છે.” આટલી બધી સિદ્ધિઓ હોવા છતાં, ઈન્દરપ્રીત માટે આજે પણ તેના ગ્રાહકોથી વધીને કોઈ નથી. તે કહે છે કે તે ખરેખર લોકોને બેસ્ટ ખોરાક આપવા માંગે છે. જો તમે તેમની વાનગીઓ વિશે વધુ જાણવા માંગતા હોવ અથવા અથાણાં મંગાવવા માંગતા હોવ, તો તમે તેમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

તસવીર સૌજન્ય: ઈંદરપ્રીત નાગપાલ

આ પણ વાંચો: US રિટર્ન ‘ફકિરા’ IIM ના ગેટ પર મારુતિ 800 માં બર્ગર વેચી કરાવે છે પત્નીના કેન્સરની સારવાર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon