જો તમે બાગકામ કરો છો, તો તમે તમારા ઘરની હરિયાળીમાં વધારો નથી કરતા પરંતુ તમે પર્યાવરણનું રક્ષણ પણ કરો છો. શહેરોમાં જગ્યાના અભાવે લોકો પોતાની છત પર બાગકામ કરે છે. આવા જ લોકોમાં તેલંગાણાના તુમ્મેટિ રઘોત્તમ રેડ્ડી છે. તે છેલ્લા 10 વર્ષથી તેના ઘરની અગાસી પર બાગકામ કરી રહ્યા છે. તેના બગીચામાં તમને ઘણા પ્રકારના શાકભાજી, ફળો, ફૂલો અને ઔષધીય છોડ મળશે. રસપ્રદ વાત એ છે કે, બાગાયતમાં તેમના અનુભવના આધારે રઘોત્તમએ એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, જેનું નામ છે- ‘Terrace Garden: Midde Thota’.
ખેડૂત પરિવાર સાથે સંકળાયેલા રઘોત્તમ માટે બાગાયત ખૂબ મુશ્કેલ નહોતી. પરંતુ તેમણે તેમના અનુભવથી એવી રીતો શીખી છે કે જેનાંથી કોઈ પણ ટેરેસ અથવા બાલ્કનીમાં પોતાના પરિવાર માટે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકે છે.
તેમણે ધ બેટર ઇન્ડિયાને કહ્યું કે તેમણે શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી નોકરી કરવાનું શરૂ કર્યું. હૈદરાબાદના નારાપલ્લીમાં રહેતા રઘોત્તમને બાગકામ ઉપરાંત લેખનનો પણ શોખ છે, તેથી નિવૃત્તિ બાદ તેમણે આ શોખ પર પણ કામ કરવાનું શરૂ કર્યું. તેમના દ્વારા લખાયેલા ઘણા તેલુગુ પુસ્તકો પ્રકાશિત થયા છે.
તેમણે કહ્યું, “10 વર્ષથી વધુ સમય થયો છે કે હું જાતે કિચન ગાર્ડનિંગ કરું છું. મેં મારા પરિવાર સાથે માત્ર મીઠા લીમડાથી જ બાગકામ શરૂ કર્યું અને આજે હું 1230 ચોરસ ફૂટમાં મારા ટેરેસ પર વિવિધ શાકભાજી અને ફળો ઉગાડી રહ્યો છું.”

બજારમાંથી શાકભાજી ખરીદતા નથી
રઘોત્તમ કહે છે કે તે બજારમાંથી શાકભાજી ખરીદતા નથી. દરેક સીઝનમાં તે એટલી બધી શાકભાજી ઉગાડે છે કે તેને બજારમાંથી શાકભાજી ખરીદવી પડતી નથી. તે કહે છે, “મેં મારા બગીચાને એ વિચાર સાથે વાવ્યો કે રસોડાની તમામ જરૂરિયાતો બગીચા દ્વારા પૂરી થઈ જાય.”
તેના બગીચામાં ઉગાડવામાં આવતા સામાન્ય શાકભાજીમાં ભીંડા, કોબી, ટામેટા, લીલા મરચાં, કોબી, બીન્સ, કારેલાં, તુરિયા, કુંદરૂ, રીંગણ, દૂધી વગેરેનો સમાવેશ થાય છે. તે તમામ શાકભાજીની વિવિધ જાતો ઉગાડે છે. ઉદાહરણ તરીકે, લીલા ભીંડાની સાથે, તેઓ લાલ ભીંડા પણ વાવે છે. ફળોમાં તેમની પાસે લીંબુ, ડ્રેગન ફ્રૂટ, જામફળ, સીતાફળ, દાડમ, ચીકુ છે. આ સિવાય તે અનેક પ્રકારની લીલી શાકભાજી પણ વાવે છે. તેમનું કહેવું છે કે તેઓ સિઝન પ્રમાણે છત પર જરૂરી તમામ શાકભાજી લગાવતા રહે છે.
“શરૂઆતમાં, ટેરેસ ગાર્ડન બનાવવા માટે લગભગ 20,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. મેં આ બધા પૈસા એક જ વારમાં રોકાણ કર્યા નથી પણ ધીમે ધીમે બગીચામાં વધારો કર્યો. આજે, બગીચાને કારણે, મારે બહારથી કોઈ શાકભાજી ખરીદવાની જરૂર નથી. જો અમે ગણતરી કરીએ તો 10 વર્ષમાં અમારા ટેરેસ ગાર્ડનમાં 25 ક્વિન્ટલ શાકભાજીનું ઉત્પાદન થયું છે. તેથી હું ગર્વથી કહી શકું છું કે ટેરેસ ગાર્ડનમાં અમે જે રોકાણ કર્યું હતું તે અમે પાછું મેળવી લીધું છે. તે બાદ માત્ર અમારી મહેનત બાકી છે, જેના બદલામાં મારો આખો પરિવાર આટલા વર્ષોથી ઓર્ગેનિક શાકભાજી ખાઈ રહ્યો છે.” તેમણે કહ્યુ.

અન્ય લોકો માટે પ્રેરણા બન્યા
રઘોત્તમ પોતાના બગીચામાં છોડ રોપવા માટે મોટા પ્લાસ્ટિક ડ્રમ, ડોલ અને કન્ટેનરનો ઉપયોગ કરે છે. તે બગીચા માટે પોતાનું પોટિંગ મિક્સ તૈયાર કરે છે. તેના સિવાય, છોડના આધાર પર તે તેમને ખાતર આપે છે. તેમણે કહ્યું, “મને વૃક્ષો વાવવાની પરંપરાગત રીત ગમે છે. અમારા વડીલો માત્ર માટી અને છાણનાં ખાતરનો ઉપયોગ કરતા હતા. હું પણ મારા બગીચામાં માટી અને છાણનાં ખાતરનો ઉપયોગ કરું છું.”
બાગકામ કરવાને કારણે, રઘોત્તમ માત્ર હૈદરાબાદમાં જ નહીં પરંતુ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પ્રખ્યાત છે. તેમનો દાવો છે કે છેલ્લા બે વર્ષમાં જ 500 જેટલા લોકોએ તેમના બગીચાની મુલાકાત લીધી છે. ઘણા લોકો ફેસબુક દ્વારા તેમની સાથે જોડાઈને બાગકામ કરી રહ્યા છે. વિજયવાડાના રહેવાસી સીતારામ પ્રસાદ કહે છે, “રઘોત્તમ હંમેશા લોકોને બાગાયત વિશે જાગૃત કરતા આવ્યા છે. તે અમને બધાને મદદ કરે છે. તેમણે બાગકામ પર પોતાનું પુસ્તક પ્રકાશિત કરતા પહેલા વિવિધ પ્રકાશનો માટે લેખો પણ લખ્યા છે. તે હંમેશા બાગકામ વિશે નવી માહિતી આપતા રહે છે.”

બાગકામ માટે ટિપ્સ
રઘોત્તમ કહે છે કે તમે ઓછામાં ઓછી જગ્યામાં બાગકામ શરૂ કરી શકો છો. તમારી આસપાસની કોઈ જગ્યાએથી માટી અને છાણનાં ખાતરની વ્યવસ્થા કરીને પોટિંગ મિક્સ બનાવો. તમે કુંડા માટે જૂના પ્લાસ્ટિકના કન્ટેનર અથવા બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં, તમે ફૂલોના છોડ જેવા સરળ છોડ રોપી શકો છો અથવા ટામેટાં, લીલા મરચાં રોપવાનું સરળ છે. એક અથવા બે છોડથી પ્રારંભ કરો અને જોત-જોતામાં તમારો બગીચો તૈયાર થઈ જશે.
જો તમે બાગકામને લઈને રઘોત્તમનો સંપર્ક કરવા માંગતા હો, તો તમે તેની ફેસબુક પ્રોફાઇલ (https://www.facebook.com/ragotamareddy.tummeti)ની મુલાકાત લઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સુરતના આયુર્વેદિક ડૉક્ટરે હોસ્પિટલમાં વાવી ઑર્ગેનિક શાકભાજી, રીત છે એકદમ હટકે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.