ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે વાંસ મિશન. આ મિશન અંતર્ગત દેશના જુદા જુદા ભાગોમાં વાંસની ખેતી અને વાંસના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત કૃષિ મંત્રાલયે ગુજરાતના સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિસદાલિયા ગામની વિશેષ ઓળખ મળી છે. વાસ્તવમા, વાંસ વિશે આ વિસ્તારમાં ઘણા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામમાં વાંસના ઈનોવેશન પાછળ એક ભારતીય વન સેવા અધિકારી છે.
વિસદાલિયા ગામમાં આ ઓળખ અપાવવામાં ભારતીય વન સેવાના અધિકારી પુનીત નાયરનું મહત્વનું યોગદાન રહ્યું છે. પુનિત નાયર ગુજરાત કેડરના 2010 બેચના અધિકારી છે જેમની આજીવિકા, સમુદાય આધારિત વન સંરક્ષણ અને જળ સંરક્ષણમાં ઉંડો રસ છે. પુનિત પહેલાં કોર્પોરેટ ક્ષેત્રમાં હતા, પરંતુ તેમણે નોકરી છોડી દીધી અને પ્રકૃતિને બચાવવા અને વંચિત સમુદાય સાથે કામ કરવાની ભાવનાની સાથે ભારતીય વન સેવામાં જોડાયા.

જોબ VS જુસ્સો
પરફેક્ટ અને આલિશાન જીવનની તમન્ના દરેક યુવાનને હોય છે, પરંતુ પુનિતની મંજીલ બીજી જગ્યાએ હતી. પુનિત એક સારી જૉબ અને સેલેરી છતાં કોર્પોરેટ વર્ક કલ્ચરમાં જાતને ક્યારેય પણ ફીટ અનુભવ કરતા ન હતા.
તેણે કહ્યું, “જ્યારે પણ હું મારા સમાજ અને મારી આસપાસની ઘટનાઓ અને લોકોને જોતો ત્યારે મને અંદરથી બેચેની અનુભવાતી. હું વિચારતો હતો કે મારે કંઇક અલગ કરવું છે પણ મને શું કરવું તે સમજાતું ન હતુ. મારી સફળતા અને સ્થિતિ મને અપ્રમાણિક લાગતી હતી અને આ ઉથલપાથલમાં મેં સિવિલ સર્વિસ માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં, ઘરના લોકોને પણ લાગ્યું કે આટલી સારી નોકરી હોવા છતાં પણ હું સિવિલ સેવામાં મારો સમય કેમ વ્યર્થ કરું છું? પરંતુ જ્યારે તેમણે યુપીએસસી પ્રત્યેનો મારો જુસ્સો જોયો, ત્યારે તેમણે સહયોગ આપવાનું શરૂ કર્યું. મેં કામ કરતી વખતે યુપીએસસી માટે તૈયારી કરી લીધી. હું ઓફિસ જતાં પહેલાં સવારે 3-4 કલાક અને ઓફિસથી પાછા ફર્યા પછી 2-3 કલાક અભ્યાસ કરતો હતો. મને શરૂઆતથી જ પ્રકૃતિનો અનુભવ થતો, તેથી મેં વન વિભાગની પસંદગી કરી અને સુરતમાં વન વિભાગમાં DFO (જિલ્લા વન અધિકારી) તરીકે જોડાયો.”

વાંસથી બ્રાંડ સુધી
કોટવાલિયા ગુજરાતના આદિવાસી સમુદાયના છે જે મૂળ ડાંગ અને સુરત જિલ્લામાં રહે છે. કોટવાલિયા સમાજના લોકો વાંસમાંથી રચનાત્મક વસ્તુઓ બનાવવામાં નિષ્ણાત હોય છે. જ્યારે પુનીતનું પોસ્ટિંગ આ વિસ્તારમાં થયુ ત્યારે તેમણે જોયું કે અહીંના લોકો ખૂબ મહેનતુ પણ છે અને તેમની પાસે ક્ષમતા પણ છે, પરંતુ જ્ઞાનના અભાવને કારણે તેઓ તેમની પ્રતિભા સુધારવામાં અને તેમનું જીવનધોરણ સુધારવામાં અસમર્થ છે.

પુનિતે પહેલા તેમને ફર્નિચર બનાવવાની અને વાંસની વસ્તુઓ બનાવવાની તાલીમ આપી, જેથી તેઓ વાંસથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકે. પહેલાં આ લોકો વાંસમાંથી ફક્ત ટોપલી, સાદડીઓ બનાવતા હતા. તેનાંથી કોટવાલિયા લોકોને પણ લાગ્યું કે તેમાંથી બીજી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે.
પુનિતે તેની કળાને વધુ સુધારવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. કોટવાલિયા તેમની ભાષામાં વાંસના કામને ‘વિણાન’ કહે છે, જેનો અર્થ વણવું થાય છે. તેના આધારે, કોટવાલિયા દ્વારા બનાવેલા ફર્નિચરને બ્રાન્ડ નામ “વિણાન” આપવામાં આવ્યું હતું. 2019-20માં આ બ્રાન્ડનું ટર્નઓવર 10 કરોડ હતું.

જીવન ધોરણમાં સુધારો
પુનિતની પહેલથી વન વિભાગ દ્વારા સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા કોટવાલિયા સમાજના લોકોને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું જેમાં તેઓ માલ સીધા ગ્રાહકને વાજબી ભાવે વેચી શકે. આ રીતે વચેટિયાઓ દ્વારા આર્થિક શોષણ પણ સમાપ્ત થયું અને હવે તેઓ તેમના ઉત્પાદનની વાજબી કિંમત સીધી મેળવી શકે છે.

વિસદાલિયાનું ફર્નિચર હવે માત્ર સુરત પૂરતું મર્યાદિત નથી, પરંતુ અમદાવાદ, મુંબઇ, દિલ્હી પણ પહોંચી રહ્યું છે. આ તમામ પ્રયત્નોનું એક મોટું પરિણામ એ આવ્યું કે જ્યારે અન્ય સમુદાયોના લોકોએ જોયું કે વાંસનું કામ કોટવાલિયા સમાજના લોકોને રોજગાર પૂરો પાડે છે, તો અન્ય લોકો પણ આ કામમાં જોડાવા લાગ્યા. જ્યારે એવું જોવા મળ્યું કે અન્ય લોકો પણ આ કામ કરવા તૈયાર છે, ત્યારે વિસદાલિયામાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના તમામ 32 ગામના લોકો ફર્નિચર બનાવવા માટે એક સાથે જોડાયા હતા.

ગામમાં બન્યો મોલ
ગ્રામજનોને આર્થિક મજબુત બનાવવાના હેતુથી વિસદાલિયામાં ‘રૂરલ મોલ’ ચલાવવામાં આવી રહ્યો છે. તેનું સંચાલન વિસદાલિયા ક્લસ્ટર ગ્રામીણ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મોલમાં તમને સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરેલી દરેક વસ્તુ મળશે. મોલના પરિસરમાં એક રેસ્ટોરન્ટ પણ ચલાવવામાં આવે છે, જ્યાં કોટવાલિયા મહિલાઓ સ્થાનિક વાનગીઓ પીરસે છે.
રૂરલ મોલમાં અથાણાં, મસાલા, વાંસની વસ્તુઓથી લઈને કૂકીઝ સુધીની દરેક વસ્તુ સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. પુનિત જ આ મોલ ખોલવાની પાછળ છે.

આ અંગે તેમણે કહ્યું કે, “આ મોલ આદિજાતિ સમુદાયને આ બદલાતી દુનિયા સાથે જોડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો છે. રૂરલ મોલમાં કામ કરતા સ્થાનિકો તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છે.”
મોલમાં કામ કરતી જયશ્રી કહે છે, “પહેલા અમારે ગામની બહાર કામ કરવુ પડતુ હતું પરંતુ ગ્રામીણ મોલ શરૂ થયો ત્યારથી મારા પતિ અને મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું છે.”
ઉદ્યોગસાહસિકતાનો વિકાસ
પુનિતે આ આદિજાતિ પ્રભુત્વ ધરાવતા આ ક્ષેત્રમાં ‘કોમ્યુનિટી ફેસીલીટેશન સેન્ટર’ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં લોકોને રોજગાર તરફ વાળવામાં આવે છે. જાપાનના લોકો પણ આ મોડેલને જોવા આવ્યા અને તેઓએ પણ આ પ્રયાસની પ્રશંસા કરી.
આ સુવિધા કેન્દ્ર અંગે પુનિત કહે છે કે, “અહીંના લોકો પાસે ઘણી સંભાવનાઓ છે, બસ, તેમને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. દરેક વ્યક્તિ આ કેન્દ્રમાં જઈ શકે છે અને તેની જરૂરિયાત મુજબ માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.”

અંધકારથી પ્રકાશ સુધી…
પુનિતના આગમન પહેલા વિસદાલિયા ક્લસ્ટરની સ્થિતિ એટલી સારી નહોતી. અગાઉ, વિસદાલિયા ક્લસ્ટરના લોકો વાંસની દાણચોરીમાં સામેલ હતા, જ્યારે કેટલાક લોકોને રોજગારીના વિકલ્પો ન હોવાને કારણે તેઓ વાંસની તસ્કરી અને પલાયન કરવા મજબૂર હતા, પરંતુ પુનિતના પ્રયત્નોને લીધે, જે વ્યક્તિએ અગાઉ વાંસની દાણચોરી અને પલાયન માટે મજબૂર હતા આજે એ જ આત્મગૌરવ સાથે જીવે છે
બેટર ઈન્ડિયા ભારતીય વન સેવા અધિકારી પુનીત નાયરના પ્રયત્નોને બિરદાવે છે.
આ પણ વાંચો: સ્કૂલમાં નાપાસ થઈ, MBAમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને પ્રથમ પ્રયાસે જ UPSC પરીક્ષા પાસ કરી!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.