શહેર તો શહેર, ગામડામાં પણ આજકાલ લોકો આધુનિકતાના નામે કોંક્રીટના જંગલો બનાવી રહ્યા છે. પરંતુ આવી ઇમારતો આપણા પર્યાવરણની સાથે સાથે આરોગ્ય માટે પણ અનુકૂળ નથી. જેમ આપણે આપણા ખોરાકમાં ઓર્ગેનિક ફળો અને શાકભાજીના ઉપયોગ પર ભાર આપીએ છીએ, તે જ રીતે આપણે ઘર બનાવવા માટે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ કેમ પસંદ નથી કરતા? આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, ઉત્તર પ્રદેશના યુવા આર્કિટેક્ટ અનંત કૃષ્ણ.
લખનૌના અનંત કૃષ્ણએ લોકોને ઘર બાંધવામાં કુદરતી વસ્તુઓનું મહત્વ સમજાવવા માટે વધુ સારી રીતે પ્રયાસ કર્યો છે. તેણે તેની શરૂઆત તેમની ઓફિસથી કરી. હકીકતમાં, તેમણે લખનૌના ગોમતી નગરમાં તેમની 300 ચોરસ ફૂટની કોંક્રીટથી બનેલી ઓફિસને માટી અને સ્થાનિક નકશીવાળા લાકડાનો ઉપયોગ કરીને નવો લૂક આપ્યો છે.
અનંતે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “હું જે વ્યવસાયમાં છું, તેમા અમારે અમારા ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર કામ કરવું પડશે. પરંતુ હું ઈચ્છું છું કે મારી ઓફિસમાં જોનારા લોકો મને માટી અને ગુંજબદાર છત વિશે પ્રશ્નો પૂછે અને હું તેમને તેના ફાયદા વિશે જણાવું છું. હું માનું છું કે લોકો તમારી વાતો સાંભળીને નહી, પરંતુ તમારું કામ જોઈને પ્રેરિત થાય છે.”

કોંક્રીટની ઓફિસને બનાવી માટીથી ઠંડી
લખનૌ સાથે સંબંધ ધરાવતા અનંતે અમૃતસર ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેણે થોડા મહિના દિલ્હીમાં નોકરી કરી. ત્યારપછી તે લખનૌ પરત ફર્યા અને અહીં સ્કાયલાઈન આર્કિટેક્ચર નામની પેઢીમાં જોડાયા. પરંતુ લોકડાઉન દરમિયાન, તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને Advance Group of Architects નામની કંપની શરૂ કરી.
અનંત તેની માતાને પોતાની પ્રેરણા માને છે. તેની માતા વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને તેની કંપનીમાં ભાગીદાર પણ છે.
સસ્ટેનેબલ બિલ્ડીંગ વિશે વાત કરતા તેઓ કહે છે, “આર્કિટેક્ચરમાં અમારા અભ્યાસના પહેલા જ વર્ષમાં અમને કહેવામાં આવ્યું હતું કે વર્ષો પહેલા જ્યારે વીજળીની સુવિધા ન હતી, ત્યારે સૂર્યપ્રકાશ અને પવનની દિશાને ધ્યાનમાં રાખીને ઇમારતો બનાવવામાં આવતી હતી. તેથી, મારા મત મુજબ, ટકાઉ મકાન એ છે જેમાં ઓછી કૃત્રિમ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે અને વધુમાં વધુ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ સામાન્ય રીતે દરેક ક્લાયંટ ફક્ત આધુનિક દેખાવને પસંદ કરે છે અને અન્ય વસ્તુઓ વિશે મતલબ હોતો નથી.”
અનંત પોતાના કામથી લોકોને વિશ્વાસ અપાવવા માંગતા હતા કે પરંપરાગત ટેકનિકથી પણ આધુનિક ઘર તૈયાર થઈ શકે છે. તેથી તેણે પોતાની ઓફિસને એક ઉદાહરણ બનાવવાનું વિચાર્યું.
જ્યારે તેણે આ ઓફિસ ભાડે લીધી ત્યારે તે ઘણી જર્જરિત હાલતમાં હતી. પરંતુ આજે તે આજુબાજુની તમામ દુકાનોમાં અલગ રીતે ચમકે છે. અનંત કહે છે, “અહીંથી જે પણ પસાર થાય, તે એકવાર રોકાઈને જરૂર જોવે છે. કારણ કે અમે તેને ખાસ લખનૌની શૈલીમાં બનાવી છે.”
લખનૌ તેની ગુંબજવાળી છતો માટે જાણીતું હતું, પરંતુ હાલમાં આધુનિક બિલ્ડીંગના બાંધકામ પછી લોકો આ તકનીકને ભૂલી રહ્યા છે. તેથી અનંતે સ્થાનિક આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખ્યું. છતની ફૉલ્સ સિલિંગ કરાવવાના બદલે, તેણે સ્થાનિક લાકડાથી વૉલ્ટ રૂફ બનાવી, જેથી લોકો તેમાં પ્રાચીન ઇમારતોની છબી જોઈ શકે.
ઘરના બાંધકામમાં માટીના ઉપયોગ અંગે અનંત કહે છે, “કેમકે ઉત્તર પ્રદેશ એક કૃષિ પ્રધાન રાજ્ય છે અહીં વિવિધ પ્રકારની માટી જોવા મળે છે. મેં વિચાર્યું કે શા માટે કોંક્રિટની દિવાલોને માટીથી રંગીને રાજ્યની વાસ્તવિક ઓળખથી જોડવામાં આવે.”
તેમણે તેમની ઓફિસમાં લખનૌ નજીકના ગામમાં ઉપલબ્ધ ગ્રે અને પીળી માટીનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે મૂર્તિઓ બનાવવા માટે ગ્રે રંગની માટીનો ઉપયોગ થાય છે. જ્યારે, ગામમાં ઘરોને રંગવા માટે પીળી માટીનો ઉપયોગ કરવામાં આવે છે. માટીના ઉપયોગને કારણે ઓફિસની અંદરનું તાપમાન બહાર કરતાં ચાર-પાંચ ડિગ્રી ઓછું રહે છે. તો, વૉલ્ટ રૂફથી નાની જગ્યા હોવા છતાં, અહીં ખુલ્લુ-ખુલ્લુ લાગે છે. તેણે જણાવ્યું કે આ કામ માટે તેને લગભગ સાત લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તો, તેમને દર પાંચ વર્ષે દિવાલો પર માટીનું લિંપણ કરવાનું રહેશે.

પંખાની જરૂર નથી
અનંતની આખી ઓફિસ પાંચ ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલા લોબીનો ભાગ છે, જેમાં વૉલ્ટ રૂફ અને માટીની દિવાલ સાથે, તેઓએ કેટલાક ઇન્ડોર છોડ પણ રાખ્યા છે. અંદર આવતાની સાથે જ તમે પ્રકૃતિ સાથેનું જોડાણ અનુભવશો. તો, તેણે તેની કેબિન અને સ્ટુડિયોમાં પાર્ટીશન માટે કાચનો ઉપયોગ કર્યો છે અને તેને સફેદ રંગ કર્યો છે, જેના કારણે તે વ્હાઇટબોર્ડનું પણ કામ કરે છે. બાકીના બે ભાગો બાથરૂમ અને પેન્ટ્રી છે.
આ આખી જગ્યામાં દિવસ દરમિયાન સારો સૂર્યપ્રકાશ આવે છે. તો, માટીના કારણે, અંદરનું તાપમાન સામાન્ય રહે છે.
અનંત કહે છે, “અમારા સ્ટુડિયોમાં પંખો લાગેલો નથી. તેમ છતા અહીં ગરમી લાગતી નથી. તો,અમે લખનૌની ગરમીને ધ્યાનમાં રાખીને ઓફિસ માટે એક એસી લગાવડાવ્યું છે. જેની ખૂબ જ ઓછી જરૂર છે. તમને જાણીને નવાઈ લાગશે કે માર્ચ મહિનામાં અમારી ઓફિસનું વીજળીનું બિલ રૂ.350 આવ્યું હતું. ઉનાળામાં ACના કારણે બિલ થોડું વધી જાય છે જે 600થી વધુ આવતુ નથી.”

માટી લિંપણનું કામ છે પડકારરૂપ
અનંત કોંક્રીટની દિવાલોને માટીથી લીંપવા માંગતો હતો. જોકે, આ કામ એટલું સરળ નહોતું. તેણે લખનૌમાં ઘણા લોકોને પૂછ્યું, પરંતુ બધાએ આ કામ કરવાની ના પાડી. જે બાદ તે નજીકના ગામમાં ગયો અને લોકો પાસેથી તેના વિશે પૂછપરછ કરી. તેઓ કહે છે, “ગામમાં દરેક વ્યક્તિ જાણે છે કે માટીનું ઘર કેવી રીતે બનાવવું. પછી મેં ગામના કેટલાક લોકોને મદદ માટે બોલાવ્યા.”
તેણે સૌથી પહેલા દીવાલ પર ચિકન મેશની જાળી લગાવી. આ પછી, ગ્રે રંગની માટી અને ભૂસાનું મિશ્રણ લગાવ્યુ. ત્યારબાદ ગાયનુ છાણ અને પીળી માટીનો લેપ લગાવ્યો અને છેલ્લે પીળી માટીમાં ફેવિકોલ મિક્સ કરીને લિંપણનું કામ કરવામાં આવ્યું.
જો કે, જ્યારે તેણે પહેલી વખત લગાવી, ત્યારે થોડા દિવસોમાં આખી માટી નીકળી ગઈ હતી. પાછળથી, તેમને ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું કે ગાયનું છાણ અને માટીના દરેક સ્તરને સૂકાવામાં સમય લાગે છે અને એક સ્તર સુકાઈ જાય પછી જ બીજો સ્તર લગાવવો જોઈએ. આખરે તેને સફળતા મળી.
ઘણા લોકોને આકર્ષે છે, તેમની આ ઓફિસ
અનંત કહે છે કે પહેલા લોકો માટીની દિવાલને વોલ પેપર માનતા હતા. પરંતુ જ્યારે તેઓ તેને સ્પર્શ કરે છે ત્યારે તેઓને સમજાય છે કે તે માટીની દિવાલ છે. ઘણા લોકો તેમની ઓફિસે પહોંચીને ઘરને કુદરતી રીતે બનાવવાના અનેક સવાલો પૂછે છે.
બેંગલુરુમાં એક આઈટી કંપનીમાં કામ કરતા અભિષેક શ્રીવાસ્તવ, ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં તેમના પૈતૃક ગામમાં ઈકો-ફ્રેન્ડલી ફાર્મ હાઉસ બનાવવા માટે અનંતને મળ્યા હતા. અભિષેક કહે છે, “હું મારા ગામમાં ઇકો-ફ્રેન્ડલી ફાર્મ હાઉસ બનાવવા માટે આર્કિટેક્ટની શોધમાં હતો. ત્યારે મને અનંત કૃષ્ણ વિશે ખબર પડી અને તેમને મળવા ગયો. તેમની ઓફિસમાં પ્રવેશતાં જ મને લાગ્યું કે અહીં બધું જ કુદરતી છે. તેણે પોતાની ઓફિસનું વાતાવરણ પણ અનુકૂળ બનાવ્યું છે. ત્યારે જ મેં વિચાર્યું કે તે મારા આર્કિટેક્ટ હશે.”
અભિષેક કોંક્રિટનો ઉપયોગ કર્યા વિના માટી અને ચૂનામાંથી પોતાનું ફાર્મહાઉસ બનાવવા માંગતા હતા. પરંતુ તેમણે તેના ફાર્મહાઉસને આધુનિક દેખાવ પણ આપવો હતો. તે અનંતની ઓફિસથી એટલો પ્રભાવિત થયો કે તેણે તરત જ તેને કામ સોંપી દીધું. આગામી થોડા મહિનામાં તેમના ફાર્મ હાઉસનું કામ શરૂ થઈ જશે.

અનંત કૃષ્ણની વિચારસરણી અને પ્રયોગને કારણે હવે ઘણા લોકો તેમના સંપર્કમાં છે. જો તમને અનંતના ફર્મ વિશે વધુ માહિતી જોઈતી હોય, તો અહીં ક્લિક કરો.તમે તેમનો 9872948722 પર પણ સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 50 ગરીબ બાળકોને દત્તક લઈ માતા બની ભણાવે છે અને સાચવે છે આ પોલીસ કૉન્સ્ટેબલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો