Search Icon
Nav Arrow
Solar Panel Price
Solar Panel Price

વિજળીનું બિલ ‘શૂન્ય’ કરવાની સાથે કમાણી પણ કરાવશે, જાણો સોલાર પેનલ વિશે કામની માહિતી

શું તમે પણ ક્યારેય એવું વિચારો છો કે, દર મહિને મસ-મોટાં વિજળી બિલથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય? જો હા, તો તમે પણ ઘરે લગાવો સોલાર પેનલ. સરકારની 30% સબસિડી બાદ ઓછા ખર્ચે સોલાર સિસ્ટમના ફાયદા અને સાચવણીની રીતો.

જો તમે તમારા ઘરની વીજળી માટેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સરકાર તરફથી નાખવામાં આવેલ પાવરગ્રીડનો ઉપયોગ કરી રહ્યા છો અને તે તમને પરવડતું નથી તો તમે પોતના ઘરે સોલાર રૂફ ટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી વીજળી ઉત્પન્ન કરવાની સાથે-સાથે બાકી બચતી વીજળી સરકારને વેચીને નફો પણ રળી શકો છો અને તમે કરેલા રોકાણને ફક્ત 4 જ વર્ષમાં પાછું મેળવી શકો છો.

સોલાર રૂફ ટોપ પેનલ ઈન્સ્ટોલેશન બાબતે ધ બેટર ઇન્ડિયાએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સાથે વાતચીત કરી હતી જેમણે પોતાના ઘરે જ છેલ્લા ઘણા વર્ષોથી આ રીતની સોલાર રૂફ ટોપ સિસ્ટમ વસાવેલી છે.  

જયદીપ સિંહ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે, અત્યારે ગુજરાતમાં સોલાર રૂફ ટોપ પર કામ કરતી લગભગ 94 જેટલી કંપનીઓ છે અને તેમાંથી તમે કોઈ પણ કંપનીનો લાભ તમારા ઘરે તે સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા માટે લઇ શકો છો.

આ ઉપરાંત સોલાર રૂફ ટોપ સિસ્ટમ બાબતે બીજી પણ ઘણી જાણકારી તેમણે ધ બેટર ઇન્ડિયાને આપી હતી જે નીચે પ્રમાણે છે.

મળે છે સરકાર તરફથી સબસીડી
તેઓ જણાવે છે કે, મહત્વની બાબત એ છે કે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા માંગતા નાગરિકો માટે સરકાર ચોક્કસ સંખ્યામાં લગભગ વર્ષના 2 લાખ આસપાસ લોકોને કુલ ખર્ચના 30% જેટલી સબસીડી આપે છે. અને તે સબસીડી ખરીદી વખતે જ મૂળ રકમમાં બાદ કરીને જ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય વાત એ છે કે આ સબસીડી તમને 5 કિલોવોટ કરતા ઓછી સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા પર જ અને તે પણ કોઈ ભારતીય કંપની દ્વારા જ બનેલ સિસ્ટમ પર મળશે અને જો 5 કિલોવોટથી વધારે હશે કે પછી કંપની વિદેશી હશે તો તમે સબસિડીનો લાભ નહીં લઇ શકો. આગળ તેઓ જણાવે છે કે સબસીડી મેળવવા માટે ધાબુ પોતાનું હોવું જોઈએ, ફ્લેટ કે એપાર્ટમેન્ટ માટે સબસીડી નથી મળતી.

ફક્ત એક જ વખતનો ખર્ચ અને સિસ્ટમ ચાલશે 15 થી 25 વર્ષ સુધી
તેઓ જણાવે છે કે, એક વખતના આ ખર્ચમાં સબસીડી સાથે બધું જ સમાવિષ્ટ થઇ જાય છે પરંતુ જો કોઈ મોડિફિકેશન કે કોઈને લાગે કે પેનલ ઊંચા સ્ટેન્ડ પર રહે જેથી નીચે ચાલી શકીએ અને ધાબુ સંપૂર્ણ ન ભરાઈ જાય તેમ રાખવી છે તો તેનો અલગથી થોડો ખર્ચો થાય છે.

આમ, મોટાભાગે લગભગ સમગ્ર સોલાર સિસ્ટમ તમને સબસિડીની રકમ બાદ કરતા 80 હજારથી 1 લાખ રૂપિયા આસપાસ પડે છે. અને તેના દ્વારા તમે વર્ષના લગભગ 20 હજાર આસપાસ રૂપિયા બચાવી શકો છો જે ચાર કે પાંચ વર્ષમાં તમારી રોકાણ કરેલી મૂડીને પરત રળી આપશે અને આગળના બીજા 11 થી 21 વર્ષ સુધી વધારાની બચત કરી આપશે તે અલગ. આમ ઇન્સ્ટોલ કરાવ્યા પછી આ સિસ્ટમ 15 થી 25 વર્ષ સુધીની આયુષ્ય મર્યાદા ધરાવે છે.

Solar Panel For Home

બિલ ઝીરો ઉપરથી વીજળી વેચીને કમાઈ શકશો
જયદીપ સિંહ જણાવે છે કે, સોલાર પાવર જનરેટ થયા પછી બિલ તો નથી જ આવતું ઉપરથી વધારાના ઉત્પાદિત થતા યુનિટને તમે વેચી કમાણી પણ કરો છો. આ માટે બે મીટર હોય છે. એકમાં સોલારમાં જનરેટ થતા યુનિટ અને બીજામાં ઘર વપરાશમાં ઉપયોગીત વીજળીના યુનિટનું કાઉંટીંગ થતું હોય છે.

આ બાબતને વિસ્તારપૂર્વક એક ઉદાહરણ દ્વારા તેઓ સમજાવે છે કે, સમજો કે દિવસ દરમિયાન 11 યુનિટ વીજળી સોલારથી ઉત્પન્ન થઇ છે અને રાત્રી દરમિયાન આપણે પાવરગ્રીડમાંથી આવતી વીજળી 5 યુનિટ જેટલી વાપરી છે તો તે 5 યુનિટ આ 11 માંથી બાદ કર્યા પછી જે 6 યુનિટ બાકી રહે છે તે ગ્રીડ લાઈનમાં એક્સપોર્ટ થશે. એટલે કે તે એક્સપોર્ટ યુનિટમાં કાઉન્ટિંગ થયેલા બતાવશે. આમ જે તે તારીખે દરરોજ તેમાં કેટલા યુનિટ એક્સપોર્ટ થયા તે બતાવશે.

દર બે મહિને જે બિલ બને તેમાં ઈમ્પોર્ટ યુનિટ અને એક્સપોર્ટ યુનિટ બંનેનો તફાવત જોવાય છે. જેમ કે જો બે મહિના દરમિયાન ઈમ્પોર્ટ યુનિટ(આપણે વાપરેલ વીજળી) 250 હોય અને એક્સપોર્ટ યુનિટ 350(સોલાર દ્વારા ઉત્પાદિત વીજળી) હોય તો તફાવતમાં આવતા 100 યુનિટ આપણામાં ક્રેડિટ થાય અને તે માટે એક યુનિટ દીધી 2.25 રૂપિયા લેખે રૂપિયા પણ આપણામાં જમા થાય.

જયદીપસિંહનો અનુભવ
તેમણે પોતે પોતાના ઘરમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ દ્વારા બચત થતી મૂડીની ગણતરી કરી હતી તેના ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, પહેલા ઘરનું 2 મહિનાનું થઈને લગભગ 2500 રૂપિયાનું બિલ આવતું. આમ દર વર્ષે 15000 રૂપિયા આસપાસનું બિલ થતું. જ્યારથી સોલાર રૂફ ટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે ત્યારથી 15000 રૂપિયા આસપાસનું તે બિલ તો નથી જ ભરવું પડતું પરંતુ ઉપરથી 5000 રૂપિયા આસપાસ ક્રેડિટ તરીકે મળે છે જે સોલાર દ્વારા ઉત્પન્ન થતી વીજળીના યુનિટ ગ્રીડમાં એક્સપોર્ટ થયા છે તેના માટે જમા થાય છે. એટલે આમ જોવા જઈએ તો 20000 રૂપિયા આસપાસની સીધી બચત દર વર્ષે કહેવાય. આમ, સબસીડી સાથેની સોલાર સિસ્ટમ તમે નખાવો તો તમે તેનો ખર્ચ આરામથી 4 થી 5 વર્ષમાં કાઢી શકશો.

Solar Panel For Home

ઋતુ પ્રમાણે યુનિટના ઉત્પાદનમાં ફેરફાર
તેઓ આગળ જણાવે છે કે, ઉનાળામાં દિવસની લંબાઈ વધારે હોય અને ગરમી પણ વધારે હોય જેથી સોલાર દ્વારા વધારે વીજળી ઉત્પન્ન થાય છે. 3 કિલોવોટમાં લગભગ દિવસના 15 યુનિટ આસપાસ વીજળી ઉત્પન્ન થાય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી 10 થી 12 યુનિટ વચ્ચે વિજળી ઉત્પન્ન થાય છે અને ચોમાસામાં વાદળછાયા વાતાવરણના કારણે 7 થી 8 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે.

સિસ્ટમ સરખી રીતે કાર્ય કરે તે માટે રાખવી પડતી ફક્ત એક જ કાળજી
સોલાર સિસ્ટમ અપલોડ કર્યા પછી કાળજી એક જ રાખવાની છે કે દર અઠવાડીએ તેને વ્યવસ્થિત સાફ કરવું જરૂરી બને છે. અત્યારે તો સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો તેની સાથે જ મીની ફુવારા પણ પેનલ પર લગાવવામાં આવે છે જેને ચાલુ કરતા પેનલ આપોઆપ ધોવાઈ જાય છે.

તે સિવાય જયદિપસિંહ કહે છે કે, કોઈ વાવાઝોડા વખતે પેનલને ટકાવી રાખવી કાઠી પડે છે. હમણાં જ તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડા વખતે તેમની બધી જ પેનલ ઉડી ગઈ હતી જેથી તેઓને નવી પેનલ ખરીદવી પડી હતી. પરંતુ તેઓનું કહેવું છે કે આ તો એક નગણ્ય બાબત છે કેમકે રોજ રોજ આ રીતની સ્થિત હોતી નથી માટે તમે તેને અપવાદમાં મૂકી તમારા ઘરે સોલાર સિસ્ટમ વસાવી શકો છો. અને જે સક્ષમ છે તેમણે તો વહેલા ધોરણે જ આ સોલાર રૂફ ટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવી જોઈએ જેથી બચતની સાથે સાથે તેઓ પર્યાવરણને પણ આડકતરી રીતે મદદ કરી શકે.

જો તમે સોલાર સિસ્ટમ બાબતે હજી પણ વધારે માહિતી મેળવવા ઈચ્છો છો તો જયદીપસિંહને 9924068841 નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: બહેનના લગ્નમાં રાજકોટના યુવાને કરિયાવરમાં આપી સોલાર પેનલ, વિજળીનું બિલ શૂન્ય થયું

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon