પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સોજીત્રા ગામમાં સન 1953 માં જન્મેલા મગનજીભાઈ રવાજીભાઈ ઠાકોર છેલ્લા ત્રીસ વર્ષથી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાટણમાં જનતા હોસ્પિટલ રોડ, ગુર્જરી હોટલ પાસે ખુરશીઓ બાંધવાનું કામ કરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે મગનજીભાઈ દિવ્યાંગ વ્યક્તિ છે અને નાનપણમાં જ તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. દ્રષ્ટિ ગુમાવ્યા છતાં પણ હિમ્મત હાર્યા વગર મગનજીભાઈએ શાળા કક્ષાનો તથા ITI નો અભ્યાસ કરી પોતે જીવનમાં કોઈના પર નિર્ભર ન રહેતા જાત કમાણી કરી શકે તે માટે ભણ્યા પણ ખરા.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા મગનજીભાઈ કહે છે કે તેઓ ધોરણ 6 સુધી પોતાના ગામની ગુજરાતી શાળામાં જ ભણ્યા પરંતુ બાજુમાં એક બીજા વિદ્યાર્થીની મદદથી. તેઓ આગળ જણાવે છે કે,”જયારે મારી આંખની સ્થિતિ વધારે બગાડી ત્યારે કોઈ સગવડ નહોંતી છતાં મને અમદાવાદ લઇ ગયા અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં ત્રણ મહિના રાખવામાં આવ્યો. સિવિલમાં કંઈ ઝાઝો ફેર ના પડતા ત્યાંથી દરિયાપુરમાં આવેલ હોસ્પિટલમાં લઇ ગયેલા અને તે જગ્યાએ થોડું સારું થતા ફરી ઘરે પાછો લાવ્યા.”
અહીં વાચકોને અમે જણાવી દઈએ કે, મગનજીભાઈ જન્મથી જ અંધ નહોતા પરંતુ 8 વર્ષના થયા તે પછી આંખોમાં ઈન્ફેક્શન થયું અને તેમાંથી આંખમાં ફોડલીઓ થઇ અને ધીમે ધીમે આંખોમાં વેલ વધતા જેમ સુરજ પર વાદળું ઢંકાતા સુરજ ઝાંખો પડે તેમ તેમની દ્રષ્ટિ પણ ઝાંખી પડી અને તેમને દેખાવાનું બંધ થતું ગયું.

આ પણ વાંચો: સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદિપભાઈએ જીવતાં જોયું મોત છતાં ન હાર્યા, 500 રૂપિયાના પાપડથી શરૂ કર્યો વ્યવસાય
આગળ મગનજીભાઈ કહે છે કે,”ઘરે આવ્યા પછી અમને થોડા વર્ષોમાં ખબર પડી કે પાલનપુરમાં એક અંધશાળા છે જે મારા જેવા દિવ્યાંગ વ્યક્તિઓની અને બાળકોની સારી એવી કાળજી રાખે છે અને તેમને આગળના ભવિષ્ય માટે તૈયાર પણ કરે છે.”
આમ મગનજીભાઈએ છેક 25 વર્ષના થયા ત્યારે પાલનપુર વિદ્યામંદિર સ્થિત એમ કે મહેતા અંધશાળામાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં ધોરણ 6 થી 10 સુધી અભ્યાસ કર્યો અને ત્યાંથી 1986 માં ભણી તેઓ આગળ વસ્ત્રાપુર અંધશાળામાં ITI નો કોર્સ પણ કરવા ગયા જ્યાં તેમણે સતત બે વર્ષ જનરલ મિકેનિક અને રીવાઇંડીંગ એટલે કે મોટર અને પંખા બાંધવાનો કોર્સ કર્યો.
ભણતર બાદ તેઓ વર્ષ 1988 માં ઘરે પરત ફર્યા અને બે ત્રણ વર્ષ સુધી પોતે જે કંઈ પણ શીખ્યા હતા તેનું ફરી ફરી છૂટક કામ કર્યું. આખરે તેમણે 14 – 02 -1990 ના રોજ પાટણ બરોડા બેન્કમાંથી મહિનાના 250 રૂપિયાના હપ્તા ભરવાની બાહેંધરી સાથે 8000 રૂપિયાની લોન લઈને પાટણ રેલવે સ્ટેશનની પાસે સંતોક બા હોલની પાસે કેબીન નાખી અને વિદ્યામંદિરમાં જે સ્કિલ શીખ્યા હતા તેના આધારે ખુરશીઓ બાંધવાનું કામ શરુ કર્યું. આગળ જતા તેમણે લગ્ન પણ કર્યા અને પોતાના જીવન સંસારની શરૂઆત પણ કરી.
તે જગ્યા પર 15 વર્ષ સુધી કામ કરતા રહ્યા અને અચાનક 2004 માં નગરપાલિકા દ્વારા દબાણ અંતર્ગત તેમની કેબીનને તોડી પાડવામાં આવી. આ ઘટના પછી મગનજીભાઈ પોતાની જાતે કલેક્ટર ઓફિસ ગયા અને તે સમયના કલેકટર રાવ સાહેબને મળી આ બાબતે ફરિયાદ કરી. રાવ સાહેબે તેમની ફરિયાદને ગંભીરતાથી લઇ નગરપાલિકા પાસેથી મગનજીભાઈને એક સ્થાયી જગ્યા અને સાથે સાથે નવું કેબીન પણ અપાવડાવ્યું. નવી જગ્યા જનતા હોસ્પિટલ રોડ પર ગુર્જરી હોટલ પાસે આપવામાં આવી અને આમ 2004 થી તેઓ આ જ જગ્યા પર કાર્ય કરી રહ્યા છે.
મગનજીભાઈને ધ બેટર ઇન્ડિયાએ જયારે પૂછ્યું કે તમે ITI કર્યું હોવા છતાં કેમ ખુરશી બાંધવાનો જ ધંધો પસંદ કર્યો? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, સાચી વાત છે કે મેં ITI માં જે કંઈ શીખ્યું તેના દ્વારા ગુજરાન ચલાવવાનું પસંદ ના કર્યું કારણ કે તે કામ કરવામાં દિવ્યાંગ હોવાના કારણે જીવનું જોખમ રહેતું હતું કેમ કે કુદરતી મજબૂરીના કારણે તે કામ દરમિયાન એટલી બધી કાળજી રહેતી નહીં અને જેના કારણે એક છૂપો ડર પણ રહેતો જેથી ખુરશી બાંધવાના કામને જ છેલ્લે ધંધા તરીકે અપનાવ્યું.

આ પણ વાંચો: કોવિડમાં પતિ ખોયા, પીડિતોની મદદ માટે 87 વર્ષની ઉંમરે અથાણાં બનાવી વેચવા લાગ્યાં
1990 માં પોતાની કેબિનની સ્થાપના કરી ત્યારે ઘણી ખુરશીઓ બાંધવા માટેના ઓર્ડર આવતા હતા અને તેઓ એકલા પહોંચી પણ ના વળતા ત્યારે પોતાના જેવા જ એક બીજા સુરદાસને પણ તેમણે નોકરીએ રાખેલા. તે વખતે એક ખુરશી બાંધવાનો ભાવ 75 રૂપિયા હતો. પરંતુ ધીમે ધીમે લોકોમાં તૈયાર ખુરશીઓ લેવાનું ચલણ વધતા તેમના ત્યાં ગ્રાહકોમાં ઘટાડો થયો અને આજે તેઓ દિવસની માંડ એકાદ ખુરશી બાંધતા હશે જેના માટે તેઓ એક ખુરશી દીઠ 200 રૂપિયાનો ચાર્જ લે છે પરંતુ હવે ધંધો એકદમ મંદો છે અને તેઓ કહે છે કે આમ પણ હવે ઉંમરના કારણે પણ પહોંચી નથી વળાતું.
ઉલ્લેખનીય છે કે વર્ષોથી તેઓ પોતાના ગામ સોજીત્રાથી અપ ડાઉન જ કરે છે. સવારે પોતાના ગામમાં પાટણ આવતી બસમાં બેસી તેઓ પાટણના ગુંગડી તળાવ પાસે ઉતરે છે અને ત્યાંથી જે તે સજ્જન લોકોની મદદથી પોતાની કેબીન સુધી પહોંચે છે. સાંજે કામ પૂર્ણ થતા આસપાસના બીજા ધંધાદારી લોકો મગનજીભાઈને બસ સ્ટેન્ડમાં તેમના ગામ જતી બસમાં પહોંચાડી આવે છે જ્યાંથી તેઓ સાંજે જ પોતાના ઘરે પરત ફરે છે. આમ દિવ્યાંગ હોવા છતાં તેમણે પોતાના પગ પર ઉભું રહેવાનું પસંદ કર્યું છે અને તે માટે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે.
ધ બેટર ઇન્ડિયા એ જયારે પૂછ્યું કે, તમે દિવ્યાંગ છો તો જે ગ્રાહકો તમને ખુરશી બાંધવાની ચુકવણી કરે છે તો તે બરાબર જ ચુકવણી છે કે કેમ તે તમને કંઈ રીતે ખબર પડે છે? આ પ્રશ્નના જવાબમાં મગનજીભાઈએ કહ્યું કે પહેલા જે જૂની નોટો હતી તે બધી જ નોટોમાં અલગ અલગ ચલણની સાઈઝ પણ અલગ અલગ હતી જેથી હું સમજી જતો કે મને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે પરંતુ જ્યારથી નવી નોટો અમલમાં આવી છે તે બધીની સાઈઝ એક જ સરખી હોવાથી કંઈ જ ખબર પડતી નથી અને એટલે જ અત્યારે તો ભગવાન ભરોસે અને લોકો પર વિશ્વાસ રાખીને જે પૈસા તેઓ આપે છે તે લઇ લઉં છું.

આ પણ વાંચો: આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ રાજકોટના આ યુવાનના ખાટલા વેચાય છે દેશ-વિદેશમાં
કોરોના સમયગાળા દરમિયાન તેમનું કેબીન એક વર્ષ સુધી બંધ રહ્યું અને તે દરમિયાન ગુજરાન ચલાવવા માટે તેમની ધર્મપત્ની દ્વારા મજૂરી દ્વારા મેળવવામાં આવતી સાવ નજીવી અવાક પર જ નિર્ભર રહેવું પડ્યું. અહીં નોંધવા જેવી બાબત એ છે કે મગનજીભાઈ તો કામ કરે જ છે સાથે સાથે તેમના ધર્મપત્ની સીતાબેન પણ ગામમાં છૂટક મજૂરી પર જાય છે. આમ આ દંપતી ભેગું થઈને મહિને 3000/- થી 4000/- આસપાસ કમાઈ ગુજરાન ચલાવે છે અને તે પણ જાત મહેનતે તથા કોઈની મદદ લીધા વગર.
જિંદગીમાં સતત સંઘર્ષ દ્વારા ટકી રહેલા અને હજી પણ ઝઝૂમી રહેલા મગનજીભાઈ ખરેખર આમ જોવા જઈએ તો આપણા બધા માટે પ્રેરણા સમાન છે. ધ બેટર ઇન્ડિયા પોતાના વાચકોને અપીલ કરે છે કે જો તમે ખરેખર કોઈ વ્યક્તિની મદદ કરવાનું વિચારી રહ્યા હોવ તો શરૂઆત મગનજીભાઈથી જ કરો. મગનજીભાઈને મદદ કરવા માટે તમે તેમના તેમના મોબાઈલ નંબર 8153018133 પર સંપર્ક કરી શકો છો. તમારી નાની-મોટી ખરીદી પણ તેમના માટે બહુ મદદરૂપ નીવડશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.