છત્તીસગઢના બસ્તર ક્ષેત્રનું નામ સાંભળતા જ આપણા મગજમાં નક્સલવાદ અને હિંસાનાં ચિત્રો ઉભરી આવે છે. પરંતુ આ વિસ્તાર તેની હસ્તકલા માટે સમગ્ર દેશભરમાં પ્રખ્યાત છે. આ વિસ્તારમાં વાંસમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. 30 વર્ષના આસિફ ખાને અહીંના કલાકારો માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જે સ્થાનિક કલાકારોને પોતાના ઉત્પાદનો વેચવા માટે એક પ્લેટફોર્મ આપે છે.
આસિફે 2019માં નોકરી છોડી અને આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. છ વર્ષ સુધી સામાજિક સેવાના ક્ષેત્રમાં કામ કર્યા પછી, તેમણે નેચરસ્કેપ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. હાલમાં તેઓ ચાર આદિવાસી પરિવારો સાથે મળીને આ કામ કરી રહ્યા છે.

સ્થાનિક કલાકારોની મદદથી તેમણે વાંસમાંથી ઈકો-ફ્રેન્ડલી સાઈકલ બનાવી છે, જેનું નામ ‘બમ્બુકા’ છે. આ માટે તેમણે સ્થાનિક વાંસનો ઉપયોગ કર્યો છે. આ વિચાર પાછળ તેમનો હેતુ ત્યાંના સ્થાનિક કલાકારોને રોજગારીની તક ઉભી કરી આપવાનો હતો.
આસિફે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, “આપણા દેશના ઘણા વિસ્તારોમાં વાંસમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. પરંતુ આજ સુધી કોઈએ વાંસમાંથી સાઈકલ બનાવી નથી. તેથી જ અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે.”
આવી સાઇકલ બનાવવાનો વિચાર તેમને ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રે તેમને અને તેમની સાથે કામ કરતા કલાકારોને એક પ્રોજેક્ટ માટે લાકડામાંથી સાઇકલ બનાવવાનું કહ્યું. આ વિશે આસિફ કહે છે, “અમે લાકડામાંથી સાઇકલ બનાવવાનું પણ શરૂ કર્યું હતું. પરંતુ બસ્તરનું સ્થાનિક લાકડું એટલું ભારે છે કે તેને બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમાંથી સાયકલની ફ્રેમ બનાવવી ખૂબ મુશ્કેલ હતું. માટે જ લાકડાના વિકલ્પ તરીકે વાંસનો ઉપયોગ કર્યો અને તેમાં સફળ પણ રહ્યા.”

તમને વાંસનો વિચાર કેવી રીતે આવ્યો?
બસ્તરમાં જન્મેલા અને ઉછરેલા આસિફ હંમેશા પોતાના વિસ્તારમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગતા હતા. આ વિચારને ધ્યાનમાં રાખીને તેણે કોમ્યુનિટી ડેવલપમેન્ટમાં માસ્ટર્સ કર્યું. અભ્યાસ બાદ તે અલગ-અલગ એનજીઓમાં પણ કામ કરતા હતા. તેઓ કહે છે કે, “મારા કામ દરમિયાન જ મને સમજાયું કે અમારો વિસ્તાર કળા અને હસ્તકલામાં ખરેખર સમૃદ્ધ છે. પછાત વિસ્તાર હોવા છતાં પણ અહીંયા ઘણા કલાકારોની ક્ષમતા વિશ્વ કક્ષાની છે. અને આપણે તો યુગોથી વાંસનો ઉપયોગ કરીએ છીએ. તેને માત્ર બજારમાં પહોંચાડવાની જરૂર છે.”
જ્યારે તે સાઈકલ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે આફ્રિકાના ઘાનાના આદિવાસીઓ દ્વારા બનાવેલી સાઈકલ જોઈ. આ લોકો વાંસમાંથી સાઈકલ બનાવીને અમેરિકામાં વેચી રહ્યા છે. જેના કારણે તેમને સારી રોજગારી પણ મળી રહી છે. આ વિચારને ધ્યાનમાં રાખીને આસિફે આઠ મહિનાની મહેનત બાદ વાંસની સાયકલ બનાવી.
તેઓ કહે છે, “મારો અભ્યાસ અને કાર્યક્ષેત્ર બંને સાવ અલગ હતા. જ્યારે અમે સાઇકલ બનાવવાનું આયોજન કર્યું ત્યારે મને અને કારીગરોને વાંસમાંથી ફ્રેમ બનાવવામાં ઘણી ટેકનિકલ મુશ્કેલીઓ પડી રહી હતી. તે સમયે અમે અમારી સાયકલની ડિઝાઈન મુંબઈની બામ્બુચી નામની એજન્સીને મોકલી હતી અને તેઓએ પણ અમને મદદ કરી હતી જેનાથી અમારું કામ સરળ બન્યું હતું.

આસિફનું કહેવું છે કે દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધવાને કારણે હવે વાંસમાંથી બનતી ઘણી નાની-નાની વસ્તુઓ બનવાની બંધ થઈ ગઈ છે. જેના કારણે અહીંના લોકોની રોજગારી પર પણ અસર પડી છે. આવી સ્થિતિમાં તેમને આશા છે કે વાંસમાંથી બનેલી આ સાઇકલ દ્વારા ફરી એકવાર બસ્તરના કારીગરોને કામ મળશે.
હાલમાં તેમણે વાંસની બે સાયકલ બનાવી છે. જે તેમણે રાયપુર અને દિલ્હીમાં આયોજિત પ્રદર્શનોમાં પણ પ્રદર્શિત કરી છે. અત્યારે તેમની પાસે આઠ કારીગરો હાજર છે, જેઓ વાંસમાંથી આવી સાયકલ બનાવે છે.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જેલમાં જતી વખતે આ ગુજરાતીને ગાંધીજીએ બનાવ્યા હતા વારસદાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.