2021 ના વર્ષની પુર્ણાહુતી નજીક છે ત્યારે ધ બેટર ઇન્ડિયા પર તમે સામાન્ય લોકો દ્વારા કરવામાં આવેલા અનોખા સંશોધનોની ઘણી સાચી કહાનીઓ વાંચી જ હશે ત્યારે અહીંયા આપણે ગુજરાતીઓ દ્વારા કરવામાં આવેલ એવા પાંચ સંશોધનોને અલગ તારવી રજૂ કરી રહ્યા છીએ કે જે લોકઉપયોગી તો છે જ પરંતુ પર્યાવરણને પણ અનુકૂળ છે સાથે સાથે એકદમ નજીવા ખર્ચે બનાવવામાં આવ્યા છે.
1. એકની જગ્યામાં 3 બેડ, ગુજરાતના ક્લાસ 1 અધિકારીની આ શોધ શહેરવાસીઓ માટે આશીર્વાદરૂપ
કનુભાઇ કરકર પોતાની બુદ્ધિપ્રતિભા અને કંઈક અલગ જ કરવાના જુનૂનથી એક સાથે ત્રણ એવા ખાટલાઓનું નિર્માણ કર્યું છે જે આજના મધ્યમ વર્ગીય પરિવાર કે જેમાંથી ઘણા લોકો પાસે ઘરમાં જગ્યાનો અભાવ જોવા મળે છે તેમના માટે આ ખટલા વરદાન સમાન છે અને તે પણ ફક્ત 3500 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. આ ખાટલા એક જ જગ્યા પર એકબીજા સાથે ઉપરથી નીચે એમ વ્યવસ્થિત વધારે જગ્યા રોક્યા વગર ગોઠવાઈ જાય છે. તમને હશે કે તો તો પછી દરેકની ઊંચાઈમાં તફાવત રહેતો જ હશે પણ જયારે તેને ઉપયોગમાં લઈએ છીએ તો તેમને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે દરેકની ઊંચાઈ સમાન રહે છે. વધુમાં આ ખાટલા દેશી પદ્ધથીથી પાટી બાંધી બનાવેલ હોવાથી કમરના દુખાવામાં પણ ફાયદાકારક ગણાય છે. આ ખાટલા વિશે વિગતવાર હજી વધારે માહિતી જોઈતી હોય તો નીચે આપેલ વિડીયોના માધ્યમ દ્વારા તમે મેળવી શકશો. સંપૂર્ણ આર્ટિકલ વાંચવા અહીંયા ક્લિક કરો.
જો તમે કનુભાઈનો કોન્ટેક્ટ કરવા માંગતા હોવ અને આ ખાટલા ખરીદવા માંગતા હોવ તો 9426288009 નંબર પર સંપર્ક કરી શકો છો.
2. દિવાળીમાં ખૂબજ લોકપ્રિય બન્યા હતા વાંસ, કાગળ અને માટીના ઈકો-ફ્રેન્ડલી ફટાકડા, પ્રદૂષણ ઘટાડવા માટે પણ મહત્વના
બરોડા ખાતે પરિવાર ફાઉન્ડેશન નામની સંસ્થાએ વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક કારીગરોને રોજગારી મળે અને સાથે સાથે પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય તે માટે આ જ વર્ષે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનું નિર્માણ કરાવડાવ્યું હતું જેના દ્વારા આ દિવાળીના તહેવારને પહેલાની જેમ જ સારી રીતે ઉજવવાની સાથે સાથે આપણે જે આ પરંપરાગત ફટાકડા વાપરીએ છીએ તેના કરતા પર્યાવરણને પણ ખુબ જ ઓછું નુકસાન થાય છે.

તેમણે ત્રણ પ્રકારના ફટાકડા બનાવ્યા હતા જેમાં એક કોઠી જે માટીને શેક્યા પછી તેને વ્યવસ્થિત આકાર આપી અને તેમાં દેશી ગુજરાતમાં જ બનેલ દારૂખાના દ્વારા બનાવવામાં આવી હતી. બીજી હતી ભોંય ચકરડી જેને બનાવવા માટે તેમણે કાગળનો ઉપયોગ કર્યો હતો. અને ત્રીજી હતી હાથ ચકરડી જેને બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ત્રણે ત્રણને બનાવવા માટે ફક્ત દેશી દારૂખાના સિવાય બીજા બધા જ મટીરીયલ કુદરતી રીતે વિઘટિત થઇ જાય તેવા છે અને જે દારુખાનું બનાવવામાં આવ્યું હતું તે પણ પરંપરાગત વર્ષોથી વાપરવામાં આવતા દારૂખાના કરતા 60 થી 70 ટકા ઓછું પ્રદુષણ કરે છે કેમ કે તેને ફોડવાથી સ્પાર્કલિંગ વધારે નહીં થવાના કારણે નહીંવત પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે. આ બાબતે તમે વધારે જાણવા ઈચ્છો તો અહીંયા ક્લિક કરી ને વધારાની માહિતી મેળવી શકો છો.
3. 300 રૂપિયાની ભંગાર સાયકલને બદલી સોલર સાયકલમાં, ચલાવવામાં નથી આવતો એક પૈસાનો પણ ખર્ચ
વડોદરાનો નીલ શાહ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પોતાના ભૌતિકશાસ્ત્રના શિક્ષક સંતોષ કૌશિકને પોતાના માર્ગદર્શક માને છે. છેલ્લા ત્રણ વર્ષથી સંતોષ સાહેબે નીલને ઘણા પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરી છે. સંતોષ કૌશિક કહે છે, “નીલ હંમેશા લાઇબ્રેરીમાંથી ભૌતિકશાસ્ત્રના પુસ્તકો લાવતો હતો અને તેના કોન્સેપ્ટ વિશે પૂછતો હતો. જોકે તે તમામ પુસ્તકો તેના અભ્યાસક્રમથી બહાર હતા. આ વર્ષે મેં તેને સોલર પેનલથી ચાલતી સાયકલ બનાવવાનો કોન્સેપ્ટ આપ્યો. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેણે માત્ર એક મહિનામાં તેને તૈયાર કરી દીધી.”
સાયકલ બનાવતા પહેલા નીલે ત્રણ પાસાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. પ્રથમ, સ્કૂટરનું મોડેલ, બીજું – બેટરીનું કામ અને ત્રીજું – સૌર પેનલની માહિતી. નીલના પિતાએ એક ભંગારવાળા પાસેથી માત્ર 300 રૂપિયામાં સાઈકલ ખરીદી હતી. નીલે માત્ર 12 હજાર રૂપિયા ખર્ચીને તેને સોલર સાઈકલમાં બદલી નાંખી.

સાઇકલ પર લગાવેલા સોલાર પેનલ્સની મદદથી તેની બેટરી ચાર્જ થાય છે અને તે સ્કૂટરની જેમ કામ કરવા લાગે છે. જ્યારે ટાયર સાથે જોડાયેલ ડાયનેમો તેને સોલર લાઇટ વગર પણ ચાર્જ કરવામાં મદદ કરે છે. એટલે કે, જો રાતના સમય દરમિયાન સાઈકલ ચાર્જ કરવી હોય તો આ ડાયનેમો તેને ચાર્જ કરી શકે છે.
નીલે જણાવ્યુ, “મેં આ સોલર સાયકલમાં 10 વૉટની સોલર પ્લેટ લગાવી છે, જેનાંથી સાયકલ 10થી 15 કિલોમીટરનું અંતર આરામથી કાપી શકે છે.” કેવી રીતે? જાણવા માટે ક્લિક કરો અહીંયા.
4. કૉલેજનું પગથિયું નથી ચડ્યો પરંતુ 35 પ્રકારનાં ઓજારો બનાવ્યાં આ યુવાને, દેશ-વિદેશમાં મોકલ્યા 5000+ સેટ
મૂળ રાજપીપળાના વતની હિરેન પંચાલનો અત્યારે ધરપુરમાં ખેતીનાં ઓજારોનો વર્કશોપ છે. માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં તેમના દ્વારા બનાવેલ આ હાથ ઓજારો એટલાં લોકપ્રિય બનવા લાગ્યાં છે કે, તેઓ 5000 થી વધારે ઓજાર સેટ વેચી ચૂક્યા છે. તેમણે ખેતીનાં કામ સરળ કરવા, મહેનત ઘટાડવા અને સલામતી માટે લગભગ 35 જેટલાં ઓજારો વિકસાવ્યાં છે. ભારતનાં અલગ-અલગ રાજ્યોની સાથે-સાથે અમેરિકા, જર્મની સહિતની જગ્યાઓએ પણ તેમણે તેમનાં આ ઓજાર વેચ્યાં છે.
અત્યાર સુધી હિરેનભાઈએ માર્કેટિંગ પાછળ એક રૂપિયો નથી ખર્ચ્યો. તેમને વૉટ્સએપ અને ફેસબુક દ્વારા લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. અને એક વ્યક્તિ ખરીદે પછી તે લોકો જાતે બીજાને કહે છે, આમ તેમનો પ્રચાર થવા લાગ્યો. આમ તેમણે આ ટૂલ્સના દેશભરમાં 500 સેટ વેચ્યા, એક સેટમાં 5 સાધનો આવે છે. તો વિદેશોમાં પણ તેમણે 3-4 જગ્યાએ ટૂલ્સ મોકલ્યાં. તેમાંથી જે કમાણી થઈ તેમાંથી વર્કશોપ વિકસાવ્યો અને આજે તેમની પાસે 35 કરતાં વધારે પ્રકારનાં ટૂલ્સ છે.

અત્યારે હિરેનભાઈના વર્કશોપમાં 5 લોકો કામ કરે છે અને આ સિવાય પણ બીજા 8 લોકોને તેઓ રોજગારી આપે છે. જેમાં લુહાર, સુથાર, વેલ્ડર, કલર કામ કરતા પેઈન્ટર અને હેલ્પરને રોજગારી મળી રહે છે.
તેઓ ૠતુ અને જરૂરિયાત પ્રમાણે લોકોને સાધનો બનાવી આપે છે. જેથી લોકોમાં તેમનાં સાધનોની માંગ પણ બહુ છે. તેમનું બનાવેલ હોસ્ટેલનાં બાળકો માટે ઓછા પાણીમાં વાસણ ધોવાનું યુનિટ ધરમપુર અને કપરાડા તેમજ બીલીમોરાનાં 15 છાત્રાલયોમાં મૂકવામાં આવ્યું છે. તેમણે ગોબર પાવડો, ઘાસ કાઢવા સાઈડ સિકલ, શાકભાજીનાં ખેતરમાં નિંદામણ માટે 4,6 અને 7.5 ઈંચનાં ડી-વિડર, નર્સરી, વાડા અને ગાર્ડન માટે ખુરપીઓ, નિંદામણ માટે પુશ એન્ડ પુલ વિડર, નકામુ ઘાસ કાપવા સ્લેશર, નાનુ નિંદામણ કાઢવા રેક વિડર, નિંદામણ અને ઊંડા ઘાસ માટે 2 ઈન 1 વિડર અને કોદાળી વિડર તેમજ રેક, જમીનમાંથી ઢેફાં દૂર કરવા પંજેટી, ક્યારેય ટીપાવવાની જરૂર ન પડે તેવી કુહાડી, નારિયેળની છાલ છૂટી પાડવા કોકોનટ ડી-હસકિંગ, સરગવાની સિંગ/લીંબુ/ચીકુ/કેરી વગેરે સરળતાથી ઉતારવાની બેડનો, વિવિધ પ્રકારનાં ધારિયાં, ચણા તેમજ મગફળી છોડમાંથી છૂટાં પાડવાનાં સાધનો તેમજ ઓછા વજનવાળી ત્રિકમ સહિત અનેક સાધનો બનાવ્યાં છે હિરેન પંચાલે.

આ સિવાય તાજેતરમાં જ તેમણે મિત્ર એલેન ફ્રાન્સિસની મદદથી UN SDSN-Youth Solutions report નામની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં મીટ્ટીધનની ફાઈનાલિસ્ટ તરીકે પસંદગી થઈ.
જો તમે આ વિષય પર હાજી પણ વધારે જાણવા માંગતા હોવ તો અહીંયા ક્લિક કરો તથા હિરેનભાઈનાં ઓજારો ખરીદવા ઈચ્છતા હોય તો તેમને 74330 63058 પર વૉટ્સએપ કે 099132 22204 પર કૉલ કરી શકો છો.
5. 12 પાસ ખેડૂતે બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર
ગુજરાત, જુનાગઢના કેશોદમાં રહેતા માંડ બારમા ધોરણ સુધી ભણેલા ખેડૂત અર્જુનભાઈ અઘડારને વિચાર આવ્યો કે, અગ્નિદાહ ગૃહનો મમી જેવો આકાર હોવો જોઇએ, જેથી લાકડાંની ખપત ઘટી જાય.
એ સમય યાદ કરતાં અર્જુનભાઈ કહે છે, “એક દિવસ હું બે હાથ જોડીને નળથી સીધુ પાણી પીતો હતો, ત્યારે જ મારા મગજમાં વિચાર આવ્યો કે, અગ્નિદાહ ગૃહનો પણ કઈંક આ જ રીતે મમીનો આકાર આપવો જોઈએ.”
પૈસાની અછત હોવા છતાં તેમણે આ આઈડિયા પર આધારિત પ્રોટોટાઇપ તૈયાર કરવાનું શરૂ કર્યું અને સતત 2 વર્ષ સુધી તેના પર કામ કરતા રહ્યા. છેલ્લે 2017 માં તેમનું મોડેલ બનીને તૈયાર થયું. 2017 માં જ પહેલીવાર તેનો ઉપયોગ જુનાગઢના સ્મશાનમાં કરવામાં આવ્યો. જુનાગઢના તત્કાલીન કમિશ્નર વિજય રાજપૂતે તે સમયે તેમની બધી જ રીતે મદદ કરી.
અર્જુનભાઈ જણાવે છે, “મેં એવું અગ્નિદાન ગૃહ બનાવ્યું, જેના ઉપયોગથી માત્ર 70 થી 100 કિલો લાકડાંથી અંતિમ સંસ્કાર થશે. મારો દાવો છે કે, મારા બનાવેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી રોજનાં ઓછામાં ઓછાં 40 એકર જંગલ બચાવી શકાય છે.”
અર્જુનભાઈના અંતિમ સંસ્કારની આ ભઠ્ઠીનું નામ ‘સ્વર્ગારોહણ’ છે. જ્યારે આ મોડેલ સફળ થતાં તેને પ્રમોટ કરવા માટે ‘ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી’ દ્વારા તેમને ફંડિંગ મળી ગયું.

‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી વાયુ અને અગ્નિના સંયોજનથી કામ કરે છે. એક હોર્સ પાવર બ્લોઅરથી આગ લાગ્યા બાદ ભઠ્ઠીમાં તેજ હવા આવે છે, જેનાથી ભઠ્ઠીનાં લાકડાં શબ સળગવા લાગે છે. લાકડાં અને શબને રાખવા માટે અલગ-અલગ જાળી લગાવવામાં આવી છે, જેથી આગ સળગવામાં સરળતા રહે. નીચેની જાળી પર લાકડાં મૂકવામાં આવે છે. લાકડાંનાં ઉપર પણ જાળી હોય છે. તેના પર શબ રાખવા જાળી લગાવેલ છે. લોખંડથી બનેલ ઉપરના કવરનો અંદરનો ભાગ સેરા-વૂલથી ભરેલ છે, જે વધારે તાપમાન પણ સહન કરી શકે છે. તેમાં બ્લોઅર અને નૉઝલ પણ છે, જેથી અંતિમ સંસ્કાર દરમિયાન હવા અંદર-બહાર થઈ શકે. ભઠ્ઠીની અંદરની ગરમી 700 ડિગ્રી સેલ્સિયસ થી 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય છે. તેમાં એક સેન્સર આધારિત ટેમ્પ્રેચર મીટર પણ છે, જેથી લોકોને અંદરના તાપમાન વિશે ખબર પડે.
ભઠ્ઠીની અંદરની ગરમી વાતાવરણમાં ન જાય એ માટે ફાયર બ્રિક્સ મટિરિયલમાંથી મમીના આકારનો સાંચો બનાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મના રીત-રિવાજો અનુસાર, બે દરવાજાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે – એક મુખ્ય દ્વાર અને બીજો અંતિમ દ્વાર. 80 કિલો સુધીના શબના અગ્નિ સંસ્કારમાં 70-100 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે અને સમય દોઢથી બે કલાક લાગે છે.
અર્જુનભાઈ અગ્નિસંસ્કાર માટે લાગતા આ સમયને પણ વધારે માને છે અને ભવિષ્યમાં તેને ઓછો કરવાની સાથે-સાથે લાકડાંનો ઉપયોગ ઘટાડવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. વધારે માહિતી તમે આપેલ સંપૂર્ણ આર્ટિકલની લિંક પર ક્લિક કરી મેળવી શકશો તથા વિડીયોના માધ્યમ દ્વારા માહિતી નીચે આપેલ લિંક પર ક્લિક કરી મેળવી શકશો.
અર્જુનભાઇના આવિષ્કારો અને તેમનાં કામ વિશે વધુ જાણવા માટે તમે તેમને 09904119954 પર કૉલ કરી શકો છો, અથવા svargarohan@gmail.com પર ઈમેલ પણ કરી શકો છો.
કહેવાય છે ને કે, ‘જરૂરિયાત જ સંશોધનની જનની છે’ આ વાક્યને સાબિત કરે છે આ 5 ગુજરાતીઓ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.