પાટણમાં રહેતા હરિપ્રિયાબેન હરેશકુમાર વ્યાસ મહેસાણા જિલ્લાની ધીણોજમાં આવેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં અંગ્રેજીનાં શિક્ષિકા હતા અને વર્ષ 2017 માં તેઓ નિવૃત થયા. નિવૃત્તિના સમયે તેમણે તેમના પતિ પાસે એક વિંનંતી કરી કે જિંદગીમાં સતત વ્યસ્તતાના કારણે આ નિવૃત જીવનમાં કોઈક એવી રચનાત્મક પ્રવૃત્તિનું મારે આયોજન કરવું છે જેના દ્વારા હું આગળની જિંદગી પણ કોઈક ચોક્કસ પ્રવૃત્તિ સાથે સંલગ્ન રહીને વિતાવી શકું.
ધ બેટર ઇન્ડિયાને વાત કરતા હરિપ્રિયાબેન આગળ જણાવે છે કે, આ વિચારને અમલમાં મુકતા વર્ષ 2017 માં જ પોતાના ઘરે જ રોજ સાંજે 30 રૂપિયાની અંદર જરૂરિયાતમંદ લોકોને જમાડવાનું શરુ કર્યું. જેમાં નાના બાળકોનો કોઈ ચાર્જ ન લેતા અને વ્યકસ્કો માટે 30 શુલ્ક લેવાનું પણ એટલા માટે જ શરુ કર્યું કે અમારે આગળ જતા કાર્યનો વિસ્તાર થતા બીજા કોઈ પણ લોકો પાસેથી અનુદાન ન લેવું પડે અને આ કાર્ય વિધિવત રીતે કોઈ પણ અડચણ વગર અવિરત આગળ વધતું રહે.

આ પણ વાંચો: ઘરેથી ભાગ્યા, કચરો વીણ્યો, નશો કર્યો, જેલમાં ગયા! આજે 800+ ગરીબ બાળકોને આપે છે શિક્ષણ અને ભોજન
જમવાના 30 રૂપિયા શુલ્કની જે માસિક બચત જમા થતી તેમાં દર મહિનાના ખર્ચમાં હરિપ્રિયાબેને નિવૃત્તિ પછી શરુ થતા માસિક પેન્શનને સંપૂર્ણપણે માનવતાના આ કાર્યમાં ખર્ચવાનું શરુ કર્યું. આમ અત્યારે તેઓ પોતાના સમગ્ર માસિક પેન્શનની બધી જ રકમ આ કાર્ય પાછળ અર્પિત કરી રહ્યા છે.
શરૂઆત ફક્ત એક જ વ્યક્તિથી થઇ હતી અને સતત પાંચ દિવસ સુઘી એક જ વ્યક્તિ આવ્યો પરંતુ ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ અને તે 200 સુધી પહોંચી. દરેક લોકોને રોજ સાંજે ખીચડી, ભાખરી, કઢી, શાક વગેરે પીરસવામાં આવતું હતું. મહત્વની બાબત એ છે કે સમગ્ર પરિવાર આવતો ત્યારે તેમના બાળકોનો ચાર્જ લેવામાં ન આવતો અને આમ સમગ્ર કુટુંબ એકદમ નજીવા ખર્ચમાં ભોજન કરીને તૃપ્ત થઇ જતું.

આ પણ વાંચો: Best Of 2021: 5 ગુજરાતીઓ, જેઓ આજના સમયમાં પણ મહેકાવે છે માનવતાની મહેક
આગળ જતા તેમણે પોતાના ઘરના પ્રાંગણમાં જ સાંજની સાથે-સાથે બપોરે પણ લોકોને જમાડવાનું શરુ કર્યું. અને તે માટે પોતાના ઘરમાં એક શેડ બનાવડાવ્યો હતો તેને થોડો મોટો પણ કરાવ્યો. આ દરમિયાન જ કોરોના એ સમગ્ર પૃથ્વી પર દસ્તક દીધી અને તેની અસરથી કોઈ પણ સામાન્ય માનવી અસરગ્રસ્ત થતા બચ્યો નહીં અને તેના કારણે જ હરિપ્રિયાબેન કહે છે કે, “અમે પણ અમારા આ કાર્ય બાબતે થોડા ચિંતિત થયા પરંતુ તરત જ નિર્ણય લીધો કે લોકોને જમાડવાના ચાર્જમાં 30 ના બદલે 10 રૂપિયા કરી દઈએ અને તેમને ત્યાં બેસાડીને જમાડવાની જગ્યાએ સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્પોઝેબલ પેકેટમાં ભોજન આપવાનું શરુ કરીએ. આમ આ કાર્ય પણ અમલમાં મુક્યા બાદ સ્થિતિ હળવી ન બની ત્યાં સુધી ચાલુ સતત ચાલું રાખ્યું.
કોરોનાની પ્રથમ લહેર પૂર્ણ થતા ઘરના સભ્યોએ નિર્ણય લીધો કે હવે કોરોના જેવી સ્થિતિમાં ઘરે જમાડવા કરતા કોઈક વ્યવસ્થિત જગ્યા રાખીને લોકોને ત્યાં જમાડવા ખુબ જ સારું રહેશે. આ કારણે જ હરિપ્રિયાબેને પાટણમાં આવેલ બળીયા હનુમાનના ટ્રસ્ટીઓને આ વાત કરી અને તેમણે ખુશી ખુશી માનવતાના આ કાર્યમાં સહભાગી થવા એક જગ્યામાં શેડ બાંધી આપી લોકોને ત્યાં બંને ટાઈમ જમાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી. આમ વર્ષ 2020 માં તેમણે ખાડિયા મેદાન પાસેની બાંધેલી જગ્યામાં લોકોને જમાડવાનું શરુ કર્યું. તેનો બીજો ફાયદો એ થયો કે પાટણની મોટાભાગની હોસ્પિટલની નજીક આ જગ્યા હોવાથી દર્દી સાથે આવેલા સ્વજનોએ પણ આ અન્નક્ષેત્રનો લાભ લેવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: ઊંઝાની આ સંસ્થા અનોખી જ રીતે કરે છે સેવા, આત્મનિર્ભર બની મફત જમાડે છે રોજ 100 લોકોને
જમવાનું બનાવવા અને તેને પીરસવા અને વાસણોની સાફ સફાઈ માટે પોતાની રીતે માણસો ન રાખતા તેમણે એક રસોઈયાને મહિનાના 50 હજાર પેટે ચુકવણી કરવાના કરાર કરેલ છે અને તે આ રસોઈ અને બીજું બધું કામકાજ સાંભળે છે. અહીં ઉલ્લેખનીય છે કે 50 હજાર તો માત્ર રસોઈ બનાવવા અને તેને પીરસવા તથા વાસણ સાફ કરવાના જ છે બાકી દર મહિનાનું જમવાનું બનાવવા માટે જે સીધુ લાવવામાં આવે છે તેનો ખર્ચો તો પાછો અલગ જ. આમ 30 રૂપિયા લેખે જે બચત જમા થાય તેમાં દર મહિને હરિપ્રિયાબેન 30 થી 45 હજાર ઉમેરે છે.
અત્યારે તેમના અન્નક્ષેત્રમાં બપોરે અને સાંજે થઈને કુલ 300 થી 400 માણસ આસપાસ જમે છે. તેમના જમવા મા્ટેનું શુલ્ક 30 રૂપિયા પણ એટલા માટે જ રાખવામાં આવી છે કે આ કાર્ય માટે બીજા કોઈ પાસેથી અનુદાન લેવું ન પડે અને કોઈ પણ જાતના પૈસાની તંગી વગર પેન્શનના પૈસા અને આ શુલ્કના જમા થતા પૈસા દ્વારા કાર્ય અવિરત ચાલુ રહી શકે. બીજી મહત્વની બાબત એ છે કે હરિપ્રિયાબેનનું માનવું છે કે લોકો જયારે 30 રૂપિયા આપીને જમે છે ત્યારે તેઓ પણ એક ભાવના સાથે જમે છે કે, તેઓ મફતમાં નથી જમતા, જે બહુ સારી બાબત છે.

આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને
આગળ હરિપ્રિયાબેન ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે, પાટણમાં આવાં ચાર અન્નક્ષેત્ર ખોલવાનો તેમનો વિચાર છે જેમાં એક અત્યારે ખાડિયા મેદાન પાસે કાર્યરત છે તો બીજું હવે જુના ગંજ પાસે ખોલવામાં આવશે અને તે માટે તેમણે પોતાની ભેગી કરેલી બચત તથા પુત્રની મદદ દ્વારા એક જૂની હોટલ પણ ખરીદી છે અને નજીકના ભવિષ્યમાં ત્યાં પણ આ રીતનું એક અન્નક્ષેત્ર શરુ થશે. તે સિવાય તેઓ બીજા બે કેન્દ્ર સિદ્ધપુર ચોકડી અને ટી બી ત્રણ રસ્તા પર ખોલવા માંગે છે. ઉલ્લેખનીય છે કે આ બધા કાર્યમાં તેમના પતિ હરેશભાઇ પણ તેમની સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે.
ધ બેટર ઇન્ડિયા પરિવાર હરિપ્રિયાબેનને તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવે છે અને તેમના આ માનવતાવાદી કાર્યને હૃદય પૂર્વક નમન કરે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી ‘આહાર’ કેન્દ્ર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.