આજ-કાલ મોટાભાગનાં માતા-પિતાની આ ફરિયાદ હોય છે કે, તેમનાં બાળકો મોબાઈલ અને ટીવીમાં જ ડૂબેલાં રહે છે, ત્યાં રાજકોટનો માત્ર 13 વર્ષનો નિસર્ગ ત્રિવેદી આટલી નાની ઉંમરે પ્રકૄતિ સંવર્ધનનું કામ કરી રહ્યો છે. ઓનલાઈન ક્લાસ દરમિયાન મળેલ સમય દરમિયાન એકપણ રૂપિયાના ખર્ચ વગર તેણે ઘર આંગણે બનાવી દીધો 300 છોડનો ગાર્ડન અને ફ્રી નર્સરી. જેમાં રોજ 15 પ્રકારનાં પતંગિયાં બને છે મહેમાન.
રાજકોટ શહેરના માલવિયા નગર વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય બાળકે લોકડાઉન દરમિયાન સમયનો સદુપયોગ કરી રોજિંદા વપરાશની વેસ્ટ (નકામી) પ્લાસ્ટિકની કોથળીઓમાં વિવિધ પ્રકારના રોપાઓ વાવ્યા હતા, એટલું જ નહીં આ રોપાનો ઉછેર કરીને સગા-સંબંધીઓમાં વિનામૂલ્યે વિતરણ કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે, જેનુ નામ છે નિસર્ગ ત્રિવેદી અને તે 7 માં ધોરણમાં અભ્યાસ કરે છે.

આ પ્રેરણા કયાંથી મળી?
આપણને સૌને ખબર છે કે સામાન્ય રીતે આ ઉંમરના બાળકો રમત-ગમત અને અભ્યાસ કરતા ટાઈમપાસ વધુ કરતા હોય છે, પરંતુ આ બાળક અન્ય બાળકોથી અલગ વિચારધારા ધરાવે છે કારણ કે, તેના પિતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે તો સ્વાભાવિક છે કે તેનું સંતાન ફોટોગ્રાફી કરવાનું પસંદ કરે પરંતુ આ 13 વર્ષના પ્રકૃતિપ્રેમી નિસર્ગે પપ્પાની પ્રેરણાથી લોકડાઉન દરમિયાન સમયનો સદુપયોગ કરી ઓનલાઇન અભ્યાસ બાદ ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પતંગિયા અને ઝડપથી વિકાસ પામતા નાના રોપાની નર્સરી ઉભી કરી દીધી.
ક્યારથી શરૂઆત કરી
13 વર્ષના સામાન્ય છોકરાઓ પતંગિયાની પાછળ દોડવાની મનોકામના સેવતા હોય છે. ત્યારે અન્ય સામાન્ય છોકરાઓ લોકડાઉનના સમયમાં ટાઇમપાસ માટે જે-જે પ્રવૃત્તિઓ કરતા હોય, તેવી એકેય પ્રવૃત્તિમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પિતાના સંતાન એવા નિસર્ગને રસ નહોતો પડતો. આથી વારસામાં મળેલા પર્યાવરણ પ્રત્યે લગાવને અનુરૂપ નિસર્ગે પર્યાવરણના જતન માટે કંઈક અનોખું કરવા અંગે વિચાર્યું. અને કોરોના કાળ દરમિયાન લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં આ સુનેહરા કાર્યની શરૂઆત કરી આ માટે તેણે અભ્યાસની સાથે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પતંગિયાને આકર્ષિત કરતા અને તરત વિકાસ પામતા નાના રોપાઓને નિસર્ગે ઘરે આવતી તમામ પ્રકારની કોથળીઓમાં પોતાના આંગણમાં જ ઉછેર કર્યો.

અત્યાર સુધીમાં કેટલા છોડનો ઉછેર કર્યો છે.
આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં નિસર્ગ જણાવે છે, “લોકડાઉન દરમિયાન રાજકોટના માલવિયા નગર વિસ્તારમાં રહેતા હતા ત્યારે અલગ અલગ પ્રકારના 200 જેટલા રોપાનો ઉછેર અને પક્ષીઓ તેમજ પતંગિયાઓ માટે અનુકૂળ વાતાવરણ ક્રિએટ કર્યું હતું, પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી કૃષ્ણનગરમાં ઘર શિફ્ટ કર્યું છે ત્યારે ધીમે-ધીમે કરતાં અત્યારે 300 જેટલા રોપાનો ઉછેર તેમજ ફરીથી પતંગિયાઓને આકર્ષિત કરતા રોપા વાવીને મસ્ત વાતાવરણ ક્રિએટ કરી રહ્યા છીએ.”
નિસર્ગની કામગીરીને રાજ્ય સરકારે બિરદાવી
લોકડાઉન દરમ્યાન પતંગિયાને આશ્રયસ્થાન પૂરું પાડવા માટે છોડવાઓને નક્કામી પ્લાસ્ટિક બેગમાં ઉછેરી વિનામૂલ્યે વિતરણ કરતો છે. ત્યારે આ સરાહનીય કામગીરીને રાજ્ય સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી, રાજ્ય સરકારે વન મહોત્સવના દિવસે નિસર્ગનું સન્માન પણ કર્યું હતું.

નિસર્ગના પિતા ભાવેશભાઈ પણ જોડાયેલ છે પ્રકૃતિ સાથે
ધ બેટર ઈન્ડિય સાથે વાત કરતાં ભાવેશભાઈ જણાવે છે, “હું છેલ્લા કેટલાક સમયથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સાથે સંકળાયેલો છું એટલે નિસર્ગને આ કળા વારસામાં મળી છે એમ કહી શકાય, પતંગિયા પાછળ દોડવાની ઉંમરે મારા દીકરાએ કોઈ પણ ખર્ચ વગર ગ્રુપ-સર્કલમાંથી જાત-જાતના બીજ ભેગા કરી તેના નાની કોથળીઓમાં રોપાઓ ઉછેર્યા છે અને પાડોશી, સગા-સંબંધીઓ અને પર્યાવરણનું જતન કરતા કોઇ પણ નાગરિકોને તદ્દન વિનામૂલ્યે વિતરણ કર્યા છે.”
હાલ કેટલી પ્રકારના પતંગિયા છે
વિવિધ રોપાઓનું વાવેતર કરતાં કરતાં નિસર્ગે નોંધ્યું કે અમુક રોપાઓ પતંગિયાઓને પોતાના તરફ ખેંચે છે. આથી આ બાબતે નિસર્ગે માહિતી મેળવી પતંગિયાંઓને આકર્ષિત કરતા છોડવાના અને વૃક્ષોના વાવેતર પર હાથ અજમાવ્યો, જેમાં તેને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો, જેના ફળસ્વરૂપે આજે ઘરના આંગણામાં બનાવેલ બગીચામાં પંદરથી વધુ વિવિધ પ્રજાતિના પતંગિયાઓ વસવાટ કરે છે.

કેટલા પ્રકારના છોડવાનો ઉછેર કર્યો છે અને ક્યાં-ક્યાં
હાલ નિસર્ગે ઘરના આંગણામાં જ પતંગિયા માટે બગીચો તૈયાર કર્યો છે, જેમાં જીનીયા, ઘુઘરો, કોસમોસ, દેશી ગલગોટા, કીડામારી, લજામણી, કોયલવેલ, અંજીર,ગોરસ આંબલી, પારિજાત, પાંડવ કૌરવ વેલ, કાંચનાર, પીલુડી, અરડુસી, સાગ, શેતુર, ઈકઝોરા, ટીકોમા, તુલસી ઉપરાંત શાકભાજીના 300 થી વધુ રોપાઓ તૈયાર કર્યા છે. મહત્વનું છે કે,નિસર્ગે જુદા-જુદા આયુર્વેદિક છોડવાનું પણ વાવેતર કર્યું છે, અને આયુષ આયુર્વેદિક નર્સરી તૈયાર કરી છે. નિસર્ગના પર્યાવરણ પ્રેમ અને તેમણે કરેલી મહેનત બદલ રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ તરફથી નિસર્ગને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
મોટા-મોટા લોકો પણ સમય નથી, જગ્યા નથી એમ કહી ઘરમાં લીલોતરી કરવાનું ટાળતા હોય છે ત્યાં આજનાં બાળકો પણ તેમાં રસ લેતાં થાય એ ખરેખર સરાહનિય બાબત છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: તમારી તિજોરીમાં પડી રહેલા જૂના બ્રાંડેડ કપડા અથવા બેગ, અહીં વેચીને કમાઈ શકો છો પૈસા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.