Search Icon
Nav Arrow
MS University Vadodara
MS University Vadodara

કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પીએચડી કરતી આ યુવતીએ કમળની દાંડીમાંથી કાપડ બનાવ્યું છે. આ જ કામ શહેરની 10 ગરીબ મહિલાઓને શીખવાડી તેમને રોજી પણ આપવામાં આવે છે અને મળેલ નફામાંથી ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

યોગ્ય શિક્ષણના માધ્યમ દ્વારા થયેલ સંશોધનનો સમાજની સેવા માટે કંઈ રીતે ઉપયોગ કરવો તે દરેક લોકો માટે રસનો વિષય હોય છે અને જો આ રીતે યોગ્ય પહેલ દ્વારા શૈક્ષણિક સંશોધનોનો અમલ થતો હોય અને તેના દ્વારા સુવ્યવસ્થિત પરિણામ મળવાની સાથે એક કરતા વધારે અલગ અલગ વિભાગના લોકોને લાભ પણ થતો હોય તે ખુબ જ મહત્વની બાબત પણ છે તો આજે ધ બેટર ઇન્ડિયા એવા જ એક વિષય પર લેખ લઈને તમારી સમક્ષ હાજર થયું છે.

ધ બેટર ઇન્ડિયા આજે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્સટાઇલ્સ વિભાગમાં પી એચ ડી કરતી વિદ્યાર્થીની સુમી હલદરના સંશોધન વિષય અને તે સંશોધનને નક્કર રૂપ આપવાના હેપ્પી ફેસિસ વડોદરાની મદદ દ્વારા ઉપર જણાવ્યું તે રીતે જ લોકોની મદદ કરવા માટેનો એક પ્રયાસ કંઈ રીતે આરંભ્યો છે તેની વિસ્તૃત માહિતી પોતાના સુજ્ઞ વાચકો માટે લાવ્યું છે.

આ માટે તેણીનેહેપ્પી ફેસિસ વડોદરાના મેમ્બર્સ તરફથી સારી એવી મદદ પણ મળી રહી છે અને આ અમલમાં મુકેલ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયો તો એક સાથે ઘણા આર્થિક રીતે પછાત વર્ગના લોકો તેમજ ખેડૂતોની સારી એવી મદદ થઇ શકશે.

 Eco Friendly Fabric

કમળની દાંડીમાંથી ફેબ્રિક
સુમી હલદરનો પી એચ ડી સંશોધનનો વિષય કમળની દાંડીમાંથી ફેબ્રિક બનાવવાનો છે. અને આ કમળની દાંડીમાંથી કંઈ રીતે દોરો બનાવવો તે સુમીએ સંશોધન દ્વારા જાણેલ છે પરંતુ તેના નક્કર અમલ માટે તેણીને એક ચોક્કસ પ્લેટફોર્મની જરૂર હતી જે તેના આ સંશોધનના વિષય દ્વારા સમાજ કલ્યાણ કંઈ રીતે શક્ય છે તે સાબિત કરી આપે અને આ માટે જ તેણીએ વડોદરા ખાતે સ્થપાયેલ એક એનજીઓ હેપ્પી ફેસિસ વડોદરાનો ઓગસ્ટ મહિનામાં સંપર્ક કર્યો.

 Eco Friendly Fabric

પાયલોટ પ્રોજેક્ટનો અમલ
સુમીના પ્રસ્તાવ બાદ પંદર દિવસની અંદર જ હેપ્પી ફેસિસ વડોદરાના મેમ્બર્સ દ્વારા આ પ્રસ્તાવને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તે માટે હેપ્પી ફેસિસ વડોદરાના મેમ્બર રહી ચૂકેલા દિવ્યાંગ સુલભા આંટી કે જેઓ નજીકના ભૂતકાળમાં જ કોરોનાના કારણે આ વર્ષે મે મહિનામાં અવસાન પામેલા જેથી તેમને હૃદયાંજલિ આપવા માટે પ્રોજક્ટનું નામ પ્રોજેક્ટ સુલભા આપવામાં આવ્યું.

પ્રોજેક્ટ અંતર્ગત 20000 જેટલા કમળ છોટા ઉદેપુર, ગોધરા, દાહોદ, બોડેલી વગેરે જગ્યાએથી લાવવામાં આવ્યા છે. અત્યારે તો તે ઓળખીતા લોકોની મદદથી એકત્રિત કરવામાં આવ્યા છે પરંતુ આગળ જતા જો પ્રોજેક્ટ મોટા પાયે જશે તો હજી પણ વધારે કમળની જરૂરિયાત ઉભી થશે અને તેના કારણે આસપાસના વિસ્તારના ખેડૂતો પાસે પોતાની જમીનના અમુક ભાગમાં કમળની ખેતી કરાવી તેમની પાસેથી તે કમળ ખરીદવાની યોજના પણ શામેલ થશે જે આમ તો ખેડૂતો માટે પણ આજીવિકા બાબતે ખુબ જ ફાયદાકારક હશે.

Fabric Made From Lotus Plant

મહિલા સશક્તિકરણ
સુલભા પ્રોજેક્ટ અંતર્ગત દસ એવી મહિલાઓને પસંદ કરવામાં આવી કે જેઓએ આજ સુધી કોઈ દિવસ કાળી મજૂરી સિવાય કોઈ રચનાત્મક કાર્ય પર હાથ અજમાવ્યો હોય. આ મહિલાઓ બીજું કોઈ નહીં પણ  હેપ્પી ફેસિસ દ્વારા મજુર વિસ્તારના બાળકોને ભણાવવા માટે શરુ કરવામાં આવેલ સ્કૂલના બાળકોની માતાઓ જ હતી.

આ દસ મહિલાઓને અત્યારે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ મહિનાની રોજગારી પેટે રોજના 150 થી 200 રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે અને તે માટેના પૈસા હેપ્પી ફેસિસ વડોદરામાં મેમ્બર તરીકે કાર્યરત દરેક મહિલાઓ સ્વયં પોતાના ખીસા ખર્ચમાં કપ મૂકી થયેલ બચત દ્વારા આપે છે.

દરેક મહિલાને કમળની દાંડીમાંથી દોરો કંઈ રીતે બનાવવો તે સુમી દ્વારા શીખવવામાં આવ્યું છે અને આ રીતે અત્યારે તે મહિલાઓ આ કાર્ય દ્વારા આજીવિકા રળીને રૂઢિચુસ્તતા તથા ગભરાહટનો ઉંબરો વટાવી આત્મવિશ્વાસ સાથે આજીવિકાના વિવિધ રચનાત્મક પાંસાઓ જાણી આત્મનિર્ભર બનવા માટે તૈયાર થઇ ગઈ છે.

Fabric Made From Lotus Plant
પહેલાં

વણાટકામના કારીગરોને પણ થશે ફાયદો  
ભુજ ખાતે કોરોનાકાળ દરમિયાન આજીવિકા ગુમાવી ચૂકેલા વણાટકામના કારીગરોનો સંપર્ક કરી તેમને આ કમળની દાંડીમાંથી બનાવેલ દોરામાંથી કાપડ બનાવવા માટે મોકલી આપવામાં આવે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે કાપડ ફક્ત એકલા કમાલની દાંડીના રેસામાંથી ન બનાવતા તેમાં પચાસ ટકા કોટન અથવા પચાસ ટકા રેશમ ઉમેરીને બનાવવામાં આવે છે. જેથી તેની ટકાઉ ક્ષમતા બની રહે.

 Fabric Lotus Diy

કાપડનું વેચાણ
આ બાબતે ધ બેટર ઇન્ડિયા એ હેપ્પી ફેસિસ વડોદરાના પિયુષ ખરે સાથે વાત કરી ત્યારે તેમને કહ્યું કે,” અત્યારે કાપડ માટેનું વણાટકામ ચાલુ જ છે અને તે ટૂંક સમયમાં પતિ જશે ત્યારે બનેલ કાપડને વેચવા માટે અમે બેંગ્લોરના એક વેપારીનો સંપર્ક પણ કર્યો છે અને તે વેપારી દ્વારા એવી બાંહેધરી પણ આપવામાં આવી છે કે જો કાપડ વ્યવસ્થિત હશે તો તે શરૂઆતમાં દર મહિને 40 નંગ આસપાસના કાપડની ખરીદી શરુ કરશે.” પિયુષ આગળ કહે છે કે જો તે શરૂઆતમાં આટલી ખરીદી પણ શરુ કરે તો પણ હાલ જે દાસ મહિલાને અમે રોજગારી આપી રહ્યા છીએ તેના બદલે વીસ મહિલાઓને આરામથી રોજગારી આપી શકીએ અને ધીમે ધીમે જો આ કાર્યનો વિસ્તાર થાય ત્યારે ઘણી બધી મહિલાઓને અમે રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવી શકીએ.

Women Employment

મહત્વની વાત એ છે કે આ કાપડના વેચાણ દ્વારા જે કંઈ પણ નફો થશે તેનો ઉપયોગ હેપ્પી ફેસિસ વડોદરા દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલના ગરીબ બાળકોના ભણતર પાછળ જ ખર્ચ કરવામાં આવશે. આમ, આ પ્રોજેક્ટ અંતર્ગત ફક્ત એક જ તરફના લોકોને લાભ ના આપતા એકસાથે અલગ અલગ વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને સારી એવી મદદ થઇ શકે તેમ છે.

ધ  બેટર ઇન્ડિયા પરિવાર સુમી તથા  હેપ્પી ફેસિસ વડોદરાનો આ પ્રોજેક્ટ પહેલા જ પ્રયત્ને ધારદાર સફળતા મેળવી આ બધા લોકોને બની શકે તેટલું જલ્દી જ કાયમી આજીવિકા રળતો આપી ઉપયોગી થઇ પડે તે માટેની શુભકામના પાઠવે છે અને વાચકોને પણ અપીલ કરે છે કે આ રીતનું કોઈ પણ કાર્ય જો તમારી આજુબાજુ થતું હોય તો તે અમને નીચે જણાવેલ અમારી વિવિધ લિંકનો ઉપયોગ કરી નિઃસંકોચ જણાવી શકે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કળાથી બદલ્યો કચરાનો ચહેરો, કચ્છની મજુર મહિલાએ ઉભી કરી પોતાની બ્રાંડ, બીજાને પણ આપી રોજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon