Search Icon
Nav Arrow
Farmer Doing Business In 10 Countries
Farmer Doing Business In 10 Countries

અતિથિ દેવો ભવ: દેશની સંસ્કૃતિ & પોતાના વિચારો સાથે, 10 દેશોમાં વેપાર કરે છે ગુજરાતી ખેડૂત

ગુજરાતના જામુકા ગામના પુરૂષોત્તમભાઈએ વિશ્વાસ મૂક્યો ઑર્ગેનિક ખેતી પર અને પોતાનાં ઉત્પાદનો માટે માર્કેટિંગની અનોખી રીત અપનાવી આજે 10 દેશોમાં એક્સપોર્ટ કરે છે સારી કમાણી.

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના જામુકા ગામમાં રહેતા પુરૂષોત્તમ સિદ્ધપરાને ખેતી વારસા મળી છે. તેઓ 18 વર્ષની ઉંમરથી ખેતી કરે છે. દરેક વર્ષે મહેનતની સાથે તેમણે આ બિઝનેસને ઉંચાઈએ પહોંચાડ્યો છે. આજે, રસાયણો અને જંતુનાશકોના ઉપયોગ વિના, સજીવ ખેતી દ્વારા, તે તેમના ખેતરમાં અનાજથી લઈને મસાલા, કઠોળ, શાકભાજી અને ફળો સુધીની દરેક વસ્તુ ઉગાડે છે. આટલું જ નહીં, તે ભારત સિવાય અન્ય દસ દેશોમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે.

ભારતના ઘણા ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. તો એવું શું છે જે આ પચાસ વર્ષના ખેડૂતને બીજા બધાથી અલગ કરે છે? તે છે, આતિથ્યથી સંબંધિત તેમની અનન્ય માર્કેટિંગ વ્યૂહરચના.

આતિથ્ય સફળતાની સીડી બની
પુરુષોત્તમની માર્કેટિંગ વ્યૂહરચના વિશે વાત કરતાં, તે કહે છે કે તે તેના પર એક પૈસો પણ ખર્ચતો નથી. જો કે, મોટાભાગના લોકો તેમના દાવા પર વિશ્વાસ કરતા નથી. પરંતુ સત્ય એ છે કે, તેમનું આતિથ્ય તેમની માર્કેટિંગ વ્યૂહરચના છે.

સિદ્ધપરા ધ બેટર ઈન્ડિયાને કહે છે, “અતિથિ દેવો ભવ:!, હું આ ભાવનાને દિલથી સ્વીકારું છું. હું મારા સંભવિત ડીલરો અથવા ગ્રાહકોને મારા ફાર્મમાં આમંત્રિત કરું છું જ્યાં તેઓ મારી સાથે થોડા દિવસો રહી શકે. આ દરમિયાન હું તેમને મારી ખેતી પદ્ધતિ વિશે વિગતવાર જણાવું છું.”

તેમણે કહ્યું, “હું તેમને મારા ખેતરમાં ઉગાડવામાં આવતી શાકભાજીમાંથી બનાવેલો ખોરાક ખવડાવું છું અને તેમના તમામ પ્રશ્નોના જવાબ આપું છું. હું આ માટે એક પૈસો પણ વસૂલતો નથી. જો તેઓને અમારો રાંધેલો ખોરાક ગમે છે, તો અમે ઓર્ડર આપવા માટે ફોન નંબરની આપ-લે કરીએ છીએ. તેમને વોટ્સએપ પર પાકની ઉપજ વિશે નિયમિત અપડેટ્સ પણ આપવામાં આવે છે. જેથી તેમનો વિશ્વાસ મેળવવામાં ઘણી મદદ મળે છે.”

Farmer Doing Business In 10 Countries

કેવી રીતે માર્કેટિંગનો આ અનોખો આઈડિયા આવ્યો?
સિદ્ધપરાને આ અનોખો માર્કેટિંગ આઈડિયા કેવી રીતે આવ્યો? આની પાછળ, દુષ્કાળને પહોંચી વળવા માટે 20 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી વર્ષો જૂની પહેલ છે. તે સમયે આ પહેલે દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2019થી જૂનાગઢનું જામકા ગામ દુષ્કાળની સમસ્યાનો સામનો કરી રહ્યું હતું. પાકને નુકસાન થઈ રહ્યું હતું અને ગામ માટે દુષ્કાળ મુખ્ય પડકાર બની ગયો હતો. તે જ વર્ષે ગ્રામજનોએ દુષ્કાળનો સામનો કરવા માટે એકજૂથ થઈને ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું. જેથી નાના ડેમ અને જળાશયો બનાવી શકાય.

સિદ્ધપરા યાદ કરે છે, “અમે 45 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આ રકમથી ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામ માટે 55 નાના ડેમ અને પાંચ તળાવ બનાવવામાં આવ્યા હતા. જ્યારે વરસાદ પડ્યો, ત્યારે આ નવા જળાશયોએ લાખો લિટર પાણીનો બગાડ થતો બચાવ્યો. ભૂગર્ભજળનું સ્તર જે અગાઉ 500 ફૂટ હતું તે ઘટીને 50 ફૂટ થયું છે. ત્યારથી, આ ગામ માટે વરસાદની અછત ક્યારેય સમસ્યા બની નથી.”

તેઓ આગળ કહે છે, “ગુજરાત સરકારે પણ જામકા ગામના આ મોડેલની પ્રશંસા કરી હતી. જે વિસ્તારોમાં પાણીની અછત હતી ત્યાં તેને અપનાવવામાં આવી હતી. તેના પરિણામોનો અભ્યાસ કરવા માટે નિષ્ણાતો, વિદ્યાર્થીઓ, વોટર એક્ટિવિસ્ટ્સ અને મીડિયા આખા વર્ષથી ગામની મુલાકાત લઈ રહ્યાં છે.”સિદ્ધપરા અને ગ્રામજનો ત્યાં આવનાર દરેકને ઉષ્માભેર આવકારતા અને તેમના ખેતરમાં લઈ જતા હતા.

2 કરોડથી વધુનું ટર્નઓવર
સિદ્ધપરા કહે છે, “મારા ઘરનું ખાવાનું ખાધા પછી, મહેમાનોએ ખેતરમાં ઉગાડેલા ફળો અને મસાલા સીધા અમારી પાસેથી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. પહેલી વખત, અમે ગ્રાહકો સાથે સીધો વ્યવહાર કરી રહ્યા હતા. કારણ કે ત્યાં સુધી અમારું બિઝનેસ મોડલ બી ટુ બી (બિઝનેસ ટુ બિઝનેસ) પર આધારિત હતું. પાછા જઈને આ જ લોકો તેમના મિત્રો અને પરિવારને મારા ખેતર વિશે કહેશે. આ રીતે મારો વ્યવસાય મૌખિક રીતે વધવા લાગ્યો. તે મારો સૌથી મોટો પાઠ હતો અને મેં મહેમાનોનું સ્વાગત કરવાનું ચાલુ રાખ્યું.”

તેઓનું વર્ષભરનું ટર્નઓવર 2 કરોડથી વધુ છે અને તેઓ યુએસ, ઈંગ્લેન્ડ, નોર્વે, જર્મની, દુબઈ અને ઈથોપિયા સહિતના ઘણા દેશોના ગ્રાહકો ધરાવે છે.

સિદ્ધપરા કહે છે, “ગ્રાહકોને આમંત્રિત કરવાનો મંત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે તમારી ખેતીની પ્રક્રિયા અને ટેક્નોલોજી સારી હોય, અને તેમાં ભૂલો માટે કોઈ જગ્યા ન હોય.” તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે રાસાયણિક ખેતીને ઓર્ગેનિક ફાર્મિંગમાં ફેરવીને તેનો નફો વધ્યો. આ સાથે પાણી બચાવવા અને પોષક તત્વોથી ભરપૂર પાક તૈયાર કરવાના ઉપાયો અંગે પણ સૂચનો આપવામાં આવ્યા હતા.

 Forest Model Farming

Organic Farming પહેલા નફો ના બરાબર હતો
પારિવારિક વ્યવસાય ન હોવાથી સિદ્ધપરાના નસીબમાં ખેતી કરવાનું તો હતુ જ. પણ એ તેમનો જુસ્સો પણ હતો. 18 વર્ષની ઉંમરથી તેમની પાસે ખેતી માટેના ઘણા વિચારો હતા, જે તેમને તેમના અભ્યાસ દરમિયાન મળ્યા. તેમણે સજીવ ખેતી કરવાની પદ્ધતિઓ વિશે જાણ્યું.

સિદ્ધપરા જણાવે છે, “મારા પિતા ખેતી માટે રાસાયણિક ખાતર અને ગાયના છાણનો ઉપયોગ કરતા હતા. પરંતુ હું કેમિકલથી છુટકારો મેળવવા માંગતો હતો. જ્યારે મેં અન્ય ખેડૂતોને આ વિશે કહ્યું તો તેઓએ મારી મજાક ઉડાવી. સદનસીબે, અમારા 15 એકરના ખેતરમાં ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી રસાયણોનો ઉપયોગ ન કરવાને કારણે પાકને કોઈ નુકસાન થયું ન હતું.”

સજીવ ખેતી (Organic Farming)શરૂ કરતા પહેલા તેનો નફો નહિવત હતો અને તેણે જે કમાણી કરી તેનો ઉપયોગ આગામી પાક માટે રસાયણો અને જંતુનાશકો ખરીદવામાં કરવો પડતો હતો. તેમણે કહ્યું કે તે સમયે તેમની આવક એક ખેતમજૂર જેટલી જ હતી.

ફોરેસ્ટ મોડલથી પાણી બચાવ્યું
સિદ્ધપરાએ તેમની ખેતી માટે ફોરેસ્ટ મોડલ અપનાવ્યું, જેમાં વધારે કંઈ કરવાની જરૂર નથી. તેમણે સૌપ્રથમ પોતાના ખેતરમાં સીતાફળ, કેરી, નાળિયેર અને પપૈયા જેવા ફળ આપનારા વૃક્ષો વાવ્યા અને આ વૃક્ષોની વચ્ચે જુવાર, બાજરી, મકાઈ અને ધાણા અને મરચા જેવા મસાલાઓનું વાવેતર કર્યું. આ પાછળનો હેતુ એ હતો કે તેઓ એકબીજાને આગળ વધવામાં મદદ કરે. છોડને ઝાડમાંથી છાંયડો અને સૂર્યપ્રકાશ પણ મળશે અને ઝાડની નજીક હોવાને કારણે પાણી પણ ઓછું જોઈશે.

જો કે, ખેતીની આ અનોખી પદ્ધતિમાં એક સમયે કેટલું ઉત્પાદન થશે તેની આગાહી કરવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ તેના ઘણા ફાયદા છે. આ ટેકનીક છોડને પોતાની જાતે ઉગવામાં અને જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ કરે છે.

તેઓ આગળ કહે છે, “યોગ્ય માટી વ્યવસ્થાપન સાથે, 15 થી 18 જરૂરી પોષક તત્વો જાળવી શકાય છે. જંતુઓ સાથે રસાયણો પણ જમીનમાંથી આ પોષક તત્વોને ખતમ કરે છે. વન ખેતી દ્વારા, જમીન પોતે જ બાયોમાસમાંથી આ પોષક તત્વો મેળવે છે. ગાયના છાણમાં લાખો ફાયદાકારક સૂક્ષ્મજીવો પણ હોય છે, જે જમીનમાં સૂકા બાયોમાસનું વિઘટન કરે છે અને તેને છોડ માટે ઉપયોગમાં લેવા માટે તૈયાર પોષક તત્વોમાં રૂપાંતરિત કરે છે. કાર્બન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો ગાયના છાણમાં મળી આવે છે.”

ગાયના છાણ, ગોળ અને છાશમાંથી બનાવ્યુ ખાતર
ઓર્ગેનિક ખાતર બનાવવા માટે, તેણે એનારોબિક ફોર્મ્યુલા અપનાવી, જેમાં ગાયનું છાણ, ગોળ, છાશ અને માડ (ચોખાનું પાણી)ને ડાઈજેસ્ટરમાં ભેળવીને પ્રવાહી સ્પ્રે બનાવવામાં આવે છે. આ મિશ્રણને પાણીની સાથે છોડના મૂળમાં છાંટવામાં આવે છે.

આ ઉપરાંત કુદરતી મલ્ચિંગ પ્રક્રિયા પણ ખૂબ ફાયદાકારક હતી. સૂકા પાન અને ઘઉંના ભૂસાને બાળવાને બદલે, તેઓ જમીન પર પાથરણાનું અથવા ઢાંકવાનું કામ કરતા. તેનાથી જમીનમાં ભેજ અને ઠંડક જાળવાઈ રહે છે.

તેઓ કહે છે, “ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાથી મારી ખેતીનો ખર્ચ 40 ટકા અને મલ્ચિંગને કારણે પાણીની જરૂરિયાત લગભગ 20 ટકા ઘટી ગઈ છે. સૂક્ષ્મ સિંચાઈ (ટપક સિંચાઈ) પદ્ધતિને કારણે પાણીની ઘણી બચત થાય છે.”

 Forest Model Farming

હવે અથાણું, ચટણી અને ચ્યવનપ્રાશ પણ વેચે છે
આ સરળ પગલાંથી સિદ્ધપરાની આવક લગભગ પાંચ ગણી વધી છે. તેમણે આ નફાનું અથાણું, ચટણી, ચ્યવનપ્રાશ, સીંગદાણા અને તલનું તેલ, ઘઉંનો લોટ અને કઠોળ વગેરે જેવા ઉત્પાદનોમાં ફરીથી રોકાણ કર્યું. તેમના મતે, આનાથી તેમના નફામાં વધુ 15 ટકાનો વધારો થયો.

ભવાની મોદી છેલ્લા 12 વર્ષથી આ સિદ્ધપરાના ઉત્પાદનો ખરીદી રહ્યા છે. તેઓ કહે છે, “પુરુષોત્તમભાઈના ઉત્પાદનો ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ વિશ્વાસપાત્ર છે, હંમેશા તાજા અને સ્વાસ્થ્ય માટે એકદમ પરફેક્ટ હોય છે. તેમનો સ્વાદ બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોના સ્વાદ કરતાં ઘણો અલગ છે.”

જ્યાં ગ્રાહકો ઓનલાઈન પોર્ટલ પર રાહ જોયા વગર સીધા જ ઓર્ડર બુક કરી શકે છે. તો તેનાથી બિલકુલ ઉલટું સિદ્ધપારા પાસેથી તેમના ખેતરમાં ઉગેલા પાક અને બનેલાં ઉત્પાદનો માટે પાક પાક હજી ખેતરમાં હોય તે દરમ્યાન જ એડવાન્સમાં ઓર્ડર આપવા પડે છે.

સિદ્ધપરા પાસેથી પાક ખરીદવા અથવા વધુ માહિતી માટે 9427228975 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: ગોપી કરેલિયા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: Grow Star Fruit: ડાયાબિટીઝથી કેન્સર સુધી છે કારગર, જાણો કુંડામાં કમરખ ઉગાડવાની સરળ રીત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon