Search Icon
Nav Arrow
Vashishth Farm
Vashishth Farm

ઊંચી નોકરી છોડી વેરાન જમીનમાં બનાવ્યું વશિષ્ઠ ફાર્મ, વિદેશીઓ પણ આવે છે કુદરતનું સાનિધ્ય માણવા

કંપનીના કામથી દેશ-વિદેશમાં ફરતાં ખેતીમાં થતા રસાયણોના ઉપયોગ વિશે જાણી, ભાવનગર પાસે વેરાન જમીનમાં બનાવ્યું વશિષ્ઠ ફાર્મ. અહીં છે 1500 આંબાની સાથે કાળી હળદર, અનાજ, શાકભાજી, ફળો, બધુ જ ઑર્ગેનિક. દર વર્ષે વિદેશી પ્રવાસીઓ અહીં આવીને રહે છે દિવસો સુધી.

આપણે ત્યાં જુના જમાનામાં એક કહેવત હતી મધ્યમ વેપાર, કનીષ્ઠ નોકરી અને ઉત્તમ ખેતી આ પંક્તિ સાર્થક કરતા મહેન્દ્રભાઈ પાસે ખેતીનું જરા પણ જ્ઞાન નહોંતું, એક સમયે મોટા પગારની નોકરી કરતા હતા, દેશ-વિદેશમાં જ્યાં ફર્યા ત્યાં ખેતીમાં વધારે પડતા રસાયણોના ઉપયોગથી દ્રવી ઊઠેલ મહેન્દ્રભાઈ વ્હાઈટ કૉલર નોકરી છોડી, બંજર પડેલ જમીન ખરીદી અને ખૂબજ મહેનત કરી તેને ફળદ્રુપ બનાવી. ત્યારબાદ તેના પર 1500 આંબા વાવ્યા અને રસપ્રદ વાત તો એ છે કે, તેમને અલગ-અલગ 15 પ્રકારની કેરીઓના આંબા વાવ્યા છે. મહેન્દ્રભાઈએ ઑર્ગેનિક ખેતી શરૂ કરી એ પહેલાં લગભગ 17 વર્ષના લાંબા સમય સુધી તેમણે ઈન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી છે અને કામ અંતર્ગત દેશ-વિદેશમાં પણ ફર્યા છે તેઓ.

આજે તેમણે વાવેલ આ કુદરતી સૌદર્યથી ભરપૂર વશિષ્ઠ ફાર્મમાં અહીંના લોકોની સાથે-સાથે વિદેશીઓ પણ આવે છે અને કુદરતના સાનિધ્યનો આનંદ મળે છે. વધુમાં મહેન્દ્રભાઈ પોતે યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ હોવાથી અહીં આવતા મહેમાનોને વહેલી સવારે યોગ પણ શીખવાડે છે અને તેમને અહીં જેટલા પણ દિવસ અહીં રહે, સંપૂર્ણ ઑર્ગેનિક ઉત્પાદનોમાંથી બનેલ સાત્વિક ભોજન જ પીરસવામાં આવે છે.

Nature Farmhouse

વશિષ્ઠ ફાર્મમાં છે 15 પ્રકારના આંબાનાં 1500 ઝાડ
2012માં તેમણે ભાવનગર જિલ્લાના દેવગડા ગામે ખરાબી, ખાડા-ટેકરા વાળી જમીન લીધી. મહેન્દ્રભાઈને ખેતીનો જરા પણ અનુભવ નહોંતો. ના તો એ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. પરંતુ તેમના મક્કમ મનોબળે તેમને શ્રેષ્ઠ ખેડૂત બનાવ્યા અને અદભુત વશિષ્ઠ ફાર્મ બનાવ્યું. બંજર જમીનને ખેતીલાયક બનાવી અને ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી શરૂ કરી. જેમાં 1500 જેટલા આંબા છે જે 15 જાતની અલગ અલગ કેરીનો સમાવેશ થાય છે. ઘત વર્ષે આવેલ તાઉતે વાવાઝોડા દરમિયાન ખેડૂતોને બહુ નુકસાન થયું. ખેડૂતોના આખા આંબા અને ઊભો પાક પડી ગયો, પરંતુ મહેન્દ્રભાઈના આ ફાર્મમાં એકપણ આંબાને નુકસાન નથી થયું. આ બાબતે વિસ્તૃતમાં જણાવતાં તેઓ કહે છે, “હવાને પસાર થવા માટે પૂરતી જગ્યા મળી રહે તો, બને ત્યાં સુધી ઝાડને નુકસાન નથી થતું. અમે બે આંબાની વચ્ચે 12 ફૂટનું અંતર રાખીએ છીએ, જેથી હવા ત્યાંથી આરામથી પસાર થઈ જાય છે અને ઝાડને નુકસાન થતું નથી.”

Black Turmeric Benefits

ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતી કાળી હળદર પણ વાવી
આ ઉપરાંત કાળી હળદર પણ ઉગાડે છે. સૌરાષ્ટ્રના વાતાવરણ અને જમીન કાળી હળદર માટે માફક નથી તેમ છતાંય તેમણે સાહસ કર્યું અને વાવેતર કરી સફળતા મેળવી. ધ બેટર ઈન્ડિયા સાથે વાતચીતમાં તેઓ જણાવે છે કે તેમને સૌ પ્રથમ 2017માં મધ્યપ્રદેશના જંગલમાંથી 5 કિલો કાળી હળદરનું બિયારણ મળ્યું અને અહીં લાવીને પોતાના ફાર્મમાં ઉગાડી. કાળી હળદરનો 1 કીલોનો ભાવ 5000 થી લઈને 25000 સુધી હોઈ છે. જેના કારણે ખેડૂતોને ઓછી જમીનમાં વાવેતર દ્વારા પણ સારી કમાણી મળી શકે છે. આ હળદર ફેફસાં, લીવર, કેન્સર, વજન ઘટાડવા, તેમજ સ્ત્રી રોગોમાં મુખ્યત્વે વપરાય છે.

Black Turmeric

આ ઉપરાંત વશિષ્ઠ ફાર્મમાં અન્ય શાકભાજી, ફળ સહિતની વસ્તુઓ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. અને અહીં આવતા મહેમાનોને પણ આમાંથી રસોઈ બનાવી પ્રેમથી જમાડવામાં આવે છે. એટલું જ નહીં, તેઓ પોતાની સાથે-સાથે આસપાસના ખેડૂતોને પણ આમ અવનવું કરવા પ્રેરે છે. થોડા સમય પહેલા જ મહેન્દ્રભાઈએ 1000 જેટલા કાળી હળદરના રોપા ખેડૂતોને વિનામૂલ્યે આપ્યા હતા અને ખેડૂતોને પણ કાળી હળદર ઉગાડવા પ્રોત્સાહન આપ્યું હતું.

Farm Tourism

મહેન્દ્રભાઈનો મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રકૃતિ સાથે જોડવા, પર્યાવરણને બચાવવાનો છે. પરંપરાગત કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને ખેતીને સમૃદ્ધ બનાવવી. મહેન્દ્રભાઈ WWOOF INDIA (Worldwide opportunities on organic Farms India) દ્વારા પ્રમાણિત ઓર્ગેનિક ખેડૂત છે.
ભવિષ્ય વિશે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ Planned organic village બનાવવા માંગે છે. જેમાં તમામ વસ્તુઓ પર્યાવરણ અને સ્વાસ્થ્યને લાભદાયક જ હશે. જ્યાં તેઓ રીન્યુએબલ એનર્જી વધુ, સિમેન્ટ કોન્ક્રીટનો ઓછામાં ઓછો ઉપયોગ કરશે. આ ઉપરાંત તેઓ ત્યાં Human Service Center બનાવશે. તેનો ઉદેશ વશિષ્ઠ ફાર્મમાં આવેલ કોઈપણ માણસ પોતાની સમસ્યાઓ ભૂલીને નિજાનંદમાં આવી જશે. ત્યાં યોગ, નેચરોપથી, શારીરિક સ્ફૂર્તિ, શુદ્ધ ભોજન, મનોરંજન, પ્રકૃતિ વિશેનું જ્ઞાન જેવી તમામ પ્રવૃત્તિ કરવામાં આવશે.

Farm Tourism

ફાર્મમાં જ રાખે છે ગીર ગાયો
ફાર્મમાં જ ગીર ગાયો પણ રાખે છે, જેથી અહીં આવતા બધા મહેમાનોને ગાયનું શુદ્ધ દૂધ, દહીં, છાસ, માખણ, ઘી અને સાથે-સાથે ગાયના દૂધમાંથી બનેલ માવાની મિઠાઈઓ મળે છે. તો અહીં જ બનતા છાણીયા ખાતર અને જીવામૃતથી ખેતરમાં ખેતી થાય છે, જેથી ઉત્પાદન પણ બહુ સારું મળે છે.

Farm Tourism

મહેન્દ્રભાઈ વધુમાં જણાવે છે કે વશિષ્ઠ ફાર્મને એક એગ્રો ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવીને આવનારી પેઢીને પ્રકૃતિ સાથે જોડવાનો છે. મહેન્દ્રભાઈ ખુદ યોગમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. વશિષ્ઠ ફાર્મમાં ભારતીયોની સાથે સાથે ઇઝરાયેલ, બેલ્જીયમ અને ઇટલી જેવા દેશોમાંથી ઘણા બધા વિદેશીઓ પણ આવી ચૂક્યા છે અને તેઓ અહીં જ દિવસો સુધી રોકાઈને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. હાલમાં કોવિડના કારણે ફાર્મમાં કોઈને પરવાનગી આપવામાં આવતી ન હતી પણ હવે ઓક્ટોબરથી ફરીથી ચાલુ કરવામાં આવશે.

આટલું જ નહીં, તેઓ અહીં ઑર્ગેનિક રીતે ઊગતી મગફળી, કાળા તલ અને સફેદ તલનું પણ અહીં જ તેલ કાઢે છે.

Nature Farmhouse

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને કરે છે મદદ
દક્ષિણ ગુજરાતમાં આજે પણ આદિવાસીઓ દેશી પદ્ધથીતિ દેશી અનાક, કઠોળ વગેરે વાવે છે, પરંતુ માર્કેટ સુધી તેઓ પહોંચી ન શકતા હોવાથી, તેમને બહુ ઓછા ભાવ મળે છે, અને આ જ કારણે ઘણા ખેડૂતોએ તેમની ઓળખ સમાં અનાજ વાવવાનાં પણ બંધ કર્યાં છે. તો લુપ્ત થઈ રહેલ અનાજ અને કઠોળને બચાવવા માટે પણ તેઓ ખાસ પ્રયત્ન કરી રહ્યા છે, જેમકે બંસી ઘઉં, ડાંગના લાલ ચોખા, ભરૂચની કેસર તુવેરદાળ, બાબારકોટ અને બહુવાની દેશી બાજરી વગેરે ખૂબજ પૌષ્ટિક હોય છે અને શરીર માટે ખૂબજ ફાયદાકારક હોય છે. પરંતુ બહુ ઓછા લોકો આ બધી વસ્તુઓ ક્યાં મળે છે અને તેના શું ફાયદા છે એ અંગે જાણતા હોવાથી, ખેડૂતોને તેમનાં આ ઉત્પાદનોના બહુ ઓછા ભાવ મળે છે. તો મહેન્દ્રભાઈ આવા ખેડૂતોને મદદ કરવા માટે ખેડૂતોને પૂરતા ભાવ આપી તેમની પાસેથી આ બધી વસ્તુઓ ખરીદે છે અને વશિષ્ઠ ફાર્મના ખેડૂતો સુધી તેમને પહોંચાડે છે.

Foreign Tourists

જો તમે પણ વશિષ્ઠ ફાર્મમાં જઈને પ્રકૃતિનો નિજાનંદ માણવો હોઈ તો મહેન્દ્રભાઈનો 70168 13975 પર સંપર્ક કરી શકો છો, અથવા તેમના ફેસબુક પેજ ની પણ મુલાકાત લઈ શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ‘Three Idiots’ સ્ટાઇલ ઈકો ફ્રેન્ડલી સ્કૂલ બનાવી છે બ્રિજેશભાઈએ, આપે છે ભાર વગરનું ભણતર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon