આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 24 વર્ષના એક એવા યુવાનની જેણે પોતાની કારકિર્દી માટે કોર્પોરેટ અથવા સરકારી નોકરીની જગ્યાએ ખેતીને પસંદ કરી છે. અને તે દ્વારા જ અત્યારે લાખોમાં કમાણી કરીને આજના યુવાધન માટે તે એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે.
અહીંયા વાત થઇ રહી છે ગુજરાતના ડીસા તાલુકાના મયુર પ્રજાપતિનની કે જેણે બીએસસી એગ્રિકલચર પૂરું કર્યા પછી ખેતીને જ પોતાના વ્યવસાય તરીકે અપનાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી દ્વારા સારી એવી કમાણી કરી છે. અને આ બાબતે તેને સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રિકલચરલ યૂનીવર્સીટીનાં કૃષિ વૈજ્ઞાનિક યોગેશ પવાર સાહેબની ખુબ મદદ મળી છે. તો ચાલો તે વિશે આગળ થોડું સવિસ્તાર જાણીએ.

પહેલાથી જ નક્કી હતું કે ખેતી જ કરવી છે
મયુર કહે છે કે, કોલેજ કાળ દરમિયાન જ તેને નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં સ્નાતક થયા પછી તે ખેતીને જ પોતાની આજીવિકાનું સાધન બનાવશે. કેમકે કોલેજ સમય દરમિયાન જ તેને બાગાયતી ખેતી તરફ સારો એવો રસ ઉત્પન્ન થયો હતો અને તેથી જ તે બાબતે કંઈક નક્કર કરવા માટે જ સ્નાતક થયા પછી તેને કારકિર્દી માટે બીજો કોઈ રસ્તો પસંદ કરવાની જગ્યાએ ખેતીમાં જ આગળ વધવાનું પસંદ કર્યું.
શરૂઆતમાં કોઈને વિશ્વાસ ન હતો
તે કહે છે કે પરિવાર દ્વારા મને ક્યારેય સીધી રીતે મારા નિર્ણય બાબતે ના નથી કહેવામાં આવી પણ આજના સામાજિક માપદંડો બદલાયેલા છે તો તેમને પણ અંદરથી એવી ઈચ્છા તો હતી જ કે હું ખેતી કરતા બીજી કોઈ દિશામાં મારી કારકિર્દી બનાવું. જયારે બીજા નજીકના મોટા ભાગના લોકોને પણ મારા આ નિર્ણય બાબતે એટલી શ્રદ્ધા ન હતી. પરંતુ પાછળ જતા યોગેશ પવાર સાહેબના માર્ગદર્શનમાં મારી મેહનત રંગ લાવી અને આજે દરેક વ્યક્તિને મારા લીધેલા તે સમયના નિર્ણય પર અને મારા પર વિશ્વાસ થયો.
1 વિઘાથી શરૂઆત કરી
મયુર જણાવે છે કે, જયારે તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે તેણે પોતાની જમીનમાં પરંપરાગત થતી ખેતીમાંથી એક વિઘો અલગ તારવી તેમાં શાકભાજી વાવીને શરૂઆત કરી. વેલાવાળા શાકભાજી જમીનના બદલે માંડવા પદ્ધતિથી ઉગાડવાનું શરૂ કર્યું. તેનાથી પોલિનેશન સારું થયું, રોગ અને જીવાતનું પ્રમાણ ઘટ્યું, અને તેની ગુણવત્તા પણ સુધરી. આમ શરૂઆતમાં તુરીયા અને ત્યારબાદ કરેલાની ખેતી તે રીતે કરી. ધીમે ધીમે જયારે મને સફળતા મળવા લાગી તે પછી પરંપરાગત રીતે થતી ખેતીને ત્યજી સમગ્ર જમીનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યો.

પોતાની જમીન ઓછી હતી તો ઉધેડ લઈને ખેતીનો વિસ્તાર વધાર્યો
તે આગળ જણાવે છે કે ધીમે ધીમે મને ખેતી દ્વારા સારી એવી કમાણી થવા લાગી પરંતુ મારી પાસે જમીન એટલી બધી હતી નહીં તેથી આ સાહસને આગળ વધારવા માટે મેં 40 વીઘા જમીન વર્ષે 1 વીઘાના 24000 રૂપિયાના ભાડા પેટે લીધી અને બીજી 30 વીઘા જમીન પણ એ જ રીતે કંઈક ને કંઈક ભાડું નક્કી કરી ખેતી માટે રાખી.
નિષ્ફળતાનો પણ સામનો કરવો પડ્યો
તે કહે છે કે શરૂઆતમાં અનુભવના અભાવે અને નજીવી ભૂલોના પરિણામે તથા સૌથી વધારે કુદરતી સંજોગોના કારણે સમગ્ર પાક નિષ્ફળ રહ્યો તો થયું કે મેં આ નિર્ણય લઈને ભૂલતો નથી કરીને. ઘણી વખત ધાર્યું પરિણામ ના મળતા નિરાશા પણ ઘર કરી જતી હતી છતાં હું પુરી શ્રદ્ધા સાથે આગળ કંઈક સારું થશે તે આશયે મંડ્યો રહ્યો જેનું પરિણામ આજે મને સારું એવું મળી રહ્યું છે.

વાવે છે વિવિધ પ્રકારના પાક
મયુર જણાવે છે કે તે પોતાના ખેતરમાં ક્યારેય બે કે ત્રણ પાક વાવીને તેના પર ભરોસો નથી રાખતો પરંતુ તે એક જ સાથે વિવિધ પાકોને નિશ્ચિત વીઘામાં વાવી ને કોઈ એક પાકના નિષ્ફળ જવાની સામે કે તેના અનુમાનિત ઉત્પાદનના ઘટાડાની સામે અલગ અલગ પ્રકારના પાક વાવી પોતાની આવકને જાળવી રાખે છે. આ વખતે તેણે ફક્ત દક્ષિણ ગુજરાતમાં નિર્યાત માટે ઉગાડવામાં આવતી મરચીની G4 વેરાયટી પણ પોતાના ખેતરમાં 7-8 વીઘામાં વાવી છે અને તે સફળ રીતે ઉગીને તૈયાર થાય તેના માટે મહેનત કરી રહ્યો છે જો આ સફળ થઇ જશે તો આ વિસ્તારના ખડુતોને ઘણો સારો એવો લાભ મળી રહેશે. આ સિવાય તે પપૈયા, ફુલાવર, કોબીજ, બટેટા, મગફળી, રીંગણ, શક્કરટેટી, કેપૅસીકમ, ગલગોટા વગેરે વાવે છે.

માર્કેટ સમજીને કરે છે ખેતી જેથી નફો વધારે મળે છે
તે માર્કેટમાં બીજા ખેડૂતો દ્વારા લાવતા ફળ કે શાકભાજીના નિશ્ચિત સમયગાળા કરતા 15 દિવસ વહેલા જ પોતાના ફળ ન ઉતારી તેનું માર્કેટમાં ઊંચા ભાવે વેચાણ કરી દે છે અને તેથી જ મયુર કહે છે કે મારુ માનવું છે જો અમુક ખેડૂત આગોતરું ઉગાડી, અમુક ખેડૂતો વચ્ચે ઉગાડી અને અમુક ખેડૂતો પાછોતરું ઉગાડી પોતાનો માલ માર્કેટમાં મૂકે તો ક્યારેય ફુગાવા જેવી સ્થિતિ ના સર્જાય અને ખેડૂતોને જોઈતો ભાવ પણ મળી રહે.
વાવણી માટે ધરૂ સારા ન મળતા પોતાની નર્સરી બનાવી
મયુર આગળ જણાવે છે કે અમે જયારે શાકભાજી કે ફળોની વાવણી માટે ધરું લાવતા તો તે ધરું ખુલ્લા વાતાવરણમાં ટકી ના શકતા કેમકે તેને ગ્રીન હાઉસમાં કંટ્રોલ કન્ડિશનમાં તૈયાર કરવામાં આવતા હતા. અને ક્યારેક તો ઘણી નર્સરીઓ દ્વારા ખુબ ખરાબ ધરું ખેડૂતોને આપીને છેતરવામાં પણ આવતા. તેથી અમે અમારી રીતે જ એક નર્સરીની સ્થાપના કરીને તેમાં સફેદ નેટ હાઉસમાં ધરું ઉછેરવાનું શરૂ કર્યું કારણ કે સફેદ નેટ હાઉસમાં તાપમાન ઊંચું રહે છે જેથી જે ધરું તૈયાર થાય તે ખુલ્લા ખેતરમાં ટકી શકવા માટે સક્ષમ હોય છે. અને આ નર્સરી સ્થાપવાનો હેતુ એ જ રહ્યો કે ખેડૂતોને સારા એવા ધરું માર્કેટ કરતા ઓછી કિંમતે મળી રહે. અમે આ ધરૂની ખેડૂતોના ઘર સુધી હોમ ડિલિવરી પણ કરીએ છીએ.
છેલ્લે તે જણાવે છે કે મેં રાસાયણિકથી શરૂઆત કરી હતી અને હવે ધીરે ધીરે રાસાયણિક ને જૈવિક બંનેના સમન્વય દ્વારા મિક્સ પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું જેમાં અત્યારે મારુ વાર્ષિક ટર્ન ઓવર લગભગ 45 લાખની આસપાસ છે.

જો તમે મયુર સાથે ખેતી વિષયક જાણકારી લેવા ઇચ્છતા હોવ તેમજ તેના દ્વારા બનાવવામાં આવતા વિવિધ પાકોના ધરું ખરીદવા ઇચ્છતા હોવ તો તેનો 7016304539 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કૉલેજ ડ્રોપઆઉટ પાટણના યુવાને બનાવી ગુજરાતની શ્રેષ્ઠ નર્સરીઓમાંની એક, કમાણી લાખોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.