વર્તમાન સમયની ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક દવાયુક્ત બની ગઈ છે. દરેક ખેડૂતને ખેતીમાં ખર્ચો વધારે કરવો પડે છે જેથી નફાનું પ્રમાણ ઓછુ રહે છે. તેમાં પણ જો પાકમાં જીવાત આવી જાય તો સંપૂર્ણ પાક ફેલ જાય છે. જેથી વર્તમાન ખેડૂતે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની તૈયારી દર્શાવવી જોઈએ. જોકે, ઘણા ખેડૂતો આ તરફ પહેલ પણ કરી ચૂક્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રની આવી જ એક મહિલા ખેડૂતની જે આજે પ્રાકૃતિક ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે.
આપણે વાત કરી રહ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામમાં આવેલ ‘શ્રી કૃષ્ણ વિરાણી પ્રાકૃતિક ફાર્મ’ના મહિલા ખેડૂત રેખાબેન રમેશભાઈ વિરાણી. જે છેલ્લા 2 વર્ષથી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને વિવિધ પાકોનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે. જેમાં તેમને ઘણો ફાયદો પણ મળી રહ્યો છે. જણાવી દઈએ કે, તેઓ પ્રાકૃતિક ખેતની સાથે પશુપાલન પણ કરી રહ્યા છે.

કેવી રીતે આ ખેતી તરફ વળ્યા?
રેખાબેનનું કહેવુ છે કે, રાસાયણિક ખેતીમાં ખર્ચાઓ ખૂબ જ વધી જાય છે. કારણ કે, DAP, SAP ખાતર, દવાઓનો છંટકાવ વગેરે વધી જાય છે. સાથે જ રાસાયણિક ખેતીથી જમીન ખૂબ જ તાંબડી એટલે કે કઠણ થઈ જાય છે. જેનાથી પાક પણ સારો ઉતરતો નથી. જેની સરખામણીમાં ઓર્ગેનિક ખેતીથી અમે ખર્ચ મુક્ત થયા છીએ અને જમીન પણ ફળદ્રુપ અને ખૂબ જ સારી બની ગઈ છે. જેથી પાક પણ વધારે સારો મળે છે. જણાવી દઈએ કે, ઓર્ગેનિક ખેતીમાં પાણીનું પ્રમાણ ઘણુ ઓછુ જોઈતું હોવાથી વરસાદ ઓછો હોય ત્યારે પણ ઉત્પાદન સારુ મળી રહે છે. જોકે, ઓર્ગેનિક ખેતીમાં ખર્ચો બચ્યો છે પણ મેહનત વધી છે. વળતરમાં ઘણો ફરક પડ્યો કારણ કે, ખાતર અને દવાનો ખર્ચ આવતો નથી. પહેલાની સરખામણીમાં 70 ટકા જેવુ ફાયદાકારક છે.
ઓર્ગેનિક ખેતીનો વિચાર શા માટે આવ્યો ?
રેખાબેનને જ્યારે પૂછવામાં આવ્યુ કે, તેમને આ ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તો તેમણે કહ્યુ કે, દેશી ખાતર જેવું બીજુ કોઈ ખાતર કામ કરી શકે નહી. તેમણે જ્યારે સુભાષ પ્રાકૃતિક ખેતીના વીડિયો જોયા ત્યારે તેમને આઈડિયા આવ્યો કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. જેથી તેમણે બે વર્ષ પહેલા પોતાના ખેતરમાં લસણ, મેથી, ગાજર, વગેરેનું વાવેતર કર્યુ અને સારુ પણ રિઝલ્ટ મળ્યું જેથી તેઓ આ ખેતી તરફ આગળ વધ્યા. જણાવી દઈએ કે, રેખાબેન સંયુક્ત કુટુંબમાં રહે છે અને ઘરમાં નાના-મોટા 13 લોકો છે. જેમાં રેખાબેન તેમના પતિ અને દિયર-દેરાણી ગામડે રહે છે અને તેમના દિકરા અને વહુ સુરત સ્થાયી થયા છે. ખેતીનું સંપૂર્ણ કામ રેખાબેન તેમના પતિ અને દિયરર-દેરાણી મળીને કરે છે. રેખાબેનનું કહેવુ છે કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘણો ઓછો થાય છે પણ મહેનત ખૂબ જ કરવી પડે છે.

પહેલા રેખાબેન અને તેમના પતિ બધા ખેડૂતોની જેમ સાદી ખેતી જ કરતા હતા પણ પ્રાકૃતિક ખેતી એટલે કે, ગાય આધારિત ખેતી કરવા માટે તેમણે 6 ગાય પાળી છે. જોકે, પહેલા એક ગાય અને એક ભેંસ હતી જેમાંથી તેમણે ભેંસને વહેંચી દીધી અને બાદમાં નવી 5 ગાય લીધી. તેમની પાસે 40 વીઘા ઘરની જમીન છે અને બાકીની જમીન વાવવા માટે રાખે છે. આ બધામાં તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે.
જીવામૃત કેવી રીતે બનાવો છો?
જીવામૃત બનાવવા માટે સૌ પ્રથમ 10 કિલો દેશી ગાયનું છાણ, 10 લીટર ગૌમુત્ર, 1 કિલો દેશી ગોળ, 1 કિલો કોઈપણ કઠોળના જેના બે ફાડા થતા હોય તેનો લોટ. જોકે, ચણાનો લો તો વધારે સારુ. આ બધાનું રાબડુ કરી બાદમાં 200 લિટરના બેરલમાં ઠાલવી તેમાં પાણી નાખવાનું. જોકે, બેરલને 6 આંગળ જેટલુ અધુરુ રાખવાનું. બાદમાં લાકડીથી ઘડીયાળના કાંટે હલાવવાનું. સાથે જ તેમાં બંજર જમીન હોય તેમાં ઉગેલ વડલા કે બોરડીની નીચેની ધુળ નાખવાની. મૃત બેક્ટેરિયાને આમાં નાખો તો તે પણ જીવીત થાય અને ગોળ અને લોટ તેનો ખોરાક થાય. દરરોજ સવાર-સાંજ 5-5 મિનિટ લાકડીથી ઘડીયાળના કાંટે હલાવવાનું. જીવામૃતમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. જણાવી દઈએ કે, ગરમીની સીઝનમાં 4 થી 5 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જાય છે પણ ઠંડુ વાતાવરણ હોય તેમાં 2 દિવસ વધારે લાગે છે. બાદમાં જે તૈયાર થાય તેને જીવામૃત કહેવામાં આવે છે. જીવામૃત પાકે એટલે છાણ બધુ નીચે બેસી જાય અને સુગંધ આવવા લાગે છે.
આંકડાનો બોળો
ત્યારબાદ આંકડાનો બોળો જેને પોટાશ ખાતરની જગ્યાએ વાપરવામાં આવે છે. જેમાં આંકડાને કાપી કટિંગ કરી નાખવાનું અને બાદમાં તેને પલાળી નાખવાનું લીલો રસ થઈ જાય એટલે તેનું ડ્રીપમાં ડ્રેસિંગ કરવાનું. સાંસની બાજુમાં ધાર કરી દેવાનું.
ક્યાં-ક્યાં પાકનું ઉત્પાદન લીધું છે?
રેખાબેને આ વર્ષે 14 વીઘામાં 20 નંબરની મગફળી, દોઢ વીઘામાં હળદર અને મરચી, 10.5 વીઘાની શેરડી, બાકીની જમીનમાં કપાસ અને ગાયો માટેનું ઘાસ પ્રાકૃતિક રીતે જ વાવેતર કરેલુ છે.
કેવી રીતે કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી?
પ્રથમ ઓર્ગેનિક ખેતીમાં હંમેશા જીવામૃતનો છંટકાવ કરવાનો હોય છે. જેમાં દવાની અને ખાતર બંનેની જગ્યાએ જીવામૃતનો ઉપયોગ કરવાનો હોય છે. પ્રાકૃતિક ખેતી માટે વીડિયો જોવે છે અને આજુબાજુના ગામમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેમને ફોન કરી સલાહ લઈ કામ કરે છે.

પાકમાં રોગ-જીવાત આવે તો શું કરો?
પાકમાં જ્યારે વધારે ઈયળ આવે ત્યારે દસવરણીનો છંટકાવ કરવામાં આવે છે. દસવરણી એટલે જેને પશુ-ઢોરના ખોરાક તરીકે ઉપયોગ કરવામાં ન આવતો હોય તેવી વનસ્પતિના પાંદડા જેમ કે, સીતાફળ, ઝમરૂખ, આંકડો વગેરે. દસવરણીમાં 10 પ્રકારના પાંદડા લઈ તેની ચટણી બનાવવાની અને તેને ગૌમુત્ર સાથે ઉકાળી તેની દવા બનાવવાની, જેને દસવરણી કહેવામાં આવે છે.
છાણ, મૂત્ર અને દૂધનો શું-શું ઉપયોગ કરે છે?
રેખાબેન જણાવે છે કે, તેઓ ગાયોનું છાણ, ગૌમુત્ર, છાસ વગેરેને વેચવાની જગ્યાએ પોતાના ખેતરમાં ખાતર તરીકે જ ઉપયોગ કરે છે. ગાયોના દુધમાંથી ઘી બનાવી લોકોને વહેંચી દેવામાં આવે છે. તેઓ પોતાના પાકને સીધા લોકો અને માર્કેટિંગ યાર્ડમાં પણ વહેંચવામાં આવે છે. આ વર્ષે તેમને હળદરનો પાવડર બનાવી વેંચવાની તૈયારી છે. જોકે, લીલી હળદરના પણ જો સારા ભાવ મળે તો તેનું પણ વહેંચાણ કરશે,
રેખાબેનનું કહેવુ છે કે, જે વર્ષે વરસાદ ઓછો થાય ત્યારે પ્રાકૃતિક ખેતી સારી ઉપજ આપે છે. તેમનું એ પણ માનવું છે કે, વિવિધ જગ્યાએ મોટા-મોટા ચેકડેમ બાંધી વરસાદી પાણી એકઠુ કરવા કરતા બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. કારણ કે, ચેકડેમ બાંધવા અને પ્રાકૃતિક ખેતી કરવી બંને સરખું છે.
લોકોના અભિપ્રાય
રેખાબેનનું કહેવું છે કે, તેમને આ ખેતી કરતા જોઈ બીજા લોકો પણ વખાણ કરી રહ્યા છે. કારણ કે, આ પ્રકારની ખેતીનું ઉત્પાદન શુદ્ધ હોય છે જેથી રોગ થવાની સંભાવના પણ ઓછી રહે છે.
જો તમે પણ ઓર્ગેનિક હળદર, મગફળી, શેરડી, મરચું વગેરે ખરીદવા ઈચ્છતા હોવ તો, 9979778896 નંબર પર કોલ કરી ઓર્ડર આપી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દુબઈથી પાછા ફરીને શરૂ કરી જૈવિક ખેતી, યાત્રિઓ માટે બનાવ્યુ 400 વર્ષ જૂના ઝાડ ઉપર ટ્રી હાઉસ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.