ગુજરાતનો કચ્છ પ્રદેશ જેટલો સુંદર છે, તેટલું જ સુંદર અહીંનું ભરતકામ અને વણાટ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે અગાઉ કચ્છના ઘણા વણાટ પરિવારોમાં મહિલાઓને વણાટ કરવાની છૂટ નહોતી? પરિવારના પુરુષો વણાટ કરતા હતા જ્યારે સ્ત્રીઓ બાળકો અને ઘરના કામકાજ સંભાળતી હતી. પરંતુ સમય સાથે ઘણું બદલાઈ ગયું છે. આજે અમે તમને કચ્છની આવી જ એક મહિલા કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે.
આ કહાની કચ્છથી 35 કિમી દૂર આવેલા કોટાય ગામના રાજીબેન વણકરની છે. વણકર પરિવારમાં જન્મેલા રાજીબેન કચ્છની કળાને તદ્દન નવું સ્વરૂપ આપી રહ્યા છે. જો કે કચ્છની કળામાં વણાટ અને ભરતકામ સામાન્ય રીતે રેશમ અથવા ઊનના દોરાથી કરવામાં આવે છે, પરંતુ રાજીબેન પ્લાસ્ટિકના વેસ્ટમાંથી વણાટનું કામ કરે છે.
રાજીબેન પ્લાસ્ટીકના કચરામાંથી વણાટ કરીને ઘણા બધા પ્રોડક્ટ્સ બનાવી રહી છે. તેમના ઉત્પાદનોનું મુંબઈ અને બેંગ્લોરમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. ભલે આજે દરેક જગ્યાએ તેના ઉત્પાદનોના વખાણ થઈ રહ્યા છે, પરંતુ અહીં સુધી પહોંચવાની તેમની સફર સરળ રહી નથી.

પિતાથી છુપાઈને શીખ્યા વણાટનું કામ
કચ્છના વણકર પરિવારમાંથી આવતા, રાજીબેનના પિતા વ્યવસાયે ખેડૂત હતા, પરંતુ તેમના પરિવારના બાકીના પુરુષ સભ્યો વણાટકામ કરતા હતા. રાજીબેનના પિતા ખેતી દ્વારા ભાગ્યે જ પરિવારનું ભરણપોષણ કરી શકતા હતા. આવી સ્થિતિમાં રાજીબેન હંમેશા ઈચ્છતા હતા કે તેણી વણાટ શીખે અને પિતાને મદદ કરે.
તેમણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “અમે છ ભાઈ-બહેન છીએ. બે મોટી બહેનોના લગ્ન પછી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે સમયે, હું મારા પિતાથી છુપાઈને મારા પિતરાઈ ભાઈઓ પાસેથી વણાટ શીખવા જતી હતી, પરંતુ મારા લગ્ન પણ 18 વર્ષની ઉંમરે થઈ ગયા હતા અને હું મારા પિતાને મદદ કરી શકી ન હતી.”
મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામમાં આવ્યું કૌશલ
લગ્ન બાદ રાજીબેને ફરી વણાટ કામમાં જોડાવાના સપના જોવાનું બંધ કરી દીધું હતું. તેના જીવનનું સંઘર્ષ વધતુ જતું હતું. 2008માં, લગ્નના 12 વર્ષ પછી, તેના પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. જે બાદ તેમના ત્રણ બાળકોની જવાબદારી રાજીબેન પર આવી ગઈ. જીવનના એ મુશ્કેલ દિવસોને યાદ કરતાં તે કહે છે, “મારા પતિના મૃત્યુ પછી મને ઘરની બહાર કામ કરવાની છૂટ નહોતી. ઘરમાં ખાવા પીવાની અછત હતી. પછી મારી મોટી બહેને મને અવધનગર બોલાવી અને મને એક કંપનીમાં મજૂર તરીકે નોકરી પણ અપાવી જેથી હું મારા બાળકોનું પાલન-પોષણ કરી શકું.”
રાજીબેને લગભગ બે વર્ષ સુધી મજૂર તરીકે કામ કર્યું. પણ કહેવાય છે કે જો તમારામાં આવડત હશે તો અમુક સમયે તમને આગળ વધવાનો રસ્તો મળી જશે. રાજીબેન સાથે પણ એવું જ થયું. 2010માં, તેણી અવધનગરમાં કુકમાની ‘ખમીર’ નામની સંસ્થામાં જોડાઈ, જ્યાં વણાટનું કામ કરવામાં આવતું હતું. 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આ સંસ્થા આ વિસ્તારના કલાકારો માટે કામ કરી રહી છે. આ સંસ્થા મહિલા વણકરોને વિશેષ કામ આપે છે. રાજીબેને આ તકનો લાભ લીધો અને સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું. રાજીબેન વૂલન શાલ બનાવવાની સંસ્થામાં કામ કરતા. જેના માટે તેને મહિને 15000 રૂપિયાનો પગાર મળતો હતો.
રાજીબેન કહે છે, “મને અન્ય મહિલાઓને પણ વણાટ શીખવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ખમીર સંસ્થામાં જોડાઈને, મેં ઘણા પ્રદર્શનો અને વર્કશોપમાં ભાગ લીધો. સંસ્થાએ મને લંડન પણ મોકલી હતી.”

ફ્રેન્ચ ડિઝાઇનરે પ્લાસ્ટિક વણાટ શીખવ્યું
દેશ-વિદેશના અનેક ડિઝાઇનરો કચ્છની કળા જોવા અને શીખવા આવતા. 2012માં, ફ્રેન્ચ ડિઝાઇનર Katell Gilbertએ ખમીરની મુલાકાત લીધી. તે રાજીબેનના કામથી પ્રભાવિત થયા અને તેમને વેસ્ટ પ્લાસ્ટિક વણાટ શીખવ્યું.
રાજીબેને Katell પાસેથી શીખીને પ્લાસ્ટિક વણાટ કરવાનું શરૂ કર્યું. તેણે વર્ષ 2018માં લંડનમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનેલા ઉત્પાદનો સાથે એક પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો.
લંડનથી આવ્યા પછી રાજીબેને વિચાર્યું કે હવે પોતાનું કામ જાતે જ કરવાનું શરૂ કરી દેવું જોઈએ એટલે સંસ્થામાં કામ કરવાનું છોડી દીધું.

તમે તમારી પોતાની બ્રાન્ડ કેવી રીતે શરૂ કરી?
જોકે રાજીબેનને કચ્છની કળાનું સંપૂર્ણ જ્ઞાન હતું, પરંતુ માર્કેટિંગ કેવી રીતે કરવું તે આવડતું ન હતું. દરમિયાન તેનો અમદાવાદના નિલેશ પ્રિયદર્શી સાથે સંપર્ક થયો હતો. નિલેશ ‘કારીગર ક્લિનિક’ નામની બિઝનેસ કન્સલ્ટન્સી ચલાવે છે.
નિલેશ કહે છે, “કારીગર ક્લિનિક એ એક સોશિયલ એન્ટરપ્રાઈઝ છે જેમાં અમે કલાકારોને પોતાની ઓળખ બનાવવામાં મદદ કરીએ છીએ. અમે રાજીબેન વિશે જાણતા હતા, તેમની પ્લાસ્ટિકની વણાટ ખૂબ સારી છે. જ્યારે અમને ખબર પડી કે તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, ત્યારે અમે તેમને મદદ કરવાનું નક્કી કર્યું.”
વર્ષ 2019થી, તેઓ રાજીબેનના પ્લાસ્ટિકના કચરામાંથી બનાવેલ ઉત્પાદનો દેશભરમાં પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. લોકડાઉન પહેલા તેણે રાજીબેનને મુંબઈમાં કાલા ઘોડા ફેસ્ટિવલમાં ભાગ લેવા પણ મોકલ્યા હતા. લોકડાઉન દરમિયાન, તેણે આ ઉત્પાદનોનું ઑનલાઇન વેચાણ પણ શરૂ કર્યું.
તો, તાજેતરમાં રાજીબેન પણ બેંગ્લોરમાં એક પ્રદર્શનમાં ભાગ લેવાના હતા, જેમાં તેણે એક લાખ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

પ્લાસ્ટિકના કચરામાંથી ઉત્પાદનો કેવી રીતે બને છે?
રાજીબેન સાથે હાલમાં 30 મહિલાઓ કામ કરી રહી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો લાવવાનું કામ આઠ મહિલાઓ કરી રહી છે. મહિલાઓને એક કિલો પ્લાસ્ટિકના કચરા માટે 20 રૂપિયા મળે છે. આ રીતે ભેગો થતો પ્લાસ્ટિકનો કચરો પહેલા ધોઈને સૂકવવામાં આવે છે. જે બાદ તેને રંગોના આધારે અલગ કરવામાં આવે છે. પછી આ પ્લાસ્ટિકને કાપીને દોરા બનાવવામાં આવે છે. જે પછી વણાટનું કામ થાય છે. તેઓ એક થેલી બનાવવા માટે લગભગ 75 પ્લાસ્ટિકની થેલીઓ રિસાયકલ કરે છે.
પ્લાસ્ટિક ધોવા માટે મહિલાઓને કિલોદીઠ 20 રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે કટિંગ કરતી મહિલાઓને કિલોદીઠ 150 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમજ મહિલાઓને એક મીટરની શીટ બનાવવા માટે 200 રૂપિયા આપવામાં આવે છે.
હાલમાં તે લગભગ 20 થી 25 પ્રોડક્ટ્સ બનાવી રહી છે, જેની કિંમત 200 થી 1300 રૂપિયા સુધીની છે.
રાજીબેન સાથે કામ કરનાર જીવી બેન કહે છે, “હું પહેલા કપાસ વણાટ કરતી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન રાજીબેને મને કામ આપ્યું, ત્યાર બાદ હું એ જ ટેકનિકથી પ્લાસ્ટિક વેસ્ટ મેટ્સ બનાવી રહી છું. હું અહીં મહિને ચાર હજાર રૂપિયા કમાઉ છું.”
આજે રાજીબેન આ મહિલાઓને રોજગાર તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં મદદ કરી રહ્યા છે.
જો તમે રાજીબેનના ઉત્પાદનો વિશે વધુ જાણવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આંગણમાં જૈવિક શાકભાજી વાવી નવસારીનાં બહેન મહિને કમાય છે 12 હજાર, દીકરીને ભણાવવાની મહેનત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.