ભીલવાડા (રાજસ્થાન) ના આદિત્ય ભટનાગરની આમ તો ઉંમર માત્ર 17 વર્ષ છે, પરંતુ તેમના વ્યવસાય સાથે પર્યાવરણ બચાવવાનો તેમનો પ્રયાસ તેમને અન્ય ટીનએજનાં બાળકોથી અલગ બનાવે છે. આ નાની ઉંમરે, તેણે પોતાનું સ્ટાર્ટઅપ ટ્રેશ ટુ ટ્રેઝર શરૂ કર્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ કચરામાંથી ખજાનો છે.
આ સ્ટાર્ટઅપમાં, તે દરરોજ 10 ટન કચરાને રિસાયકલ કરે છે, તેમાંથી ફેબ્રિક બનાવે છે અને આ ફેબ્રિક કંપનીઓને આગળ વેચવામાં આવે છે જેથી તેમાંથી કપડાં બનાવી શકાય.
આદિત્યએ ધ બેટર ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “કચરામાંથી કાપડ બનાવવાની આખી પ્રક્રિયામાં એકથી બે દિવસનો સમય લાગે છે, પરંતુ આ ટેકનીક દ્વારા તૈયાર કરેલું ફેબ્રિક સામાન્ય સુતરાઉ કાપડ કરતાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે.” આદિત્ય રાજસ્થાનની માયો કોલેજમાં 12માં ધોરણનો વિદ્યાર્થી છે.
તેમણે જાન્યુઆરી 2021માં તેમની કંપની ટ્રેશ ટુ ટ્રેઝર લોન્ચ કરી હતી. આજે, તે દરરોજ 10 ટન કચરાને રિસાયકલ કરી રહી છે, તેમાંથી કપડાં તૈયાર કરી રહ્યા છે.
કેવી રીતે શરૂ થઈ ટ્રેશ ટૂ ટ્રેઝરની સફર?
આદિત્યનો આખો પરિવાર કાપડ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બે વર્ષ પહેલા આદિત્ય તેના કાકા સાથે બિઝનેસના સંબંધમાં ચીન ગયો હતો. તેના કાકા ‘કંચન ઇન્ડિયા લિમિટેડ’ના માલિક છે. ત્યાં જઈને આદિત્યએ કાપડ બનાવવાની ઘણી નવી મેન્યુફેક્ચરિંગ ટેકનિક વિશે માહિતી ભેગી કરી હતી.

આદિત્ય કહે છે, “આ સમય દરમિયાન મેં એક એકમ જોયું જે પ્લાસ્ટિકના મોટા કચરાને ફેબ્રિકમાં રૂપાંતરિત કરી રહ્યું હતું. આ માત્ર લેન્ડફિલમાં વધતા કચરાના જથ્થાને ઘટાડી રહ્યું ન હતું, પરંતુ વધુ સારી ગુણવત્તાના કાપડનું ઉત્પાદન પણ કરી રહ્યું હતું. આનાથી સ્થાનિક સ્તરે લોકો માટે રોજગારીની તકો પણ વધી હતી.”
વર્ષ 2019માં પ્રકાશિત થયેલા એક અહેવાલ વિશે વાત કરતા, એક અંદાજ મુજબ 3.3 મિલિયન મેટ્રિક ટનથી વધુ કચરો સમગ્ર ભારતમાં લેન્ડફિલ્સ સુધી પહોંચી ગયો છે. આદિત્ય પોતાના બિઝનેસ દ્વારા પર્યાવરણ પરનો ભાર ઘટાડવા માંગતો હતો. તે સમયે તે 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
પરિવારે બતાવ્યો યુવાન વિચાર પર વિશ્વાસ
ભારત પાછા આવ્યા બાદ આદિત્યએ તેના પરિવારને પ્લાસ્ટિકમાંથી ફેબ્રિક બનાવવા વિશે જણાવ્યું હતું. તે આ વ્યવસાય શરૂ કરવા માંગતો હતો. તેના કાકા અને પિતાને આ વિચાર ગમ્યો અને તેના માટે તેમની સંમતિ આપી. તે પછી આદિત્યએ એક વિદેશી કંપની સાથે મળીને ભીલવાડામાં ઉત્પાદન એકમ સ્થાપ્યું.
તેમણે જણાવ્યુ,”આ પ્રોજેક્ટમાં ભાગીદાર કંપની કંચન ઇન્ડિયા લિમિટેડે નાણાંનું રોકાણ કર્યું છે અને હાલમાં અમે તે જ કંપની માટે ફેબ્રિક બનાવી રહ્યા છીએ.”
જ્યારે જાન્યુઆરી 2021માં લોકડાઉન હળવું કરવામાં આવ્યું ત્યારે આદિત્યએ ભારતભરમાંથી પ્લાસ્ટિકનો કચરો સોર્સિંગ કરવાનું શરૂ કર્યું. આગળ, તેમણે તેમના વિસ્તારમાં સ્થાનિક વેસ્ટ કલેક્શન કેન્દ્રનો સંપર્ક કર્યો અને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પીઈટી ગ્રેડ પ્લાસ્ટિક ખરીદવાનું શરૂ કર્યું.

કચરાને રિસાઈકલ કરવાનું
એકવાર કચરો એકમ સુધી પહોંચ્યા પછી, તમામ પ્લાસ્ટિક લેબલો પહેલા દૂર કરવામાં આવે છે અને પછી સાફ કરવામાં આવે છે અને સૂકવવા માટે છોડી દેવામાં આવે છે. પછી પ્લાસ્ટિકને ઝીણા ટુકડાઓમાં કાપીને ઓગાળવામાં આવે છે જેથી ઝેરી રસાયણો દૂર થાય. આ પીગળેલા પ્લાસ્ટિક, જેને પ્લાસ્ટિક ફિલામેન્ટ પણ કહેવામાં આવે છે, તે ઠંડુ થાય ત્યારે ફાઈબર બને છે.
આદિત્ય કહે છે, “ફાઇબરને કાંતીને દોરો બનાવવામાં આવે છે અને પછી તેને કપાસની સાતે મિક્સ કરીને ફેબ્રિક બનાવવામાં આવે છે. અમે આ ફિનિશ્ડ ફેબ્રિકને કંપનીઓને આગળ વેચીએ છીએ, જેથી તેમાંથી કાપડ બનાવી શકાય.
જોકે, પ્લાસ્ટિકનો કચરો ખરીદવો તેમના વ્યવસાય માટે મોંઘો સોદો સાબિત થઈ રહ્યો છે. પરંતુ આદિત્યએ આ માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.
હવે તે લોકો સાથે સીધો સંપર્ક કરી રહ્યો છે અને તેમને અપીલ કરી રહ્યો છે કે તેઓ યુનિટમાં પ્લાસ્ટિક મોકલે જેથી તેઓ તેને રિસાઇકલ કરી શકે. આદિત્યએ કહ્યું, “પ્લાસ્ટિક PET ગ્રેડનું હોવું જોઈએ. પરંતુ તમારે તેને સાફ કરવાની કે ધોવાની જરૂર નથી. એ બધુ અમારું કામ છે. તમે તેને સીધા અમારા યુનિટમાં મોકલી શકો છો, જ્યાં અમે તેમાંથી દોરો બનાવીશું.”
જો તમે તમારા કચરાના પ્લાસ્ટિકને ‘ટ્રેસ ટુ ટ્રેઝર’માં જમા કરવા માંગતા હો, તો તમે તેના માટે આદિત્યનો સંપર્ક કરી શકો છો. તેમનું સરનામું છે:- A 110, શાસ્ત્રીનગર, ભીલવાડા, 311001 રાજસ્થાન. અથવા તમે તેમના ઇન્સ્ટાગ્રામ પેજની મુલાકાત લઈને સંબંધિત માહિતી મેળવી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ખેતીની પરાલીમાં વાવ્યા ઑર્ગેનિક મશરૂમ અને તેના વેસ્ટમાંથી બનાવ્યાં ઈકો ફ્રેન્ડલી વાસણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.