કોઈપણ સમાજમાં શિક્ષકોનું મહત્વ ખૂબ જ હોય છે. કારણ કે, શિક્ષકો જ સમાજને સારા નાગરિક તૈયાર કરી આપે છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોમાંથી ઘણી પ્રેરણા મેળવે છે અને વિદ્યાર્થીઓમાં નવું નવું શીખવાની ભૂખ જગાડે છે. સમાજના ભવિષ્યને એક નવી દિશા આપે છે.આવા જ એક શિક્ષક છે જે સમાજને એક નવી રાહ ચિંધી રહ્યા છે અને 21મી સદીમાં પર્યાવરણને બચાવવા માટે પોતાનું જીવન પ્રકૃતિના નામે કરી દીધુ છે. આપણે વાત કરી રહ્યા છીએ બોટાદ તાલુકાની નાગલપર કેન્દ્રવતિ શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી દિગ્વિજયસિંહ ચુડાસમાની. તેઓ છેલ્લા 30 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરાવે છે. રિટાયર્ડ થવામાં માત્ર 3 વર્ષ બાકી છે તો પણ આજે તેઓ એક સ્ફૂર્તિવાન માણસ છે અને પોતાની આ એનર્જીને પ્રકૃતિ બચાવવામાં વાપરી રહ્યા છે.
ઉલ્લેખનિય કે, દિગ્વિજયભાઈને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોવાથી નોકરી મળ્યા બાદ નવરાશના સમયમાં ફુલ-છોડ ઉછેરવાની પ્રવૃતિ શરૂ કરી દીધી હતી. બાદમાં આ છોડને મફત વિતરણ પણ કરતા હતા. આ પ્રવૃતિ અવિરત ચાલુ રહી અને બોટાદમાં ટ્રાંસફર મળ્યા બાદ તો આ સેવાકાર્યમાં મોટો વધારો જોવા મળ્યો. નોંધપાત્ર છે કે, દિગ્વિજયભાઈ દર વર્ષે લગભગ 1500 થી 1600 વૃક્ષોને ઉછેરે છે અને તેનું વિનામુલ્યે વિતરણ કરે છે. તેમને 30મી ડિસેમ્બર 2020ના રોજ ગોલ્ડન બૂક ઓફ વલ્ડ રેકોર્ડ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

કેવી રીતે વિચાર આવ્યો?
પર્યાવતણ ભણ્યા છે અને અત્યારે બાળકોને ભણાવે પણ છે. સાથે ટીવી અને અખબારમાં પણ વાંચવા મળે છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણને કેટલી ખરાબ અસર થાય છે. છાયા-તડકાનો અનુભવ પણ થઈ કર્યો છે. તેઓ જણાવે છે કે, સરકાર અત્યારે શરીરના કુપોષણની વાત કરે છે પરંતુ અત્યારે તેના કરતા પણ વધારે હવાનું કુપોષણ ખૂબ જ ભયંકર છે. જેને દૂર કરવાની આ એક પહેલ કરી છે ને આ નજીવા પ્રયત્નો છે. કુદરત પાસેથી આપણે ખૂબ જ લીધુ છે તેથી આપણાથી થઈ શકે તેટલુ કરી શકીએ.
સારી વાત એ છે કે, દિગ્વિજયસિંહને આ બધા છોડ ઉછેરવામાં એકપણ રૂપિયાનો ખર્ચ થતો નથી કારણ કે, તેઓ મોટાભાગે દુધની વેસ્ટ કોથળી, નાસ્તાની કોથળી, વેફર્સની કોથળી જેવી પ્લાસ્ટિકની કોથળીમાં પ્રકૃતિક રીતથી જ પ્લાન્ટ્સનો ઉછેર કરે છે. તેઓ બજારમાંથી એકપણ રૂપિયાની વસ્તુ ખરીદી કરી લાવતા નથી. છોડના બીજ પણ તેઓ વનવગડામાં જાતે જઈ વીણી લાવે છે અને તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, દિગ્વિજયસિંહ જ્યારે પણ રસ્તામાં ચાલ્યા જતા હોય અને તેમને કોઈ વેસ્ટ પ્લાસ્ટિકની કોથળી કે પાણીનું પાઉચ દેખાય તો તેઓ સીધુ જ વીણી લે છે અને શાળાએ આવી તેને સાફ કરી તેમાં એક છોડ વાવી દે છે.
આ પણ વાંચો: અનાથ વૃક્ષોના નાથ છે મહેસાણાના કાનજીબાપા, માથે બેડાં ઉપાડી જાતે પાય છે પાણી
છોડ ઉછેરવાની સાથે જ દિગ્વિજયસિંહ એક બીજ બેંક પણ ચલાવે છે જેમાં તેઓ વિવિધ વિસ્તાર અને વનવગડામાં ફરી બીજ એકઠા કરે છે અને તેનું વિનામૂલ્યે વિતરણ કરે છે. ગત વર્ષે તેમણે લગભગ 600 થી 700 લોકોને બીજ મોકલ્યા છે જે ગુજરાત અને ગુજરાતની બહાર પણ ગયા છે. ઉલ્લેલખનીય છે કે, આ માટે તેઓ કોઈ કુરીયર ચાર્જ પણ લેતા નથી. જોકે, બીજ ઓનલાઈન અને ઓફલાઈન રીતે વહેંચે છે. આ શિક્ષકે એક સીડ્સ મ્યુઝિયમ પણ બનાવ્યુ છે, જેમા હાલ 713 પ્રકારના બીજના નમૂના છે.
આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી બોટાદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં “જ્યાં જ્યાં લીમડો ત્યાં ત્યાં ગળો” અને ‘ગળો બચાવો મહાઅભિયાન’ આ બે પ્રવૃતિની શરૂઆત કરી છે. જેના કારણે તેઓ ગળો આપણા જીવન અને સમાજ માટે કેટલો મહત્વનો છે તે પણ લોકોને સમજાવી રહ્યા છે. પાંચ વર્ષમાં બધે જ ગળો હોવો જોઈએ તેવો ટાર્ગેટ છે. દિગ્વિજયસિંહે બોટાદની આજુબાજુની દરેક શાળામાં ગળાના કટિંગ અને બીજ પણ મોકલ્યા છે. જેને ઉછેરવાનો શિક્ષકો પ્રયત્નો પણ કરી રહ્યા છે.
આ ઉપરાંત, દિગ્વિજયસિંહ છોડને ઉછેરવાનું આ બધુ જ કામ શાળામાં જ કરે છે અને આ કામમાં તેમને શાળાના આચાર્ય પણ સપોર્ટ કરે છે. સાથે જ છોડને જરૂરિયાત પૂરતી માટી આચાર્ય ખેડૂતો પાસેથી મંગાવી આપે છે. જોકે, ખાતર અને જંતુનાશક તો દિગ્વિજયસિંહ જાતે જ બાઈક પર લઈ આવે છે.

પરિવારનો સપોર્ટ કેવો છે?
દિગ્વિજયભાઈના પરિવારમાં તેમના પત્ની, માતા, બે દિકરા અને એક દિકરી છે. જેઓ હાલ બોટાદમાં જ વસવાટ કરે છે. તેમનો પરિવાર પણ તેમને આ કામમાં ખૂબ જ મદદ કરે છે. તેઓ જે બીજ વીણીને લાવે તેને તેમના માતા અને પત્ની શીંગને ફોલી તેમાંથી બીજને સાફ કરી આપે છે. છોકરાઓ પણ તેમને આ કામમાં મદદ કરે છે. પણ શિક્ષક તેમના અભ્યાસને થોડી પણ આડઅસર થવા દેતા નથી. પરિવારમાં પણ કોઈને સમસ્યા થવા દેતા નથી. તેઓ ઘરના ધાબા પર પણ શાકભાજી અને ફુલ અને ઔષધીઓ ઉગાડે છે. બધુ ઓર્ગેનિક રીતે જ ઉગાડે છે. મરચા, પાલક, ફુદીનો, લીલા ધાણા વગેરેનો સમાવેશ થાય છે. જેથી પરિવારને પણ ઘરે જ ઑર્ગેનિક શાકભાજી મળી રહે.
ઉલ્લેખનિય છે કે, તેમના આ પર્યાવરણના કામના કારણે શાળાના બાળકોના શિક્ષણના કાર્યમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો અવરોધ કર્યા વગર આ કામ કરી રહ્યા છે. આ બધું કામ તેઓ પોતાના ફ્રી સમય તેમજ શાળા બાદના સમયમાં જ કરે છે. જેમ કે, રીસેષમાં પણ તેઓ 2-5 કોથળી ભરીને છોડ વાવી દે છે.
આ પણ વાંચો: 2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા
બાળકો પણ શિક્ષકના આ કામથી પ્રેરાઈને તેમને મદદ કરે છે. જોકે, ગત બે વર્ષથી કોરોનાના કારણે બાળકો શાળાએ ન આવતા હોવાથી તેઓ કરી શકતા નથી. કોરોનાકાળમાં પણ દિગ્વિજય સિંહ સ્પેશિયલ પરમિશન અને આઈડેન્ટીડી કાર્ડ લઈ દરરોજ છોડને પાણી પાવા અને ઉછેરવા માટે શાળાએ જતા હતા. જેમાં ક્યારેક શાળાના આચાર્ય પણ આવતા હતા.

ખર્ચ કેટલો આવે છે?
માટીની લારીનો ખર્ચ જે 700 થી 800 રૂપિયા આવે તે શાળા તરફથી આચાર્ય નખાવી આપે છે. બાકી આ કામમાં કોઈપણ પ્રકારનો બીજો ખર્ચ આવતો નથી. કારણ કે, બીજ તો વગડામાંથી વીણી આવે છે અને છાસની નકામી પ્લાસ્ટીકની કોથળી રસ્તામાંથી વીણી તેમાં જ છોડનું રોપણ કરવામાં આવે છે. દુધની લીટરની જે કોથળી આવે તેમાં જ વધારે પ્રમાણમાં વપરાશ કરવામાં આવે છે. રૂપિયાવાળા પાણીના પાઉચમાં પણ રોપા ઉછેરવામાં આવે છે. આજ સુધી ક્યારેય પ્લાસ્ટિકની કોથળી ખરીદી નથી.
બીજા લોકો અને શાળાઓ પણ જોડાયા
દિગ્વિજયભાઈને જોઈને ઘણીબધી શાળાઓમાં પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજા શિક્ષકો પણ દિગ્વિજયભાઈને છોડ વિશે સલાહ-સૂચન મેળવવા માટે બોલાવે છે. જેનાથી આજે તેમણે પણ શાળાની અંદર બગીચા તૈયાર કર્યા છે. જેમાં જોટીંગડા, હામાપર, સારંગપરડા અને વલ્લભીપર તાલુકાની જૂના રામપર, કાનપર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. ગામમાં પણ લોકો રોપા લઈ જાય છે અને પોતાના ખેતરમાં ઉછેર કરે છે. અને દિગ્વિજયભાઈ તેમની વાડીએ જોવા પણ જાય કે, છોડ કેવડો થયો અને તેમાં કંઈ સમસ્યા નથી ને.
આ પણ વાંચો: બોટાદના રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસરે 1200 ઝાડ વાવી વેરાન સ્મશાનને બનાવી દીધું નંદનવન
શાળામાં કયા-કયા છોડ છે?
શાળામાં જે છોડ ઉછેરવામાં આવે છે તેમાં ગરમાળો, ગળો, અરડૂસી, પારિજાત, પીપળો, વડ, કરેણ, લીમડો વગેરેનો સમાવેશ થાય છે. બીજથી જે પણ છોડ થાય તે વૃક્ષ વધારે છે. સાથે જ તુલસીના રોપાનો પણ સમાવેશ થાય છે. તેમની પાસાથે ગુજરાત અને ગુજરાતની બહાર પણ લોકો ઓનલાઈન બીજ મંગાવે છે અને શિક્ષક મોકલાવે પણ છે.
આ ઉપરાંત તેઓ નાગલપરના ગામની અંદર એક અભિયાન ચલાવે છે. જેમાં ઘર દીઠ પરિવારમાં જેટલા વ્યક્તિ હોય તેટલા ઘરમાં તુલસીના છોડનો ઉછેર કરવાનો. કહેવાય છે કે, તુલસી આપણને 24 કલાક શુદ્ધ હવા આપે છે. રોગના જીણા-જીણા સામાન્ય જંતુ તુલસીની ગંધથી દૂર ભાગે છે. તેથી આ વિચાર આવ્યો અને આ અભિયાન ચાલુ કર્યુ… આ અભિયાનને ચોથું વર્ષ ચાલે છે અને સરસ પરિણામ પણ મળ્યું છે.

દિગ્વિજયસિંહે ‘જ્યાં જ્યાં લીમડો ત્યાં ત્યાં ગળો’ અને ‘ગળો બચાવો મહાઅભિયાન‘ પણ ચાલુ કર્યુ છે. કારણ કે, ગળો પેટની સફાઈ માટેની ઉત્તમ ઔષધી છે. તેની અંદરથી ગોળ નીકળે તે પેટ સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ વર્ષે દિગ્વિજયસિંહ પારિજાતના 3 થી 4 હજાર રોપા તૈયાર કર્યા છે. તેઓ જણાવે છે કે, આયુર્વેદિક ઔષધી બનાવવામાં પારિજાતનો ઉપયોગ થાય છે. જેમાં મોટાભાગે સાંધાના દુઃખવામાં જે આયુર્વેદિક પાવડર બનાવવામાં આવે છે તેમાં પારિજાતનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
સમસ્યા આવી ક્યારેય?
દિગ્વિજયસિંહ જણાવે છે કે, આ કામમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવી નથી. તેઓ છેલ્લા 30 વર્ષથી અવિરત આ કામ કરે છે અને જો એક દિવસ પણ પર્યાવરણનું કામ ન કરે તો તેમને મજા આવતી નથી. ઉલ્લેખનિય છે કે, કામ હોય તો રજાના દિવસે પણ તેઓ શાળાએ જાય છે. રવિવારના દિવસે પણ પર્યાવરણના લગતા કામ કરવાના જ જેવા કે બીજ વીણવા કે નવું-નવું કંઈક કરવાનું જ…
આ પણ વાંચો: પાટણના સરિયદ ગામની જમીનને યુવાનોએ ફેરવી નંદનવનમાં, શિકારીને આપી એક સન્માનજનક જિંદગી
રિટાયર્ટમેન્ટ બાદ શું પ્લાન છે?
‘વાંસળી તો સૌ વગાડે પણ સાંબેલું વગાડ તો તું શાણો’ આ કહેવતથી દિગ્વિજયસિંહ કહેવા માગે છે કે, જરૂરિયાત છે ત્યાં કામ કરો. નિવૃતિ બાદ તેઓ પરિવાર સાથે કચ્છમાં જઈ પર્યાવરણનું કામ કરવા માગે છે. કારણ કે, ત્યાં પાણી ખૂબ જ ઓછુ મળી રહે છે અને છોડની વધારે ત્યાં જરૂરિયાત છે. ત્યાં તેમનો પર્યાવરણ માટે એક સંસ્થા ઊભી કરવાનો વિચાર છે.
યુવાપેઢીને શું સંદેશ આપવા માગો છો
યુવાપેઢીને સંદેશ આપવા માગે છે કે, ‘વ્યસનમુક્ત બનો’. વેસ્ટ વસ્તુનો રિયુઝ કરી તેનો વપરાશ કરો. કારણ કે, પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે. જો પર્યાવરણ છે તો આપણું જીવન છે. તેના વગર આપણે કંઈપણ નથી. આધુનિક યુગમાં થોડી નિરાંત રાખી આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ કરી આપણા જીવનને સારું બનાવો…

દિગ્વિજયસિંહ એકબાજુ લખેલ કાગળનો પણ બચાવ કરી તેની નોટ્સ બનાવી જરૂરિયાતમંદ બાળકોને લેસન માટે આપે છે. સાથે જ અડધા કાગળનો પણ વપરાશ કરી તેની ડાયરી બનાવી નાખે છે. તેઓ બોટાદની ઝુંપડપટ્ટીના બાળકોને નોટબુક, પેન્સિલ, પેન વિતરણ કરે છે તેના કારણે તેઓ પણ શિક્ષણ મેળવી શકે..
દિગ્વિજયસિંહ ફેસબુક પર એક ‘અભણ શિક્ષક’ નામનું પેજ પણ ચલાવે છે. જેમાં તેઓ પોતાના સમાજિક અને પર્યાવરણના કામના ફોટો પણ શેર કરતા રહે છે. તમે પણ જો બગીચા માટે છોડ અને બીજ શોધી રહ્યા છો તો 9427560602 નંબર પર કોલ કરી શકો છો…
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સુરતના 88 વર્ષના દાદાએ ઘરને બનાવી દીધુ જંગલ, પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.