આજે દૈનિક જરૂરિયાતની જીવાદોરી સમાન ધાન્યપાકો તેમ જ શાકભાજી અને ફળ ફળાદીના ઉત્પાદન માટે રાસાયણિક દવાઓનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થઇ ગયું છે. ગુજરાતમાં તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્સરનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને તેમાં જે લોકો વ્યસન નથી કરી રહ્યા તેવા પણ સંક્રમિત થઇ રહ્યા છે જેનું મુખ્ય કારણ આ રાસાયણિક દવાઓનો બેફામ ઉપયોગ છે.
આ જ બાબતનો પોતાની નજર સમક્ષ અનુભવ કરનાર એમ્બ્રોડરી બિઝનેસમાં નોકરી કરતા હરીશ કિશોરભાઈ ઠાકોર આમ તો મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતની છે પરંતુ છેલ્લી ચાર પેઢીથી તેમનો પરિવાર સુરતમાં જ સ્થાયી થયેલ છે.
હરીશભાઈ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે, ભૂતકાળમાં તેમના માતાનું કેન્સરના કારણે અવસાન થયું હતું અને તે પછી તેમની પડોસમાં રહેતા એક કાકાનું પણ અન્નનળીના કેન્સરના કારણે અવસાન થયેલું. આ બંને લોકોને પડેલી તકલીફને જોઈને થયું કે કોઈપણ વ્યવસન ન હોવા છતાં આમ કેમ થયું અને તેના જવાબ રૂપે આજની રહેણીકરણી અને ખોરાક મૂળભૂત રીતે જવાબદાર હોવાનું ધ્યાનમાં આવ્યું ત્યારે જ મનમાં એક નિર્ણય લઇ લીધો કે હવે તેઓ જાતે જ ગાર્ડનિંગ દ્વારા જૈવિક પદ્ધતિથી શાકભાજી, ફળ વગેરે ઉત્પાદિત કરશે.
મહત્વની વાત એ છે કે, તેમને ગાર્ડનિંગ શરુ કરતા પહેલા કોઈ વિશેષ તાલીમ કે માર્ગદર્શન મેળવ્યું જ નથી પરંતુ પોતાની માતા ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી હરીશને પણ બાગાકામનું થોડું ઘણું જ્ઞાન હતું અને તેનો જ ઉપયોગ તેમને કર્યો.
હરીશ કહે છે કે સુરતમાં નવાગામ ડિંડોલી રહેવા આવ્યા બાદ ઘરની બાજુમાં પડતર જગ્યા હતી જે એકદમ વેરાન પડી રહેતી હતી જેમાં બાવળ, ઘાસ ઉગી રહેતું જેના કારણે મચ્છરનો પણ ઉપદ્રવ વધુ રહેતો. તો એક દિવસ તે જમીનને સાફ કરી અને તેમાં બહારથી નવી માટી ઉમેરી બાગાયતી માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને ધીમે ધીમે ગાર્ડનિંગની શરૂઆત કરી.

આ પણ વાંચો: માટી વગર પાણીમાં જ ઘરે સરળતાથી ઉગાડો ફૂદીનો, જાણો કેવી રીતે?
નથી કરતા કોઈ ખોટો ખર્ચ
હરીશભાઈ ગાર્ડનિંગ માટે બિલકુલ ખર્ચો કરવામાં નથી માનતા તેથી તેઓએ નર્સરી માંથી પ્લાન્ટ લાવવાના બદલે જ્યાં જે છોડ મળે તે લાવી વાવણી શરુ કરી. તે સિવાય તેઓ પોતાના ઘરમાં જે કંઈ પણ વેસ્ટ પડ્યો હતો અને બહારથી પણ જે કઈ પણ વેસ્ટ મળ્યો તેને રિસાયકલ કે અપસાયક્લ કરી તેનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરે છે જેમ કે તેઓ એમ્રોડરી ડિઝાઇનિંગમાં છે ત્યાં સાડી અને ડ્રેસમાં જે ઇન્ક વપરાય તે માટે કેરબા આવતા હોય છે તો પોટ લાવવાના બદલે હરીશભાઈ તે કેરબા 10 – 15 રૂપિયામાં ખરીદી તેને કાપી તેનો જ પોટ તરીકે ઉપયોગ લઇ તેમાં છોડ રોપે છે. આગળ જતા જરૂરિયાત વધતા તેમણે ગ્રો બેગ પણ ખરીદવાનું શરૂ કરેલું પણ અત્યારે તો જે મળે છે તે દરેક વસ્તુનો ઉપયોગ તેઓ ગાર્ડનિંગમાં કરે છે જેથી બહુ ખર્ચો ન થાય.
આગળ જતા બાગાયતી માટે તેઓએ સુરત પ્લાન્ટ લવર્સ ગ્રુપનું માર્ગદર્શન મેળવવાનું શરુ કર્યું કે જે છોડની વૃદ્ધિ, તેને થતા રોગોના જૈવિક નિયંત્રણની વ્યવસ્થિત સમજ, જે કોઈ પણ લોકો ગાર્ડનિંગ કરતા હોય તેને આપે છે.

આ પણ વાંચો: લખનઉની વિદ્યાએ પોતાના ઘરને જ બગીચો બનાવી દીધું, બાલ્કની તો એવી કે રસ્તે જતા લોકો પણ ઊભા રહી જાય
જાતે જ બનાવે છે ખાતર
ધ બેટર ઇન્ડિયા એ હરીશભાઈ જણાવે છે કે,”હું ખાતર રસોડાના કચરામાંથી જાતે જ બનવું છે.” તેમાં જે કંઈ પણ ભીનો અને સૂકો કિચન વેસ્ટ નીકળે છે તેને એક જગ્યાએ ભેગો કરી લેયર પર લેયર ગોઠવી દર એક બે દિવસે તે લેયરને ઉપર નીચે ફેરવવામાં આવે છે જેથી તે જલ્દી વિઘટિત થાય. આ વેસ્ટમાં રહેલા માઈક્રો ઓર્ગેનિઝમ્સને પોષણ મળી રહે તે માટે તેમાં ગોળનું પાણી કે દહીં કે પછી કોફી પાવડર ઉમેરવામાં આવે છે અને બંધ કરી દેવામાં આવે છે જેના થોડા સમય પછી આ ખાતર ઉપયોગ કરવા માટે અનુકૂળ બને છે.

આ પણ વાંચો: માથાકૂટ વગર આમ ઘરે જ ઉગાડી શકો છો મીઠો લીમડો, સરળ છે રીત
પોટિંગ મિક્સ કંઈ રીતે તૈયાર કરે છે ?
પોટિંગ મિક્સ બનાવવા માટે ઘણા લોકોને આઈડિયા નથી હોતો અને તેમને એમ જ હોય છે કે માટીમાં નાખીએ એટલે ઉગી જ જાય પરંતુ તે રીતનું નથી હોતું. પરંતુ તમારે છોડના વ્યવસ્થિત વિકાસ માટે માટી સાથે છોડની જરૂરિયાત પ્રમાણે ખાતર, લીંબોળી ખોળ, કોલસો, મસ્ટાર્ડ કેક, વર્મીકમ્પોસ્ટ વગેરેનો ઉપયોગ કરી શકો છો.
પોટિંગ મિક્સ અને છોડની ફેરબદલી
છોડની આવરદા પ્રમાણે તેની ગુણવત્તા પણ ઘટતી હોય છે એટલે એવા છોડ જે ઋતુગત નથી તેને સમયાંતરે બદલાવવા પડે છે. અને એ જ કુંડામાં ઉમેરેલ પોટિંગ મિક્સ કાઢી તડકામાં પાથરી બે દિવસ રાખી ફરી તેમાં ખાતર વગેરે ઉમેરી તેનો ઉપયોગ આગળના છોડને રોપવા માટે કરી શકાય છે.

આ પણ વાંચો: How to Grow Tulsi: આ રીતે ઘરે જ ઊગાડો અનેક ઔષધિય ગુણોથી ભરપૂર તુલસી
ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ
જીવામૃત, ગૌમૂત્રનો પણ તેઓ ઉપયોગ કરે છે. જેમ કે તેમના ગાર્ડનમાં મરચા છે તો તેમાં વાયરસના કારણે મરચા સંકોચાઈ જતાં હતાં, તો તેમાં તેમને ગૌમૂત્રનો છંટકાવ કરેલો જેનું તેમને પરિણામ સારું મળેલું. આ સિવાય હરીશભાઈનું કહેવું છે કે છોડમાં ગાયના દૂધનો છંટકાવ કરવો પણ ખુબ સારો અને તેમને તેના દ્વારા ફાયદો પણ જોવા મળેલો છે. હરીશભાઈ તેમના દૈનિક દિનચર્યામાં અડધા કલાકનો સમય આ ગાર્ડન પાછળ આપે છે અને તેઓ નોકરી પર હોય ત્યારે તેમના પત્ની પણ ગાર્ડનની વ્યવસ્થા સાંભળે છે.
પ્રોત્સાહિત થયા સોસાયટીના રહીશો
તેમને ગાર્ડનિંગની શરૂઆત કરી તે પછી વધારે નહીં તો 15 થી 20 લોકોએ પણ ગાર્ડનિંગની શરૂઆત કરી અને તે દરેક લોકો વ્યવસ્થિત રીતે ગાર્ડનિંગ કરી શકે તે માટે હરીશભાઈનો સંપર્ક કરે છે અને માર્ગદર્શન મેળવે છે. હરીશ તે લોકોને પોતાના બગીચામાં તૈયાર થયેલા રોપાઓ પણ વિતરિત કરે છે અને ગાર્ડનિંગ માટે તેમને પ્રોત્સાહિત કરે છે.

તેમના બાગમાં વિવિધ પાક
આજે તેમના ગાર્ડનમાં ફળમાં દાડમ, કેળા, પપૈયા છે. સુશોભન છોડમાં કેટોન, મેક્સિકન વાઈન, પેંસી જેવા તેમ જ ગલગોટો, જાસ્મીન, જાસુદમાં ઓરેન્જ, પિન્ક વગેરે વેરાઈટી છે તો ગુલાબમાં પીળા, સફેદ, ગુલાબી વગેરે પ્રકારની જાતો છે. તે સિવાય શાકભાજીમાં ગુવાર, ભીંડા, રીંગણ, ટામેટા, મરચા, કારેલા, વગેરે ઋતુગત શાકભાજી વાવે છે અને ઉત્પાદન લે છે.
છેલ્લે હરીશભાઈ જણાવે છે કે, હવે તો ગાર્નિંગ એક આદત બની ગઈ છે અને તેના સિવાય ચાલે તેમ જ નથી અને આમ પણ આજના આ મહામારીના જમાના પ્રમાણે વિવિધ રોગ સામે લાડવા માટે શરીરને ચોક્કસ પોષણ મળી રહે તે માટે જૈવિક રીતે પકવેલ શાકભાજી તથા ખોરાક જ ખુબ મહત્વનું છે જે ધ્યાનમાં રાખી દરેક લોકોએ ગાર્ડનિંગને પોતાની દૈનિક દિનચર્યામાં સમાવિષ્ટ કરવું જોઈએ.

જો તમે હરીશભાઈનો સંપર્ક કરવા માંગો છો તો તેમનો 9033667070 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Stress Reliever Plants: ઘરમાં આ 10 છોડને લગાવો, ઘરનો માહોલ રહેશે ખુશનુમા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.